Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલસરકારી અધિકારી બનીને લોકોને ઘરમાં જ કેદ કરી ઠગવાનું ષડ્યંત્ર: શું હોય...

    સરકારી અધિકારી બનીને લોકોને ઘરમાં જ કેદ કરી ઠગવાનું ષડ્યંત્ર: શું હોય છે ‘ડિજિટલ અરેસ્ટ’, કઈ પદ્ધતિઓ અપનાવીને ગુનો આચરે છે ઠગ ટોળકીઓ, બચવા માટે શું કરવું?- જાણો, સમજો અને સતર્ક રહો

    ડિજિટલ અરેસ્ટથી બચવા માટે સૌથી પહેલાં તો તે જાણવું જરૂરી છે કે, કોઈપણ સરકારી અધિકારી અથવા તો સરકારી સંસ્થા ક્યારેય કોઈ વ્યક્તિ વિરુદ્ધ ઓનલાઈન કાર્યવાહી કરીને અરેસ્ટ નથી કરતી. ક્યારેય પૂછપરછ જેવી સામાન્ય બાબતો માટે કોલ પણ નથી કરતી.

    - Advertisement -

    દેશભરમાં ડિજિટલ અરેસ્ટના (Digital Arrest) કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ અનેક એવા મામલા સામે આવ્યા છે, જેમાં લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને કરોડોની છેતરપિંડી (Fraud) આચરવામાં આવી હોય. ડિજિટલ અરેસ્ટ દ્વારા સાયબર ઠગો (Cyber ​​Criminals) સરળતાથી લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે, દેશના અનેક લોકો તેનો શિકાર બની પણ ચૂક્યા છે. પરંતુ, તેનાથી ડરવાની કે ટેકનોલોજીને દોષ આપવાની કોઈ જરૂર નથી. ડિજિટલ અરેસ્ટથી બચવા માટે સાયબર એક્સપર્ટ (Cyber ​​Expert) અને સાયબર પોલીસ (Cyber ​​Police) વારંવાર નિર્દેશો આપતા રહે છે. ઉપરાંત સરકાર પણ આ સંકટને લઈને સતર્કતાથી કામ કરે છે.

    તાજેતરમાં વડોદરાની એક ઘટના સામે આવ્યા બાદ ડિજિટલ અરેસ્ટની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, રાજ્યમાં બનેલી તે પહેલી ઘટના નહોતી, તે પહેલાં અમદાવાદમાં પણ એક વૃદ્ધ દંપતીને TRAI (Telecom Regulatory Authority of India)ના અધિકારી હોવાનું કહીને ઠગ ટોળકીએ ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને કરોડોની ઠગાઈ કરી હતી. તે સિવાય પણ અનેક વખત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સામે આવી હતી.

    પરંતુ, વડોદરાની ઘટનાની ચર્ચા દેશભરમાં વધુ થઈ રહી છે. કારણ કે, તે ઘટનામાં ભોગ બનનાર મહિલા એક શિક્ષિકા હતાં. આ ઘટનાને લઈને સામાન્ય લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ તેનાથી ડરવાની કોઈ જરૂર નથી.જરૂર છે માત્ર સતર્ક અને સાવધાન રહેવાની. આપણે આ વિશેષ અહેવાલમાં ‘ડિજિટલ અરેસ્ટ’ વિશે વિગતે માહિતી મેળવીશું અને તેનાથી બચવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરીશું.

    - Advertisement -

    શું હોય છે ડિજિટલ અરેસ્ટ?

    ડિજિટલ ક્રાઇમ અને છેતરપિંડીનું અપગ્રેડ વર્ઝન ‘ડિજિટલ અરેસ્ટ’ છે. ડિજિટલ અરેસ્ટ લોકોને બ્લેકમેલ કરીને ઠગવાની એક એડવાન્સ પદ્ધતિ છે. તેની સરળ અને સાદી વ્યાખ્યા એ છે કે, ઓનલાઈન માધ્યમથી લોકોને ઘરમાં જ નજર કેદ કરી, કાયદાનો ડર બતાવી તેની સાથે છેતરપિંડી કરવી. ડિજિટલ અરેસ્ટમાં કોઈ વ્યક્તિ ભોગ બનનારને ઓનલાઈન વિડીયો કોલ કે સામાન્ય કોલ દ્વારા કાયદાની ધમકી આપીને તેના પર સતત નજર રાખે છે અને માનસિક પ્રતાડિત કરે છે. આ દરમિયાન સાયબર ઠગ ટોળકી નકલી પોલીસ અધિકારી, ED અધિકારી, CBI અધિકારી કે અન્ય સરકારી અધિકારી બનીને લોકોને બ્લેકમેલ કરે છે અને કરોડોની છેતરપિંડી કરે છે.

