Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશગિગ-પ્લેટફોર્મ વર્કર્સને કાનૂની માન્યતા, સમાન કામ-સમાન પગારની ખાતરી અને બીજું ઘણું: મોદી...

    ગિગ-પ્લેટફોર્મ વર્કર્સને કાનૂની માન્યતા, સમાન કામ-સમાન પગારની ખાતરી અને બીજું ઘણું: મોદી સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, જૂના બ્રિટિશ કાયદાઓનો અંત

    મહિલાઓ સહિત સંગઠિત–અસંગઠિત, ગિગ–પ્લેટફોર્મ, MSME, પ્લાન્ટેશન, ટેક્સટાઇલ, IT–ITES, મીડિયા–એન્ટરટેઇનમેન્ટ વગેરે જેવા વિસ્તૃત વર્ગના શ્રમિકોને આ કોડ્સ હેઠળ લાવવામાં આવ્યા છે, જેથી મોટાભાગના ક્ષેત્રોમાં કામ કરતી વ્યક્તિઓ માટે વેતન, આરોગ્ય, સામાજિક સુરક્ષા અને સલામતીની બેઝિક ગેરંટી સુનિશ્ચિત થાય.

    - Advertisement -

    મોદી સરકારે તાજેતરમાં દેશના શ્રમિકો માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતમાં અંગ્રેજોના સમયથી રહેલા જૂના શ્રમ કાયદાઓને બદલે 4 નવા શ્રમ કાયદાનો (લેબર કોડ) અમલ શરૂ કર્યો છે. આ કોડ 21 નવેમ્બર, 2025થી અમલમાં આવ્યા છે, જે શ્રમિકોની સુરક્ષા, વેતન, સામાજિક સુરક્ષા અને કાર્યસ્થળની સલામતીને મજબૂત કરશે. આ ફેરફારોથી 40 કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે, જેમાં ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ પણ સામેલ છે. આ કોડ્સ વ્યવસાયિક સરળતાને (ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ) પ્રોત્સાહન આપે છે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય તરફ મહત્વનું પગલું છે.

    ભારતના મોટાભાગના શ્રમ કાયદાઓ સ્વતંત્રતા પૂર્વ અને તુરંત પછીના યુગ એટલે કે લગભગ 1930-50ના દાયકામાં બનાવવામાં આવ્યા હતા, જ્યારે અર્થતંત્ર અને કાર્યસ્થળની વ્યવસ્થા આજથી સંપૂર્ણપણે અલગ હતી. આ કાયદાઓ વિભાજિત, જટિલ અને જૂના થઈ ગયેલા હતા. આ સિવાય 29 જુદા-જુદા કાયદાઓ હતા. આના કારણે શ્રમિકો અને ઉદ્યોગો બંનેને અનિશ્ચિતતા અને અનુપાલનનો ભાર સહન કરવો પડતો હતો.

    વિશ્વના મોટા અર્થતંત્રોએ તેમના શ્રમ કાયદાઓને અપડેટ અને એકીકૃત કર્યા હતા, પરંતુ ભારતમાં પડકાર ઉભો જ હતો. હવે મોદી સરકાર દરમિયાન અમલમાં આવેલ આ નવા કોડ્સ આ વારસાગત માળખાને છોડીને આધુનિક વૈશ્વિક વલણો સાથે સુસંગત છે. તેમાં શ્રમિકોને સશક્ત બનાવવા અને વ્યવસાયોને સરળતા આપવાનો સમાવેશ થાય છે, જે રોજગાર વધારશે, કુશળતા વિકસાવશે અને ઉદ્યોગ વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપશે.

    - Advertisement -

    આ અંગે PM મોદીએ X પર જાહેરાત કરી છે. તેમણે લખ્યું હતું કે, ‘શ્રમેવ જયતે’. વધુમાં તેમણે લખ્યું કે, “આજે સરકારે ચાર શ્રમ સંહિતા લાગુ કરી છે. આ સ્વતંત્રતા પછીના સૌથી મોટા અને સૌથી પ્રગતિશીલ શ્રમ-લક્ષી સુધારાઓમાંનો એક છે.” તેમણે લખ્યું હતું કે આ કાયદાઓ શ્રમિકોને નોંધપાત્ર રીતે સશક્ત બનાવશે અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપશે.

    નવા 4 કાયદાઓ

    સરકારે જૂના 29 કાયદાઓ સમાપ્ત કરીને તેને માત્ર 4 કોડ્સમાં સમાવી લીધા છે.

    1. વેતન કોડ (કોડ ઓન વેજિસ, 2019)
    2. ઔદ્યોગિક સંબધી કોડ (ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ, 2020)
    3. સામાજિક સુરક્ષા કોડ (કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, 2020)
    4. જીવન અને કાર્યસ્થળ સલામતી કોડ (ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, 2020)

    નવા કાયદાઓ હેઠળ શ્રમિકોને મળનારા લાભ

    ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓને (FTE) સ્થાયી કામદારો જેટલા તમામ લાભો મળશે, જેમાં રજા, તબીબી સુવિધાઓ અને સામાજિક સુરક્ષા સામેલ છે. આ સિવાય અગાઉના કાયદાઓ અનુસાર તેમને 5 વર્ષ પછી ગ્રેચ્યુટી મળતી હતી જે હવે નોકરી જોઈન કર્યાના એક જ વર્ષમાં મળવા લાગશે. આ સિવાય તેમનું વેતન પણ કાયમી સ્ટાફ જેટલું જ મળશે. નવા કાયદાના કારણે સીધી ભરતીને પ્રોત્સાહન અને અતિરિક્ત કોન્ટ્રાક્ટ આધારિત રોજગારીમાં ઘટાડો થશે.

    આ કાયદાઓમાં પ્રથમ વખતે ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ અને એગ્રીગેટર્સને કાયદાકીય સ્થાન આપવામાં આવ્યું છે. તેમના માટે વિશેષ વ્યાખ્યા કરવામાં આવી છે. એગ્રીગેટર્સને તેમના વાર્ષિક ટર્નઓવરનું 1–2% યોગદાન કરવું પડશે, જે ગિગ કે પ્લેટફોર્મ વર્કર્સને ચૂકવેલી રકમના 5% સુધી મર્યાદિત રહેશે. આ સિવાય આધાર-લિંક્ડ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) દ્વારા મળતા સંપૂર્ણ લાભો સ્થળાંતર બાદ પણ દરેક રાજ્યમાં મળી શકશે. આ સિવાય કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ આરોગ્યની સલામતીઓ મળશે.

    આ સિવાય તમામ શ્રમિકોને લઘુત્તમ વેતન અને અપોઈન્ટમેન્ટ લેટર એટલે કે નિમણુક પત્ર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. દરેક કર્મચારીનું યોગ્ય જીવનધોરણ સુનિશ્ચિત થાય તે માટે કેન્દ્ર સરકાર ફ્લોર વેતન એટલે કે ન્યુનત્તમ વેતન નક્કી કરશે. જોગવાઈ અનુસાર હવે નોકરીદાતાઓ શ્રમિકોનું શોષણ કરી શકશે નહીં અને તેમની રજાઓના દિવસે પણ વેતનની ચૂકવણી ફરજિયાત બનાવવામાં આવી છે.

    મહિલા શ્રમિકો અને ટ્રાન્સજેન્ડર માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નવા કોડ્સ મુજબ જાતિગત ભેદભાવ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહિલા હોય, પુરૂષ હોય કે ટ્રાન્સજેન્ડર હોય સમાન કામ માટે સમાન પગાર ખાતરી આપવામાં આવી છે. આ સિવાય મહિલાઓને ભૂગર્ભ ખાણકામ અને ભારે મશીનરી સહિત દરેક કાર્યમાં તેમની સંમતિ અને ફરજિયાત સલામતીની ખાતરી સાથે રાતપાળી અને તમામ પ્રકારના કામમાં કામ કરવાની મંજૂરી છે. આ ઉપરાંત ફરિયાદ નિવારણ સમિતિઓમાં મહિલાઓનું પ્રતિનિધત્વ ફરજીયાત કરવામાં આવ્યું છે.

    સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ તમામ MSME શ્રમિકો ને આવરી લેવામાં આવ્યા છે. તેમને  કેન્ટીન, પીવાનું પાણી અને આરામના વિસ્તારો જેવી સુવિધાઓ, પ્રમાણભૂત કામના કલાકો, ડબલ ઓવરટાઇમ વેતન અને પેઇડ રજા માટેની જોગવાઈઓ અને સમયસર વેતનની ચુકવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સિવાય બિડી અને સિગાર શ્રમિકો માટે દરરોજ 8-12 કલાક, અઠવાડિયાના 48 કલાકની મર્યાદામાં કામના કલાકો નક્કી કરવામાં આવ્યા છે.

    હવે નક્કી કરેલી ખેતી એકમોમાં કામ કરતા કૃષિ શ્રમિકોને પણ OSHWC સંહિતા અને સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ લાવવામાં આવ્યા છે. 10થી વધુ શ્રમિકો અથવા 5 કે તેથી વધુ હેક્ટર ધરાવતા વાવેતરો પર લેબર કોડ લાગુ પડે છે. આ સિવાય રસાયણોનાં સંચાલન, સંગ્રહ અને ઉપયોગ પર ફરજિયાત સલામતી તાલીમ આપવાની અને રાસાયણિક સંપર્કને રોકવા માટે રક્ષણાત્મક ઉપકરણો ફરજિયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના પરિવારોને પણ સંપૂર્ણ ESI તબીબી અને શૈક્ષણિક સુવિધાઓ મળે તેની ખાતરી આપવામાં આવી છે.

    ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, ડબિંગ કલાકારો અને સ્ટંટ વ્યક્તિઓ સહિત ડિજિટલ અને ઓડિયો-વિઝ્યુઅલ કર્મચારીઓને પણ આ કાયદાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

    PF વગેરે પોલિસી પર મોટી અસર: CTCનું માળખું બદલાશે

    નવા શ્રમ કોડની સૌથી મોટી આર્થિક અસર વેતન સંહિતામાં આપેલી ‘વેતન’ની એકસમાન વ્યાખ્યા પરથી પડશે. આ નવી વ્યાખ્યા મુજબ HRA, કન્વેયન્સ, ઓવરટાઈમ, બોનસ વગેરે જેવા બાકાત ઘટકો કર્મચારીના કુલ વળતરના (CTC) 50%થી વધુ ન હોય શકે. જો આ ઘટકો 50%થી વધુ હોય તો વધારાની રકમને કાયદાકીય ‘વેતન’માં ઉમેરવી પડશે.

    આ ફેરફાર PF અને ગ્રેચ્યુટીની ગણતરીને સીધી અસર કરશે, કારણ કે બંનેની ગણતરી કાયદાકીય ‘વેતન’ પર થાય છે. આ સિવાય જે કર્મચારીઓનો બેઝિક પગાર પહેલાં ઓછો હતો, તેમનું કાયદાકીય વેતન હવે વધશે તેથી નોકરીદાતા અને કર્મચારી બંનેનું PF યોગદાન વધશે,જેના કારણે CTCનું માળખું સંપૂર્ણ બદલાશે. આ સિવાય વધુ વેતન આધારને કારણે નોકરી છોડતી વખતે મળનારી ગ્રેચ્યુટીની રકમ પણ નોંધપાત્ર રીતે વધશે.

    ઔદ્યોગિક સંબંધ સંહિતાએ FTEને સત્તાવાર રીતે માન્યતા આપી છે અને તેને સ્થાયી કર્મચારીઓની બરાબરીમાં મૂક્યા છે. આ ઉપરાંત કંપનીઓને હવે ત્રીજા પક્ષના કોન્ટ્રાક્ટરને બદલે સીધા FTE કોન્ટ્રાક્ટ કરવામાં ફાયદો થશે, કારણ કે ખર્ચ ઓછો થશે અને સાનુકૂળતા વધશે. FTE કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ રીતે તમામ લાભ (ઝડપી ગ્રેચ્યુટી, સમાન વેતન) લખવા પડશે.

    આ 4 કોડ્સની વિશેષતાઓ

    • નેશનલ ફ્લોર વેજ: કોઈ પણ શ્રમિકને લઘુત્તમ જીવનધોરણથી નીચે વેતન ન મળે તેની ખાતરી.
    • જાતીય ભેદભાવ વિના પગાર અને નોકરીની તકો: ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સહિત સ્પષ્ટપણે ભેદભાવ પર પ્રતિબંધ.
    • ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર સિસ્ટમ: શિક્ષાત્મક કાર્યવાહીને બદલે માર્ગદર્શન.
    • ઝડપી વિવાદ નિરાકરણ: બે સભ્યોની ઔદ્યોગિક ટ્રિબ્યુનલ સાથે અને સમાધાન પછી સીધા ટ્રિબ્યુનલનો સંપર્ક કરવાનો વિકલ્પ.
    • એકીકૃત પ્રક્રિયા: એક નોંધણી, લાયસન્સ અને રિટર્ન.
    • નેશનલ ઓએસએચ બોર્ડ: તમામ ક્ષેત્રોમાં સુસંગત સલામતી અને આરોગ્ય ધોરણો નક્કી કરવા માટે.
    • 500 + કામદારો ધરાવતી સંસ્થાઓમાં ફરજિયાત સલામતી સમિતિઓ, કાર્યસ્થળની જવાબદારીમાં સુધારો કરવો.

    ટૂંકમાં મહિલાઓ સહિત સંગઠિત–અસંગઠિત, ગિગ–પ્લેટફોર્મ, MSME, પ્લાન્ટેશન, ટેક્સટાઇલ, IT–ITES, મીડિયા–એન્ટરટેઇનમેન્ટ વગેરે જેવા વિસ્તૃત વર્ગના શ્રમિકોને આ કોડ્સ હેઠળ લાવવામાં આવ્યા છે, જેથી મોટાભાગના ક્ષેત્રોમાં કામ કરતી વ્યક્તિઓ માટે વેતન, આરોગ્ય, સામાજિક સુરક્ષા અને સલામતીની બેઝિક ગેરંટી સુનિશ્ચિત થાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં