Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ સમર્થક ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પરવાનગી વગર ગુજરાત બહાર જઈ શકશે નહીં:...

    કોંગ્રેસ સમર્થક ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પરવાનગી વગર ગુજરાત બહાર જઈ શકશે નહીં: મહેસાણાની કોર્ટનો આદેશ, 2017નો મામલો

    કોંગ્રેસ સમર્થક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને 2017ના મામલામાં જામીન આપતા પહેલાં મહેસાણાની કોર્ટે શરત મૂકી છે કે તેઓ પરવાનગી વગર ગુજરાત છોડીને નહીં જઈ શકે.

    - Advertisement -

    વડગામથી અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ સમર્થક જીગ્નેશ મેવાણીને મહેસાણાની કોર્ટે જામીન આપ્યા છે. પરંતુ આ સાથે કોર્ટે મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી જીગ્નેશ મેવાણી પરવાનગી વગર ગુજરાતની બહાર જઈ શકશે નહીં. પરવાનગી વગર રેલી કાઢવાના કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 

    અહીં નોંધવું જોઈએ કે ગત મહિને જ જીગ્નેશ મેવાણી અને અન્યો વિરુદ્ધ પરવાનગી વગર રેલી કરવાના કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. 

    ઘટના એવી હતી કે, ઉનાકાંડનું એક વર્ષ પૂર્ણ થતાં જીગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ મહેસાણાથી ધાનેરા સુધી ‘આઝાદી કુચ’ રેલીનું આયોજન કર્યું હતું અને તેનું નેતૃત્ત્વ પણ કર્યું હતું. આ રેલી માટે સ્થાનિક તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી. આથી મહેસાણા પોલીસે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિતના લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 143 હેઠળ ગેરકાયદે સભા ભરવા મામલે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે કુલ 12 વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

    - Advertisement -

    પરવાનગી બદલ રેલી કરવાના આ કેસમાં મહેસાણાની કોર્ટે ગત મહિને જીગ્નેશ મેવાણી સહિત 10 લોકોને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી અને સાથે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસમાં કોર્ટે જીગ્નેશ મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જોકે કોર્ટે તેમને આ કેસમાં જામીન આપી દીધા છે. ઉપરાંત, તમામ આરોપીઓને પાસપોર્ટ પણ જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણી હાલ અપક્ષ ધારાસભ્ય છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડગામ બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જેએનયુથી ચર્ચામાં આવેલ કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા ત્યારે જીગ્નેશ મેવાણીએ પણ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. જોકે, જીગ્નેશ મેવાણી અધિકારીક રીતે કોંગ્રેસમાં જોડાયા નથી કારણ કે નિયમ અનુસાર, અપક્ષ ધારાસભ્ય ચાલુ કાર્યકાળે કોઈ પાર્ટીમાં જોડાય તો તેણે સભ્યપદ ગુમાવવું પડે છે.

    જીગ્નેશ મેવાણી અવારનવાર વિવાદોમાં રહેતા આવ્યા છે. એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની વિરુદ્ધ આસામમાં કેસ પણ નોંધાયો હતો. જે બાદ આસામ પોલીસે ગુજરાત આવીને પાલનપુરથી તેમની ધરપકડ કરી લીધી હતી. 

    થોડા દિવસો પછી પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં આસામની એક સ્થાનિક કોર્ટે તેમને જામીન આપી દીધા હતા પરંતુ તે બાદ એક મહિલા પોલીસ કર્મચારી સાથે અભદ્ર વર્તન કરવા બદલ તેમની વિરુદ્ધ આસામના બારપેટામાં વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાંથી પણ અમુક દિવસો હિરાસતમાં રહ્યા બાદ મેવાણી જામીન પર બહાર આવી ગયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં