ગુજરાતની શાન એવા ગરબા હવે વૈશ્વિક ઓળખ પામવા જઈ રહ્યા છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબા સહિત ભારતની 14 જેટલી સાંસ્કૃતિક પરંપરાઓનો 2023ના ઇન્ટેજિબલ હેરિટેજ લિસ્ટમાં (ગુજરાતીમાં અમૂર્ત સાંસ્કૃતિક વારસો) સમાવેશ કર્યો છે. જેની આધિકારિક જાહેરાત UNESCO દ્વારા કરવામાં આવી છે.
🔴 BREAKING
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 6, 2023
New inscription on the #IntangibleHeritage List: Garba of Gujarat, #India 🇮🇳.
Congratulations!https://t.co/c2HMPpStCA #LivingHeritage pic.twitter.com/YcupgYLFjg
ભારત સરકારે 2 વર્ષ પહેલાં યુનેસ્કો સમક્ષ ગુજરાતના ગરબાનો આ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તાજેતરમાં બોત્સવાનામાં યુનેસ્કોએ યોજેલી Intergovernmental Committee for the Safeguarding of the Intangible Cultural Heritageની બેઠકમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ સત્ર 4 ડિસેમ્બરે શરૂ થયું હતું અને 9 ડિસેમ્બર સુધી ચાલશે.
યુનેસ્કો દ્વારા યાદીમાં ગુજરાતના ગરબા ઉપરાંત અન્ય પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મણિપુરના સંકીર્તન (ઢોલ વગાડવું અને નૃત્ય), દુર્ગા પૂજા, કુંભ મેળો, નોવરોઝ, યોગા, જંડિયાલા ગુરુના થાથેરાઓમાં પરંપરાગત પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની કારીગરી, લદ્દાખનું બોદ્ધ નૃત્ય વગેરે સામેલ છે. આ ઉપરાંત રાજસ્થાનનાં નૃત્યો, મુડીયેટ્ટુ, ધાર્મિક થિયેટર અને કેરળનું નૃત્ય નાટક, રામમન, વૈદિક જાપાની પરંપરા અને રામલીલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ X પર એક પોસ્ટ કરીને આ ઉપલબ્ધિને વધાવી લીધી અને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, “મા આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે.” તેમણે આગળ કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે.
માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 6, 2023
વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે.… pic.twitter.com/ZqTh0xbgPl
ગરબા એ ગુજરાતી લોક સંસ્કૃતિનું હાર્દ છે. ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના થાય છે એમાં ગરબાનું વિશેષ મહત્વ છે. નવ દિવસ માતાજીના ભક્તો સામૂહિક ગરબા કરી માતાજીની અરાધના કરે છે. મૂળરૂપે ગરબા શબ્દનો ઉપયોગ નૃત્ય વખતે માથા ઉપર મૂકવામાં આવતા ઘડા માટે થતો, પરંતુ સમય સાથે નૃત્ય પણ એ જ નામે ઓળખાવા લાગ્યું.
ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી આવ્યો છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં કે મંદિરમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. ગરબામાં નવ છિદ્રો પાડવામાં આવે છે. જ્યારે ગરબા રમવાનું શરૂ થાય ત્યારે ગરબાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે અને તેના ફરતે રાસ-ગરબા રમવામાં આવે છે.
ગરબામાં પાડેલા નવ છિદ્રો માનવીના દેહનું સ્વરૂપ છે અને ગરબામાં મૂકેલો દીવો આત્માની જ્યોત સ્વરૂપ છે. ગરબામાં રહેલાં 9 છિદ્રો માનવ દેહના નવ દ્વારને સૂચવે છે. બે આંખ, બે કાન, બે નાક (નસકોરા), મુખ, ગુદા અને જનનેન્દ્રિય. માનવ મૃત્યુ પામે ત્યારે તેની આત્મા શરીરના કોઈપણ દ્વારેથી નીકળી જાય છે. આત્મજ્યોત સદા પ્રજ્વલિત રહે એવી ભાવનાથી નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે.
આ ઉપરાંત ઘણી જગ્યાએ ગરબામાં 27 છિદ્રો પાડવામાં આવે છે. આ 27 છિદ્રોનું રહસ્ય પણ અનેરું છે. ગરબાને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને 27 છિદ્રોને 27 નક્ષત્રોનું પ્રતીક માનવામાં આવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે. એટલે 27 X 4= 108ની સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
યુનેસ્કોએ થોડા સમય પહેલાં જ અમદાવાદ શહેરને ભારતના પહેલા વર્લ્ડ હેરિટેજ શહેરનું બિરૂદ આપ્યું હતું. હવે ગરબાને સાંસ્કૃતિક વારસાનું સન્માન આપી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનું મૂલ્ય વધારી દીધું છે.