Wednesday, November 20, 2024
More
    હોમપેજરાજકારણદિલ્હીમાં હિમાચલનું સરકારી ગેસ્ટહાઉસ સીલ કરવાના હાઈકોર્ટના આદેશ: વાંચો શું છે વિવાદ,...

    દિલ્હીમાં હિમાચલનું સરકારી ગેસ્ટહાઉસ સીલ કરવાના હાઈકોર્ટના આદેશ: વાંચો શું છે વિવાદ, જેમાં બાકી રકમ ન ચૂકવતાં એક હાઈડ્રોપાવર કંપનીએ હંફાવી દીધી રાજ્યની કોંગ્રેસ સરકારને

    આખા વિવાદનું મૂળ 28 ફેબ્રુઆરી, 2009ની તારીખ છે. આ એ જ તારીખ છે કે, જે તારીખે હિમાચલ સરકારે સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપનીને એક પ્રોજેક્ટ આપ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં ચિનાબ નદી પર 320 મેગાવોટનો એક પાવર પ્લાન્ટ બનાવવાનો હતો...

    - Advertisement -

    હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે (Himachal Pradesh High Court) સોમવારે (18 નવેમ્બર) સેલી હાઇડ્રોપાવર કંપનીને (Seli Hydro Electric Power Company) બાકી લેણું ન ચૂકવવાને લઈને રાજ્યની કોંગ્રેસ સરકારને (Congress Govt) ભારે ઝટકો આપ્યો છે. કોર્ટે દિલ્હીમાં 27 સિકંદરા રોડ પર સ્થિત રાજ્યના મુખ્ય સરકારી ગેસ્ટહાઉસ ‘હિમાચલ ભવન’ને (Himachal Bhawan Delhi) હરાજી માટે સીલ (Sealed) કરવાનો આદેશ આપી દીધો છે. આવું કરવા પાછળનું કારણ હિમાચલ સરકાર દ્વારા કંપનીના બાકી નીકળતા નાણાં ન ચૂકવવાને ગણવામાં આવી રહ્યું છે. હવે સેલી હાઇડ્રોપાવર કંપની દિલ્હી સ્થિત ‘હિમાચલ ભવન’ની હરાજી કરીને નાણાંની સરભર કરી શકે છે.

    હાઈકોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો છે કારણ કે હિમાચલ સરકાર પર એક હાઇડ્રોપાવર કંપનીનું ₹150 કરોડનું લેણું છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અજય મોહન ગોયલની ખંડપીઠે આદેશ આપ્યો છે કે, કંપની દિલ્હીમાં બનેલા ‘હિમાચલ ભવન’ની હરાજી કરી શકે છે. આ સાથે કોર્ટે પાવર ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવને સાત ટકા વ્યાજ સાથે ₹64 કરોડની આર્બિટ્રેશન એવોર્ડની રકમ જમા કરાવવામાં નિષ્ફળતા માટે કયા અધિકારીઓ જવાબદાર હતા, તે વિશેની તપાસ કરવાના પણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, 15 દિવસની અંદર તપાસ પૂર્ણ કરવામાં આવે અને આગામી સુનાવણી સમયે, એટલે કે 6 ડિસેમ્બરના રોજ તે રિપોર્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવે.

    હિમાચલ હાઈકોર્ટના આ આદેશ બાદ રાજકારણ પણ ગરમાયું છે. હિમાચલના કોંગ્રેસી મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ આ માટે કાનૂની લડાઈ લડવાની વાત પણ કહી છે. ઉપરાંત એડવોકેટ જનરલ અનૂપ રતને જણાવ્યું છે કે, આ આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે અને આ મહિનામાં જ તેના પર સુનાવણી થઈ શકે છે. જોકે, આ વિવાદને સમજવા માટે આખા કેસ વિશેની માહિતી હોવી અનિવાર્ય છે. આપણે આ લેખમાં સમગ્ર વિવાદ વિશે ચર્ચા કરીશું.

    - Advertisement -

    શું સમગ્ર વિવાદ?

    આ આખા વિવાદનું મૂળ 28 ફેબ્રુઆરી, 2009ની તારીખ છે. આ એ જ તારીખ છે કે, જે તારીખે હિમાચલ સરકારે સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપનીને એક પ્રોજેક્ટ આપ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં ચિનાબ નદી પર 320 મેગાવોટનો એક પાવર પ્લાન્ટ બનાવવાનો હતો. આ માટે હાઇડ્રોપાવર કંપનીએ ₹64 કરોડની ડિપોઝિટ પણ જમા કરી દીધી હતી. ટેક્નિકલી તેને અપફ્રન્ટ પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નહીં.

    પ્રોજેક્ટ સમયે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનને જરૂરી માર્ગ નિર્માણમાં મદદ કરવા માટે તહેનાત કરવામાં આવી હતી. કંપની અને સરકાર વચ્ચે થયેલા કરાર મુજબ, રાજ્ય સરકારે હાઇડ્રો કંપનીને સમયસર પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. પરિણામે કંપનીએ 2017માં હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. કંપનીના વકીલે દલીલ કરી હતી કે, સુવિધાઓના અભાવે કંપનીએ પ્રોજેક્ટ છોડી દેવાની અને સરકારને તે પ્રોજેક્ટ પરત કરવાની ફરજ પડી છે.

