Saturday, June 21, 2025
More
    હોમપેજદેશપાકિસ્તાનના પરમાણુ અડ્ડા પર હુમલા બાદ આવ્યો ભૂકંપ?... શું ન્યુક્લિયર લીક અટકાવવા...

    પાકિસ્તાનના પરમાણુ અડ્ડા પર હુમલા બાદ આવ્યો ભૂકંપ?… શું ન્યુક્લિયર લીક અટકાવવા પહોંચ્યા છે અમેરિકા અને ઈજિપ્તના વિમાનો- અહીં જાણો વિગતવાર

    આ વાત જેટલી મહત્વપૂર્ણ હતી, તેનાથી વધુ મહત્વપૂર્ણ એ હતું કે, આવું કેમ થયું. અમેરિકન મીડિયા સંસ્થાન CNNએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ચિંતાજનક ખુફિયા માહિતી મળ્યા બાદ જેડી વેન્સે બંને દેશો સાથે વાટાઘાટો કરવા અને શાંતિ કરાર પર પહોંચવાનો પ્રયાસ કરવા માટે પગલું ભર્યું હતું.

    - Advertisement -

    7 મે, 2025ના રોજ ભારતે ‘ઑપરેશન સિંદૂર‘ (Operation Sindoor) શરૂ કર્યું અને પાકિસ્તાન (Pakistan) તથા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) 9 આતંકવાદી ઠેકાણાં ધ્વસ્ત કરી નાખ્યા. જવાબમાં પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે તે થવા ન દીધું. શનિવારની (10 મે) સવારે પાકિસ્તાને દિલ્હી પર મિસાઈલ છોડવાની તેની સૌથી મોટી ભૂલ કરી. જોકે, તે મિસાઈલને સિરસામાં જ તોડી પડાઈ. એવી આશંકા હતી કે, તે પાકિસ્તાનની ફતહ-II બેલિસ્ટિક મિસાઈલ હશે. પરંતુ પાકિસ્તાનના આ દુસ્સાહસના જવાબમાં ભારતે પાકિસ્તાનના 11 એરબેઝ ફૂંકી માર્યા. જેમાં નૂરખાન અને મુશાફ એરબેઝ (Nurkhan and Mushaf Air Base) પણ સામેલ હતા. પણ મહત્વની ઘટના ઘટી હતી કિરાના હિલ્સ (kirana hills) પર.

    નૂરખાન એરબેઝ પાકિસ્તાનના રાવલપિંડીમાં છે અને રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર છે. આ એરબેઝ પાકિસ્તાનના સૌથી મહત્વપૂર્ણ એરબેઝમાંનું એક છે. C-130 કાર્ગો, IL-76 રિફ્યુઅલર સહિત પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ વિમાનો અહીં તૈનાત છે. જ્યારે મુશાફ એરબેઝ પાકિસ્તાનના સરગોધામાં છે. તે એરબેઝ ભારતીય સરહદથી માત્ર 150 કિલોમીટર દૂર છે. આ એરબેઝ પર પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ વિમાનો તૈનાત હતા, જેમાં F-16, JF-17 અને મિરાજનો સમાવેશ થાય છે.

    મુશાફ એરબેઝ પર થયેલા હુમલા સમયની તસવીર

    એવી પણ અટકળો છે કે, આમાંના ઘણા વિમાનોને ભારતે તોડી પાડ્યા હતા. તેની તસવીરો પણ સામે આવી છે. સેટેલાઈટથી લેવામાં આવેલી તસવીરોમાં પણ ભારતીય હુમલાની અસર સ્પષ્ટપણે દેખાય છે. મુશાફ અને નૂરખાન જેવા લશ્કરી ઠેકાણાં પરનો હુમલો બંને દેશો વચ્ચે વધતા તણાવમાં એક વળાંક હતો. કારણ કે નૂરખાન પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ છે અને સરગોધાની નજીક કિરાના હિલ્સ હતી, જે પાકિસ્તાનની પરમાણુ સ્ટોરેજ ફેસિલિટી છે.

    - Advertisement -
    નૂરખાન એરબેઝ પર થયેલી તબાહી

    કિરાના હિલ્સ પર પણ ભારતનો પ્રહાર?

    સરગોધાના મુશાફ એરબેઝ પર હુમલો એક મોટી ઘટના છે, પરંતુ આ સમય દરમિયાન કદાચ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ ઘટના બની. ઘણા વિશ્લેષકોએ કહ્યું છે કે, ભારતીય વાયુસેના અને સેનાએ માત્ર નૂરખાન અને અન્ય 10 એરબેઝ પર જ નહીં, પરંતુ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની સ્ટોરેજ ફેસિલિટી કિરાના હિલ્સ પર પણ હુમલો કર્યો હતો. કિરાના હિલ્સ સરગોધા જિલ્લામાં સ્થિત છે અને મુશાફ એરબેઝ પાસે સ્થિત છે.

