1 કરોડ રૂપિયાના તોડકાંડના આરોપમાં જેલની હવા ખાઈ આવેલા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કાયમ વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતા મુદ્દાઓને લઈને સરકાર સામે તલવાર તાણતા રહે છે. પરંતુ આ વખતે તેમણે એવા એક મુદ્દે સરકારને ઢસડી છે, જેમાં સરકારને કશું લાગતું-વળગતું જ નથી. એક ખાનગી સંસ્થાના પ્રોજેક્ટને ‘સરકારી’ ગણાવીને તેમણે X પર જાતજાતના દાવા કરતી પોસ્ટ કરી હતી, પરંતુ પછીથી ભૂલ સમજાતાં ડિલિટ કરી દીધી હતી.
યુવરાજસિંહ જાડેજાએ X પર એક પોસ્ટ કરીને દાવો કર્યો કે રાજ્ય સરકાર ‘જ્ઞાન સહાયક’ યોજના બાદ હવે ‘શાળા સંગાથી’ નામનો એક પ્રોજેક્ટ લાવી છે. તેમની પોસ્ટની પહેલી જ લીટી આ પ્રકારે હતી- ‘જ્ઞાન સહાયક પ્રયોગની ભવ્ય સફળતા બાદ ભાજપ સરકારનું નવું નજરાણું શાળા સંગાથી.’
ત્યારબાદ તેમણે દાવો કર્યો કે, સરકાર આ પ્રોજેક્ટ થકી સંદેશ આપવા માંગે છે કે યુવાનો કાયમી નોકરી ભૂલી જ જાય. સાથે કહ્યું કે, આ પ્રોજેક્ટથી કોન્ટ્રાક્ટના આધારે શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને યુવાનોએ BA, MA, B.ed, M.edથી માંડીને કોઇ પણ ડીગ્રી મેળવી હોય અને ટેટ અને ટાટ પણ પાસ હોય તોપણ નોકરી 11 મહિનાના કરાર આધારે જ કરવાની રહેશે. તેઓ આગળ લખે છે કે, “હવે તમારા બાળક માટે શાળામાં કાયમી શિક્ષક નહીં મળે અને જેનાં ખુદનાં ભવિષ્યનાં ઠેકાણાં નહીં હોય તેઓ તમારા બાળકનું ભાવિ ઘડશે.”
આગળ યુવરાજસિંહ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આરોપ લગાવ્યા છે અને લખ્યું કે, સરકારે જ્ઞાન સહાયક યોજના પણ વૈકલ્પિક વ્યવસ્થા ગણાવી હતી અને હવે આ જ યોજનાને નવાં લટકણિયાં લગાડીને અલગ ગતકડાં તરીકે થોપવામાં આવી રહી છે. સાથે મતદાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “તમે કાલે જ મતદાન કરીને આવ્યા હશો અને આજથી ભોગવવાનું ચાલુ.” ત્યારબાદ તેમણે ભાજપના લોકસભા ચૂંટણીના ‘400 પાર’ના નારા પર પણ કટાક્ષ કર્યો.
હકીકત સાવ જુદી, ફેક્ટચેક માટે યુવરાજસિંહે જે ત્રણ પાનાં મૂક્યાં હતાં તે જ પૂરતાં
યુવરાજસિંહ જાડેજાની આ પોસ્ટ તો હવે ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ તેનો સ્ક્રીનશૉટ ઉપલબ્ધ છે. સાથે તેમણે જે ત્રણ ફોટા મૂક્યા હતા તે પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આ પોસ્ટ વાંચીને એમ લાગ્યા વગર રહે નહીં કે ભાજપ સરકાર હવે નવી એક યોજના ‘શાળા સંગાથી’ લાવી છે અને તેમાં પણ ‘જ્ઞાન સહાયક યોજના’ની જેમ કરાર આધારિત ભરતી કરવામાં આવશે. પરંતુ વાસ્તવમાં એવું નથી.
હકીકત જાણવા માટે બીજી કોઇ વધુ તપાસની જરૂર નથી. યુવરાજસિંહે પોસ્ટમાં જે ત્રણ પાનાં અને એક જાહેરાત મૂક્યાં છે તે જ ફેક્ટચેક માટે પૂરતાં છે. કારણ કે તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ એક ખાનગી ટ્રસ્ટ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે અને તેનો હેતુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાનો છે. પરંતુ તેમાં સરકારને કશું જ લાગતું-વળગતું નથી.
યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટમાં જે ડોક્યુમેન્ટનો સ્ક્રીનશૉટ જોડ્યો હતો, તેમાં જણાવવામાં આવ્યું છે કે, સમાજમાં આજે શિક્ષણની તાતી જરૂરિયાત છે અને તેને ધ્યાને લેતાં સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘શાળા સંગાથી’ નામની આ યોજના શરૂ કરવામાં આવી છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે આ પ્રોજેક્ટ એક ખાનગી ટ્રસ્ટનો છે, સરકારના શિક્ષણ વિભાગનો નહીં. સંસ્થાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત અને માઈન્ડસેટ સમજીને તે અનુરૂપ ભણાવનારા શિક્ષકોની ઘટ પૂરી કરવાનો આ પ્રયાસ છે.
આગળ જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરીને શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જે થકી 500 જેટલા શિક્ષકોને રોજગારી આપવાની તૈયારી છે. યાદ રહે કે, જે શિક્ષકોની આ ટ્રસ્ટ ભરતી કરશે તેમને રોજગારી પણ પોતે જ આપશે, તેમાં સરકારે કશું જ જોવાનું નથી.
યુવરાજસિંહે મૂકેલા દસ્તાવેજમાં જ જણાવાયું છે કે 6 માર્ચના રોજ ટ્રસ્ટની બેઠક મળી હતી અને તેમાં પ્રમુખ દેવાંગભાઈ સાગરની અધ્યક્ષતામાં શિક્ષક પસંદગી સમિતિ રચવામાં આવી હતી. આ જ ફકરામાં આગળ સ્પષ્ટતા એવી પણ કરવામાં આવી છે કે, આ પ્રોજેક્ટથી સરકારની કે શિક્ષણ વિભાગની કોઇ પણ યોજના કે આયોજનમાં કોઇ પ્રકારની દખલ ન થાય તે રીતે ફક્ત ગુજરાતની કોઇ પણ શાળામાં શિક્ષકોની ઘટ હોય તો યોગ્ય ઉમેદવાર શોધીને 11 મહિનાના કરાર આધારિત નોકરી આપવી તે જ એકમાત્ર ઉદ્દેશ્ય છે.
યુવરાજસિંહે પોસ્ટમાં ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જાહેરાતનો ફોટો પણ મૂક્યો હતો, જેમાં પણ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે તે ટ્રસ્ટનો પ્રોજેક્ટ છે. તેમાં ન તો ક્યાંય ગુજરાત સરકારનો ઉલ્લેખ છે, ન શિક્ષણ વિભાગનો કે ન કોઈ અધિકારીનો. જાહેરાત આપનાર તરીકે જ સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષનું નામ લખવામાં આવ્યું છે.
ઑપઇન્ડિયાએ પછીથી જે ત્રણ પાનાં પોસ્ટમાં મૂકવામાં આવ્યાં હતાં તેનો સંપૂર્ણ દસ્તાવેજ પણ મેળવ્યો, જે 12 પાનાંનો છે. આ દસ્તાવેજ ટ્રસ્ટની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. આ ડોક્યુમેન્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, “‘શાળા સંગાથી’ કરાર આધારિત ભરતી છે અને તે કોઇ સરકારી યોજના કે શિક્ષણ વિભાગની યોજના કે તે સાથે જોડાયેલી યોજના નથી. આ એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા માટે અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટેનો પ્રયત્ન છે.”
આટલી વિગતોથી સ્પષ્ટ છે કે યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટમાં કરેલા દાવાઓ પાયાવિહોણા અને તથ્યથી વેગળા છે. તેમણે ‘શિક્ષક સંગાથી યોજના’ને સરકાર સાથે જોડી છે, પરંતુ આ યોજના સરકાર નહીં પરંતુ એક ખાનગી ટ્રસ્ટ લાવ્યું છે અને તેમનો આશય સરકારી શાળાઓમાં શિક્ષકો ઉપલબ્ધ કરાવવાનો છે. તેમની ભરતી પણ સંસ્થા જ કરશે અને વેતન પણ તેઓ જ ચૂકવશે.
સંસ્થાના અધ્યક્ષે ઑપઇન્ડિયા સમક્ષ કરી પુષ્ટિ
ઑપઇન્ડિયાએ સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સાથે પણ વાતચીત કરી, જેમણે પણ પુષ્ટિ કરી હતી કે આ યોજના કે પ્રોજેક્ટમાં સરકારને ક્યાંય લેવાદેવા નથી અને તેમનો એકમાત્ર આશય સરકારી શાળાઓમાં જ્યાં શિક્ષકોની ઘટ હોય ત્યાં શિક્ષકો ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ મુદ્દામાં સરકારને કશું જ લાગતું-વળગતું નથી.
સાથે તેમણે યોજનાનો હેતુ પણ જણાવ્યો. તેમણે કહ્યું કે, હાલ ઘણી શાળાઓમાં સરકારી શિક્ષકો અન્ય કામકાજ સાથે પણ સંકળાયેલા હોય છે. તેથી જો અમારા શિક્ષકો પણ ઉપલબ્ધ હશે તો તેઓ એ કામકાજ કરી શકશે અને બાકીના શિક્ષકો અભ્યાસ પર ધ્યાન આપી શકશે. અથવા તો શાળા તેમને જે કામ માટે રાખવા હશે તે પ્રમાણે રાખી શકશે. તે સિવાય બાકીના તમામ નિયમોથી માંડીને, વેતન અને શિક્ષકોની તાલીમ વગેરે પણ સંસ્થા જ જોશે.
અન્ય સંસ્થાઓ પણ પૂરા પાડે છે શિક્ષકો
નોંધનીય છે કે ગુજરાતમાં અન્ય પણ અમુક સંસ્થાઓ છે જે આ રીતે બહારથી શિક્ષકો પૂરા પાડે છે. તેઓ પોતાની રીતે શિક્ષકોની ભરતી કરે છે, તેના માટે નિયમો પણ પોતાના હોય છે, વેતન પણ સંસ્થા જ નક્કી કરે છે. સરકાર તેમાં કોઇ હસ્તક્ષેપ કરતી હોતી નથી. આ જ રીતે આ સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પણ માત્ર શિક્ષણના ક્ષેત્રમાં યોગદાન આપવા માટે જ આ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હોવાનું જણાવ્યું હતું. અગાઉ ઑપઇન્ડિયાએ ન્યૂઝ પોર્ટલ ‘જમાવટે’ ફેલાવેલા એક ફેક ન્યૂઝનું ફેક્ટચેક કરતી વખતે આવી જ એક સંસ્થા વિશે માહિતી આપી હતી.
AAP નેતાનો દાવો ખોટો ઠર્યો
જેથી આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાનો જે દાવો છે કે આ યોજના સરકાર લાવી છે અને તેનાથી કાયમી શિક્ષકોની ભરતી અટકી જશે એ તદ્દન ખોટી વાત છે. આમાં સરકારની કોઇ ભૂમિકા નથી. એક સંસ્થા છે, જેણે શિક્ષકોની ભરતી બહાર પાડી છે, તે જ નિયમો નક્કી કરશે અને તે જ વેતન પણ ચૂકવશે. જેમણે નોકરી મેળવવી હશે તે ફોર્મ ભરીને ભરતી થશે, ન મેળવવી હોય તો નહીં થાય. કોઇ ફરજ પણ પાડી રહ્યું નથી. સરકાર પોતાનું કામ કરી રહી છે અને ટ્રસ્ટ પોતાનું.
પછીથી યુવરાજસિંહ જાડેજાએ આ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેમણે કોઈ પણ પ્રકારની ચોખવટ કરી નથી. ઑપઇન્ડિયાએ તેમનો પક્ષ જાણવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ સ્થાપિત ન થઈ શક્યો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.