Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમસુરતથી અમદાવાદ રિક્ષામાં થતી હતી ગાંજાની હેરાફેરી, એક ફેરાના મળતા હતા ₹5...

    સુરતથી અમદાવાદ રિક્ષામાં થતી હતી ગાંજાની હેરાફેરી, એક ફેરાના મળતા હતા ₹5 હજાર: પોલીસે 30 કિલો માદક પદાર્થ સાથે ફૈઝલ મન્સૂરી, ઈરફાન શેખ અને જુનેદ સૈયદની કરી ધરપકડ

    ઑપઇન્ડિયાને વેજલપુર પોલીસે જણાવ્યું કે, આ ત્રણેય આરોપીઓને અજજુ નામનો એક શખ્સ સુરત મોકલતો હતો અને ગાંજો લાવવા માટે પોતાની રિક્ષા પણ આપતો હતો. હાલ ત્રણ આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અજજુની શોધખોળ ચાલુ છે.

    - Advertisement -

    અમદાવાદમાં ફરી એકવાર ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે સુરતથી અમદાવાદ રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ઓળખ ફૈઝલ ગુલાબ મન્સૂરી, ઈરફાન ઈકબાલહુસૈન શેખ અને જુનેદ યુસુફ સૈયદ તરીકે થઈ છે. પોલીસે તેમની ધરપકડ સાથે ગાંજો અને રિક્ષા સહિત કુલ ₹3.70 લાખની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓને એક ફેરા દીઠ ₹5 હજાર આપવામાં આવતા હતા.

    સુરતથી અમદાવાદ ગાંજાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તેમાં ત્રણ આરોપીઓની વેજલપુર પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે. શહેરના નારોલ વિસ્તાર તરફથી આવતી રિક્ષામાં ગાંજો હોવાની માહિતીના આધારે વેજલપુર પોલીસે વોચ ગોઠવી હતી. જે બાદ આરોપીઓ રિક્ષા લઈને ત્યાં આવતા, રિક્ષાની તપાસ કરવામાં આવી હતી અને ગાંજો મળી આવતા ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે 30 કિલો ગાંજો અને રિક્ષા પણ પોલીસે જપ્ત કરી લીધી છે. પોલીસે કુલ ₹3.70 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.

    પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે, સુરતથી અમદાવાદ ગાંજાની એક ખેપ મારવાના દરેક આરોપીને ₹5 હજાર આપવામાં આવતા હતા. આ સાથે કોઈને શંકા ન જાય તે માટે તેઓ રિક્ષાના ફેરા મારતા હતા અને તે રીતે તેઓ સુરતથી અમદાવાદ આવતા હતા. આ દરમિયાન એક આરોપી રિક્ષા ચલાવતો હતો અને બાકીના બે પાછળ પેસેન્જરો સાથે બેસી રહેતા હતા. જેથી કરીને પોલીસને પણ શંકા જઈ શકે નહીં. પરંતુ વેજલપુર PI આરએમ ચૌહાણને આ વિશેની પાક્કી બાતમી મળી ગઈ હતી, જેથી કરીને પોલીસે આરોપીઓને રસ્તા પરથી જ દબોચી લીધા હતા.

    - Advertisement -

    પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, આ પહેલાં પણ તેઓ સુરતથી ગાંજાની હેરાફેરી કરી ચૂક્યા હતા. ઑપઇન્ડિયાએ વેજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી જાણવા મળ્યું છે કે, આ ત્રણેય આરોપીઓને અજજુ નામનો એક શખ્સ સુરત મોકલતો હતો અને ગાંજો લાવવા માટે પોતાની રિક્ષા પણ આપતો હતો. હાલ ત્રણ આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અજજુની શોધખોળ હાલ પણ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

    સાથે પોલીસે એ પણ જણાવ્યું છે કે, ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ તેમને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી, જે બાદ કોર્ટે આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં