‘વન નેશન-વન ઇલેક્શન’ (One Nation One Election) એટલે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાની જોગવાઈ કરતું બિલ મોદી સરકાર સંસદમાં લાવી રહી છે. વાસ્તવમાં બે બિલ છે. શરૂઆતમાં સમાચાર એવા આવ્યા હતા કે આ બંને બિલ 16 ડિસેમ્બરે, સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. પરંતુ તાજા અહેવાલો અનુસાર, થોડો વિલંબ થઈ શકે છે. શુક્રવારે લોકસભાનું ‘લિસ્ટ ઑફ બિઝનેસ’ આવ્યું તેમાં આ બંને બિલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ નવી યાદીમાં ઉલ્લેખ નથી.
કારણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે સરકાર પહેલાં અમુક નાણાકીય બાબતોને લગતાં વિધેયકો પાસ કરાવવાનું વિચારી રહી છે, ત્યારબાદ આ બિલ હાથ પર લેવામાં આવશે. જોકે, જરૂરી નથી કે સોમવારે બિલ રજૂ ન જ કરી શકાય. સ્પીકરની પરવાનગીથી ‘સપ્લિમેન્ટ્રી લિસ્ટ ઑફ બિઝનેસ’ પણ તૈયાર કરી શકાય છે, જેમાં અધવચ્ચેથી નવી યાદી મૂકવાની જોગવાઈ છે.
20 ડિસેમ્બરે સંસદનું સત્ર સમાપ્ત થઈ રહ્યું છે, તે પહેલાં બિલ સંસદમાં રજૂ કરી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જોકે કહેવાય છે કે સીધી તેની ઉપર ચર્ચા નહીં થાય અને વક્ફની જેમ જ એક સંયુક્ત સંસદીય સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ બિલ પર ચર્ચા કરશે, હિતધારકો અને રાજકીય પક્ષોના મત જાણશે અને ભલામણો કરશે. પછીથી ચર્ચા કરીને બંને ગૃહમાં પસાર કરવામાં આવશે. ટૂંકમાં, આ એક લાંબી પ્રક્રિયા થઈ પડશે. જે રીતે બાકીનાં બિલ ગણતરીના દિવસોમાં રજૂ કરીને પસાર કરી દેવાતાં હોય તેમ નહીં બને.
હવે એ જાણીએ કે મોદી સરકાર જે બે બિલ લાવી રહી છે તેમાં શું છે.
આમ તો બિલની ઘણીખરી જોગવાઈઓ એ જ છે, જેની રામનાથ કોવિંદ સમિતિએ પોતાના રિપોર્ટમાં ભલામણ કરી હતી. સરકારે ગત સપ્ટેમ્બરમાં આ રિપોર્ટ સ્વીકાર્યો હતો અને હવે બિલ તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં પણ મોટેભાગે આ રિપોર્ટની જ ભલામણોને સ્થાન આપવામાં આવ્યું છે.
કુલ બે બિલ છે. જેમાંથી એક બંધારણીય સુધારો છે. આ 129મો સુધારો હશે. જેમાં આર્ટિકલ 82માં એક ખંડ ઉમેરવામાં આવશે, જ્યારે આર્ટિકલ 83, 172 અને 327માં થોડા સુધારા કરવામાં આવશે. બીજું બિલ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ એકસાથે ચૂંટણી યોજવાની વ્યવસ્થા કરવા માટે લાવવામાં આવી રહ્યું છે. બંનેનો ઉદ્દેશ્ય એક જ છે.
બંધારણીય સુધારામાં શું છે?
આ સુધારા હેઠળ આર્ટિકલ 82માં 82(A) નામનો એક ખંડ ઉમેરવામાં આવશે. તેના પહેલા પેટાખંડમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય ચૂંટણીઓ બાદ લોકસભાની પહેલી બેઠક જે દિવસે મળે તે તારીખે રાષ્ટ્રપતિ એક અધિસૂચના બહાર પાડીને આ આર્ટિકલની જોગવાઈઓને અમલમાં મૂકી શકશે અને આ નોટિફિકેશન જાહેર થાય એ તારીખને ‘અપોઈન્ટેડ ડેટ’ કહેવામાં આવશે.
આ ખંડમાં જ લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક વખત નોટિફિકેશન બહાર પડી જાય ત્યારપછી અને લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં થતી ચૂંટણીઓ બાદ જે વિધાનસભાઓની રચના કરવામાં આવે તે વિધાનસભાઓનો કાર્યકાળ લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય ત્યારે પૂર્ણ થઈ ગયેલો ગણાશે.
ઉદાહરણ તરીકે સમજીએ તો, માની લઈએ કે 2029ની લોકસભા ચૂંટણી પછી પહેલી બેઠકમાં રાષ્ટ્રપતિએ અધિસૂચના જાહેર કરીને આ કાયદો લાગુ કર્યો. ત્યારબાદ વર્ષ 2030માં દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતો હોઈ ત્યાં ચૂંટણી કરાવવી જરૂરી છે. જેથી વિધાનસભા ચૂંટણી તો યોજાશે, પણ તેનો કાર્યકાળ લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધીનો (એટલે કે 2029+5=2034 સુધી) જ રહેશે અને 2034માં તેની ટર્મ પૂર્ણ થઈ ગયેલી ગણાશે. આ જ રીતે 2034 સુધી જે-જે વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, તેમાં આ જ નિયમ લાગુ પડશે.
પેટાખંડ (3) કહે છે કે, લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારબાદ ચૂંટણી પંચ લોકસભા અને તેની સાથે તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરાવશે. જોકે, અહીં એક બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જો કોઈ સંજોગોમાં કોઈ રાજ્યમાં ચૂંટણી શક્ય ન હોય તો તે ટાળી શકાશે.
