તાજેતરમાં સોમનાથ મંદિરની પાછળના વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન (Somnath Demolition) કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલાં મસ્જિદ, દરગાહ જેવાં મઝહબી બાંધકામો અને અન્ય દબાણોને હટાવી દેવામાં આવ્યાં. ત્યારબાદ મામલો ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) પહોંચી ગયો હતો, પરંતુ હાઈકોર્ટે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાની ના પાડી દીધી છે.
ગુરુવારે (3 ઑક્ટોબર) આદેશ આપતાં ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે સ્થિતિ જાળવી રાખવા માટે સૂચના આપવાની ના પાડી દીધી અને મામલાની સુનાવણી 24 ઑક્ટોબરના રોજ મુકરર કરી હતી.
અરજી ઔલિયા એ દીન કમિટી- વક્ફ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં ગીર સોમનાથમાં હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહીને ‘ગેરકાયદેસર’, ‘ગેરબંધારણીય’ અને કાયદાની બહાર જઈને કરવામાં આવેલી કાર્યવાહી ગણાવવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો કે કલેક્ટરના આદેશથી રાતોરાત ‘સદીઓ જૂની’ મસ્જિદ, ઇદગાહ, દરગાહ અને કબ્રસ્તાન તેમજ દરગાહના મુંજાવર વગેરેનાં નિવાસસ્થાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર કે આ બાંધકામોના સંચાલકોને સાંભળ્યા વગર વક્ફ ટ્રિબ્યુનલમાં કેસ ચાલતો હોવા છતાં રાતોરાત પાર પાડવામાં આવી હતી.
કોર્ટે શું કહ્યું?
આ મામલે કોર્ટે આદેશમાં કહ્યું કે, “જ્યાં સુધી સ્ટેટસ ક્વો (યથાસ્થિતિ જાળવી રાખવું)નો પ્રશ્ન છે, તો એ વાતમાં બિલકુલ શંકા નથી કે 1983માં રાજ્ય સરકારે આ કોર્ટ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે, બૉમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 37 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. પોતાની તપાસમાં ડેપ્યુટી કલેક્ટરે આ જમીન સરકારી જમીન હોવાનું ઠેરવ્યું હતું અને જેની વિરુદ્ધ કલેક્ટર સમક્ષ અરજી દાખલ કરવામાં આવી હતી, જેની ઉપર કોઈ સ્ટે કે અરજદારને રાહત આપવામાં આવી ન હતી અને મામલો હાલ લંબિત છે.”
કોર્ટે આગળ જણાવ્યું કે, વર્ષ 2015માં અરજદાર દ્વારા એક સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને સિનિયર સિવિલ જજે શરૂઆતમાં સ્ટે મૂક્યો હતો. ત્યારબાદ 2020માં અન્ય એક અરજી દાખલ કરવામાં આવ્યા બાદ મામલો વક્ફ ટ્રિબ્યુનલમાં પહોંચ્યો, જ્યાં પણ પેન્ડિંગ છે.
કોર્ટે એમ પણ નોંધ્યું કે વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ પણ મામલો લંબિત છે, પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો નથી અને જાન્યુઆરી, 2020ના આદેશ વિરુદ્ધ કોર્ટ સમક્ષ એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પણ તે પણ પેન્ડિંગ છે. જેથી આ તમામ કાર્યવાહીમાં ક્યાંય સ્ટે આપવામાં આવ્યો નથી.
આટલી સામગ્રી અને તથ્યોને ધ્યાને લેતાં કોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, પ્રથમ દ્રષ્ટ્યા કોર્ટ અભિપ્રાય ધરાવે છે કે અરજદાર કોઈ પણ પ્રકારની યથાસ્થિતિ જાળવવાના આદેશ મેળવવાના હકદાર નથી, જેથી તે રજૂઆત ફગાવી દેવામાં આવે છે.
કોર્ટે મામલાની સુનાવણી 24 ઑક્ટોબરના રોજ મુકરર કરીને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. જેમાં જે દબાણો હટાવવામાં આવ્યાં તેની વિગતો માંગવામાં આવી છે. બીજી તરફ, અરજદાર પાસેથી પણ તેમની સંપત્તિની વધુ જાણકારીઓ માંગવામાં આવી છે.