બૉલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ભુજથી ધરપકડ કરી લીધી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ આ વિશેની માહિતી પણ આપી છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, બંને આરોપીઓ ઘટનાને અંજામ આપીને ગુજરાત તરફ નાસી છૂટયા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાત જઈને બંને આરોપીઓની શોધખોળ કરી હતી અને તે બાદ ભુજથી બંનેને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે હવે આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરાશે.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ભુજથી ધરપકડ કરી છે. ભુજમાં માતાના મઢ પાસેથી બંને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા અને સાગર પાલ તરોકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સાથે મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાત પોલીસ અને વિશેષ રીતે ભુજ પોલીસની મદદથી ઓપરેશન પાર પાડ્યું હતું.
#WATCH | Two accused identified as Vicky Gupta and Sagar Pal were arrested by the Mumbai Crime Branch from Gujarat's Bhuj, in connection with the firing incident outside the residence of actor Salman Khan.
— ANI (@ANI) April 16, 2024
(Source: Bhuj Police) pic.twitter.com/JdtXZVQrZj
પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરીને બંને આરોપીઓ બાઇકથી બાંદ્રા સ્થિત માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા. ત્યાં બાઇક મૂકીને તેમણે બાંદ્રા રેલવે સ્ટેશન માટે રિક્ષા કરી હતી. જે બાદ બંને બોરીવલી જઈ રહેલી એક ટ્રેનમાં ચડયા હતા. પરંતુ સાન્તાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર ચાલ્યા ગયા હતા. જે બાદ તેઓ ગુજરાત તરફ જતાં રહ્યા હતા. આ તમામ સ્થળોના સીસીટીવી ફૂટેજમાં બંને આરોપીઓને જોઈ શકાય છે. હાલ તો પોલીસ બંનેને લઈને મુંબઈ આવશે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરશે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આરોપીઓના તાર જોડાયેલા છે કે કેમ, તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.
સલમાન ખાનના ઘર પર થયો હતો ગોળીબાર
ઉલ્લેખનીય છે કે, રવિવારે (15 એપ્રિલ, 2024) મુંબઈના બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘરની બહાર બાઇક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, સવારે લગભગ પાંચ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ સાથે જ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મહત્વની વાત એ છે કે, ઘટના બાદ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ હાલ પોલીસ વધુ તપાસમાં લાગી છે.