Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવાવાઝોડું પસાર થઇ ગયા બાદ ફરી બેઠું થઇ રહ્યું છે ગુજરાત: 263માંથી...

  વાવાઝોડું પસાર થઇ ગયા બાદ ફરી બેઠું થઇ રહ્યું છે ગુજરાત: 263માંથી 260 રસ્તાઓ ખુલ્લા કરાયા, 3580 ગામડાંમાં ફરી વીજળી પહોંચી

  ભારે પવનના કારણે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 5120 જેટલા વીજળીના થાંભલાઓ પડી ગયા હતા, જેના કારણે 4600થી વધુ ગામોમાં વીજળી ઠપ થઇ ગઈ હતી. જેમાંથી 3580 ગામડાંમાં વીજળી પુનર્સ્થાપિત કરવામાં આવી છે.

  - Advertisement -

  અરબ સાગરમાં ઉદ્ભવેલું ચક્રવાત ‘બિપરજોય’ ગુરૂવારે સાંજે કચ્છના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો કેટલાંક ઠેકાણે વીજળીના થાંભલા અને વૃક્ષો ઉખડી ગયાં હતાં. જોકે પહેલેથી કરી રાખેલી પૂરતી તૈયારીઓના કારણે કોઈ જાનહાનિ થઇ નથી. બીજી તરફ, વાવાઝોડાનું જોર ઓછું થતાં રિસ્ટોરેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. 

  રિલીફ કમિશનર આલોક પાંડેએ મીડિયાને જાણકારી આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજન અને સૌના સહિયારા પ્રયાસોના કારણે આપણે ગુજરાતમાં મોટી જાનહાનિ ટાળી શક્યા છીએ. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા, જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટાં સ્થળાંતરો પૈકીનું એક હશે તેમ તેમણે ઉમેર્યું હતું. 

  રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વાવાઝોડાના કારણે કુલ 1137 જેટલાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં તો 263 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જેમાં તમામ વૃક્ષોને હટાવી લેવામાં આવ્યાં છે તો 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે 3 રસ્તાને નુકસાન થયું હોવાની તેને પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. ભારે પવનના કારણે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 5120 જેટલા વીજળીના થાંભલાઓ પડી ગયા હતા, જેના કારણે 4600થી વધુ ગામોમાં વીજળી ઠપ થઇ ગઈ હતી. જેમાંથી 3580 ગામડાંમાં વીજળી પુનર્સ્થાપિત કરવામાં આવી છે અને વીજ વિભાગની ટીમો ચાલુ વરસાદે પણ અન્ય ગામોમાં વીજળી ફરી ચાલુ કરવા માટે કામ કરી રહી છે. 

  - Advertisement -

  નુકસાન અંગે જાણકારી આપતાં જણાવવામાં આવ્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 20 કાચાં મકાન, 9 પાકાં મકાન અને 65 ઝૂંપડાં સંપૂર્ણપણે ધરાશાયી થયા હતા જ્યારે 474 કાચાં મકાનો અને 2 પાકાં મકાનને અંશતઃ નુકસાન પહોંચ્યું હતું. 

  બિપરજોય વાવાઝોડું ટકરાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગુરૂવારે મોડી રાત સુધી તેઓ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર રોકાયા હતા તો શુક્રવારે સવારે પણ એક બેઠક યોજીને રિસ્ટોરેશનની કામગીરી અંગે માહિતી મેળવી હતી. સીએમે બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવીને પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વેહલમાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝૂંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવા પણ મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા હોવાનું સરકારે જણાવ્યું છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં