ભારત ભાતીગળ સંસ્કૃતિ ધરાવે છે. તમામ મત, મઝહબ અને પંથોના બધા જ તહેવારો દેશમાં ઉજવાતા રહે છે. પરંતુ દેશના બહુસંખ્યક સમાજના તહેવારો આજે પણ તેમના ધૈર્યની પરીક્ષા લીધા વગર પૂર્ણ થતા નથી. દેશનો સૌથી મોટો બહુમતી સમાજ આજે પણ પોતાના તહેવારો ઉલ્લાસ અને આનંદથી ઉજવી શકતો નથી. તેની પાછળનું કારણ છે, એક સમુદાયના કટ્ટરપંથીઓનો મઝહબી ઉન્માદ. શાંતિમય રીતે પોતાના આરાધ્યના અનુષ્ઠાનમાં ઉજવાતા ઉત્સવોમાં પણ તે સમુદાય વિશેષના કેટલાક કટ્ટરપંથીઓને પોતાનો મઝહબ જોખમમાં લાગવા લાગે છે અને ગમે તે રીતે ટોળાં ભેગા કરીને હિંદુ તહેવારોમાં વિક્ષેપ પાડવાનું તેઓ શરૂ કરી દે છે. તાજેતરમાં જ દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાયો. અનેક સ્થળોએ કટ્ટરપંથી ટોળાંઓએ હુમલા કર્યા અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી. આ ઘટનાઓથી ગુજરાત પણ બાકાત ન રહ્યું. ગુજરાતમાં 11 દિવસના ગણેશોત્સવ દરમિયાન અનેક સ્થળોએ જેહાદીઓએ હુમલા કર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સુરતના સૈયદપુરાની ઘટના તો આજે આખા દેશ સામે આવીને ઊભી રહી હતી. પરંતુ તે સિવાય પણ ગુજરાતમાં અનેક હુમલા થયા હતા.
11 દિવસના ગણેશોત્સવમાં રાજ્યભરમાં લગભગ 8 ઘટનાઓ એવી બનવા પામી છે, જેમાં કટ્ટરપંથી જેહાદી ટોળાંઓએ ગણેશ પંડાલો પર, ગણેશ આગમનયાત્રા પર અથવા તો ગણેશ વિસર્જનયાત્રા પર હુમલા કર્યા હોય. નોંધવા જેવી વાત તો તે છે કે, આ તમામ ઘટનાઓ ગુજરાતમાં બની છે. જોકે, પોલીસ પ્રશાસન અને સરકારના કડક વલણના પગલે જાનહાનિ કે માલહાનિ નથી થઈ શકી, પરંતુ હિંદુઓની આસ્થાને ચોક્કસપણે ઠેસ પહોંચી છે. ઑપઇન્ડિયાએ આ તમામ ઘટનાઓનું વિસ્તૃત કવરેજ કર્યું હતું. પરંતુ હવે ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ તે તમામ ઘટનાઓ પર ફરીથી નજર કરવી ખૂબ જરૂરી જણાઈ આવે છે.
વડોદરામાં ગણેશજી આગમનયાત્રા પર થયો હતો પથ્થરમારો
ગુજરાતમાં ગણેશોત્સવ શરૂઆત પહેલાં સૌથી પહેલો હુમલો વડોદરા ખાતે થયો હતો. ત્યારબાદ સતત હુમલા ચાલુ રહ્યા છે. ‘સંસ્કારી નગરી’ ગણાતા વડોદરામાં આ પહેલાં પણ અનેક શોભાયાત્રા પર હુમલા થઈ ચૂક્યા છે. ઘટના છે 23 ઑગસ્ટ, 2024 ને શુક્રવારના રોજની. રાત્રિ દરમિયાન વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર રોડ પર ગણેશ મંડળના ભક્તો ભગવાન ગણેશજીની વિશાળ મૂર્તિ લઈને પસાર થઇ રહ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે, મધુનગર ચોકડી પાસે પહોંચતાં જ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો. પછીથી થોડી જ વારમાં ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ વણસી હતી અને થોડી ક્ષણો માટે ચારે બાજુ ઊહાપોહ મચી ગયો હતો. વડોદરાના ગોરવામાં પથ્થરમારો થયો હોવાના દાવા સાથે કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ઑપઇન્ડિયાએ સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરીને જમીની અહેવાલ તૈયાર કર્યો હતો. સ્થાનિક ગિરીશભાઈ નામના વ્યક્તિએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, ગણેશોત્સવની તૈયારીના ભાગરૂપે તેઓ તેઓ ભગવાન ગણેશની મૂર્તિ લેવા માટે ગયા હતા અને ત્યારબાદ ગણેશજીની આગમનયાત્રા સાથે પરત ફરી રહ્યા હતા. દરમિયાન મધુનગર ચોકડી પર પહોંચતાની સાથે જ ગણેશજીની મૂર્તિ તરફ પથ્થરો ફેંકાવવાના શરૂ થઈ ગયા હતા. જોકે, પોલીસે આ દાવો નકારી દીધો હતો અને કહ્યું હતું કે, એકાદ-બે પથ્થરો આમતેમ થયા હશે.
મુન્દ્રામાં ગણેશજીની આગમનયાત્રા પર મુસ્લિમ શખ્સોનો હુમલો, તલવાર બતાવીને કહ્યું- આજે જીવતા નહીં જવા દઈએ
વડોદરાની ઘટનાના માત્ર કેટલાક દિવસો બાદ જ કચ્છના મુન્દ્રામાં પણ તેવો જ એક કિસ્સો બનવા પામ્યો હતો. ઘટના શુક્રવારે (6 સપ્ટેમ્બર) સવારે બની હતી. જે મામલે મુન્દ્રા પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના યુવરાજસિંહ જાડેજા નામના હિંદુ યુવાનની ફરિયાદના આધારે કુલ 5 આરોપીઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. તે ઘટનાની FIR પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. વિગતો અનુસાર, યુવરાજસિંહ જાડેજા અને અન્ય હિંદુ યુવાનો ગણેશજીની મૂર્તિ લઈને આવી રહ્યા હતા. દરમિયાન મુસ્લિમ યુવકોએ રસ્તા વચ્ચેથી બાઇક હટાવી લેવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હિંદુ યુવાનો પર હુમલો કરી દીધો હતો.
આરોપીઓએ તલવાર અને છરા જેવા તીક્ષ્ણ હથિયારો કાઢીને કહ્યું હતું કે, “આજે તો તમને જીવતા જવા નથી દેવાના.” પછીથી લોકો એકઠા થઈ જતાં આરોપીઓએ હથિયારો છુપાવી દીધાં હતાં. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ ફારૂક અને હમજા સહિત અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
સુરતના સૈયદપુરામાં મુસ્લિમ સગીરોએ ગણેશ પંડાલ પર કર્યો હતો હુમલો
ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે સુરતના સૈયદપુરા ખાતે ‘વરિયાવી ચા રાજા’ નામક ગણેશ પંડાલ પર કેટલાક મુસ્લિમ સગીરોએ પથ્થરમારો કરી દીધો હતો. આ તાજેતરની ગુજરાતની સૌથી મોટી ઘટના હતી. આરોપીઓના પથ્થરમારા બાદ હજારોની સંખ્યામાં હિંદુઓ એકઠા થઈ ગયા હતા અને સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. દરમિયાન પોલીસ સ્ટેશનની નજીકની ગલીઓમાંથી ફરી હિંદુઓ પથ્થર ફેંકાયા હતા. રોષે ભરાયેલા હિંદુઓએ ત્વરિત કાર્યવાહીની માંગણી કરી હતી. દરમિયાન પોલીસે કાર્યવાહી તેજ કરતાં મુસ્લિમ ટોળાંઓએ પોલીસ પર પણ પથ્થરો ફેંકવાના શરૂ કરી દીધા હતા. જે બાદ પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી અને ભારે લાઠીચાર્જ શરૂ કર્યો હતો.
દરમિયાન સ્થાનિક ધારાસભ્ય, સુરતના મેયર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જે ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકાયા હતા, તે જ સ્થળે તેમણે મધ્ય રાત્રિએ ભગવાન ગણેશજી આરતી ઉતારી હતી અને સંકલ્પ લીધો હતો કે, સૂર્યનું પ્રથમ કિરણ સુરતની ધરતી પર પડે તે પહેલાં તમામ આરોપીઓને પકડી લેવાશે. આ સાથે જ તેમનો આ સંકલ્પ પૂર્ણ પણ થયો હતો. ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ પથ્થરબાજોને તાળાં તોડી-તોડીને બહાર કાઢ્યા હતા અને સવારે 6 વાગ્યા સુધીમાં તો તમામ આરોપીઓને ચાલવાના પણ ફાંફાં પડી રહ્યાં હતાં.
આ ઘટનાનો પડઘો આખા દેશમાં પડ્યો હતો. આ સાથે જ રાજ્ય સરકારની ત્વરિત અને સખત કાર્યવાહીના કારણે દેશના કરોડો હિંદુઓને ન્યાય પણ મળ્યો હતો. સગીર આરોપીઓને પોલીસ હવાલે કરી દેવાયા હતા અને બાદમાં જાણવા મળ્યું હતું કે, તે મુસ્લિમ સગીરોનો ગેંગલીડર એક મદરેસામાં તાલીમ પણ લઈ રહ્યો હતો. તે ઉપરાંત અનેક ઘટસ્ફોટ થયા હતા અને સૈયદપુરા વિસ્તારમાં તંત્રનું બુલડોઝર પણ ફરી વળ્યું હતું.
વડોદરામાં ગણેશોત્સવ વિરુદ્ધ ફરકાવાયા હતા અરબી ઇસ્લામી ઝંડા
સુરતમાં ગણપતિ પંડાલ પર હુમલો થયો તેના ગણતરીના કલાકો બાદ જ વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસના ફ્લેટમાં ગણેશોત્સવમાં અરબી ઝંડા લગાડવાની ઘટના સામે આવી હતી. આ ફ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. દસ ટાવર ધરાવતી આ સોસાયટીમાં 450 જેટલા મકાનો છે, જે પૈકી 48 જેટલા મકાનો મુસ્લિમ સમુદાયના લોકોને ફાળવવામાં આવ્યા છે અને બાકીના હિંદુઓના છે. હિંદુઓએ 10 ટાવરો પૈકીના એક ટાવરમાં સાર્વજનિક ગણપતિ પંડાલ લગાવ્યો હતો. જેના વિરોધમાં એક સ્થાનિક મુસ્લિમે તે જ ટાવર પર અરબી ઇસ્લામી ઝંડો ફરકાવી દીધો હતો. ઘટનાનો વિરોધ થયો હતો અને સ્થાનિક કોર્પોરેટરને જાણ કર્યા બાદ ઝંડો ઉતારી પણ લેવામાં આવ્યો હતો.
પરંતુ રાત્રિના 11 વાગ્યા સુધીમાં ત્યાં અનેક મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયાં. જેટલા મુસ્લિમો ફ્લેટમાં રહેતા પણ નથી, તેનાથી અનેક ગણા વધુ મુસ્લિમો એકઠા થઈ ગયા હતા. આ બધાએ રાત્રિના સમયે જ આખા આવાસ પર ઇસ્લામી ઝંડા લગાવી દીધા હતા. આ સાથે જ હિંદુઓને ‘થાય તે કરી લેવાની’ ધમકી પણ આપી હતી. મુસ્લિમ ટોળાંઓમાં મહિલાઓ પણ સામેલ હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહી હતી. ત્યારબાદ સ્થાનિક ભાજપ કોર્પોરેટરને જાણ કરતાં તેમણે સવારે તમામ ઝંડા ઉતરાવી નાખ્યા હતા અને ગણેશોત્સવને શાંતિમય રીતે પૂર્ણ કરવા માટેની અપીલ પણ કરી હતી.
સુરત: સગીર બાળકો પાસે મુસ્લિમ મહિલાઓએ તોડાવી ગણેશજીની મૂર્તિઓ
સુરતના સૈયદપુરામાં ભગવાન ગણેશની પ્રતિમા પર પથ્થરમારાની ઘટનાના પડઘા હજુ તો શાંત પણ નહોતા પડ્યા ત્યાં જ હિંદુઓની લાગણી દુભાવતી અન્ય એક ઘટના સુરતમાંથી સામે આવી હતી. સુરતના આઠવા વિસ્તારમાં આવેલા સોની બજારમાં ગણપતિની મૂર્તિઓ વેચનાર વિક્રેતાની દુકાનમાં ઘૂસી જઈને ભગવાન ગણેશજીની મૂર્તિઓ તોડવામાં આવી હતી. આ ઘટનાને પગલે બે મુસ્લિમ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને મહિલાઓએ પોતાના સગીર બાળકોને ઉશ્કેરીને મૂર્તિઓ તોડાવી હતી. આરોપી મહિલાઓની ઓળખ લાઈમા સલીમ શેખ અને રૂબીના ઈરફાન પઠાણ તરીકે થઈ છે.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, બંને મુસ્લિમ મહિલાઓ ફૂટપાથ બ્રિજ પર રહીને ભીખ માંગી ગુજરાન ચલાવે છે અને આ મહિલાઓની ઉશ્કેરણીથી જ તેમના 5-6 વર્ષના સગીર બાળકોને અંદાજે 10 જેવી ગણપતિની મૂર્તિઓ તોડી પાડી હતી. સૈયદપુરાની ઘટના બાદ પોલીસે હાથોહાથ આ ઘટનાની આરોપી મહિલાઓને પણ ઝડપી પાડી હતી. આ ઘટનાને લઈને પણ સ્થિતિ વધુ તંગ બને તેવી શક્યતા હતી, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને સ્થતિ સંભાળી લીધી હતી.
કચ્છના નખત્રાણામાં મૂર્તિ ખંડિત કરી ઇસ્લામી ઝંડો લગાવ્યો
સુરત બાદ કચ્છના નખત્રાણાના એક ગામમાં ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અહીં પણ સુરતની જેમ જ કાવતરાને અંજામ આપવા માટે સગીર મુસ્લિમ બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પથ્થરમારાના કારણે ગણેશજીની મૂર્તિ ખંડિત થઈ હતી. બીજી તરફ, મંડપથી થોડાં જ ડગલાં દૂર એક હિંદુ મંદિર પર ઇસ્લામી ઝંડો પણ ફરકાવી દેવાયો હતો. ઘટનાને લઈને ગામમાં માહોલ તણાવપૂર્ણ બન્યો હતો. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. ઘટનાને પગલે પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટના સામે આવ્યા બાદ નખત્રાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને કુલ 7ની અટકાયત કરી લીધી હતી. જેમાંથી 3 મુસ્લિમ બાળકો હતાં, જેમણે પથ્થર ફેંક્યા હતા અને બાકીના 4 વયસ્કો હતા. જેમાંથી અમુક મંદિર પર ઝંડા લગાવવામાં પણ સામેલ હતા. પોલીસે આ તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલાં મુસ્લિમ બાળકોમાંથી એકનો બાપ મૌલાના છે. તેની પણ અટકાયત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ મૌલાના ગુલામ હુસૈન જાફર, આસિફ સુમરા પઢિયાર, સાહિલ રમજાન અને હનીફ જુસન તરીકે થઈ હતી.
સુરતના સૈયદપુરા બાદ વરિયાવી બજાર ગણેશ પંડાલ પર થયો હતો કાંકરીચાળો
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર મુસ્લિમો દ્વારા પથ્થ્મારા બાદ નજીકના વરિયાવી બજાર વિસ્તારમાં પણ ગણપતિ પંડાલ પર કાંકરીચાળો થયો હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે, ગણેશજીની મૂર્તિ પર કાંદા-બટાટા અને પથ્થર ફેંકવામાં આવી રહ્યા હતા. સૈયદપુરામાં બનેલી ઘટના હજી તાજી જ હતી, ત્યારે સુરતમાં ફરીથી ગણપતિ પંડાલને નિશાનો બનાવવાની ઘટના સામે આવી હતી. જોકે, પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે જ ત્યાં સુરક્ષા ગોઠવી દીધી હતી અને ભારે પોલીસ ફોર્સ તહેનાત કરી દીધી હતી.
સુરતના વરિયાવી બજાર ખાતે આ સમગ્ર ઘટના સતત 3 દિવસથી ચાલતી હોવાનું સામે આવ્યું હતું. 10 સપ્ટેમ્બરની રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓ 3 રાત્રિથી ઊંઘ્યા નથી, કારણ કે રાત્રિના સમયે જ પંડાલ પર કાંદા-બટાટા ફેંકવામાં આવી રહ્યા હતા. એક વૃદ્ધ મહિલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “3 રાત્રિથી અમારે ઉજાગરા છે, કાંદા-બટાટા ફેંકે, પથ્થર ફેંકે. આજે 8 વાગ્યાથી ફેંકવાનું શરૂ કર્યું હતું. આ બધો ફરતે મોમેડિયન એરિયા અને વચ્ચે અમારી સોસાયટી છે. અમે શું કરીએ?”
ખેડામાં ગણેશ વિસર્જનયાત્રા પર 150ના મુસ્લિમ ટોળાંનો હુમલાનો પ્રયાસ
આ તમામ ઘટનાઓ બાદ અંતિમ અને તાજી ઘટના ખેડાના વસોમાંથી સામે આવી હતી. મંગળવારે (17 સપ્ટેમ્બર) ગણેશ વિસર્જનના ભાગરૂપે સ્થાનિક હિંદુઓ વસો બજારમાંથી ડીજે સાથે ગણેશ વિસર્જનયાત્રા લઈને જઈ રહ્યા હતા. થોડે દૂર જતાં તે જ બજારમાં જામા મસ્જિદ નજીક ડીજે પહોંચતાં કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો ભડકી ઉઠ્યા હતા અને મસ્જિદ પાસે ડીજે વગાડવાને લઈને બબાલ કરવા લાગ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, લગભગ 150થી 200નું ટોળું ધોકા-પાઇપો લઈને શોભાયાત્રામાં ઘસી આવ્યું હતું. પરિણામે બંને જૂથો સામસામે આવી ગયાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ તરત જ ત્યાં પોલીસની ટીમો આવી પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.
આ ઘટનાને લઈને વસો પોલીસ સ્ટેશનના અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, મસ્જિદ પાસે ડીજે વગાડવાને લઈને તકરાર થઈ હતી. જોકે, મારામારી કે હુમલા થાય તે પહેલાં જ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. તેમ છતાં થોડું ઘર્ષણ થવા પામ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ BNSની (ભારતીય ન્યાય સંહિતા) વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને 11 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ તમામ આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે અને તેઓ ધોકા-પાઇપો લઈને ઘટનાસ્થળે ઘસી આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.