Monday, July 1, 2024
More
    હોમપેજદેશશું છે NEET UGને લઈને ચાલતો વિવાદ, પરિણામ બાદ કેમ હજારો વિદ્યાર્થીઓ...

    શું છે NEET UGને લઈને ચાલતો વિવાદ, પરિણામ બાદ કેમ હજારો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે વિરોધ: જાણો એ તમામ કારણો જેના લીધે પરીક્ષા રદ કરવાની ઉઠી રહી છે માંગ

    ટૂંકમાં કહી શકાય છે કે, નીટની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી. કારણ કે, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પેપર લીક થયું હોવાના સમાચારો સામે આવ્યા હતા. તેમ છતાં પરીક્ષા રદ થઈ નહોતી. ત્યારબાદ 14 જુલાઈએ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હતું, સંજોગવશ તે 4 જૂનના રોજ થયું. તેથી વિદ્યાર્થીઓના રોષમાં વધારો થયો.

    - Advertisement -

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 4 જૂન 2024ના રોજ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી NEET UG-2024 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. દેશની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકીની એક NEET UG પરીક્ષા આ વખતે વિવાદમાં ઘેરાઈ છે. વિવાદનું કારણ તેનું પરિણામ છે. જોકે, પરીક્ષાની શરૂઆત સાથે પણ પેપર લીકને લઈને વિવાદ વકર્યો હતો. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા સમયે પણ પરીક્ષા કેન્દ્રની બહાર હોબાળો કર્યો હતો. તેમ છતાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરંતુ હવે 4 જૂન, 2024ના રોજ તે પરીક્ષાનું પરિણામ આવ્યું છે. જેને લઈને ફરી એકવાર NEET UG પરીક્ષા અંગેનો વિવાદ વધ્યો છે.

    NTAએ 4 જૂનના રોજ NEET UG એટલે કે ‘નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ- અન્ડર ગ્રેજ્યુએટ’નું પરિણામ જાહેર કર્યું હતું. તે પરિણામ હાલ વિવાદમાં સપડાયું છે. આખા દેશમાં નીટ પરીક્ષાના પરિણામને લઈને હોબાળો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થીઓમાં એવી માંગ ઉઠી રહી છે કે, નીટ પરીક્ષા 2024ને રદ કરીને ફરીથી પરીક્ષા યોજવામાં આવે. નોંધનીય છે કે, મે મહિનામાં પરીક્ષાના સમયે પણ પેપર લીકના સમાચારો વહેતા થયા હતા. ત્યારે પણ પરીક્ષા રદ કરવાની માંગ ઉઠી હતી અને હવે પરિણામ આવ્યું છે તો તે માંગ વધુ પ્રબળ થઈ છે. ત્યારે તે સમજવું ખૂબ જરૂરી છે કે, આ આખો વિવાદ શું છે અને શા કારણથી ઊભો થયો છે.

    67 વિદ્યાર્થીઓના ટોપ થવાથી શરૂ થયો વિવાદ

    વર્ષ 2024માં નીટની પરીક્ષામાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. તેમાં પણ ખાસ વાત તો એ છે કે, આ વખતના નીટ પરીક્ષાના પરિણામમાં 67 વિદ્યાર્થીઓને ટોપર જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને 720માંથી 720 અંક મળ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 અંકો પણ મળ્યા છે. આવું પરિણામ આવ્યા બાદ NEET UG પરીક્ષાને લઈને વિવાદ ઊભો થયો છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે, આટલી વધુ સંખ્યામાં બાળકોને આટલા પ્રમાણમાં માર્કસ મળવા અસંભવ છે.

    - Advertisement -

    નીટ યુજીમાં એકસાથે 67 પરીક્ષાર્થીઓને 720માંથી 720 અંક લાવવા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ઘણા ઉમેદવારો અને કેટલીક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનો એવો તર્ક છે કે, જ્યાં એક અથવા તો બે વિદ્યાર્થીઓ NEET UGમાં 720માંથી 720 માર્કસ મેળવતા હતા, ત્યારે આ વખતે 67 વિદ્યાર્થીઓ 720 માર્કસ સાથે કેવી રીતે પાસ થયા. તેમાંથી પણ દાવો છે કે 8 વિદ્યાર્થીઓ તો એક જ પરીક્ષા કેન્દ્રના હતા.

    હવે જ્યારે 67 બાળકોએ NEET UGમાં 720માંથી 720 માર્કસ મેળવ્યા છે, ત્યારે લોકો આશ્ચર્યચકિત છે કે આવું કેવી રીતે થઈ શકે. NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા આપવામાં આવેલા ગ્રેસ માર્કસને કારણે વિદ્યાર્થીઓને 718, 719 માર્કસ મળ્યા છે, જે NEETની માર્કિંગ સ્કીમ મુજબ અશક્ય લાગે છે. NEET UG પરીક્ષા કુલ 720 માર્કસની હોય છે, આવી સ્થિતિમાં જે બાળકોએ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે, તેનો અર્થ એ છે કે તેમણે કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો નથી. જો કોઈ એક પ્રશ્નનો ખોટો જવાબ આપે તો તેને 715 માર્ક્સ મળવા જોઈએ અને જો તે એક પ્રશ્ન છોડી દે તો તેને 716 માર્ક્સ મળવા જોઈએ. પરંતુ અહીં વિદ્યાર્થીઓને 718 અને 719 માર્કસ પણ મળ્યા છે. આ મામલે NTAનું કહેવું છે કે તેમણે અમુક ઉમેદવારોને તેમની જવાબ આપવાની ક્ષમતા અને વેડફાયેલા સમયના આધારે વળતર તરીકે આ ગુણ આપ્યા છે, એ જ કારણ છે કે અમુકના માર્ક્સનો સરવાળો 718-719 થાય છે.

    એક પ્રશ્નના બે સાચા જવાબ

    વિવાદનું બીજું કારણ એક પ્રશ્નના બે સાચા જવાબો પણ છે. NEET પરીક્ષામાં હાજર થયેલા એક ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં ઉમેદવારે NTA પર આરોપ લગાવ્યો છે કે, NEET આન્સર-કીના એક પ્રશ્નના બે વિકલ્પો સાચા ગણવામાં આવ્યા છે, જ્યારે સૂચનાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે, માત્ર એક જ વિકલ્પ સાચો હોઈ શકે છે. આ અંગે આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, જેમણે પરીક્ષામાં આ પ્રશ્નનો જવાબ આપ્યો નથી તેમને પણ સમાન માર્કસ આપવામાં આવે. જે રીતે બંને સાચા જવાબ આપનારાઓને આપવામાં આવ્યા છે.

    નક્કી કરાયેલી તારીખ પહેલાં જાહેર કરાયું પરિણામ

    NTAએ 4 જૂનના રોજ NEET UG 2024ના પરિણામો જાહેર કર્યા હતા, જ્યારે તેના માટેની તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, NTAના નિર્ધારિત તારીખના 10 દિવસ પહેલાં પરિણામ જાહેર કરવા પર પણ સવાલો ઉભા થયા છે. જવાબમાં, NTAએ જણાવ્યું હતું કે, “તેની તમામ પરીક્ષાઓના પરિણામ આન્સર-કી ઓબ્જેક્શન અવધિ બાદ રિઝલ્ટ પ્રોસેસિંગમાં જરૂરી તપાસ પૂર્ણ થયા બાદ વહેલી તકે જાહેર કરી દેવામાં આવે છે અને સ્થાપિત પ્રક્રિયા અનુસાર, નીટ યુજી 2024નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. NTA એ કહ્યું છે કે, તે 30 દિવસમાં લગભગ 23 લાખ ઉમેદવારોના પરિણામો જાહેર કરવામાં સફળ રહ્યા છે. બીજી તરફ, JEE મેન્સ 2024 સેશન-1નું પરિણામ 11 દિવસમાં અને સેશન-2નું પરિણામ 15 દિવસમાં જાહેર કરવામાં આવ્યું છે.

    પેપર લીકના લાગ્યા હતા આરોપો

    નોંધનીય છે કે, બિહારની રાજધાની પટનામાં NEET UGનું પેપર લીક થયું હોવાના આક્ષેપો પણ લાગ્યા હતા. NTAએ પેપર લીકના કોઈપણ મામલાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે જણાવ્યું હતું કે, તેમણે આ કેસમાં ધરપકડ કરાયેલા સંગઠિત ગેંગના સભ્યો પાસેથી એડમિટ કાર્ડ, પોસ્ટ-ડેટેડ ચેક અને સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. જોકે, સઘન તપાસ ચાલી રહી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનું કહેવું છે કે, અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવા પેપર લીકની પુષ્ટિ કરવા માટે પૂરતા નથી. તેથી આ આરોપોના કારણે પણ NEET પરીક્ષાના પરિણામનો વિરોધ થઈ રહ્યો છે. પરિણામમાં 67 વિદ્યાર્થીઓના ટોપ કરવાની ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

    તે સિવાય રાજસ્થાનના સવાઈ માધોપુરમાં હિન્દી મીડિયમના કેટલાક વિદ્યાર્થીઓને ભૂલથી અંગ્રેજી મીડિયમના પેપર આપી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ઉમેદવારો પેપર હાથમાં લઈને પરીક્ષા કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. NTAએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. જોકે, એજન્સીએ કહ્યું હતું કે, પેપર લગભગ 4 વાગ્યે ઈન્ટરનેટ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થઈ ચૂકી હતી. દેશનાં બાકી બધાં કેન્દ્રો પર પરીક્ષા સારી રીતે યોજાઈ ચૂકી હતી. પરંતુ આ ઘટનાના કારણે પણ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તમામ ઘટનાનો રોષ પરિણામ સમયે એકસાથે જોવા મળી રહ્યો છે.

    કંપનસેશન પોઇન્ટ્સ અને એજન્સીની સ્પષ્ટતા

    વિદ્યાર્થીઓની દલીલ છે કે, 67 ટોપર્સમાંથી 44ને બેઝિક ફિજિક્સના પ્રશ્નનો જવાબ ખોટો મળ્યો, પરંતુ તેમ છતાં તેમને ‘ગ્રેસ પોઈન્ટ્સ’ આપવામાં આવ્યા કારણ કે, NCERTની ધોરણ 12ના પાઠ્યપુસ્તકના જૂના સંસ્કરણમાં ભૂલ હતી. આની પાછળનો તર્ક એ હતો કે, 720ના હાઈએસ્ટ માર્કસ પછી, આગામી હાઈએસ્ટ સંભવિત સ્કોર 716 હતો. જ્યારે, 718 અને 719ના આંકડાનો કોઈ અર્થ જ નહોતો. NTAએ પ્રેસ રિલીઝ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, 6 ટોપર્સ સહિત કેટલાક ઉમેદવારોએ સમય ગુમાવવા બદલ વળતર પોઇન્ટ આપવામાં આવ્યા હતા.

    NTAએ કહ્યું હતું કે, “પરીક્ષા સમયના નુકશાન વિશેની જાણકારી મેળવવામાં આવી હતી અને માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા 13 જૂન 2018ના તેના ચુકાદા હેઠળ સ્થાપિત તંત્ર/સૂત્ર મુજબ, આવા ઉમેદવારોને ઉત્તર આપવાની તેમની ક્ષમતા અને નુકસાન થયેલા સમયના આધાર પર અંકોની સાથે કંપનસેશન આપવામાં આવ્યું છે.” પ્રેસ રિલીઝ અનુસાર, 1563 વિદ્યાર્થીઓને કંપનસેશન આપવામાં આવ્યું હતું. તેમાંના બે પરીક્ષાર્થીઓનો સ્કોર કંપનસેશનના પોઇન્ટ્સના કારણે 718 અને 719 છે. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે, ગ્રેસ માર્કસ આપવાનો નિર્ણય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર સમયના નુકસાનને લઈને પંજાબ, હરિયાણા, દિલ્હી અને છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ આવ્યો છે.

    બીજી તરફ એજન્સીએ 720માંથી 720 માર્કસ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધવાને લઈને પણ સ્પષ્ટતા કરી છે. NTAએ કહ્યું કે, 2023માં હાજર રહેલા ઉમેદવારોની સંખ્યા 20,38,596 હતી, જ્યારે 2024માં હાજર રહેનારાઓની સંખ્યા વધીને 23,33,297 થઈ ગઈ હતી. ઉમેદવારોની સંખ્યામાં વૃદ્ધિના કારણે વધુ સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓમાં પણ વૃદ્ધિ થવી સ્વાભાવિક છે. જોકે, 3 લાખ ઉમેદવારોની વૃદ્ધિ એટલી મોટી સંખ્યા નથી કે, રેન્કમાં એટલા વધારાને યોગ્ય ઠેરવી શકાય.

    આ વર્ષે કુલ 67 વિદ્યાર્થીઓએ NTA દ્વારા જાહેર કરાયેલ NEET પરીક્ષાના પરિણામમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને ઑલ ઈન્ડિયા રેન્ક 1 પ્રાપ્ત કર્યો છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો બે કે ત્રણથી વધુ વિદ્યાર્થીઓ આ સ્થાન હાંસલ કરી શક્યા નથી. ગયા વર્ષની વાત કરીએ તો પરીક્ષામાં બે લોકોએ ટોપ કર્યું હતું. જ્યારે વર્ષ 2022માં એક, 2021માં ત્રણ, 2020માં એક અને 2019માં પણ એક ટોપર હતો. તેવામાં એકસાથે 67 વિદ્યાર્થીઓનું ટોપ કરવું વિવાદનું મૂળ કારણ બની ગયું છે. એજન્સીએ આ મુદ્દે વિસ્તૃત સ્પષ્ટીકરણ આપવું અનિવાર્ય છે.

    ટૂંકમાં કહી શકાય છે કે, નીટની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી. કારણ કે, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પેપર લીક થયું હોવાના સમાચારો સામે આવ્યા હતા. તેમ છતાં પરીક્ષા રદ થઈ નહોતી. ત્યારબાદ 14 જૂને પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હતું, સંજોગવશ તે 4 જૂનના રોજ થયું. તેથી વિદ્યાર્થીઓના રોષમાં વધારો થયો, આ સાથે જ પરિણામમાં 67 ટોપર જાહેર થયા અને 719 અને 718 જેવા માર્કસ મળવાના કારણે આ ઘટનાએ વધુ તૂત પકડયું અને આખા દેશમાં વિરોધ ફાટી નીકળ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં