સુરત જિલ્લાના માંડવીમાં બોરીગાળા ગામે સ્થાનિકોએ જનતા રેડ કરી કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા 4-5 દિવસથી કતલખાનું ચાલતું હોવાથી સ્થાનિકો સતર્ક થયા હતા. દયાહીન દાનવો અબોલ ગૌધન પર થતા અત્યાચારને અટકાવે તે હેતુ સ્થાનિકો આજે કોલાકુઈ ફળિયામાં પહોંચ્યા હતા. જ્યાં એક પીકઅપ ટેમ્પામાંથી મોટા જથ્થામાં ગૌમાંસ મળી આવ્યું હતું.
નોંધનીય છે કે, સુરતનો ગ્રામ્ય વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી ગૌહત્યા માટે કુખ્યાત બનતો જાય છે. તેવી જ રીતે સુરતના બોરીગાળા ગામમાં છેલ્લા 4-5 દિવસથી અબોલ જીવ પર અત્યાચાર થઇ રહ્યા હતા. આ અંગે સ્થાનિકોને જાણ થતાં દયાભાવ રાખી કોલાકુઈ ફળિયાના જંગલ વિસ્તારમાં જનતા રેડ કરી હતી.
આ દરમિયાન ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં ગૌમાંસ મળી આવ્યું હતું. જેને ગ્રામજનોએ ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત સ્થળ પરથી મૃત હાલતમાં વાછરડું પણ મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાની માંડવી પોલીસને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળમાં ઇસ્માઇલ ખવડાવતો હતો ગૌમાંસ ભરેલા સમોસા
નોંધનીય છે કે, સુરત જિલ્લાના અમુક દાનવો પોતાના આહાર માટે ગૌધનને મારી નાખતા હોય છે. ત્યારે આ પહેલા માંગરોળના કોસાડીથી ગૌમાંસ ભરેલા સમોસા મળી આવ્યા હતા. માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રીક્ષામાંથી સમોસાના જથ્થા સાથે ગૌહત્યાના વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફને ઝડપી લીધો હતો. પોલીસને શંકા જતા ઝડપાયેલા સમોસા FSLમાં મોકલવામાં આવ્યાં હતા, બાદમાં આ સમોસામાં ગૌમાંસ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે મુંબઈ પશુ સરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5, 6, 8 તથા ગુજરાત પશુ રક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 6(ક),(ખ) મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફ પોતાની રીક્ષા GJ 05 AY 7074 લઈ મોસાલી ચોકડી નજીકથી પસાર થવાનો છે, અને પોલીસ મોસાલી ચોકડી પર વોચમાં હતી. તે સમયે બાતમીવાળી રીક્ષા આવતા પોલીસે તેને આંતરીને રીક્ષામાંથી ઈસ્માઈલને ઝડપી લીધો હતો.
ચોક બજાર વિસ્તારમાં અલ્તાફને ઘરેથી ગૌમાંસ મળી આવ્યું
સુરત શહેરમાં 7 એપ્રિલ, 2023ના દિવસે પોલીસે ચોક બજાર વિસ્તારમાં દરોડો પાડીને ખાટકી અલ્તાફ પૂંઠાવાલાના ઘરેથી મોટા પ્રમાણમાં ગૌમાંસ પકડી પાડ્યું હતું. કુખ્યાત અલ્તાફ ઘર પાસે ગાયોની કતલ કરી મોટા પ્રમાણમાં વેપલો ચલાવતો હોવાની ગૌરક્ષકોને બાતમી મળી આવતાં પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે અલ્તાફના ઘરેથી ગૌમાંસનો 1800 કિલો જેટલો જથ્થો કબ્જે કર્યો હતો. આ સિવાય ઘટનાસ્થળેથી પશુઓની કતલ માટે વપરાયેલા છરા, કુહાડી, ચપ્પુ, ફોકસ, ઇલેક્ટ્રિક વજનકાંટો, માંસ ભરવા માટેના ડ્રમ સહિતનો કુલ 1 લાખ 83 હજારનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. મોટા જથ્થામાં મળી આવેલ માંસ ગૌમાંસ હોવાની ખાતરી કરવા પોલીસે વેટરનરી ઓફિસરની મદદ લીધી હતી.