છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની કેટલીક શાળાઓમાં હિંદુ બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓના નામે અન્ય પંથ/મઝહબોની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તાજો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકોને નમાજ શીખવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનો આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે. તેમના વિરોધ બાદ શાળાએ માફી માંગવાની નોબત આવી હતી. બીજી તરફ, આ મામલે સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના ઈદના દિવસે બની હતી. ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. શાળા દ્વારા આ આખા કાર્યક્રમને ‘કલ્ચરલ એક્ટિવિટી’નું નામ આપવામાં આવ્યું હતું. વિડીયો શાળામાં ભણતા હિંદુ વિદ્યાર્થીઓના વાલીઓના ધ્યાને આવતાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી તરફ, હિંદુ સંગઠનોના ધ્યાને પણ ચડતાં મામલો વધુ ગરમાયો હતો.
મંગળવારે (3 ઓક્ટોબર) રોષે ભરાયેલા વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં બાળકોને નમાજ શીખવવાની ઘટનાનો વિરોધ કરી સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને પ્રિન્સિપાલના રાજીનામાંની માંગ કરી હતી. તો બીજી તરફ વાલીઓએ પણ રોષે ભરાઈને પોતાના બાળકોનાં એડમિશન પરત ખેંચવાની માંગ સાથે સ્કૂલનો વિરોધ કર્યો હતો. આ મામલે વાલીઓનું કહેવું છે કે નમાજ શીખવવાથી તેમના બાળકોનાં કુમળા મન પર વિપરીત અસરો પડી શકે તેમ છે અને તેઓ ક્યારેય આ પ્રકારની ઘટનાઓ સાંખી લેશે નહીં.
હોબાળા બાદ માંગી માફી
બીજી તરફ હિંદુ સંગઠનો અને વાલીઓના રોષને જોઈ શાળાએ બાળકોને નમાજ શીખવવા બદલ લેખિતમાં માફી માંગી છે. શાળાએ લખેલા માફીપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ગત 29 સપ્ટેમ્બર, 2023ના શુક્રવારના રોજ અમારી સ્કૂલ દ્વારા નમાજનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને નમાજની પદ્ધતિ શીખવવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓ અને હિંદુ સંગઠનો દ્વારા ઘટનાની નોંધ લઇ સ્કૂલના વ્યવસ્થાપક સાથે વાત કરતાં અમને ઘટનાની ગંભીરતા અને ભૂલ સમજાઈ હતી. અમે આ પત્ર દ્વારા વાલીઓ અને હિંદુ સંગઠનોની માફી માંગીએ છીએ અને ફરી આવી ભૂલ ન થાય તેની કાળજી રાખવાની બાહેંધરી આપીએ છીએ.”
DEOએ શાળાને ફટકારી નોટીસ
આ સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ શાળાને નોટિસ ફટકારી છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં તેમણે કાર્યવાહીની પુષ્ટિ કરી અને જણાવ્યું હતું કે, “ઘટનાને લઈને અમે વિવાદિત સ્કૂલને નોટિસ પાઠવી છે, જેમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.” જાણવા મળ્યા અનુસાર, શિક્ષણ વિભાગે પાઠવેલી નોટિસમાં સ્કૂલને જણાવવામાં આવ્યું છે કે શાળાનો જે વિડીયો વાઈરલ થઇ રહ્યો છે તેનાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ ઘટનાની બાળકોના માનસ પર વિપરીત અસર થઈ શકે છે, જે બદલ શાળા શું કહેવા માંગે છે તે અંગેનો લેખિત ખુલાસો મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કરવા સૂચિત કરવામાં આવે છે.
આ પહેલા કચ્છથી સામે આવી હતી આવી જ ઘટના
સ્કૂલમાં ‘એક્ટીવીટી’ના નામે બાળકોને નમાજ પઢાવવામાં આવી હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં કચ્છની 2 સ્કૂલો આ પ્રકારના વિવાદોમાં આવી ચૂકી છે. પ્રથમ ઘટના 30 જૂન 2023ના રોજ સામે આવી હતી, જેમાં પર્લ સ્કૂલ સ્કુલમાં ઇદના દિવસે હિંદુ બાળકોને ગોળ ટોપી પહેરાવીને નમાજ પઢાવવામાં આવી હતી. આ ઘટનામાં પણ વિડીયો વાયરલ થયા બાદ હોબાળો થયો હતો, જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ ફટકારી હતી. વિવાદ વકરતા શાળાએ માફી માંગી હતી.
મુન્દ્રાની સ્કૂલ બાદ કચ્છના જ અંજાર તાલુકાના વર્ષામેડીની અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઈદની ઉજવણીને લઈને વિવાદ થયો હતો. શાળાએ ઈદની ઉજવણી માટે વાલીઓને મેસેજ કર્યો હતો કે તેમના બાળકોને મુસ્લિમ વેશમાં શાળાએ મોકલે. સાથે શાળામાં આવેલ વિદ્યાર્થીઓને ઇસ્લામિક ચિહ્નો બનાવવા અને ઈદની ઉજવણી કરવાની ફરજ પડાઈ હતી. જેને લઈને વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. હવે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે.