તમિલનાડુની સ્ટાલિન સરકારે રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરતી વખતે કરેલી એક અવળચંડાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. ધ્યાન ખેંચવા કરતાં આક્રોશ જન્માવ્યો છે. કારણ એ છે કે હિન્દીનો વિરોધ કરીને રાજકીય લક્ષ્યાંકો પાર પાડવા મથતી સરકાર અને પાર્ટી DMKએ બજેટના દસ્તાવેજોમાંથી રૂપિયાનું જે સત્તાવાર ચિહ્ન આવે છે એ હટાવી દીધું. તેના સ્થાને તમિળ સિમ્બોલ મૂકવામાં આવ્યો. ભારત સરકારે 2010થી ₹ ચિહ્નને માન્યતા આપી છે અને દેશભરમાં જ નહીં દુનિયાભરમાં ભારતનો રૂપિયો આ જ ચિહ્નથી ઓળખાય છે. પરંતુ તમિલનાડુ સરકાર હવે તેને બદલીને એક નવો ચીલો ચાતરવા પર ઉતરી આવી છે. ભાજપે, કેન્દ્ર સરકારે તેનો પૂરજોર વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ વિરોધના સ્વર ઉઠતા જોવા મળી રહ્યા છે.
આ વિવાદના બહાને એ જાણીએ કે ચલણ અસ્તિત્વમાં કઈ રીતે આવ્યું, પહેલાં તેનું શું સ્વરૂપ હતું અને આજે આપણે જેને રૂપિયો કહીએ છીએ તેનો ઇતિહાસ શું છે.
‘રૂપિયો’ શબ્દ સંસ્કૃત શબ્દ ‘રૌપ્ય’ પરથી પણ આવ્યો છે, જેનો અર્થ ચાંદી થાય. શરૂઆતના સમયમાં વસ્તુ વિનિમય પ્રથાથી લેવડદેવડ કરવામાં આવતી હતી. એટલે કે A Bને અમુક ચીજ આપે અને તેટલા જ મૂલ્યની બીજી ચીજ B Aને આપે. તેમાં નાણાં જેવી કોઈ ચીજ ન હોય. વસ્તુને બદલે વસ્તુની આપલે કરવાની. માનવ ઇતિહાસના પ્રારંભિક સમયમાં જઈએ તો વ્યવહારો આ જ રીતે થતા હતા. પરંતુ પછીથી ચલણ અસ્તિત્વમાં આવ્યું.
ચલણનો ઇતિહાસ અને ઉત્ક્રાંતિ
ચલણનો ઇતિહાસ માનવ સભ્યતાના આર્થિક વિકાસ સાથે જોડાયેલો છે. જે વિનિમય પ્રણાલીથી આજના ડિજિટલ ચલણ સુધી પહોંચી ગયું છે. ચલણ મુખ્યત્વે વેપાર અને આર્થિક વ્યવહારોને સરળ અને સુગમ બનાવવા માટે વિકસાવવામાં આવ્યું હતું.
માનવ સંસ્કૃતિના પ્રારંભિક સમયમાં ચલણનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નહોતું. લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિનિમય પ્રણાલીનો ઉપયોગ કરતા હતા. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેડૂત પાસે વધારે અનાજ હોય અને તેને કપડાંની જરૂર હોય, તો તે કપડાંની બદલે તેનું અનાજ આપતો હતો. પરંતુ આ વ્યવસ્થા જટિલ હતી કારણ કે એક પણ વસ્તુના બદલામાં બધી વસ્તુઓ ઉપલબ્ધ નહોતી.
આ સમસ્યાના ઉકેલ માટે સમાજે એક એવું માધ્યમ શોધ્યું જે તમામ પ્રકારના વિનિમય માટે સ્વીકાર્ય હોય. ધીમેધીમે છીપ, પથ્થર, મીઠું, અનાજ અને ધાતુના ટુકડા જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ ચલણ તરીકે થવા લાગ્યો.
સમય જતાં ધાતુના સિક્કાઓ પ્રચલિત થયા. પ્રાચીન ભારતમાં પણ જુદા-જુદા સમયે વિવિધ પ્રકારનાં ચલણ પ્રચલિત હતાં. વૈદિક અને મહાજનપદ કાળ એટલે કે ઈ.સ.પૂ. 1500 – ઈ.સ.પૂ. 300માં વિનિમય પ્રણાલી જ અસ્તિત્વમાં હતી. ત્યારપછી સમય જતા સોનું, ચાંદી, અને તાંબા જેવી ધાતુઓમાંથી મણકા બનવા લાગ્યા. મોહેંજોદડોમાંથી પણ ચાંદીના ધાતુખંડ મળી આવ્યા છે.
સમયાંતરે આ ધાતુખંડોએ સિક્કાનું સ્વરૂપ લીધું. જેને ‘પાંચમાર્ક સિક્કા’ કહેવામાં આવતા હતા. કારણ કે તેમાં પાંચ પ્રકારનાં ચિન્હો દોરવામાં આવતાં હતાં. આ ઉપરાંત હિંદુઓના પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ આ ધાતુ ખંડોનો ઉલ્લેખ છે. મનુસ્મૃતિમાં પણ આ પ્રકારના ચલણનો ઉલ્લેખ જોવા મળે છે.
મૌર્ય અને ગુપ્ત યુગમાં સિક્કા બન્યા વધુ પ્રચલિત
મૌર્ય કાળ ઈ.સ.પૂ. 321– ઈ.સ.પૂ. 185 દરમિયાન આ નાણાકીય વ્યવસ્થા વધુ સંગઠિત બની. આ સમયગાળા દરમિયાન, પંચ-ચિહ્નિત સિક્કા વ્યાપકપણે લોકપ્રિય બન્યા. ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના શાસનકાળ દરમિયાન ચાંદી અને તાંબાના સિક્કા ચલણમાં હતા.
ગુપ્તકાળ ઈ.સ. 319 એ.ડી. – ઈ.સ. 550 દરમિયાન સોનાના સિક્કા વધુ લોકપ્રિય બન્યા હતા. સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના શાસનકાળ દરમિયાન અત્યંત સુંદર અને કલાત્મક સિક્કા બનાવવામાં આવ્યા હતા. જે સિક્કાઓ પર રાજાની છબી અને દેવી-દેવતાઓના ચિત્રો કોતરવામાં આવતા.
મુઘલ કાળમાં દિલ્હી સલ્તનત (13મી-16મી સદી) દરમિયાન તામ્ર (Copper Coins) અને ચાંદીના સિક્કા વપરાયા. મુહમ્મદ બિન તુગલકએ (14મી સદી) તાંબાના નાણા શરૂ કર્યા, પણ તેનો પ્રયાસ વિફળ થયો. ત્યારપછી 16-18મી સદી દરમિયાન શેરશાહ સુરીએ (1540-1545) ‘રૂપિયા’ને ચલણ તરીકે રજૂ કર્યો.
બ્રિટીશકાળની મુદ્રા
1600ના સમયમાં મુઘલ મુદ્રા જ પ્રચલિત રહી. જોકે 1717માં મુઘલ શાસક ફારુખ સિયારે અંગ્રેજોને બોમ્બે ટંકશાળમાં મુઘલ ચલણ બનાવવાની મંજૂરી આપી. તે સમયે બ્રિટિશ સોનાના સિક્કાઓને કેરોલિના, ચાંદીના સિક્કાઓને એન્જેલીના, તાંબાના સિક્કાઓને કાપરુન અને ટીન સિક્કાઓને ટીની કહેવામાં આવતા હતા.
1757 બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રૂપિયાને અપનાવી લીધો. 1835માં ‘યુનિફોર્મ કરન્સી એક્ટ’ હેઠળ ‘રૂપિયો’ એક માનક ચલણ બન્યો. 18મી સદીમાં બ્રિટિશો દ્વારા ચાંદીના રૂપિયાની જગ્યાએ પેપર કરન્સી (કાગળ નોટો) શરૂ કરવામાં આવી. બેન્ક ઑફ હિન્દુસ્તાન, જનરલ બેન્ક ઑફ બેંગાલ ભારતમાં કાગળનું ચલણ જારી કરનારી પ્રથમ બેન્કો બની.
ત્યારપછી 1861ના પેપર કરન્સી એક્ટે સરકારને બ્રિટિશ ભારતના વિશાળ વિસ્તારમાં નોટો જારી કરવાનો એકાધિકાર આપ્યો. 1862માં વિક્ટોરિયન રૂપિયો રજૂ થયો. જ્યારે 1858માં મુઘલ શાસનનો અંત આવ્યો અને બ્રિટીશ રાજે 100 રજવાડાઓનો કબજો મેળવી લીધો, ત્યારપછી સિક્કા પરનાં ચિત્રો બદલીને બ્રિટનના રાજાનાં ચિત્રો મૂકવામાં આવ્યાં.
RBIએ શરૂ કરી ભારતીય નોટોની શરૂઆત
1935માં ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના થઈ અને તેને ભારત સરકારની નોટો જારી કરવાની સત્તા આપવામાં આવી. RBIએ 10,000 રૂપિયાની નોટો છાપી. જોકે આઝાદી પછી તેને બંધ કરી દેવામાં આવી હતી. RBI દ્વારા જાન્યુઆરી 1938માં બહાર પાડવામાં આવેલ પ્રથમ કાગળનું ચલણ 5,000ની નોટ હતી, જેના પર બ્રિટિશ રાજા જ્યોર્જ છઠ્ઠાનું ચિત્ર હતું.
1950માં જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારે ચલણી નોટોમાંથી રાજા જ્યોર્જ પંચમનું ચિત્ર દૂર કરવામાં આવ્યું અને સ્વતંત્ર ભારતનું પ્રતીક છાપવામાં આવ્યું. 1953માં દેશમાં નવી નોટો રજૂ કરવામાં આવી હતી, જેમાં હિન્દીમાં લખાણ અને તંજોર મંદિર અને ગેટવે ઑફ ઇન્ડિયા જેવા પ્રતિષ્ઠિત સ્થાપત્ય અજાયબીઓના ચિત્રો હતાં.
₹ ડિઝાઇન થઈ બન્યું રૂપિયાનું ચિહ્ન
1969માં ભારતીય રિઝર્વ બેન્કે 5 અને 10 રૂપિયાની નોટો પર મોહનદાસ ગાંધી જન્મ શતાબ્દી સ્મારકવાળી નોટો બહાર પાડી. ત્યારપછી ક્રમશઃ અલગ અલગ ચિહ્નોવાળી નોટ બહાર પાડવામાં આવતી રહી છે. છેલ્લે વર્ષ 2016માં થયેલી નોટબંધી બાદ મોટાભાગની નોટો બદલી નાખવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ 2010માં કેન્દ્ર સરકારે રૂપિયાના સિમ્બોલ માટે એક પ્રતિયોગીતાનું આયોજન કર્યું હતું.
આ સ્પર્ધામાં લગભગ 3,331 આવેદન આવ્યાં હતાં. જેમાં ઉદય કુમાર ધર્મલિંગમ દ્વારા ડિઝાઇન કરેલ ₹નું પ્રતીક અપનાવવામાં આવ્યું હતું. આ ડિઝાઇનને 5 જુલાઈ, 2010ના રોજ ભારત સરકારે જાહેર જનતા સમક્ષ રજૂ કરી. ઉદય કુમાર ધર્મલિંગમે દેવનાગરી અક્ષર ‘र’ અને રોમન અક્ષર ‘R’ ને જોડીને રૂપિયાનું પ્રતીક ₹ ડિઝાઇન કર્યું હતું. તેમાં સમાનતા અને રાષ્ટ્રધ્વજનું પ્રતિનિધિત્વ કરતી ક્ષિતિજ રેખા પણ સામેલ છે. ત્યારબાદ સર્વસંમતિથી આ ડિઝાઇન અપનાવવામાં આવી અને સરકારે તેને આધિકારિક માન્યતા આપી. ખાસ નોંધવું જોઈએ કે ધર્મલિંગમના પિતા એ જ DMK પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે, જે પાર્ટી આજે તમિલનાડુમાં સત્તામાં છે અને જે પાર્ટી રૂપિયાનું ચિહ્ન હટાવી રહી છે.