આખરે ગુજરાત વધુ એક સંકટમાંથી હેમખેમ બહાર આવ્યું. અરબ સાગરમાં ઉદ્ભવેલું ચક્રવાત ‘બિપરજોય’ ગુરૂવારે (15 જૂન, 2023) રાત્રે ભારે પવન અને વરસાદ સાથે કચ્છના દરિયાકાંઠે ત્રાટક્યું અને કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેની અસર વર્તાઈ. આ સમયે તેની ઝડપ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાકની રહી હશે, જેને ખતરનાક માનવામાં આવે છે. આટલું ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હોવા છતાં આગોતરા આયોજન અને સાવચેતીનાં પગલાંના કારણે ઓછામાં ઓછું નુકસાન થયું છે તો જાનહાનિ તો બિલકુલ પણ થઇ નથી.
કુદરતી આફતોને રોકી શકાતી નથી, પણ તેની સામે આયોજન કરીને મક્કમતાથી સામનો જરૂર કરી શકાય છે. ગુજરાત સરકારે આ વાવાઝોડા સામે લડવા માટે આગોતરા આયોજનમાં કોઈ કમી રાખી ન હતી કે ન કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવી હતી. સરકારના તમામ વિભાગો, તમામ એજન્સીઓ, જેમને જિલ્લાઓની જવાબદારી અપાઈ હતી તે મંત્રીઓ અને સ્વયં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ- તમામે જીવ રેડીને પૂરેપૂરી શક્તિ સાથે કામ કર્યું અને તેના પરિણામે એક મોટી કુદરતી આપદા પણ ગુજરાતનું બગાડી ન શકી કે મોટું નુકસાન ન કરી શકી.
મુખ્યમંત્રીએ મંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારીઓ સોંપી દીધી હતી
ચક્રવાત બિપરજોયે ગુજરાત તરફ દિશા બદલી ત્યારથી સરકાર એક્શનમાં આવી ગઈ હતી. 11 જૂન, 2023 (રવિવારે) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક બેઠક કરીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રે કરેલા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે સરકારના વરિષ્ઠ મંત્રીઓને જવાબદારી સોંપી દીધી હતી અને તાત્કાલિક તેમને ફાળવેલા જિલ્લાઓમાં પહોંચી જવા માટે સૂચના આપી દીધી હતી. જે મુજબ કચ્છમાં ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા, મોરબીમાં કનુ દેસાઈ, દ્વારકામાં હર્ષ સંઘવી, રાજકોટમાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળીયા, જામનગરમાં મુળુભાઈ બેરા, જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ તમામ મંત્રીઓએ તાત્કાલિક પોતપોતાને ફાળવવામાં આવેલા જિલ્લાઓમાં પહોંચીને કામ શરૂ કરી દીધું હતું. જેઓ છેક સુધી ગ્રાઉન્ડ પર રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાયમ લોકોની વચ્ચે રહ્યા, સતત પરિસ્થિતિઓનો તાગ મેળવતા રહ્યા, અધિકારીઓ સાથે સંપર્કમાં રહ્યા અને જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પણ ભારે પવન અને વરસાદની વચ્ચે તેમણે કામ ચાલુ રાખ્યું.
कल की रात चुनौतीपूर्ण थी!!
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2023
Keep the trust, #StaySafe#TeamGujarat #CycloneBiparjoy #Dwarka pic.twitter.com/H1JDBdNid7
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ સતત કાર્યરત રહ્યા અને જાતે કામગીરીમાં જોડાયા. ઋષિકેશ પટેલના હાથમાં કચ્છની જવાબદારી હતી, તેમણે પણ સતત તંત્ર સાથે સંકલનમાં રહીને માર્ગદર્શન આપ્યું અને કામગીરી કરી. અન્ય મંત્રીઓએ પણ કામગીરીમાં કોઈ કસર બાકી ન રાખી.
સેવાભાવી સંસ્થાઓ, હિંદુ સંગઠનો અને મંદિરો પણ આગળ આવ્યાં
આ સમયે સેવાભાવી સંસ્થાઓ અને હિંદુ મંદિરો પણ આગળ આવ્યાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ જેવાં સંગઠનો તો આફત સમયે ક્યારેય પાછળ પડ્યાં નથી અને જીવ રેડીને પૂરેપૂરા સમર્પણ ભાવ સાથે લોકોની સેવા કરી છે. આ વખતે પણ તેમણે સેવા ચાલુ રાખી. BAPS અને અન્ય ધાર્મિક હિંદુ સંસ્થાઓ પણ ક્યાંય પાછી ન પડી. સ્થળાંતર કરાયેલા લોકોના ભોજન-પાણીની વ્યવસ્થા કરવાની વાત હોય કે આગોતરી તૈયારીઓની, સૌએ સાથે મળીને કામ કર્યું તો બધે જ પહોંચી વળાયું.
RSS and several other organisations are working together to help people affected by #CycloneBiparjoy.
— Friends of RSS (@friendsofrss) June 15, 2023
Food, medicines and other essential commodities are being provided. pic.twitter.com/QnSKV8xLVB
1 લાખ લોકોનું સ્થળાંતરણ કરાયું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બેઠક બાદ જોખમી સ્થળોએ રહેતા કુલ 1 લાખ 8 હજારથી વધારે લોકોને ખસેડવામાં આવ્યા હતા. આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં સ્થળાંતરણ કરવું એ બહુ મોટી વાત કહેવાય. આ દરમિયાન સગર્ભા મહિલાઓનું પણ વિશેષ ધ્યાન રખાયું અને એક ડ્રાઈવ યોજીને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા. સ્થળાંતર બાદ પણ લોકો ફસાયા તો તેમને મધદરિયેથી એરલિફ્ટ કરવામાં આવ્યા.