    આ દરમિયાન તે ટોળકી ભોગ બનનારને વિડીયો કોલમાં સતત કનેકટેડ રહેવા માટે કહે છે અને જો આવું નહીં કરવામાં આવે તો કાયદાનો ડર બતાવીને માનસિક રીતે ભાંગી પાડે છે. દરમ્યાન તે કેસને રફેદફે કરવા માટે પૈસાની માંગણી કરે છે અથવા તો કેસને લઈને ડિપોઝિટ જમા કરાવવા માટેનું કહે છે. ભોગ બનનાર વ્યક્તિ તેની વાતોમાં આવીને તેવું કરે છે અને બાદમાં તેને ખ્યાલ આવે છે, તેની સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે, પરંતુ તે સમયે અફસોસ કરવાનો કોઈ અર્થ રહેતો નથી.

    કઈ રીતે થાય છે ડિજિટલ અરેસ્ટની શરૂઆત?

    ડિજિટલ અરેસ્ટની શરૂઆત એક મેસેજ, ઇ-મેઇલ અથવા તો કોલ દ્વારા થાય છે. ડિજિટલ ઠગો ઓનલાઈન માધ્યમથી લોકોનો સંપર્ક કરીને પોતે સરકારી અધિકારી હોવાનું કહે છે. તે વિડીયો કોલમાં વાત પણ કરે છે અને સરકારી અધિકારી તરીકેના ખોટા પુરાવા પણ રજૂ કરી શકે છે. આ ઉપરાંત તેણે જે-તે વિભાગનો યુનિફોર્મ પણ પહેરેલો હોય છે. જેમ કે, વડોદરાની ઘટનામાં સાયબર ઠગે એક IPS અધિકારી બનીને મહિલા શિક્ષિકા સાથે વાત કરી હતી. આ એક કોલ, મેસેજ કે ઇ-મેઇલ દ્વારા સાયબર અરેસ્ટની શરૂઆત થાય છે.

    ત્યારબાદ તે ખોટા કેસો ગણાવીને લોકોને ડરાવે છે અને માનસિક રીતે પરેશાન કરવાનું શરૂ કરે છે. જે બાદ વિડીયો કોલ દ્વારા કલાકો સુધી ઘરમાં જ ગોંધી રાખે છે અને જો ભૂલથી પણ દરવાજો ખોલવાનો કે બહાર કોઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેઓ કાયદાનો ડર બતાવીને કાર્યવાહી કરવા માટેની વાતો કરવા લાગે છે. જેના કારણે લોકો ડરી જાય છે અને તેની બધી વાતોને માનવા લાગે છે.

    કઈ-કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે સાયબર ઠગો?

    સાયબર ઠગ ટોળકી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે. પરંતુ સામાન્ય રીતે આવા લોકો 4થી 5 પદ્ધતિઓનો ઉપયોગ કરતા રહ્યા છે. અહીં પાંચ પદ્ધતિઓ વિશે મુદ્દાસર માહિતી આપવામાં આવી રહી છે, જે સામાન્ય રીતે ઠગ ટોળકીઓ અપનાવતી હોય છે. આ પાંચ પદ્ધતિઓની માહિતી ભૂતકાળમાં દેશભરમાં નોંધાયેલા ‘સાયબર અરેસ્ટ’ના બનાવો સાથે સંલગ્ન છે.

    1 – ફેક પાર્સલ

    સાયબર ઠગ સૌથી પહેલાં તમને એક કોલ કરશે અથવા તો ઓનલાઈન માધ્યમથી તમારો સંપર્ક કરશે. તેઓ પોતાને એક સરકારી અધિકારી તરીકે રજૂ કરશે અને કહેશે કે, તમારા નામે કોઈ પાર્સલ મળ્યું છે અથવા તો તમારા નામે એક કુરિયર થયું છે, જેમાંથી નશીલા પદાર્થો, જેવા કે ડ્રગ્સ, હેરોઇન વગેરે જેવી વસ્તુઓ મળી છે. ઉપરાંત તેઓ મની લોન્ડરિંગ વિશે પણ વાત કરશે. ત્યારબાદ તેઓ તમને કાયદાનો ડર બતાવશે અને ધરપકડની વાત કરશે. આ ઉપરાંત તે ખોટા સરકારી દસ્તાવેજો દર્શાવીને તમને સંપૂર્ણપણે વિશ્વાસમાં પણ લઈ લેશે. ત્યારબાદ ધીરે-ધીરે તે કાર્યવાહીના નામે તમને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરશે અને વિડીયો કોલના માધ્યમથી નજર સામે રહેવાનું કહેશે. તેઓ કાયદાનો ડર બતાવીને તમને સરળતાથી ડિજિટલ અરેસ્ટ કરી દેશે. ઉપરાંત તેઓ આ ઘટના વિશે કોઈને ન જણાવવા પણ કહેશે. આ જ પદ્ધતિથી વડોદરાના મહિલા શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

