તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનએ જાણે હિન્દી અને સંસ્કૃત વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રિભાષાના સૂત્રથી શરૂ થયેલા વિવાદને હિન્દી-તમિલ વિવાદમાં ફેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તાજેતરમાં, સ્ટાલિને એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર તમિલનાડુમાં હિન્દી લાદવા માંગે છે, જેથી તમિલ ભાષાને નાબૂદ કરી શકાય. આ વિવાદ દરમિયાન જ તમિલનાડુ સરકારે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો. સરકારે બજેટમાંથી ‘₹’ સિમ્બોલ દૂર કરી દીધો છે.
DMKના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકારે ભાષાના વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. રાજ્ય સરકારે તેના બજેટ 2025-26માંથી રૂપિયાના સત્તાવાર પ્રતીક ‘₹’ને દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ તમિલ પ્રતીક ‘ரூ’નો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, તમિલનાડુ દેશમાં રાષ્ટ્રીય ચલણના પ્રતીકને નકારનાર પ્રથમ રાજ્ય છે. આ મામલો સામે આવતા જ વિવાદ વધી ગયો છે.
ભાજપે સ્ટાલિન સરકારના આ નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તમિલનાડુ ભાજપના વડા કે અન્નામલાઈએ બુધવારે (12 માર્ચ) મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા લખ્યું કે, “DMKએ રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન કર્યું છે. DMK સરકારે 2025-26ના રાજ્ય બજેટમાં રૂપિયાના પ્રતીકમાં ફેરફાર કર્યો છે, જે એક તમિલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.”
The DMK Government's State Budget for 2025-26 replaces the Rupee Symbol designed by a Tamilian, which was adopted by the whole of Bharat and incorporated into our Currency.
— K.Annamalai (@annamalai_k) March 13, 2025
Thiru Udhay Kumar, who designed the symbol, is the son of a former DMK MLA.
How stupid can you become,… pic.twitter.com/t3ZyaVmxmq
તેમણે આગળ લખ્યું હતું કે, “આ ડિઝાઇનને આખા ભારતમાં અપનાવવામાં આવી હતી અને આપણા ચલણમાં સામેલ કરવામાં આવી હતી. રૂપિયાના પ્રતીકની ડિઝાઇન આપનાર થિરુ ઉદય કુમાર, DMKના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર છે. એમકે સ્ટાલિન, તમે કેટલા મૂર્ખ છો.”
ઉદય કુમાર ધર્મલિંગમે ડિઝાઇન કર્યું છે (₹) ચિહ્ન
ઉલ્લેખનીય છે કે, રૂપિયાનું (₹) પ્રતીક ઉદય કુમાર ધર્મલિંગમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે વ્યવસાયે શિક્ષણવિદ અને ડિઝાઇનર છે. તેમની ડિઝાઇન પાંચ શોર્ટ લિસ્ટેડ પ્રતીકોમાંથી પસંદ કરવામાં આવી હતી. ધર્મલિંગમના મતે, તેમની ડિઝાઇન ભારતીય ત્રિરંગા પર આધારિત છે. ઉદય કુમારે વર્ષ 2010માં રૂપિયાનું (₹) પ્રતીક ડિઝાઇન કર્યું હતું.
નોંધનીય છે કે, આ પ્રતિક એક પ્રતિયોગીતા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું, જેના માટે લગભગ 3,331 આવેદન આવ્યા હતા. આ ડીઝાઇનને 5 જુલાઈ 2010ના રોજ ભારત સરકારે જાહેર જનતા સમક્ષ રજૂ કર્યું હતું. ઉદય કુમાર ધર્મલિંગમે દેવનાગરી અક્ષર ‘र’ અને રોમન અક્ષર ‘R’ ને જોડીને રૂપિયાનું પ્રતીક ₹ ડિઝાઇન કર્યું હતું. તેમાં સમાનતા અને રાષ્ટ્રધ્વજનું પ્રતિનિધિત્વ કરતી ક્ષિતિજ રેખા પણ સામેલ છે.
ઉદય કુમાર ધર્મલિંગમનો જન્મ 10 ઓક્ટોબર 1978ના રોજ તમિલનાડુના કલ્લાકુરિચીમાં થયો હતો. તેઓ ચેન્નાઈ, તમિલનાડુના રહેવાસી છે અને IIT ગુવાહાટીમાં સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છે. ઉદય કુમાર ધર્મલિંગમના પિતા એન. ધર્મલિંગમ DMKના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે ઉદયે આ સ્પર્ધા જીતી, ત્યારે એન. ધર્મલિંગમે કહ્યું કે આ તેમના માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું હતું કે, “મારા દીકરાએ તમિલનાડુનું ગૌરવ વધાર્યું છે.”