Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણબેસવા જતાં મહિલા અધિકારીની ખુરશી ખેંચી લીધી, કહ્યું- તમે ખુરશીને લાયક જ...

    બેસવા જતાં મહિલા અધિકારીની ખુરશી ખેંચી લીધી, કહ્યું- તમે ખુરશીને લાયક જ નથી: મેવાણીની પ્રેસ કૉન્ફરન્સમાં બનેલી ઘટના મામલે કચ્છના કોંગ્રેસ નેતા સામે FIR, અગાઉ કંગના વિરુદ્ધ કરી હતી અભદ્ર ટિપ્પણી

    ઘટના બાદ દલિત મહિલા અધિકારીએ ભુજ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કોંગ્રેસ નેતા HS આહીર (હરેશ શિવજીભાઈ આહીર) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા ખુરશી પર બેસવા જતાં હતા, દરમિયાન જ એક વ્યક્તિએ ખુરશી ખેંચી લીધી હતી. જેના કારણે મહિલા નીચે પડી ગયાં હતાં. આ વિડીયો કચ્છના ભુજ ખાતે કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીની એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાનનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જે મહિલા હતાં તે IB અધિકારી છે અને ખુરશી ખેંચનાર કચ્છનો કોંગ્રેસ નેતા છે. આરોપ છે કે, કોંગ્રેસ નેતાએ તેમનું જાતિવિષયક અપમાન પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિડીયો પોસ્ટ કર્યો છે અને આ ઘટનાને કોંગ્રેસની દલિત અને મહિલાવિરોધી માનસિકતા ગણાવી છે. બીજી તરફ, ઘટના બાદ મહિલા અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે FIR પણ દાખલ કરવામાં આવી છે.

    વધુ વિગતો અનુસાર, શનિવારે (3 ઓગસ્ટ) કચ્છ જિલ્લાના ભુજમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ ભાગ લીધો હતો. દરમિયાન એક દલિત મહિલા IB અધિકારી પણ તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. કક્ષમાં તેઓ જેવાં તેઓ ખુરશી પર બેસવા ગયાં કે, એક કોંગ્રેસ નેતાએ તેમની ખુરશી ખેંચી લીધી હતી અને મહિલા અધિકારી નીચે પટકાયાં. ત્યારબાદ જીગ્નેશ મેવાણી તેમને કઈ પૂછવા જતાં હતા, પરંતુ મહિલા અધિકારી કઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયાં હતાં. કોંગ્રેસ નેતાનું નામ હરેશ આહીર હોવાનું સામે આવ્યું છે.

    ‘તમે ખુરશીને લાયક જ નથી’:- કોંગ્રેસ નેતા HS આહીર

    આ ઘટના બાદ દલિત મહિલા અધિકારીએ ભુજ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કોંગ્રેસ નેતા HS આહીર (હરેશ શિવજીભાઈ આહીર) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં તેમણે કોંગ્રેસ નેતા પર આરોપ લગાવતાં જણાવ્યું છે કે ખુરશી ખેંચી લેતાં તેઓ નીચે પટકાયા બાદ કોંગ્રેસ નેતા અટ્ટહાસ્ય કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે, “તમે ખુરશીને લાયક જ નથી, તમારા માટે ખુરશી ના હોય.”

    - Advertisement -

    મહિલા અધિકારીનું જાતિવિષયક અપમાન થયા બાદ તેઓ કાર્યક્રમમાંથી નીકળી ગયાં હતાં. તેમને કમર અને પીઠ પર ઇજા થવાના કારણે તેઓ સીધા હોસ્પિટલ પહોંચ્યાં જ્યાં હાલ પણ તેમની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને કોંગ્રેસ નેતા હરેશ આહીર વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે BNSની કલમ 121(1), 221, 133 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r), 3(2)(va) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ ઘટનાને પગલે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, “ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં અમારા IBના પોલીસ ઓફિસર બેન પોતાનું કામ કરી રહ્યાં હતાં. તેઓ સરકારી ફરજમાં હતાં, તે દરમિયાન હરેશ આહીર તેમની પાછળ ઊભા હતા. બેન પોતાના કાર્ય માટે ઊભા થયાં કે, હરેશ આહીરે ખુરશી ખેંચી લેતાં મહિલા અધિકારી ખરાબ રીતે નીચે પડ્યાં હતાં. ત્યારે હરેશ આહીર અટ્ટહાસ્ય કરીને બોલ્યા હતા કે, ‘તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી.’ હરેશ મહિલા અધિકારીને સારી રીતે જાણતા હતા, તેમને ખબર હતી કે, તેઓ ફરજ પર છે. તેમને એ પણ ખબર હતી કે, તેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે. તેમ છતાં તેમણે અપમાન કરવાના ઇરાદે આવું કર્યું હતું. મહિલા કર્મચારી હાલ ડિપ્રેશનમાં છે. આહીર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતની ઉચ્ચ સ્તરે ગંભીર નોંધ લેવામાં આવી છે. વધુમાં કાર્યવાહી ચાલી રહી છે.”

    ‘કોંગ્રેસની માનસિકતા મહિલા અને દલિતવિરોધી’- હર્ષ સંઘવી

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તે ઘટનાનો CCTV વિડીયો પોતાના X હેન્ડલ પરથી શૅર કર્યો છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, “કોંગ્રેસની માનસિકતા હંમેશાથી મહિલા અને દલિતવિરોધી રહી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમના અજીજ મિત્ર કચ્છ કોંગ્રેસના નેતા HS આહીર દ્વારા જુઓ કેવી રીતે જાણીજોઈને ખુરશી ખેંચીને એક દલિત મહિલા ઓફિસરને ઘાયલ કરવામાં આવ્યા. આ ખૂબ નિંદનીય બાબત છે.”

    HS આહીર કચ્છ કિસાન કોંગ્રેસના કન્વીનર છે અને RTI એક્ટિવિસ્ટ તરીકે પણ કામ કરે છે. નોંધવા જેવુ છે કે, તેઓ તે જ કોંગ્રેસી નેતા હતા, જેમણે ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત વિરુદ્ધ લોકસભા ચૂંટણી સમયે અભદ્ર ટિપ્પણી કરી હતી. તે સમયે પણ દેશભરમાં તેમની ચર્ચા ચાલી રહી હતી અને સોશિયલ મીડિયા પર તેમની ટીકાઓ પણ થઈ હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તેમના વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અને HS આહીરને નોટિસ પણ ફટકારી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં