સંસદમાં રાહુલ ગાંધી દ્વારા ‘હિંદુ હિંસક હોય છે’નું નિવેદન આપ્યા બાદ સતત તેમનો વિરોધ થઈ રહ્યો છે. 1 જુલાઇની મોડી રાત્રે અમદાવાદમાં આવેલ ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય પર બજરંગદળના કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યા બાદ અમદાવાદ ભાજપ દ્વારા પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ મુખ્યાલય નજીક પ્રદર્શનની તૈયારી કરવામાં આવી હતી. જોકે બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. ભાજપના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે તેઓ 300/400 મીટર દૂર હતા અને કોંગ્રેસના કાર્યાલયમાંથી પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો.
તાજી જાણકારી અનુસાર ઘટનામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા કાર્યકર્તાઓને LG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને ભાજપે કોંગ્રેસના કેટલાક નેતાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. આરોપ છે કે કોંગ્રેસ કાર્યાલયમાંથી એસીડ/દારૂની બોટલો, લાકડીઓ અને પથ્થરો ફેંકીને વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ પથ્થરમારામાં એક ACP લેવલના પોલીસ અધિકારી પણ ઘાયલ થયા છે. ભાસ્કરે આપેલી માહિતી અનુસાર રમખાણ વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ દરવાજા બંધ કરી લેતા પોલીસ દરવાજો ખોલીને અંદર પ્રવેશી હતી, પોલીસ સાથે ક્રાઈમના ડીસીપી અને અન્ય અધિકારી પણ હાજર હતા.બીજી તરફ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે મીડિયા સાથે વાત કરતા ભાજપના પાંચ કાર્યકર્તાઓ ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક ગણાવ્યા બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન (ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય) પાસે ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા પહોંચતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું છે. હાલ આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
અમે આ લેખને તાજા જાણકારીઓ મળે તેમ તેમ અપડેટ કરી રહ્યા છીએ….