    કિરાના હિલ્સ એ પર્વતનું નામ છે. આ વિસ્તાર સંપૂર્ણપણે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે. અહીં પાકિસ્તાને પર્વત નીચે પોતાની સ્ટોરેજ ફેસિલિટી બનાવી છે, તેમાં શસ્ત્રો રાખવામાં આવે છે. એ પણ પ્રકાશમાં આવ્યું છે કે, પાકિસ્તાને પોતાના પરમાણુ શસ્ત્રો પણ અહીં છુપાવ્યા છે. વિશ્લેષકોએ અનેક ફૂટેજ અને સ્થળોનું વિશ્લેષણ કર્યું છે અને દાવો કર્યો છે કે આ ફેસિલિટીના દરવાજા પર ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં એક ફૂટેજ પણ વાયરલ થયું છે.

    વિશ્લેષકોનો દાવો છે કે, ભારતે આ ફેસિલિટી પર બ્રહ્મોસ જેવી મિસાઈલ છોડી હતી, જેના કારણે અહીં ભારે નુકસાન થયું છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતે અહીં એક સાથે એક કરતાં વધુ હુમલા કર્યા હતા, જેના કારણે ફેસિલિટીને વધુ નુકસાન થયું છે. વિશ્લેષકોના મતે 10 મેના રોજ ભારતે દિલ્હી પર મિસાઈલ છોડ્યા બાદ ભારત દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાથી થયેલા નુકસાન અંગે વિશ્લેષકોના અલગ અલગ દાવા છે.

    કિરાના હિલ્સના પરમાણુ હથિયારો પણ ઉડાવ્યા?

    કિરાના હિલ્સને લઈને સૌપ્રથમ દાવો કરનાર વિશ્લેષક જયદેવ જમવાલે X પર કહ્યું છે કે, આ હુમલાથી પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને નુકસાન થયું છે. તેમણે જણાવ્યું છે કે, હુમલો કદાચ આ જગ્યાએ બનેલી સુરંગો પર થયો હતો. થોડા વર્ષો પહેલાં સામે આવેલી તસવીરો દર્શાવે છે કે, પાકિસ્તાને આ પર્વત સુધી પહોંચવા માટે ઘણી ટનલ બનાવી હતી. તેમનો દાવો છે કે, સતત હુમલાઓને કારણે આ માળખાને નુકસાન પહોંચ્યું છે અને અંદર સંગ્રહિત પરમાણુ શસ્ત્રોને પણ નુકસાન થયું હતું. તેની અસર પણ જોવા મળી છે.

    ભૂકંપ અને અમેરિકી વિમાનના આગમને દાવાને આપ્યું બળ

    પાકિસ્તાનના કિરાના હિલ્સના સ્થળે ભારત દ્વારા હુમલો કરવાની થિયરીને કેટલીક અન્ય ઘટનાઓથી વધુ મજબૂતી મળી. 10 મે, 2024ના રોજ બપોરે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હકીકતમાં પરમાણુ હુમલા દરમિયાન પણ આવા જ ભૂકંપ અનુભવાય છે. વિશ્લેષકોએ દાવો કર્યો કે, આ ભૂકંપ પરમાણુ શસ્ત્રોના વિસ્ફોટને કારણે થયો હોય શકે છે. ભારતીય હુમલા ઉપરાંત એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે પાકિસ્તાને પોતે પોતાનો સંદેશ આપવા માટે આ વિસ્ફોટ કર્યો હશે.

    ત્યારબાદ 11 મે, 2025ના રોજ બીજી ઘટના બની. આ દિવસે એક અમેરિકન વિમાન પાકિસ્તાન પહોંચ્યું. આ બીચ્ક્રાફ્ટ કંપનીનું વિમાન હતું. તેનો નંબર N111SZ હતો. વિશ્લેષકોએ દાવો કર્યો હતો કે, આ વિમાન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું હતું. ઊર્જા વિભાગ યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશોમાં પરમાણુ શસ્ત્રોની દેખરેખ રાખે છે. વિશ્લેષકોનો દાવો છે કે, આ વિમાન પરમાણુ હથિયાર વિસ્ફોટથી થતા રેડિયો રેડિયેશનની તપાસ કરવા માટે પાકિસ્તાન આવ્યું છે.

    આ એરક્રાફ્ટ ઇસ્લામાબાદ અને આસપાસના વિસ્તારો પર ઉડતું જોવા મળ્યું હતું. વિશ્લેષકો કહે છે કે, વિમાન કિરાના હિલ્સમાંથી નીકળતા રેડિયેશનને તપાસવા માટે હવામાં ચક્કર લગાવી રહ્યું હતું. જોકે, તેનાથી વિપરીત કેટલાક દાવાઓ પણ હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, આ વિમાન 2010માં જ યુએસ ઉર્જા વિભાગમાંથી ડીરજીસ્ટર થઈ ગયું હતું અને હવે તે પાકિસ્તાન માટે કામ કરે છે. બંને પક્ષોની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ વિમાનની ઉડાનના ઘણા પુરાવા સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા.

