ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા મેળા મહાકુંભનું (Prayagraj Mahakumbh 2025) આયોજન થયું છે. જેમાં દેશ-વિદેશથી શ્રધાળુઓ અમૃત કે રાજસી સ્નાન (Amrit Snan) કરવા આવી રહ્યા છે. આ મેળો વિશ્વના દરેક દેશના લોકોને આકર્ષિત કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કુંભની શરૂઆત પૃથ્વીના આરંભથી થયેલી છે. મહાભારત, રામાયણથી લઈને પુરાણો સુધીમાં કુંભનો ઉલ્લેખ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે જે કુંભમાં સંગમ તટ પર સ્નાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. મહાકુંભમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુ (Naga Sadhus) હોય છે.
નાગા સાધુઓ ગુફાઓ કે જંગલોમાં રહેતા હોય છે. નાગા સાધુ સામાન્ય સંન્યાસીઓથી ઘણા ભિન્ન હોય છે. આ શબ્દ સંસ્કૃત શબ્દ ‘નગ’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ પહાડ અથવા ગુફાઓ એવો થાય છે. નાગા એટલે કે ગુફાઓ કે પહાડોમાં રહેતા વ્યક્તિઓ. 9મી સદીમાં, આદિ શંકરાચાર્યે દશનામી સંપ્રદાયની સ્થાપના કરી હતી. મોટાભાગના નાગા સાધુઓ આ સંપ્રદાયમાંથી જ આવે છે. આ દસ નામમાં ગિરિ, પુરી, ભારતી, વન, લાકડું, પર્વત, મહાસાગર, તીર્થ, આશ્રમ અને સરસ્વતીનો સમાવેશ થાય છે. આ જ કારણથી નાગા સાધુઓને દશનામી પણ કહેવામાં આવે છે.
નાગા સાધુ શીખવા લાગ્યા શસ્ત્રો
નાગા સાધુ બનવાની પ્રક્રિયા ઘણી આકરી હોય છે. જે અંગે સામાન્ય લોકો જાણતા નથી. આ પ્રક્રિયા અખાડાઓના માધ્યમથી પૂર્ણ કરવામાં આવે છે. જેમાં વર્ષો સુધી સંન્યાસીએ નાગા સાધુ બનવા માટે પરીક્ષાઓ આપવી પડે છે. આ ઉપરાંત બ્રહ્મચર્યનું પાલન કરવું પણ આવશ્યક હોય છે. નાગા સાધુઓ 2 પ્રકારના હોય છે, શસ્ત્રધારી અને શાસ્ત્રધારી. પહેલાં નાગા સાધુ માત્ર શાસ્ત્રોનો જ અભ્યાસ કરતા હતા, પરંતુ મુઘલ આક્રમણો થતા તેમણે શસ્ત્રોનો પણ અભ્યાસ શરૂ કરી દીધો હતો.
જોકે શરૂઆતમાં કેટલાક નાગા સાધુઓએ શસ્ત્રો રાખવાનો વિરોધ કરતા કહ્યું કે તેઓ આધ્યાત્મિક છે અને તેમને શસ્ત્રોની જરૂર નથી. જોકે પાછળથી શાસ્ત્રો સાથે શસ્ત્રોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો અને શ્રૃંગેરી મઠે સશસ્ત્ર નાગા સાધુઓની સેના તૈયાર કરી. પહેલાં તેમાં ફક્ત ક્ષત્રિયોનો જ સમાવેશ થતો હતો. જોકે પાછળથી દરેક જાતિના લોકોનો માટે નાગા સાધુ બનવાનો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો.
પછીથી આ સશસ્ત્ર સાધુઓએ મુઘલો અને અંગ્રેજો વિરુદ્ધ પણ યુદ્ધ લડ્યું છે. મુઘલ આક્રમણખોર ઓરંગઝેબ વિરુદ્ધના યુદ્ધમાં મહારાણા પ્રતાપને નાગા સાધુઓએ મદદ કરી હતી. આ સિવાય પણ અંગ્રેજો વિરુદ્ધ પણ નાગા સાધુઓએ વિદ્રોહ કર્યો હતો, જે ઇતિહાસમાં સંન્યાસી વિદ્રોહ તરીકે જાણીતો છે. મહત્વની બાબત એ પણ છે નાગા સાધુઓમાં માત્ર પુરુષોનો સમાવેશ નથી થતો પરંતુ સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે.