    દલીલમાં વધુમાં કહેવાયું હતું કે, આ ઘટના બાદ રાજ્ય સરકારે અપફ્રન્ટ પ્રીમિયમ પણ જપ્ત કરી લીધું છે. એટલે કંપનીએ ડિપોઝિટ પેટે આપેલી ₹64 કરોડની રકમ પણ રાજ્ય સરકારે જપ્ત કરી લીધી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે 13 જાન્યુઆરી, 2023ના રોજ સરકારને ₹64 કરોડનું અપફ્રન્ટ પ્રીમિયમ કંપનીને પરત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સરકારે તે રકમ પરત કરવાની જગ્યાએ લેટર્સ પેટન્ટ અપીલ (એક જ હાઈકોર્ટમાં એક જ ન્યાયાધીશ દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ બીજી બેન્ચમાં અપીલ કરવી) દાખલ કરી હતી.

    જોકે, હાઈકોર્ટની બેન્ચે મધ્યસ્થી રકમ કોર્ટમાં જમા કરાવવાની શરત સાથે એકલ ન્યાયાધીશના આદેશ પર રોક લગાવી દીધી હતી. તેમ છતાં રાજ્ય સરકારે કોર્ટમાં તે રકમ જમા ન કરી. જે બાદ હાઈકોર્ટની બેન્ચે એકલ ન્યાયાધીશની બેન્ચના નિર્ણયને યોગ્ય ઠેરવીને 15 જુલાઈ, 2024ના રોજ તેમના આદેશ પરથી રોક હટાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે, રાજ્ય સરકાર વ્યાજ સહિત તમામ રકમ કંપનીને પરત કરશે.

    તેમ છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી. જે બાદ આખરે સોમવારે (18 નવેમ્બર) હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું કે, કંપની દિલ્હી સ્થિત હિમાચલ ભવનની હરાજી કરી શકે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે, સરકારને પહેલાં ₹64 કરોડ પરત કરવાના થતા હતા. પરંતુ કોર્ટે 7% વ્યાજ સાથે રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. તે હિસાબે હવે સરકારે કંપનીને લગભગ ₹150 કરોડ ચૂકવવાના થશે. કોર્ટ તરફથી વારંવાર ફટકાર મળી હોવા છતાં હિમાચલની કોંગ્રેસ સરકાર તે સામાન્ય રકમ કંપનીને આપવા માટેનો ઇનકાર કરી રહી છે. તેવામાં રાજ્યની આર્થિક સ્થિતિને લઈને પણ ફરી પ્રશ્નો ઊઠવાના શરૂ થઈ ગયા છે.

    કોર્ટના આદેશ બાદ ગરમાયું રાજકારણ

    હિમાચલ હાઈકોર્ટના આદેશ બાદ હવે રાજકારણ પણ ગરમાયું છે. હિમાચલ પ્રદેશના વિપક્ષના નેતા અને ભાજપના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ સરકાર હિમાચલ પ્રદેશની પણ હરાજી કરી શકે છે. ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રી સુક્ખુના નેતૃત્વવાળી સરકાર હિમાચલના હિતો અને તેની સંપત્તિની રક્ષા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. આ ઉપરાંત ભાજપના નેતાઓએ રાજ્યના કાયદા વિભાગની કાર્યક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, તે હિમાચલ પ્રદેશનો કેસ અસરકારક રીતે કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે.

    જયરામ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “હિમાચલ પ્રદેશની સ્થિતિ ખૂબ ખરાબ છે. સરકાર આપણાં રાજ્યના લોકોના હિતોની રક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે. દિલ્હીમાં હિમાચલ ભવન દરેક હિમાચલીનું ગૌરવ છે. દિલ્હીનું હિમાચલ ભવન રાજ્યના તે દરેક વ્યક્તિનું બીજું ઘર છે, જે વારંવાર રાજધાનીની મુલાકાતે જાય છે. મને ડર છે કે, જો આવી જ સ્થિતિ રહી તો આવનારા દિવસોમાં શિમલામાં આપણાં રાજ્ય સચિવાલય, વિધાનસભા ભવન અને અન્ય પણ ઇમારતોને કોર્ટ દ્વારા કુર્ક કરી દેવામાં આવશે.”

    દેવામાં ડૂબી ગઈ છે હિમાચલની કોંગ્રેસ સરકાર

    હિમાચલની કોંગ્રેસ સરકારનું દેવું સતત વધી રહ્યું છે. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવી તે પહેલાં માર્ચ 2022 સુધીમાં ₹69 હજાર કરોડનું દેવું હતું. પરંતુ કોંગ્રેસના સત્તામાં આવ્યા બાદ ઘટવાની જગ્યાએ દેવું હરણફાળ ભરીને આગળ વધી રહ્યું છે. માર્ચ 2024 સુધીમાં હિમાચલની કોંગ્રેસ સરકાર પર ₹86,600 કરોડથી વધુનું દેવું થઈ ગયું છે. માર્ચ 2025 સુધીમાં કોંગ્રેસ સરકારનું દેવું વધીને લગભગ ₹95 હજાર કરોડ થઈ જશે તેવું અનુમાન છે. કોંગ્રેસ સરકારે સત્તામાં આવ્યા પહેલાં અનેક વાયદાઓ કર્યા હતા, જેમાં હિમાચલનું તમામ દેવું ચૂકવી દેવાની વાત પણ કરવામાં આવી હતી. પરંતુ તાજેતરના આંકડા જોતાં લાગી રહ્યું છે કે, રાજ્યનું દેવું જૂના તમામ રેકોર્ડ તોડીને આગળ વધી રહ્યું છે.

    હિમાચલ પ્રદેશની સ્થિતિ એટલી ભયજનક થઈ ગઈ છે કે, એક હાઇડ્રો કંપનીના ₹64 કરોડ ચૂકવવા માટે પણ કાયદાકીય લડાઈ લડવામાં આવી રહી છે. જોકે, આવું થવા પાછળનું કારણ પણ કોંગ્રેસ સરકારની ‘મફતની રેવડી યોજના’ઓ છે. રાજ્યની આવક કરતા વધુ તો મફતની રેવડીઓ વહેંચવામાં ખર્ચાય છે. આ બધા કારણોને લઈને રાજ્યની કોંગ્રેસ સરકાર ટીકાઓનો સામનો કરી રહી છે.

    કેમ સર્જાઈ આવી સ્થિતિ?

    હિમાચલ સરકારનું વાર્ષિક બજેટ ₹58,444 કરોડ જેટલું છે. જેમાંથી માત્ર પગાર, પેન્શન અને જૂની લૉન ચૂકવવામાં જ ₹42,079 કરોડ ખર્ચાઈ જાય છે. જેમાંથી ₹20,000 કરોડ તો માત્ર ઓલ્ડ પેન્શન સ્કીમ પાછળ ખર્ચ થઈ રહ્યા છે, જે લાગુ કરવા માટે કોંગ્રેસ દરેક રાજ્યમાં ફરીને વાયદો કરતી રહે છે અને કેન્દ્રમાં પણ લાગુ કરવાની વાતો કરતી રહે છે. બજેટનો મોટો હિસ્સો તો માત્ર રાજ્યના કર્મચારીઓનાં પેન્શન અને પગાર આપવામાં જ જશે. લગભગ ₹5479 કરોડ જૂની લૉન ચૂકવવા અને ₹6,270 કરોડ વ્યાજ ચૂકવવા માટે ખર્ચવામાં આવશે. એટલે જોવા જઈએ તો 20% હિસ્સો આ બધામાં જ પૂરો થઈ જશે. પેન્શન ઉપર બીજા ₹27,000 કરોડ ખર્ચાશે. આ બધાં મળીને કુલ બજેટનો હિસ્સો લગભગ 66% જેટલો છે.

    મફતના વાયદા પૂરા કરવામાં ખર્ચાય છે રૂપિયા

    એક તરફ પરિસ્થિતિ આવી છે અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી સરકાર બન્યા પહેલાં જે મફતના વાયદા કરી ચૂકી હતી, તેને પૂર્ણ કરવા માટે હજારો કરોડ ખર્ચાઈ રહ્યા છે. રાજ્યની આર્થિક સ્થિતિ ઠીક ન હતી છતાં લોકસભા ચૂંટણીની તરત પહેલાં હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે ચૂંટણી વાયદો પૂર્ણ કરવાના નામે મહિલાઓને દર મહિને ₹1500 આપવાની સ્કીમ લૉન્ચ કરી દીધી હતી. CM સુક્ખુએ કહ્યું હતું કે, આ ‘ઈન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સમ્માન નિધિ યોજના’ પાછળ રાજ્ય સરકાર વર્ષના ₹800 કરોડ ખર્ચશે અને 18થી 60 વર્ષની વયની 5 લાખ મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવશે.

    બીજી તરફ, જૂની પેન્શન યોજના લાગુ કરવા ગયા ત્યાં ₹1000 કરોડનો વધારાનો ખર્ચ આવે છે. ₹18 હજાર કરોડ સરકારે મફત વીજળી માટે સબસિડી આપવામાં ખર્ચ્યા. જોકે, મફત વીજળી માટે તો હિમાચલ સરકારે 300 યુનિટ ફ્રી આપવાનો વાયદો કર્યો હતો પણ પરિસ્થિતિ એ આવીને ઉભી રહી કે પહેલાંથી જે 125 યુનિટ વીજળી આપવામાં આવતી હતી, તેમાં પણ નિયંત્રણો લાદીને નક્કી કર્યું કે ઇન્કમ ટેક્સ પેયરોને 125 યુનિટ પણ ફ્રી વીજળી આપવામાં નહીં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં