ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ જિલ્લામાં (Sambhal Violence) 24 નવેમ્બરના રોજ ફાટી નીકળેલી હિંસા બાદ ધીમે ધીમે તેના ષડયંત્રના પાસા સામે આવી રહ્યા છે. હિંસા મામલે ધરપકડ કરાયેલા પથ્થરબાજોએ પૂછપરછ દરમિયાન એવો ખુલાસો કર્યો હતો કે ઉપદ્રવીઓએ ઘણી મુસ્લિમ મહિલાઓને (Muslim Women) પણ તૈયાર કરી હતી કે જો તેમના વિરુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આ મહિલાઓ તેમને બેકઅપ આપી શકે. આ દરમિયાન જ ઉત્તર પ્રદેશ સરકારે (UP Government) હિંસા દરમિયાન થયેલ નુકસાનને ઉપદ્રવીઓ પાસેથી વસૂલવાની જાહેરાત કરી હતી. ત્યારે બીજી તરફ જમિયત ઉલેમા-એ-હિંદે (Jamiyat-Ulema-e-Hind) ભવિષ્યમાં કોઈપણ મસ્જિદના સર્વેને રોકવાની માંગ કરી છે.
અહેવાલો અનુસાર, પકડાયેલા પથ્થરબાજો અને ધરપકડ કરાયેલી મહિલાઓની પૂછપરછમાં ખુલાસો થયો કે સંભલ હિંસા દરમિયાન મુસ્લિમ મહિલાઓને બેકઅપ માટે તૈયાર રાખવામાં આવી હતી. ષડ્યંત્રના ભાગરૂપે પહેલાથી જ કાચની બોટલો અને પથ્થરો એકઠા કરવામાં આવ્યા હતા. પૂર્ણ તૈયારી સાથે બદમાશોએ પોલીસ પર હુમલો કર્યો. મુસ્લિમ મહિલાઓને એ રીતે તૈયાર કરવામાં આવી હતી કે જો પોલીસ ઉપદ્રવીઓનો પીછો કરે તો આ મહિલાઓ પોલીસની સામે આવીને ઉભી રહી જાય.
આ ઉપરાંત એવું પણ સામે આવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓને ઘણી બાબતો માટે તૈયાર કરવામાં આવી હતી. એક તો પોલીસની સામે ઉભા રહીને ઉપદ્રવીઓને બેકઅપ આપવા તૈયાર કરવામાં આવી હતી. જો મહિલાઓ સામે આવીને ઉભી રહી જાય તો પોલીસકર્મીઓ જરાક પાછા પડશે અને આ દરમિયાન ઉપદ્રવીઓને ભાગી જવાની તક મળી જશે.
ઉપરાંત મહિલાઓને પણ સુરક્ષા બળો પર પથ્થરમારો કરવા અને કાચની બોટલો ફેંકવા તૈયાર કરવામાં આવી હતી. હિંસામાં સામેલ રુકૈયા, ફરમાના અને નઝરાનાએ પણ આ ષડ્યંત્ર રચાયું હોવાની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે મહિલા આરોપીઓ સાથે પોલીસે રૂબરૂ બેસીને પૂછપરછ કરી હતી.
જેણે કર્યું નુકસાન, તે જ આપશે વળતર
આ જ સંદર્ભમાં ઉત્તર પ્રદેશ સરકાર સંભલ હિંસા દરમિયાન થયેલા નુકસાન માટે તોફાનીઓ પાસેથી જ વળતર વસૂલવાની તૈયારી કરી રહી છે. પોલીસ વિભાગ સહિત અન્ય વિભાગો કેટલું નુકસાન થયું તે અંગે આકલન કરી રહ્યા છે. ઉપરાંત ઉપદ્રવીઓની મિલકત અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે હિંસા બાદ અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં 3 મહિલાઓની સાથે 3 સગીરોનો પણ સમાવેશ થાય છે. 74 પથ્થરબાજોની ઓળખ કરવામાં આવી છે. બાકીની તપાસ ચાલી રહી છે. ઉપરાંત જિલ્લામાં દરેક જગ્યાએ જાહેરમાં પેટ્રોલ વેચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઉપદ્રવીઓનું સમર્થન કરતી જમિયત મસ્જિદોના સર્વ કરાવવા માંગે છે બંધ
હવે આ સમગ્ર મામલામાં જમિયત ઉલેમા-એ-હિંદની એન્ટ્રી થઇ છે. મૌલાના મહમૂદ મદનીએ 26 નવેમ્બરે જમિયતના સચિવ નૂર અહમદ ફારૂકીના માધ્યમથી આ પત્ર બહાર પાડ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ એવી માંગણી કરી છે કે ભવિષ્યમાં કોઈપણ મસ્જિદનો સર્વે ન કરવામાં આવે. જમિયતે મસ્જિદના સર્વેને સામાજિક એકતા માટે ખતરો ગણાવ્યો હતો અને એવી દલીલ કરી કે હિંદુ પક્ષોએ ‘ધ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ’નું પાલન કરવું જોઈએ.
Jamiat Ulama-i-Hind President Urgent Appeal to Chief Justice of India for Immediate Intervention on Masjid Survey
— Jamiat Ulama-i-Hind (@JamiatUlama_in) November 26, 2024
In an important letter addressed to Chief Justice of India, Mr. Sanjiv Khanna, Jamiat Ulama-i-Hind President Maulana Mahmood Madani has urged immediate action to… pic.twitter.com/o4qF0AfBj3
આ સાથે જ જમિયત ઉલેમા-એ-હિંદ સંભલ હિંસામાં રમખાણોના આરોપીઓનું ખુલેઆમ સમર્થન કરી રહી છે. જમિયતે સરકાર પાસે SDM અને ડેપ્યુટી એસપીને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી છે. ઉપરાંત સંભલ હિંસામાં થયેલા મોત માટે ઉપદ્રવીઓની જગ્યાએ પ્રશાસનને જવાબદાર ગણાવ્યું છે.
નોંધનીય છે કે આ અગાઉ સંભલ હિંસા મામલે નોંધાયેલી FIRમાં ખુલાસા થયા હતા કે ઉપદ્રવીઓએ અગાઉથી જ પોલીસ પર હુમલો કરવાની તૈયારી કરી રાખી હતી. હિંસા પહેલા જ સ્થાનિક CCTV તોડી નાખ્યા હતા. તથા હિંસા દરમિયાન પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવા સહિતના ષડ્યંત્ર રચાયા હોવાના ખુલાસા થઇ ચુક્યા છે.