કેવી રીતે પુરૂષો બને છે નાગા સાધુ
સામાન્ય રીતે 17થી 19 વર્ષની ઉંમરની વચ્ચે નાગા સાધુ બનવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં હોય છે – મહાપુરુષ, અવધૂત અને દિગંબર. આ ત્રણ તબક્કા પહેલાં પણ એક પૂર્વતબક્કો હોય છે જે પરીક્ષણનો સમયગાળો કહેવાય છે. જે કોઈ નાગા સાધુ બનવા માટે કોઈપણ અખાડામાં અરજી કરે છે તે અરજી પહેલાં નકારી કાઢવામાં આવે છે. ત્યારપછી વ્યક્તિ ફરીથી અરજી કરે છે. બીજી અરજી બાદ અખાડા તે વ્યક્તિની તપાસ કરે છે. એટલે કે તે વ્યક્તિ કયા પરિવારનો છે, તેના પરિવારની સ્થિતિ શું છે, તે સાધુ કેમ બનવા માંગે છે, સાધુ બનવા લાયક છે કે નહીં. આ તપાસ પછી અખાડાના લોકો અરજી કરનારના ઘરે જાય છે. પરિવારના સભ્યોને જાણ કરવામાં આવે છે કે તમારો દીકરો નાગા બનવા માંગે છે. જો પરિવારના સભ્યો સંમત થાય તો ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ તપાસવામાં આવે છે.
ત્યારપછી, જે વ્યક્તિ નાગા બનવા માંગે છે તેણે ગુરુ પસંદ કરવા પડે છે અને અખાડામાં રહીને બે-ત્રણ વર્ષ ગુરુની સેવા કરવી પડે છે. આ દરમિયાન તેઓ વરિષ્ઠ સાધુઓ માટે ભોજન રાંધવાનું, તેમના સ્થાનો સાફ કરવાનું, ધ્યાન કરવાનું અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા જેવા કામ પણ કરે છે. આ ઉપરાંત તે ભિક્ષા માંગવા જાય છે અને એક દિવસમાં 7 ઘરે જ ભિક્ષા માંગવાની અનુમતિ હોય છે. જો તેને ભિક્ષા ન મળે તો તેણે ભૂખ્યા રહેવાનું અને જો ભિક્ષા મળે તો એક જ વાર ભોજન કરવાનું. વ્યક્તિએ તેની જાતીય ઇચ્છા, ઊંઘ અને ભૂખને નિયંત્રિત કરતા શીખવું પડે છે. આ દરમિયાન જોવામાં આવે છે કે વ્યક્તિ મોહમાં તો નથી સપડાઈ રહ્યો કે તેને તેના પરિવારની યાદ તો નથી આવી રહી ને, જો આવું કંઈ જોવા મળે તો જે-તે વ્યક્તિને પરત ઘરે મોકલી દેવામાં આવે છે.
પ્રથમ તબક્કો: મહાપુરુષ
જે વ્યક્તિ પરીક્ષણમાં સફળ થાય છે તેની નિષ્ઠા તપાસવા તેને ઘરે પરત ફરવાની સલાહ આપવામાં આવે છે. જો વ્યક્તિ આ સલાહ માન્યા વગર નાગા બનવાની દ્રઢ નિષ્ઠા દર્શાવે તો તેને સંન્યાસી જીવનમાં રહેવાની પ્રતિજ્ઞા અપાવવામાં આવે છે. તથા તે વ્યક્તિને ‘મહાપુરુષ’ જાહેર કરવામાં આવે છે અને પંચ સંસ્કાર અથવા પંચ ગુરૂ આપવામાં આવે છે.
પંચ સંસ્કાર એટલે શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશને ગુરુ બનાવવા પડે. મહાપુરુષ જાહેર થયા બાદ વ્યક્તિને અખાડા વતી, તેમને નારિયેળ, કેસરી વસ્ત્રો, પવિત્ર દોરો, રુદ્રાક્ષ, રાખ અને નાગના પ્રતીકો અને આભૂષણો આપવામાં આવે છે. ત્યારપછી ગુરુ પોતાની પ્રેમની તલવારથી શિષ્યની શિખા એટલે કે ચોટી કાપી નાખે છે, આ અવસર પર શીરો અને ધાણા વહેંચવામાં આવે છે.
બીજો તબક્કો: અવધૂત
મહાપુરુષને અવધૂત બનાવવા માટે, તેમને સવારે ચાર વાગ્યે જગાડવામાં આવે છે. દૈનિક ધાર્મિક વિધિઓ અને ધ્યાન પછી, ગુરુ તેમને નદી કિનારે લઈ જાય છે. ત્યારે વ્યક્તિના શરીર પરથી વાળ કાઢીને ગુરૂ તેને નવજાત બાળક જેવો બનાવે છે. પછી વ્યક્તિને નદીમાં સ્નાન કરવામાં આવે છે. તેની જૂની લંગોટ કાઢીને તેને નવી લંગોટ આપવામાં આવે છે. ત્યારપછી ગુરુ તેમને જનોઈ પહેરાવીને દંડ, કમંડળ અને ભસ્મ આપે છે.