વાવાઝોડાનો સામનો કરવા માટે સરકારે ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો મૂકી દીધી હતી. જ્યારે દરિયાકાંઠાના 7 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ-બનાસકાંઠામાં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી અને સુરત ખાતે 1 SDRF ટીમને રિઝર્વ રાખવામાં આવી હતી.
મેડિકલ વિભાગ હતો સતર્ક
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 1005 મેડિકલ ટીમો કાર્યરત હતી. અસરગ્રસ્તો માટે 202 ‘108 એમ્બ્યુલન્સ’ અને 302 સરકારી એમ્બ્યુલન્સ એમ કુલ 504 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 3851 જેટલા ક્રિટિકલ બેડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં કુલ 197 DG સેટ ફાળવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વસતી સગર્ભા મહિલાઓ તેમજ તેમની અંદાજિત ડિલિવરીની તારીખોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું તેમજ 1152 સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને સ્થળાંતરિત કરવામાં આવી હતી.
માણસો જ નહીં, પ્રાણીઓને પણ કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રખાયું
ચક્રવાતના કારણે વીજ પુરવઠાને સૌથી વધુ નુકસાન થાય છે, પરંતુ તેને પહોંચી વળવા માટે ઉર્જા વિભાગ પહેલેથી જ સક્રિય બન્યો હતો અને 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાંમાં 1127 જેટલી ટીમ તહેનાત કરાઈ હતી અને તેની આસપાસ 889 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. તે જ રીતે વન વિભાગે પણ પડી ગયેલાં વૃક્ષોને હટાવવા માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 237 ટીમો તહેનાત રાખી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં બિપરજોય વાવાઝોડા સામે માનવજીવનની સાથોસાથ પશુઓ અને વન્ય પ્રાણીસૃષ્ટિને સુરક્ષિત રાખવાનું રાજ્ય સરકારનું સુદ્રઢ આયોજન.#CycloneBiparjoy pic.twitter.com/oM5JJuwJUy
— CMO Gujarat (@CMOGuj) June 15, 2023
આફત પહેલાં માણસોનું તો ધ્યાન રાખવામાં આવ્યું જ પરંતુ ગીરના સિંહ અને અન્ય અભ્યારણ્ય વિસ્તારોના પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું. જે માટે એશિયાટિક સિંહોના ઝોનમાં રેસ્ક્યુ, રેપિડ એક્શન અને પડી ગયેલા ઝાડ હટાવવા માટે કુલ 184 ટીમ વ્યૂહાત્મક રીતે પોઝીશનમાં ગોઠવવામાં આવી હતી તેમજ કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં પણ 13 ઓપરેશનલ ટીમો તેમજ જરૂરી સાધનો સહિત ખાસ 6 વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમ ખડેપગે તહેનાત હતી.
માર્ગ અને મકાન વિભાગે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સાધન-સામગ્રી સહિત 132 ટીમ તૈયાર રાખી હતી, જેમાં 328 જેસીબી મશીન, 276 ડમ્પર, 204 ટ્રેક્ટર, 60 લોડર અને 234 અન્ય સાધનોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી પણ સતત નજર રાખતા રહ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છેલ્લા બે દિવસ સતત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ખડેપગે રહ્યા અને તમામ પરિસ્થિતિઓ પર નજર રાખી સૂચનાઓ આપતા રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક બેઠક યોજીને જાણકારી મેળવી તો વાવાઝોડું કાંઠાની નજીક પહોંચી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તૈયારીઓની માહિતી મેળવી. ગૃહમંત્રી અમિત શાહ પણ સક્રિય રહ્યા અને પરિસ્થિતિઓ પર નજર રાખતા રહ્યા. સાથોસાથ કેન્દ્રીય એજન્સીઓ પણ સતત સક્રિય રહી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મોડી રાત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી. માનનીય વડાપ્રધાનશ્રીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની વ્યવસ્થાની વિગતો…
— CMO Gujarat (@CMOGuj) June 15, 2023
ગુજરાત સરકારે ‘ઝીરો કેઝ્યુલિટી’ના અપ્રોચ સાથે કામ કર્યું હતું અને તેમાં સફળતા પણ મળી. આટલું પ્રચંડ વાવાઝોડું કાંઠે ટકરાયું હોવા છતાં અને ભારે પવન સાથે વરસાદ આવ્યો હોવા છતાં કોઈ જાનહાનિ ન થઇ અને લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા.
રિસ્ટોરેશનની કામગીરી પણ પૂરજોશથી શરૂ કરાઈ
જેવું ચક્રવાતનું જોર ઓછું થયું કે પૂરજોશથી રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને માત્ર થોડા જ કલાકોમાં મોટાભાગના રસ્તા ખુલ્લા કરી દેવામાં આવ્યા તો હજારો ગામોમાં જ્યાં વીજ પુરવઠો ઠપ થઇ ગયો હતો ત્યાં વીજળી ફરીથી પહોંચાડવામાં આવી. જ્યાં સમારકામની જરૂર હતી ત્યાં ભારે વરસાદમાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું અને ગુજરાત ગણતરીના કલાકોમાં ફરી દોડતું થયું.
ગુજરાતે ભૂતકાળમાં પણ કુદરતી આફતોનો મક્કમતાથી સામનો કર્યો છે અને બહાર આવ્યું છે. આ વખતે પણ સરકારના સમયસરના આયોજન, પૂર્વતૈયારીઓ અને ગંભીરતાપૂર્વકની કામગીરીના કારણે રાજ્યએ સફળતાપૂર્વક બિપરજોયનો સામનો કર્યો અને વધુ એક આફતમાંથી બહાર આવ્યું.
(આંકડાકીય માહિતી સાભાર- માહિતી ખાતું, ગુજરાત સરકાર)