    ઈજિપ્તના વિમાને વધારી શંકા

    ભારત દ્વારા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો પર હુમલો કરવાની અને ત્યારબાદ યુદ્ધવિરામ થયું હોવાની થિયરીને વધુ એક ઘટનાથી બળ મળ્યું છે. ફ્લાઇટ ટ્રેકર્સે જણાવ્યું હતું કે, ઈજિપ્તથી એક વિમાન 11 મે, 2025ના રોજ પાકિસ્તાન પહોંચ્યું હતું. તેના એક દિવસ પછી બીજું વિમાન ઈજિપ્તથી પાકિસ્તાન આવ્યું હતો. તેનો નંબર EGY1916 હોવાનું કહેવાય છે. આ વિમાનો ઈજિપ્તીયન વાયુસેનાના હતા. આ પછી લોકોના મનમાં પ્રશ્નો ઉભા થવાના શરૂ થઈ ગયા હતા.

    લોકોએ આ વિમાનોના આગમનને બોરોન લાવવા સાથે જોડ્યુ હતું. વિશ્લેષકોએ જણાવ્યું છે કે, બોરોનનો ઉપયોગ પરમાણુ હથિયાર વિસ્ફોટોથી થતા રેડિયેશનને ઘટાડવા માટે થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન કદાચ ઈજિપ્તથી બોરોન આયાત કરી રહ્યું હતું. આ દાવાને એ હકીકતથી મજબૂતી મળે છે કે, ઈજિપ્ત બોરોનનું મુખ્ય ઉત્પાદક છે અને તે ઈજિપ્તના નાઇલ નદીના ડેલ્ટામાં મોટી માત્રામાં મળી આવે છે. જોકે, ઈજિપ્ત કે પાકિસ્તાને આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

    શું પરમાણુ ધમાકો જ હતો તે ‘ઇન્ટેલ’?

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે 10 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ આમાં ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે. આ વાત જેટલી મહત્વપૂર્ણ હતી, તેનાથી વધુ મહત્વપૂર્ણ એ હતું કે, આવું કેમ થયું. અમેરિકન મીડિયા સંસ્થાન CNNએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ચિંતાજનક ખુફિયા માહિતી મળ્યા બાદ જેડી વેન્સે બંને દેશો સાથે વાટાઘાટો કરવા અને શાંતિ કરાર પર પહોંચવાનો પ્રયાસ કરવા માટે પગલું ભર્યું હતું.

    કિરાના હિલ્સ પર ભારતીય સશસ્ત્રબળો દ્વારા કરવામાં આવેલો હુમલો અને ત્યારબાદ અમેરિકા દ્વારા હાથ ધરાયેલી સક્રિયતા આ એકમાત્ર કડી છે. તે સ્પષ્ટ નથી, પરંતુ સંભવતઃ પરમાણુ ફેસિલિટી પર હુમલો કે ભારત એ સ્પષ્ટ કરે છે કે હવે તેનું લક્ષ્ય સામાન્ય પાકિસ્તાની એરબેઝ કે લશ્કરી થાણા નહીં પણ પરમાણુ સુવિધાઓ હશે, તે અમેરિકાને પણ ભયભીત કરે છે. તેના સમર્થનમાં બીજી એક વાત પણ છે. હકીકતમાં 10 મે, 2025 સુધી બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા હતા અને ભારત વિજય તરફ હતું.

    10 મે, 2025ના રોજ બપોરે 2 વાગ્યા સુધી આ સ્થિતિ હતી. પરંતુ આ દરમિયાન એવું શું થયું કે બંને દેશોએ 5 વાગ્યે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે, જ્યારે અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ યુદ્ધવિરામ અંગે પોતાની પીઠ થપથપાવી હતી, ત્યારે બે દિવસ પહેલાં જ તેઓ આ મુદ્દાથી દૂર ભાગી રહ્યા હતા. તેમનો મત એવો હતો કે આ મામલો બંને દેશો વચ્ચેનો છે અને તેઓ તેને ઉકેલી લેશે. આવી સ્થિતિમાં થોડા કલાકોમાં જ એવું તો શું થઈ ગયું કે, અમેરિકાને આ વિવાદ રસ પડ્યો.

    આ પરિસ્થિતિ અંગે હાલમાં ઉભા થતા તમામ પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્નનો જવાબ હજુ સુધી સત્તાવાર રીતે આપવામાં આવ્યો નથી. મોટાભાગની જગ્યાએ કડીઓ જોડીને આવી રીતે વાત કહેવામાં આવી રહી છે. કદાચ આ માહિતી એટલી સંવેદનશીલ છે કે તેના વિશે ક્યારેય કંઈ પ્રકાશમાં ન પણ આવે. ભારતીય વાયુસેનાના DG ઑપરેશનલ એકે ભારતીએ પણ સ્પષ્ટતા કરી છે કે, તેમણે કિરાના ફેસિલિટીને નિશાન બનાવી નથી. તેમણે પરમાણુ શસ્ત્રો ત્યાં હાજર હોવાની માહિતી આપવા બદલ મીડિયાનો પણ આભાર માન્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં