Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અને HS આહીર પર NCWની લાલ આંખ, ઈલેક્શન...

    કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અને HS આહીર પર NCWની લાલ આંખ, ઈલેક્શન કમિશન પાસે કાર્યવાહીની કરી માંગ: કંગના રણૌત માટે ‘મંડીની રં$’ જેવા શબ્દોનો કર્યો હતો ઉપયોગ

    મહિલા આયોગે લખ્યું કે, "રાષ્ટ્રીય મહિલા આયોગ સુપ્રિયા શ્રીનેત અને શ્રી HS આહીરના અભદ્ર આચરણથી હેરાન છે. તેમણે કંગના રણૌત વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી છે. આ પ્રકારનું વર્તન સહન કરી શકાય નહીં, તે મહિલાઓની ગરિમાની વિરુદ્ધ છે."

    - Advertisement -

    રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સુપ્રિયા શ્રીનેતે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં અભિનેત્રી કંગના રણૌત પર અભદ્ર ટિપ્પણી કરી હતી. બાદમાં તેમણે આ પોસ્ટ હટાવી દીધી અને સ્પષ્ટતા જાહેર કરી હતી. બીજી તરફ ગુજરાતના કોંગ્રેસ નેતા HS આહીર વિરુદ્ધ પણ મહિલા આયોગે ફરિયાદની માંગ કરી છે. તેમણે સુપ્રિયા શ્રીનેત કરતાં પણ નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો હતો અને એક મહિલાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી હતી.

    રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “રાષ્ટ્રીય મહિલા આયોગ સુપ્રિયા શ્રીનેત અને શ્રી HS આહીરના અભદ્ર આચરણથી હેરાન છે. તેમણે કંગના રણૌત વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી છે. આ પ્રકારનું વર્તન સહન કરી શકાય નહીં, તે મહિલાઓની ગરિમાની વિરુદ્ધ છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ દેશના ચૂંટણી કમિશનરને પત્ર લખીને સુપ્રિયા શ્રીનેત અને આહીર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહિલાઓનું સન્માન અને ગરિમા જાળવી રાખો.”

    નોંધનીય છે કે, રવિવારે (24 માર્ચ, 2024) અભિનેત્રી કંગના રણૌતને ભાજપે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. કંગના રણૌતને ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવતાની સાથે જ તેમના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ અને ટ્રોલનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    શું હતી ટિપ્પણી?

    કંગના વિરુદ્ધ અભદ્ર પોસ્ટ કરવામાં સહુથી મોટું નામ છે કોંગ્રેસ પાર્ટીના મહિલા નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત. તેમણે પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કંગના રણૌતનો એક ફોટો મુક્યો હતો. ફોટાની નીચે તેમણે લખ્યું હતું, “ક્યા ભાવ ચલ રહા હૈ મંડી મે કોઈ બતાએગા?”

    સુપ્રિયાની આ પોસ્ટ બાદ તેમની દેશભરમાં ટીકાઓ થવા લાગી હતી અને લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જે બાદ તે પોસ્ટ એકાઉન્ટ પરથી ડિલીટ થઈ ગઈ હતી. બાદમાં સુપ્રિયાએ પોતે સાવ નિર્દોષ છે તે કહેવા માટે X પર એક લાંબી-લચક પોસ્ટ પણ કરી. જેમાં તેમણે લખ્યું, “કોઈ પાસે મારા મેટા એકાઉન્ટનું (ફેસબુક અને ઈન્સ્ટા) એક્સેસ હતું અને તેમાંથી એક અભદ્ર પોસ્ટ કરવામાં આવી અને બાદમાં ડિલીટ કરી. જે લોકો મને નજીકથી ઓળખે છે, તેઓ જાણે છે કે હું એક મહિલા માટે આવું ક્યારેય ન કહી શકું.” આ સાથે જ સુપ્રિયાએ આ આખી ઘટનાનું ઠીકરું એક પેરોડી એકાઉન્ટ પર ફોડ્યું હતું.

    પોતાના વિશે કરવામાં આવેલી આ પ્રકારની અભદ્ર વાતો પર કંગના રણૌત તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી હતી. પોતાના આધિકારિક X હેન્ડલ પરથી તેમણે દેહવ્યાપાર કરતી મહિલાઓના સ્વાભિમાનને ધ્યાને રાખી સુપ્રિયાને જવાબ આપતા લખ્યું કે, “પ્રિય સુપ્રિયાજી, એક કલાકારના રૂપમાં પાછલા 20 વર્ષોમાં મેં તમામ પ્રકારની મહિલાઓનું પાત્ર ભજવ્યું છે. કવિનમાં એક ભોળી યુવતીથી લઈને ધાકડમાં એક જાસુસ સુધી, મણીકર્ણિકામાં એક દેવીથી લઈને ચંદ્રમુખીમાં એક એક શેતાન સુધી, રજ્જો ફિલ્મમાં એક ગણિકાથી લઈને થલાઈવીમાં એક ક્રાંતિકારી નેતા સુધી મેં તમામ રોલ ભજવ્યા છે.”

    બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં કિસાન મોરચાના સંયુકત સંયોજક HS આહીરે પણ કંગના રણૌત વિશે અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમણે ફેસબુક પોસ્ટ કરીને લખ્યું હતું કે, “મંડી કી રં$.” તેમનો પણ ભારે વિરોધ થતાં તેમણે પણ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને પોતે સાવ નિર્દોષ છે તે જાહેર કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટતા આપી દીધી હતી. કોંગ્રેસના આ બંને નેતાઓ સામે હવે મહિલા આયોગે લાલ આંખ કરી છે. ઈલેક્શન કમિશનરને આ વિશે ફરિયાદ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં