છેલ્લા કેટલાક સમયથી ગૌમાંસ અને ગૌવંશની તસ્કરીની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવામાં રાજપીપળાના સાગબારાના ખોપી ગામે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે 7 ગૌવંશને કતલખાને જતાં બચાવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ગૌવંશને એક પીકપ ગાડીમાં ઠસોઠસ ભરીને તસ્કરી કરવામાં આવી રહી હતી. સ્થાનિક હિંદુ સંગઠનોને આની માહિતી મળતા જ તેમણે પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન પીકપ ચાલકને આ વિશે માહિતી મળી જતા તે વાહનને મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે જ્યારે વાહનની જડતી લીધી ત્યારે તેમાંથી ગાય, વાછરડા અને બળદ સહિત 7 ગૌવંશ મળી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજપીપળાના સાગબારાના ખોપી ગામે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે એક પીક-અપ ગાડીને અટકાવીને 7 ગૌવંશને બચાવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા દાખલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પીક-અપ ચાલકે ગૌવંશને ટૂંકી દોરીથી બાંધીને નાની જગ્યામાં ખીચોખીચ ભર્યા હતા અને ગેરકાયદેસર રીતે તેની તસ્કરી કરી રહ્યો હતો. આ પીક-અપમાં ગૌવંશ માટે પાણી કે ઉભા રહેવા માટે તળિયે રેતી કે માટી નહોતી નાંખવામાં આવેલી. દયનીય હાલતમાં આ પશુઓને ક્રૂર રીતે બાંધીને લઇ જવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત ચાલક પાસે પશુને લઇ જવા માટે કોઈ પણ પ્રકારના પરવાના ન હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
આ મામલે હિંદુ સંગઠનોએ જયારે પોલીસને જાણ કરતા પોલીસે વાહનની તપાસ કરી હતી. પોલીસે પીક-અપમાં તપાસતાં તેમાં 4 ગાય, 2 વાછરડા અને 1 બળદને ગાડીના પાછળના ભાગમાં બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ચાલક ગાડીને મૂકીને નાસી જતા પોલીસે વાહન અને પશુ સહિત 6 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ભાગી છૂટેલા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની સુધારા કલમ 6 ક (1), 6 ક (3), 6 ક (4), 8 (4) તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 (1) (ઘ) (ચ) (છ) (ઝ) ઉપરાંત ગુજરાત મોટર વ્હીકલ એક્ટની 1986ની કલમ 192 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ સતર્કતા દાખવીને પશુઓને બચાવી લીધાં હતાં.