ત્યારપછી મહાપુરુષને ત્રણ દિવસ ઉપવાસ કરવા પડે છે. વ્યક્તિએ પોતાનું પિંડ દાન પણ કરવું પડે છે. વ્યક્તિએ કુલ 17 પિંડ દાન કરવું પડે છે જેમાં 16 પિંડ દાન તે પોતાના પૂર્વજોનું કરે છે અને 17મું પિંડ દાન પોતાનું કરવું પડે છે. આ પિંડ દાનનો અર્થ છે વ્યક્તિ સાંસારિક જીવનમાંથી મુક્ત થયો અને તેનો નવો જન્મ થતા નવું જીવન શરૂ થયું. ત્યારપછી મધ્યરાત્રિએ વિરાજા એટલે કે વિજય યજ્ઞ કરવામાં આવે છે.
આ સમયે ગુરુ ફરીથી મહાપુરુષને કહે છે કે તે ઈચ્છે તો તે સાંસારિક જીવનમાં પરત ફરી શકે છે. જ્યારે તે પરત ફરવાની ના પાડે છે ત્યારે યજ્ઞ પછી, અખાડાના આચાર્ય, મહામંડલેશ્વર અથવા પીઠાધીશ્વર મહાપુરુષને ગુરુ મંત્ર આપે છે. આ પછી, તેને ધાર્મિક ધ્વજ નીચે બેસાડીને ઓમ નમઃ શિવાયનો જાપ કરાવવામાં આવે છે. બીજા દિવસે સવારે ચાર વાગ્યે તે મહાપુરુષને ફરીથી ગંગા કિનારે લાવીને 108 ડૂબકી લગાવવામાં આવે છે. ત્યારપછી દંડ-કમંડળનો ત્યાગ કરાવવામાં આવે છે. હવે વ્યક્તિ અવધૂત સંન્યાસી બની જાય છે. આ 24 કલાકની પ્રક્રિયા દરમિયાન તેણે ઉપવાસ કરવા પડે છે.
ત્રીજો તબક્કો: દિગંબર
અવધૂત બન્યા પછી, વ્યક્તિએ દિગંબર તરીકેની દીક્ષા લેવી પડે છે. આ દીક્ષા અમૃત સ્નાનના એક દિવસ પહેલાં થાય છે. આ એક ખૂબ જ મુશ્કેલ વિધિ છે. આ સમય દરમિયાન, ફક્ત અમુક વરિષ્ઠ સાધુઓ જ હાજર હોય છે. આ દરમિયાના અખાડાના ધાર્મિક ધ્વજ હેઠળ, તેણે કંઈપણ ખાધા-પીધા વિના 24 કલાક ઉપવાસ કરવા પડે છે. આ પછી તંગટોડ વિધિ કરવામાં આવે છે. આમાં, સવારે ત્રણ વાગ્યે અખાડાના ભાલાની સામે અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને અવધૂતના માથા પર પાણી છાંટવામાં આવે છે.
ત્યારપછી ગુપ્તાંગમાંથી એક નસ ખેંચવામાં આવે છે. જેના કારણે સાધક નપુંસક બની જાય છે. ત્યારપછી બધા અમૃત સ્નાન માટે જાય છે. સ્નાન કરતાની સાથે જ તેઓ નાગા સાધુ બની જાય છે. ચાર સ્થળોએ યોજાતા કુંભ મેળામાં, આ નાગા સાધુઓને સ્થળ અનુસાર અલગ અલગ નામ આપવામાં આવે છે. પ્રયાગના કુંભમાં જે નાગા સાધુ બને છે તેને નાગા, ઉજ્જૈનના ખૂની નાગા, હરિદ્વારના બરફાની નાગા અને નાસિકના ખીચડિયા નાગા કહેવામાં આવે છે.
કેવી રીતે બનાય છે નાગા સાધ્વી
સ્ત્રી નાગા સાધુને નાગિન, અવધૂતની અથવા માઈ કહેવામાં આવે છે. તેઓ કપડાં પહેરે છે. જોકે, કેટલીક નાગા સાધ્વીઓ કપડાંનો ત્યાગ કરે છે અને રાખને જ પોતાના કપડાં બનાવે છે. જુના અખાડા દેશનો સૌથી મોટો અને સૌથી જૂનો અખાડો છે. મોટાભાગની સ્ત્રી નાગાઓ આ અખાડા સાથે સંકળાયેલી છે. સ્ત્રી નાગા સાધુ બનવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે અને તેમનું જીવન પણ ખૂબ જ મુશ્કેલ છે. નાગા સાધુ બનવા માટે મહિલાઓને કઠોર કસોટીઓમાંથી પસાર થવું પડે છે. જે લગભગ પુરૂષ નાગા સાધુ જેવી જ હોય છે.
નાગા સાધ્વીકે કે સંન્યાસની બનવા માટે, મહિલાએ 10થી 15 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. નાગા સાધ્વી બનવા માટે, મહિલાએ જે ગુરુ બનાવ્યા હોય તેમને ખાતરી અપાવવી પડે છે કે તે નાગ સાધ્વી બનવાને યોગ્ય છે. તથા તેણે પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દીધી છે. ત્યારપછી જ ગુરુ તેમને સાધ્વી બનવાની પરવાનગી આપે છે. અખાડામાં સૌથી સિનીયર મહિલા નાગા સાધ્વીને શ્રીમહંત કહેવામાં આવે છે. શ્રીમહંત તરીકે પસંદ કરાયેલી માઈને અમૃત સ્નાનના દિવસે પાલખીમાં લાવવામાં આવે છે. તેમને અખાડાનો ધ્વજ અને ડંકો લગાવવાનો અધિકાર હોય છે.
નાગા સાધુ બનતા પહેલા, સ્ત્રીના ભૂતકાળના જીવનની તપાસ કરવામાં આવે છે કે તે ભગવાનને સમર્પિત છે કે નહીં અને નાગા સાધુ બન્યા પછી તે મુશ્કેલ સાધના કરી શકશે કે નહીં. નાગા સાધુ બનતા પહેલાં સ્ત્રીએ પણ જીવતે જીવ પોતાનું પિંડદાન કરવું પડે છે અને માથાનું મુંડન પણ કરાવવું પડે છે. મુંડન કરાવ્યા પછી સ્ત્રીને નદીમાં સ્નાન કરાવવામાં આવે છે પછી સ્ત્રી નાગા સાધુ આખો દિવસ ભગવાનનું નામ લે છે. પુરુષોની જેમ, સ્ત્રી નાગા સાધુઓ પણ ભગવાન શિવની પૂજા કરે છે. સવારે તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે અને ભગવાન શિવનો જપ કરે છે અને સાંજે તે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે. બપોરના ભોજન પછી તે ફરીથી ભગવાન શિવનો જપ કરે છે.
બ્રહ્મચર્યનું કઠોર પાલન
પુરૂષ અને મહિલા નાગા સાધુ-સાધ્વી બનવાની પ્રક્રિયા લગભગ સરખી જ હોય છે પરંતુ તેમાં એક ફરક હોય છે. જેમાં પુરૂષના ગુપ્તાંગની નસ ખેંચવામાં આવે છે જ્યારે મહિલાઓએ બ્રહ્મચર્ય પાલનનો સંકલ્પ લેવામાં આવે છે. ઘણી મહિલાઓને આ સંકલ્પ સાબિત કરવા માટે 10-15 વર્ષ પણ લાગી જતા હોય છે. જ્યારે અખાડાના ગુરુને મહિલા પર સંપૂર્ણ વિશ્વાસ આવે ત્યારે તે તેને દીક્ષા આપે છે. દીક્ષા લીધા પછી, સ્ત્રી સાધુએ સંસારિક વસ્ત્રોનો ત્યાગ કરીને અખાડામાંથી પ્રાપ્ત પીળા અથવા ભગવા વસ્ત્રો પહેરવા પડે છે. ત્યારપછી તેને માતાનું બિરુદ આપવામાં આવે છે.
કુંભ મેળા દરમિયાન, પુરુષ નાગા સાધુઓની જેમ, સ્ત્રી નાગા સાધુઓ પણ અમૃત કે રાજસી સ્નાન કરે છે. મહિલા નાગા સાધુઓના નિવાસ માટે અલગ અખાડાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે, પુરુષ નાગા સાધુ સ્નાન કરે તે પછી સ્ત્રી નાગા સાધુ નદીમાં સ્નાન કરવા જાય છે. દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર 2013માં પહેલી વાર, સ્ત્રી નાગાઓ અખાડામાં જોડાઈ હતી. જૂના અખાડામાં સૌથી વધુ સ્ત્રી નાગાઓ છે. આ ઉપરાંત, આહવાન અખાડા, નિરંજન અખાડા, મહાનિર્વાણી અખાડા, અટલ અખાડા અને આનંદ અખાડામાં પણ મહિલા નાગાઓ છે.