Saturday, September 7, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની મદદથી યોજાઈ હતી ન્યૂ યોર્કની પ્રથમ જગન્નાથ રથયાત્રા, 30...

    જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની મદદથી યોજાઈ હતી ન્યૂ યોર્કની પ્રથમ જગન્નાથ રથયાત્રા, 30 વર્ષનો યુવાન અપ્રત્યક્ષ રીતે ભગવાનના સેવાકાર્યમાં થયો હતો સહભાગી: વાત ચાર દાયકા પહેલાંની

    ડોનાલ્ડ ટ્રમ્પ ભયાનક હુમલામાં બચી ગયા છે, ત્યારે ઇસ્કોનના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસ તેમના આબાદ બચાવને દૈવીય શક્તિના આશીર્વાદ તરીકે જુએ છે. ડોનાલ્ડ ટ્રમ્પે 4 દાયકા પહેલાં રથયાત્રાના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

    - Advertisement -

    અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયાના બટલર ખાતે એક રેલી દરમિયાન હુમલો થયો હતો. આ હુમલો એટલો જોખમી હતો કે હવે ટ્રમ્પના બચી જવાને લોકો ચમત્કાર ગણાવી રહ્યા છે. કુદરતના કોઈ સંયોગ સાથે ટ્રમ્પનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો, નહીં તો કોઈ અઘટિત ઘટના ચોક્કસપણે બનવા પામત. ટ્રમ્પના જમણા કાન પાસેથી એકદમ સરકીને ગોળી નીકળી હતી, જોકે, તેમને માત્ર સામાન્ય ઇજા જ થઈ છે. પરંતુ જો કોઈ ચૂંક થઈ હોત તો ઘટના એકદમ જ વિરુદ્ધ બની હોત. આ નરી હકીકત છે. ટ્રમ્પના આબાદ બચાવને લોકો હવે ચમત્કાર ગણી રહ્યા છે.

    ઘટના બાદ તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ઘટનાને દૈવીય શક્તિ સાથે જોડી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ કોઈ દૈવીય શક્તિના કારણે બચી શક્યો છે. જોકે, સંયોગ અને સ્થિતિ જોતાં સામાન્ય માણસ પણ તે વિચારવા પર મજબૂર બની જાય છે. ગુજરાતીની એક પંક્તિ અહીં સારી રીતે સાર્થક થતી નજરે પડે છે, ‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર.’ બસ આવું જ ટ્રમ્પ સાથે ઘટેલી ઘટનામાં થયું છે. આવી સ્થિતિમાં કોલકાતા ઇસ્કોનના પ્રવક્તાએ એક ઘટના યાદ કરી છે. તેમણે ન્યૂ યોર્કની પ્રથમ જગન્નાથ રથયાત્રા અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના કનેક્શન વિશે માહિતી આપી છે.

    ન્યૂ યોર્કની પ્રથમ રથયાત્રા અને ડોનાલ્ડ ટ્રમ્પ

    ભારતમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રા ચાલી રહી છે, જે અંતર્ગત શ્રી જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને મંદિરમાંથી સામાન્ય લોકોના દર્શનાર્થે શહેરમાં ફેરવવામાં આવે છે. લાખો લોકો આ રથ ખેંચે છે અને ભગવાન 10 દિવસ સુધી ભક્તોને દર્શન આપે છે. પુરીની આ મહારથયાત્રાની જેમ જ સમગ્ર ભારતમાં વિવિધ શહેરો અને મંદિરોમાં રથયાત્રા કાઢવામાં આવે છે. ભક્તો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢે છે. આવી જ એક રથયાત્રા સાથે ડોનાલ્ડ ટ્રમ્પનું કનેક્શન છે.

    - Advertisement -

    કોલકાતા ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. વાત આજથી ચાર દાયકા પહેલાંની છે. વર્ષ 1976માં ISKCON (આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ) સંસ્થાએ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ શહેર ન્યૂ યોર્કમાં 3 ભવ્ય રથો સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો. મેનહટનમાં જ તે સમયે ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ હતું, જેનો ઇસ્લામિક આતંકીઓએ વર્ષ 2001માં નાશ કરી દીધો હતો. ઇસ્કોનના ભક્તોને મેંહટનમાં વિશાળ જગ્યાની જરૂર હતી. જ્યાં ભગવાન જગન્નાથના રથોનું નિર્માણ થઈ શકે અને ફરીથી યાત્રાના માર્ગ પર તેને લઈ જઈ શકાય.

    મેનહટનમાં સંપત્તિ હોવી ખૂબ મોટી વાત માનવામાં આવે છે. ઘણા ધનિકો માટે પણ તે સંભવ હતું નહીં. જ્યારે ઇસ્કોનને તો એવી સંપત્તિ જોતી હતી, જ્યાં ખુલ્લી જમીન હોય. ટોસન કૃષ્ણા દાસે ત્યારે આવી કોઈ જગ્યા શોધવા માટેની જવાબદારી સ્વીકારી હતી. તેમણે પેંસિલવાનિયા રેકરોડ યાર્ડસને સ્થળ તરીકે પસંદ કર્યું, એક રીતે તો ત્યાં આવી આ એક જ જગ્યા હતી, ઇસ્કોન પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. કોઈપણ રિઝર્વેશન વિના, ઇસ્કોને મિલકતની માલિકી ધરાવતી કોર્પોરેટર કંપનીનો સંપર્ક કર્યો હતો.

    ઇસ્કોને કંપનીને નિવેદન કર્યું હતું કે, ભગવાનના રથોના નિર્માણ માટે થોડા દિવસો પૂરતી તે જગ્યા કૃષ્ણભક્તોને આપવામાં આવે. જોકે, તે કંપનીનું નિવેદન આવ્યું હતું કે, આ જમીન વેચવાની છે અને કરાર હેઠળ, હવે તે નવા નવા માલિકો પર નિર્ભર છે કે, તેઓ આ જમીન આપવા માંગે છે કે નહી. આ જમીનના નવા માલિક ડોનાલ્ડ જે ટ્રમ્પ જ હતા, જે 41 વર્ષો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાના હતા. ટોસને એક પ્રસ્તાવ લખીને તેમને મોકલ્યો હતો. ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ‘ફૉર સિઝન્સ રેસ્ટોરન્ટ’ પહોંચે.

    આ રેસ્ટોરન્ટ પર જ જમીનના ખરીદ-વેચાણને લગતી પ્રક્રિયાઓ ઉપરાંત દસ્તાવેજોની આપ-લે કરવાની હતી. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્કોનને તે જમીનનો ઉપયોગ કરવાની લેખિત મંજૂરી આપી હતી. તેઓ આ પ્રસ્તાવને રદ પણ કરી શક્યા હોત, પરંતુ તેમણે રથયાત્રા માટે આ જગ્યા આપવાનું પસંદ કર્યું. તેમણે આવું કેમ કર્યું, તે કોઈ જાણતું નથી. આજે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભયાનક હુમલામાં બચી ગયા છે, ત્યારે ઇસ્કોનના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસ તેમના આબાદ બચાવને દૈવીય શક્તિના આશીર્વાદ તરીકે જુએ છે. ડોનાલ્ડ ટ્રમ્પે 4 દાયકા પહેલાં રથયાત્રાના આયોજનમાં સહયોગ આપ્યો હતો અને હમણાં દુનિયાભરમાં રથયાત્રાનો ઉત્સવ ચાલી રહ્યો છે. તેવામાં રથયાત્રાના દરમિયાન જ તેમનું બચી જવું રાધારમણ દાસના મતે દૈવીય શક્તિના આશીર્વાદ જ છે.

    અન્ય તમામ કંપનીઓએ ઠુકરાવી દીધો હતો પ્રસ્તાવ

    જ્યારે આ ઘટના બની ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર 30 વર્ષના યુવાન હતા અને ઇસ્કોન સંસ્થા પોતાનો 10મો સ્થાપના દિવસ ઉજવી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ન્યૂ યોર્કમાં તે સમયે પ્રથમ રથયાત્રા નીકળી હતી. આ પહેલાં ઇસ્કોને અન્ય પ્રયાસો પણ કરી જોયા હતા, પરંતુ તમામ કંપનીઓએ ઇસ્કોનને જમીન આપવા માટેનો ઇનકાર કરી દીધો હતો. તે કંપનીઓ વીમાથી લઈને અન્ય વસ્તુઓને લઈને શંકા સેવી રહી હતી. ત્યારબાદ ઇસ્કોનના લોકો ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પ્રસ્તાપ લઈને ગયા હતા. કૃષ્ણભક્તો ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ પર મહાપ્રસાદ લઈને પહોંચ્યા હતા. ટ્રમ્પના સેક્રેટરીએ તો ઇસ્કોનને સ્પષ્ટપણે કહી દીધું હતું કે, ટ્રમ્પ આવા કોઈ પ્રસ્તાવને ક્યારેય પણ સ્વીકારશે નહીં. તમે પ્રસ્તાવ તેમની સામે રાખી શકો છો, પરંતુ જવાબ માત્ર ‘ના’ જ મળશે.

    આ ઘટનાના ત્રણ દિવસ બાદ ટ્રમ્પના સેક્રેટરીએ ફોન કરીને ઇસ્કોનના પ્રતિનિધિઓને કહ્યું કે, ખબર નહીં, અચાનક શું થયું. તેમણે (ટ્રમ્પે) પત્ર વાંચ્યો, મહાપ્રસાદ ખાધો અને તરત જ તે પ્રસ્તાવનો સ્વીકાર કરી દીધો. ત્યારબાદ કોઈક રીતે પોલીસ પાસેથી પણ પરવાનગી મેળવી લેવામાં આવી હતી. પોલીસ ચીફે પરવાનગી પર હસ્તાક્ષર કરતાં કહ્યું હતું કે, તેમને નથી ખબર કે, તેઓ આવું શા માટે કરી રહ્યા છે, પરંતુ ઠીક છે. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ન્યૂ યોર્કની પ્રથમ જગન્નાથ રથયાત્રાના ઇતિહાસમાં અંકિત થઈ ગયું. કદાચ ભગવાન જગન્નાથના સેવાકાર્યમાં સહભાગી થવાનું જ પરિણામ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભયંકર હુમલામાંથી પણ બચી ગયા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં