કચ્છના ભુજમાં એક વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા ઉપર બે મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પીડિત યુવક તેના અન્ય એક મિત્ર સાથે ઝઘડાનું સમાધાન કરવા માટે પહોંચ્યો હતો, જ્યાં માથાકૂટ કરીને આરોપીઓ તેની ઉપર મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે ગુનો દાખલ કરીને પોલીસ તપાસ કરી રહી છે.
ફરિયાદી ભાવેશ પરમાર ભુજના મુન્દ્રા રોડ પર રહે છે અને શહેરમાં જ બજરંગ ટી હાઉસ નામની એક ચાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. તેઓ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા પણ છે. તેમની ઉપર 22 જુલાઈએ (સોમવાર) હુમલો થયો હતો. જે મામલે ભુજ B ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઑપઇન્ડિયા પાસે આ FIRની નકલ ઉપલબ્ધ છે.
વાસ્તવમાં મૂળ ઘટના એમ છે કે, ગત 19 જુલાઇના રોજ ભુજમાં માધાપર પોલીસે નિયમભંગ કરીને ચલાવવામાં આવતી અમુક રિક્ષા ડિટેઇન કરી હતી. દરમ્યાન, એક સ્થાનિક પત્રકાર રાજુ પ્રજાપતિએ પોલીસની આ કામગીરીના ફોટા પાડ્યા હતા. જેનું મનદુઃખ રાખીને નિઝામ અને ઈરફાન નામના બે ઈસમોએ પોલીસને બાતમી આપીને રિક્ષા ડિટેઇન કરાવવાનો આરોપ લગાવીને રાજુને ફોન કરીને ગાળો ભાંડી હતી અને મળવા માટે બોલાવ્યો હતો. રાજુએ આ વાત પોતાના મિત્ર અને VHP કાર્યકર્તા ભાવેશને કહેતાં ભાવેશ પણ તેની સાથે નિઝામ-ઈરફાનને મળવા માટે ગયો હતો.
ભાવેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, ઘટનાની સાંજે તેઓ બંને તેમજ અન્ય એક વ્યક્તિ એમ કુલ ત્રણ ભુજના જ્યુબિલી સર્કલ પાસે પહોંચ્યા હતા, જ્યાં પછીથી નિઝામ અને ઇરફાન પણ આવી પહોંચ્યા હતા. અહીં નિઝામે આવીને રાજુને છાતીમાં ધક્કો મારીને ‘તું કેમ અમારા છકડાઓના ફોટા પાડે છે અને અમારા માણસોને હેરાન કરે છે’ કહીને મા-બેન સમી ગાળો ભાંડવા માંડ્યો હતો.
गुजरात के #कच्छ में बढ़ती इस्लामिक आक्रामकता-
— Kajal HINDUsthani (@kajal_jaihind) July 24, 2024
“विश्व हिंदू परिषद” के गौ रक्षक पर Gहादीयो ने किया जानलेवा हमला।
22/07/2024 की शाम 8 बजे #भुज में विश्व हिंदू परिषद के कार्यकर्ता #भावेश_परमार पर Gहादी #मोहम्मद_निज़ाम और Gहादी #इरफ़ान_ब्लॉच ने जान से मारने के सुनियोजित षडियंत्र के… pic.twitter.com/JQT5cJZ2Xv
દરમ્યાન, ભાવેશે માત્ર તેને ગાળો ભાંડવાની ના પાડતાં નિઝામ ઉશ્કેરાઈ ગયો હતો અને ‘તું વચ્ચે બોલનાર કોણ છે’ કહીને છરી કાઢીને ગળાના ભાગે હુમલો કરવા જતાં તે નીચો નમી ગયો હતો. પરંતુ પછી પણ નિઝામે મારવાનો પ્રયાસ કરતાં ભાવેશે હાથથી બચાવ કરતાં તેને ડાબા ખભા પર ઘા વાગી ગયો હતો. જેના કારણે લોહી વહેવા માંડ્યું હતું. પરંતુ એટલામાં આસપાસના લોકો એકઠા થઈ જતાં નિઝામ અને ઈરફાન ત્યાંથી ભાગી ગયા હતા.
ભાવેશે ફરિયાદમાં જણાવ્યું છે કે બંને તેમને જતાં-જતાં પણ ધમકી આપી ગયા હતા અને કહ્યું હતું કે, ‘હવે પછી ક્યાંય આડા આવ્યા છો તો જાનથી મારી નાખીશું.’ પછીથી ભાવેશના અન્ય 2 મિત્રો તેને સારવાર માટે ભુજ જનરલ હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં તેની સારવાર હાલ ચાલી રહી છે.
VHP કાર્યકર અને ગૌરક્ષામાં સક્રિય છે ભાવેશ પરમાર
આ મામલે ભાવેશ પરમારે ઑપઇન્ડિયા સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે, આ મામલામાં તેમણે કશું લાગતું-વળગતું ન હતું પરંતુ તેમ છતાં તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે, આરોપીઓ તેમને ઓળખે છે અને પોતે વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકર હોઈ અને ગૌરક્ષામાં સક્રિય હોઈ મનદુઃખ રાખીને પણ હુમલો કરવામાં આવ્યો હોય તેમ બની શકે.
તેમણે કહ્યું કે, પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરી રહી છે પરંતુ સરકારે આ બાબતે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને આ રીતે હિંદુ કાર્યકરો અને ગૌરક્ષકો પર થતા હુમલાઓ અટકે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, અમારી એક જ માંગ છે કે આરોપીઓનાં ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
ભુજ પોલીસે ગુનો નોંધીને શરૂ કરી તપાસ
વધુમાં, સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસે નિઝામ મોગલ અને ઈરફાન બલોચ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115(2), 296(b), 351(2), 61(2)(b) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
જોકે, પોલીસ કાર્યવાહી પણ હાલ શંકાના ઘેરામાં આવી છે. કારણ કે આરોપીઓની ધરપકડ બાદ તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી ન હતી, જેથી કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આટલી ગંભીર ઘટનામાં રિમાન્ડ કેમ માંગવામાં ન આવ્યા તે પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આરોપીઓ ભૂતકાળમાં પણ અમુક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જેથી તેમની વિરુદ્ધ PASA લગાવવા પણ માંગ કરવામાં આવી રહી છે. આ બાબતોને લઈને વધુ જાણકારી માટે ઑપઇન્ડિયાએ ભુજ પોલીસનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.