બજેટ 2025-26માં (Budget 2025-26) ઇન્કમ ટેક્સના (Income Tax) બોજમાં ઘટાડો કરીને મધ્યમવર્ગને એક મોટી રાહત આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન કર માળખામાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી હતી અને લઘુત્તમ કરપાત્ર આવક વધારીને ₹12 લાખ કરી દીધી હતી. તેનો અર્થ એ થયો કે, ₹12,00,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ નવી કર વ્યવસ્થા હેઠળ કોઈ ઇન્કમ ટેક્સ ભરવો પડશે નહીં.
નાણામંત્રીની જાહેરાત બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અને મીડિયાએ નવા માળખા હેઠળ ઇન્કમ ટેક્સની ગણતરી શરૂ કરી દીધી હતી. જોકે, આટલી ચર્ચા બાદ પણ ઘણા લોકો ઇન્કમ ટેક્સ ગણનાના એક મહત્વપૂર્ણ ઘટકને ભૂલી ગયા છે. જે છે- માર્જિનલ રિલીફ.
Devil is always in the details!
— Manoj Arora (@manoj_216) February 1, 2025
Income <= 12 Lacs; No Tax 👏
Income >12 Lacs; Tax starts from 4 Lacs 🧐
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એવી પણ પોસ્ટ કરી હતી કે, એક વખત વ્યક્તિની આવક ₹12 લાખથી વધી જાય તો તેણે આખી રકમ પર ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. કેટલાક લોકો એવું પણ કહે છે કે, એક વ્યક્તિની આવક ₹11.90 લાખથી વધીને ₹12.10 થઈ જાય તો ₹4 લાખ, ₹8 લાખ અને ₹12 લાખથી ઉપરના સ્લેબ માટેના ટેક્સની ગણનાના આધારે ટેક્સની આવક શૂન્યથી વધીને ₹61,500 થઈ જશે.
શું છે માર્જિનલ રિલીફ અને કઈ રીતે કરે છે તે કામ?
જોકે, તે સાચું પણ છે કે, જો આવક મુક્તિ મર્યાદા કરતાં વધી જાય છે તો સમગ્ર કરપાત્ર આવક પર ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ વાસ્તવમાં મર્યાદાથી થોડીઘણી રકમ વધારે થવા પર છૂટ પણ મળે છે. જેને માર્જિનલ રિલીફ કહેવામાં આવે છે.
છૂટ મર્યાદાથી થોડી વધુ આવક ધરાવતા કરદાતાઓ મર્યાદાથી ઓછી કમાણી કરતાં લોકોની સરખામણીમાં વધુ પડતો કર ન ચૂકવવો પડે તેની ખાતરી કરવા માટે જ નવી કર વ્યવસ્થા હેઠળ માર્જિનલ રિલીફ રજૂ કરવામાં આવે છે. આ માર્જિનલ રિલીફના પરિણામે ₹12 લાખથી થોડી વધુ કમાણી કરતા કરદાતાઓને તેમની આવક પર ગણવામાં આવેલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કારણ કે, ચૂકવવાપાત્ર ટેક્સમાંથી માર્જિનલ રિલીફ કટ કરવામાં આવે છે. તે એક રીતે આંશિક રાહતનું કામ કરે છે.
બજેટમાં જાહેર કરવામાં આવેલ કર માળખા હેઠળ સમગ્ર કરપાત્ર આવક પરની ગણતરી કરાયેલા ટેક્સમાંથી ₹12,00,000થી વધુની રકમ બાદ કરીને માર્જિનલ રિલીફની ગણતરી કરવામાં આવશે અને આ માર્જિનલ રિલીફ ગણતરી કરાયેલા ટેક્સમાંથી બાદ કરી દેવામાં આવશે.
આપણે તેને ₹12,10,000ની કરપાત્ર આવકના ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરીશું. આ આવક ₹12 લાખની મુક્તિ મર્યાદાથી વધુ છે, તેથી તમામ આવક પર ટેક્સની ગણતરી કરવામાં આવશે. સ્લેબ અનુસાર, પહેલા ₹4 લાખના સ્લેબ માટે ટેક્સ 0 હશે, બીજા ₹4 લાખના સ્લેબ માટે 5% પર ₹20,000, ત્યારપછીના ₹4 લાખના સ્લેબ માટે 10% પર ₹40,000 અને છેલ્લે બાકીના ₹10,000 પર 15% હશે. આ રીતે કુલ ભરવાપત્ર ટેક્સની રકમ ₹61,500 થશે.
₹11,90,000ની કમાણી કરનારા વ્યક્તિની સરખામણીમાં ઉપરોક્ત રકમ અયોગ્ય લાગે છે. કારણે કે, ₹11 લાખ, નેવું હજારની આવક ધરાવતા વ્યક્તિએ તો કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો નહીં પડે. પરતું, તેનાથી થોડી જ રકમ વધુ હોવાથી ₹12,10,000 આવક ધરાવતા વ્યક્તિએ તમામ ટેક્સ ચૂકવવો પડશે. તો આવી અનુચિત વ્યવસ્થા દૂર કરવા માટે માર્જિનલ રિલીફની શરૂઆત કરવામાં આવી હતી.

હવે ₹12,10,000ની આવકમાં મર્યાદા કરતાં ₹10,000 આવક વધારે છે. તેથી હવે તેને માર્જિનલ રિલીફ મેળવવા માટે ગણતરી કરાયેલા ટેક્સમાંથી ઘટાડવામાં આવશે. આ કિસ્સામાં તે ₹61,500 – ₹10,000 અથવા ₹51,500 હશે. તેથી આ માર્જિનલ રિલીફને ચૂકવવાપાત્ર ટેક્સ મેળવવા માટે ગણવામાં આવતા ટેક્સમાંથી બાદ કરવામાં આવશે. આ કિસ્સામાં તે ₹61,500- અથવા ₹51.500=₹10,000 હશે.
નવા કર માળખા મુજબ જો કરપાત્ર આવક ₹12 લાખની મર્યાદાથી વધીને મહત્તમ ₹75,000 હશે તો માર્જિન રિલીફનો લાભ મળી શકશે. તેથી જો આવક ₹12,75,000થી વધુ હોય તો તેવા કિસ્સામાં કોઈ માર્જિનલ રિલીફ મળી શકશે નહીં અને તમામ આવક પર ટેક્સ ચૂકવવો જરૂરી બની જશે.