જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે પકડાયેલા મુફ્તી સલમાન અઝહરીને હજી જૂનાગઢ મામલે રાહત મળે એ પહેલા જ કચ્છના સામખિયાળીમાં અને પછી મોડાસામાં ભડકાઉ ભાષણ મામલે રાજ્યની અલગ અલગ પોલીસ પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી જુનાગઢ, કચ્છ અને મોડાસા એમ ત્રણ જગ્યાએ ભડકાઉ ભાષણ મામલે તેના પર FIR નોંધાઈ ચુકી છે. ત્યારે જૂનાગઢ પોલીસે રિમાન્ડ દરમિયાન કરેલી પૂછપરછમાં ઘણી વાતો બહાર આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જૂનાગઢ એલસીબીએ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે, નશામુક્તિ કાર્યક્રમના નામે નરસિંહ વિદ્યામંદિર સ્કુલના મેદાનમાં ભડકાઉ ભાષણ આપવા માટે આવેલા મુફ્તી સલમાન અઝહરીને કાર્યક્રમના આયોજકો દ્વારા કુલ ₹40,000 રોકડા ચૂકવાયા હતા. પોલીસ આ પ્રકારના કાર્યક્રમો અને તેનાથી મળેલી રકમની વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે મુફ્તી સલમાન અઝહરી તેના કટ્ટરતા ભરેલા ઝેરીલા ભાષણો માટે ખુબ પ્રસિદ્ધ છે. કટ્ટરવાદી વાતો કરીને મુસ્લિમોને ઉશ્કેરતા મુફ્તી અઝહરીની સોશિયલ મીડિયામાં ખાસ્સી ફેન ફોલોવિંગ છે. સોશિયલ મીડિયા પર તેના 4,69,000 જેટલા ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેના દ્વારા મુકવામાં આવતા દરેક વિડીયો પર લાખોમાં વ્યુવ્સ છે, જેનાથી તેની ડોલરમાં કમાણી થાય છે. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં મુફ્તીએ જણાવ્યું હતું કે, તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અન્ય લોકો ઓપરેટ કરતા હોવાથી તેને સોશિયલ મીડિયાથી થતી આવક વિશેનો ખ્યાલ નથી.
અહેવાલો અનુસાર પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, વર્ષ 2023ના જુન મહિનામાં જૂનાગઢમાં મજેવડી ગેઈટ તોફાનકાંડના આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જે પછી આરોપીઓનું ફરી ગુનો આચરવાનું મોરલ પડી ભાંગ્યું હતું. જેથી કાર્યક્રમનું આયોજન કરી તેમના ભાંગી પડેલા મોરલને ફરીથી ઊંચું લાવવા મુંબઈથી સ્પેશીયલ મુફ્તી સલમાન અઝહરીને બોલાવાયો હતો.
જયારે જૂનાગઢમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિક કેટલાક લોકોએ કાર્યક્રમના આયોજકોને ચેતવ્યા પણ હતા કે, મુફ્તી અઝહરી તેના ભાષણોમાં કાયમ ભડકાઉ શબ્દોનો પ્રયોગ કરે છે. જેથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે, પરંતુ આયોજકોએ આ ચેતવણીને ગણકારી ન હતી અને મુફ્તી સલમાન અઝહરીને ભાષણ માટે જૂનાગઢ બોલાવ્યો હતો.