    2 – આધારકાર્ડની ડિટેલ્સ

    સાયબર ઠગ એક અધિકારી બનીને તમારો સંપર્ક કરી તમારા આધારકાર્ડ વિશેની માહિતી આપશે. તેઓ આધારકાર્ડ નંબર અને એડ્રેસ વિશેની પણ માહિતી આપશે, જેથી તમે સરળતાથી તેના વિશ્વાસમાં આવી શકો. ત્યારબાદ તે તમને કહેશે કે, તમારા નામે એક સીમકાર્ડ નોંધાયું છે અને તેનો ઉપયોગ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તમને એવું પણ કહેશે, આ ગુનાને લઈને તમારા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેઓ FIRની ખોટી નકલ પણ બતાવશે અને આવી રીતે તમને વિશ્વાસમાં લઈને ડિજિટલ અરેસ્ટ કરશે અને પૈસા પડાવી લેશે.

    3- મોબાઈલ નંબરનું કૌભાંડ

    આ પદ્ધતિ અંતર્ગત સાયબર ઠગ ટેલિકોમ અધિકારી બનીને તમને કોલ કરશે અથવા તો સંપર્ક કરશે. તેઓ પોતે TRAI અધિકારી હોવાનું કહેશે અને તમારો મોબાઈલ નંબર બંધ કરવા વિશેની જાણકારી આપશે. સવાલ પૂછવા પર તેઓ FIR થઈ હોવાનું કહીને ફેક વૉરન્ટ વિશેની જાણકારી અને ખોટા પુરાવા પણ રજૂ કરશે. ત્યારબાદ તેઓ કાયદાનો ડર બતાવીને માનસિક ત્રાસ આપી તમને ડિજિટલ અરેસ્ટ કરશે અને કરોડોની છેતરપિંડી કરી લેશે. અમદાવાદના એક વૃદ્ધ દંપતીને પણ આ જ પદ્ધતિથી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું.

    4- IVR કોલથી શરૂઆત

    ડિજિટલ અરેસ્ટ અથવા તો સાયબર કૌભાંડની શરૂઆત એક IVR (nteractive voice response) કોલથી પણ થઈ શકે છે. આ કોલમાં કોર્ટ અથવા તો ટેલિકોમ કંપનીના નામનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કોલમાં ફેક વૉરન્ટ વિશે પણ કહેવામાં આવે છે. IVR કોલમાં વધુ માહિતી માટે એક નંબર એન્ટર કરવાનું પણ કહેવામાં આવે છે, જેવો તમે તે નંબર એન્ટર કરો કે તરત જ કોલ અન્ય એક ઠગ પાસે ટ્રાન્સફર થઈ જાય છે અને તે સરકારી અધિકારી બનીને તમારી સાથે વાત કરવા લાગે છે. તે મોટાભાગે પોતાને પોલીસ અધિકારી અથવા કાયદાકીય સંસ્થાના કોઈ અધિકારી તરીકે દર્શાવીને તમને ડિજિટલ અરેસ્ટ કરે છે.

    5- ફેક પોલીસ અથવા તો CBIનો કોલ

    વિક્ટીમને ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયા ઠગવા માટે સાયબર ઠગ પોલીસ અધિકારી, CBI અધિકારી અથવા તો ED અધિકારી બનીને કોલ કરે છે અને ભોગ બનનારને કાયદાનો ડર બતાવવા લાગે છે. ત્યારબાદ વિક્ટીમને વિશ્વાસમાં લઈને તે ડિજિટલ અરેસ્ટ કરે છે અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરે છે.

    ડિજિટલ અરેસ્ટ કાયદેસર છે કે ગેરકાયદેસર?

    કોઈપણ સરકારી અધિકારી કે કાયદાકીય સંસ્થા આરોપીઓને ડિજિટલ અરેસ્ટ કરી શકે કે કેમ? આ પ્રશ્નનો જવાબ ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ આપી ચૂક્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે એક વિડીયો જારી કરીને સાયબર અરેસ્ટ વિશે માહિતી આપી હતી. તેમને કહ્યું હતું કે, આજકાલ સાયબર અરેસ્ટ અથવા તો ડિજિટલ અરેસ્ટ જેવા સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. જેમાં કોઈ વ્યક્તિ સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને કાયદાનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડી કરી કરે છે. પરંતુ, સરકારી અધિકારી કે કોઈપણ કાયદાકીય સંસ્થા ક્યારેય ઓનલાઈન કાર્યવાહી નથી કરતી. તેઓ રૂબરૂ વ્યક્તિ સમક્ષ હાજર થઈને તેની ધરપકડ કરે છે.