ખંડ (5) અનુસાર, ચૂંટણી પંચને લાગે કે કોઈ રાજ્યની વિધાનસભા ચૂંટણી સાથે કરાવવી શક્ય નથી તો તે રાષ્ટ્રપતિની મંજૂરીથી તે રાજ્યની ચૂંટણી પછીથી યોજવા માટે નિર્ણય લઈ શકશે. પરંતુ અહીં પણ બીજી એક વ્યવસ્થા છે. જે અનુસાર, આવા કોઈ રાજ્યમાં ચૂંટણી પછીથી કરવામાં આવે તોપણ, તેનો કાર્યકાળ તો લોકસભાના કાર્યકાળ સાથે જ પૂર્ણ થયેલો ગણાશે.
ઉદાહરણ તરીકે, એકસાથે ચૂંટણી યોજવામાં આવે ત્યારે બિહારમાં કોઈક કારણોસર વિધાનસભા ચૂંટણી ન યોજાઈ શકી. અહીં એક વર્ષ પછી ચૂંટણી પંચે ચૂંટણી કરાવી. પરંતુ તેનો કાર્યકાળ પાંચ નહીં ચાર વર્ષનો જ રહેશે, કારણ કે લોકસભા એક વર્ષ પહેલાં રચાઈ ગઈ હતી અને તેનો કાર્યકાળ પાંચ વર્ષ પછી પૂર્ણ થઈ જશે. જેથી ફરી જ્યારે એકસાથે ચૂંટણી યોજવાની આવે ત્યારે કોઈ અડચણ ન આવે.
લોકસભા વહેલી ભંગ થઈ જાય તો શું?
આ સિવાય આર્ટિકલ 83માં પણ એક સુધારો કરવામાં આવશે. જેમાં ક્લોઝ 2 પછી અમુક બાબતો ઉમેરવાની જોગવાઈ છે. આમાં એ પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું છે કે કોઈ સંજોગોમાં લોકસભા કાર્યકાળ કરતાં વહેલી ભંગ થઈ જાય તો શું?
આર્ટિકલ 83(4) જણાવે છે કે, જો લોકસભા તેનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ ભંગ થઈ જાય તો તેની પહેલી બેઠકથી બાકી રહેલા કાર્યકાળને ‘અનએક્સપાયર્ડ ટર્મ’ (બાકી રહેલો કાર્યકાળ) કહેવામાં આવશે.
હવે આ સંજોગોમાં લોકસભાની ચૂંટણી તો યોજાશે, પરંતુ તેનો કાર્યકાળ તરત પહેલાંની (જે ભંગ થઈ હતી) લોકસભાના કાર્યકાળ જેટલો જ રહેશે. સરળ શબ્દોમાં સમજીએ તો, 2034માં એકસાથે ચૂંટણીઓ યોજાઈ અને લોકસભાની રચના થઈ. પણ કોઈક કારણોસર 2036માં લોકસભા ભંગ થઈ ગઈ. તો હવે ફરીથી ચૂંટણી યોજવી પડે છે. પણ નવી ચૂંટણી યોજાય પછી જે લોકસભાની રચના થાય તેનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં રહે, પણ 2034ની લોકસભાનો જે કાર્યકાળ હતો ત્યાં સુધીનો એટલે કે 2039 સુધીનો જ રહેશે. આવી અધવચ્ચેથી થતી ચૂંટણીને ‘મિડટર્મ ઇલેક્શન’ કહેવામાં આવશે.
ત્યારબાદ આર્ટિકલ 172માં આ જ સમાન સુધારો રાજ્યની વિધાનસભાઓ માટે કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ રાજ્યની વિધાનસભા કાર્યકાળ પહેલાં જ ભંગ થઈ જાય તો તેવી સ્થિતિમાં મિડટર્મ ઇલેક્શન કરવામાં આવશે, પણ કાર્યકાળ એટલો જ રહેશે, જેટલો અગાઉની વિધાનસભા ભંગ થઈ ત્યારે બાકી હતો.
આર્ટિકલ 327માં એક નાનકડો સુધારો કરવામાં આવ્યો છે, જે અનુસાર ‘ડિલિમિટેશન ઑફ કોન્સ્ટિટ્યુએન્સી’ બાદ ‘કન્ડક્ટ ઑફ સાયમલ્ટેન્સ ઇલેક્શન્સ’ ઉમેરવામાં આવશે.
આ પ્રકારની સમાન વ્યવસ્થાઓ દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં પણ કરવા માટે સરકાર એક અલગ બિલ રજૂ કરશે, જેને ‘યુનિયન ટેરિટરીઝ લૉઝ અમેન્ડમેન્ટ બિલ’ કહેવાશે. તેમાં વિગતો સમાન છે, માત્ર ફેર એટલો કે દિલ્હી અને જમ્મુ કાશ્મીરની રચના માટે જે કાયદો બનાવવામાં આવ્યા છે, તેમાં અમુક સુધારા કરવામાં આવશે, જેથી આ બંને પ્રદેશની ચૂંટણીઓ પણ બાકીના ભારત સાથે થઈ શકે.
એ પણ નોંધવું જોઈએ કે, આ હજુ બિલ છે. તેની ઉપર સંસદનાં બંને ગૃહમાં ચર્ચા કરવામાં આવશે અને જરૂરી સુધારા-વધારા પણ થઈ શકે. જોકે જે મૂળ જોગવાઇઓ છે તેમાં કોઈ મોટા અને ધરખમ સુધારા થવાની શક્યતાઓ ઘણી ઓછી છે, કારણ કે આ જોગવાઈઓ મોટેભાગે તમામ કાયદાકીય અડચણોનું સમાધાન લાવી દે છે.