    આ ઉપરાંત અમદાવાદના ડેપ્યુટી કમિશનર ડૉ. લવીના સિન્હાએ પણ ડિજિટલ અરેસ્ટને લઈને એક વિડીયો જારી કર્યો છે. તેમણે કહ્યું છે કે, “ડિજિટલ અરેસ્ટ જેવું કઈ હોતું નથી. તે ગેરકાયદેસર છે. પોલીસ ક્યારેય કોઈપણ વ્યક્તિને ઓડિયો અથવા તો વિડીયો કોલના માધ્યમથી અરેસ્ટ નથી કરતી. પોલીસ અથવા તો કોઈપણ એજન્સી હંમેશા ફિઝિકલી અરેસ્ટ જ કરે છે. જો આ અંગે કોઈપણ શંકા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરો અથવા તો 1930 પર સંપર્ક કરો.”

    ડિજિટલ અરેસ્ટથી બચવાના ઉપાયો

    ડિજિટલ અરેસ્ટથી બચવા માટે સૌથી પહેલાં તો તે જાણવું જરૂરી છે કે, કોઈપણ સરકારી અધિકારી અથવા તો સરકારી સંસ્થા ક્યારેય કોઈ વ્યક્તિ વિરુદ્ધ ઓનલાઈન કાર્યવાહી કરીને અરેસ્ટ નથી કરતી. ઉપરાંત સરકારી સંસ્થાઓ ક્યારેય પૂછપરછ જેવી સામાન્ય બાબતો માટે કોલ પણ નથી કરતી. એટલે જો કોઈ વ્યક્તિ કોલ કરીને સરકારી અધિકારી હોવાનો દાવો કરે છે તો તાત્કાલિક ધોરણે સતર્ક થઈ જવું અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવી. બીજું કે, જયારે તમારા વિરુદ્ધ કોઈ પણ કેસ કે ગુનો દાખલ થાય ત્યારે તેના લીગલ પેપર્સ સાથે તમને રૂબરૂ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહેવામાં આવશે અથવા તો જે-તે પોલીસ કે સરકારી વિભાગના કર્મચારીઓ રૂબરૂ બોલાવી જાણ કરશે.

    આ ઉપરાંત આવા કિસ્સોઓથી બચવા માટે હંમેશા પોતાની જાતને સતર્ક રાખો. ત્યારબાદ પોતાના પર વિશ્વાસ રાખો કે, જે આરોપો સામેવાળો વ્યક્તિ તમારા પર લગાવી રહ્યો છે, તે સાચા કઈ રીતે હોય શકે ? જ્યારે તમે તો કોઈ ગેરકાયદેસર કામ કર્યું પણ નથી. એટલે આવી સ્થિતિમાં જરૂરી છે કે, કોલ આવ્યા બાદ પેનિક થયા વગર સમજદારી અને બુદ્ધિથી કામ લો અને પોલીસમાં ફરિયાદ કરો.

    આ ઉપરાંત કોલ કરીને સરકારી અધિકારી કે અન્ય સંસ્થાના અધિકારી તરીકેની ઓળખ આપનારને ક્યારેય પણ પોતાની વ્યક્તિગત માહિતી અથવા તો બેન્ક ડિટેલ્સ આપવી નહીં. કોઈપણ બેન્ક અથવા તો સરકારી સંસ્થા આવી રીતે ઓનલાઈન માધ્યમથી કે કોલ દ્વારા વ્યક્તિગત માહિતી માંગી શકતા નથી અને તેઓ માંગતા પણ નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ફરી રહેલી ભ્રામક ખબરો સાથેની લિંક પર પણ ક્લિક ન કરવાની સાવચેતી રાખવી જરૂરી છે. કારણે કે, તેનાથી તમારી વ્યક્તિગત માહિતી સાયબર ઠગો સુધી પહોંચી જવાની શક્યતાઓ વધી જાય છે.

    સમજી લો કે સાવચેત રહેવા છતાં જો તમે આવા કોઈ ગુનાનો ભોગ બનો છો, તો ગભરાયા વગર તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા તો તેના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માંગો. તમે 1930 પર પણ ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છે. અથવા તો આ વેબસાઇટ પર (https://cybercrime.gov.in/) જઈને સાયબર ક્રાઇમની ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો. ડિજિટલ અરેસ્ટ હોવા દરમિયાન પણ તમે આ કાર્યવાહી કરી શકો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં