મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસે સગીરાની છેડતીના અને યૌન શોષણ કરવાના પ્રયાસના આરોપમાં ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર હોવાનો દાવો કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ સાજિદ ખાન છે. સાજિદ વિરુદ્ધ POCSO (પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન ઑફ ચિલ્ડ્રન એક્ટ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિત યુવતી ગુજરાતની રહેવાસી છે. સગીરાને રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો શોખ હતો. તેનો આ શોખ જોઈને તેના કાકાએ 13 ડિસેમ્બર, 2023ના રોજ તેનો પરિચય સાજિદ ખાન સાથે કરાવ્યો હતો. તેમણે તે આશા સાથે તેમની ભત્રીજીની સાજિદ ખાન સાથે મુલાકાત કરાવી હતી કે, સાજિદ તેને એક્ટિંગ શીખવીને કોઈ ફિલ્મ અપાવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત સગીરાના પરિવારે સાજિદ પર વિશ્વાસ કરીને તેની સાથે સગીરાને મોકલી દીધી હતી. આ ભરોસાનો ફાયદો ઉઠાવીને સાજિદ ખાન 24 ડિસેમ્બર, 2023ના રોજ પીડિતાને ગુજરાતથી મુંબઈ લઈ ગયો હતો. તે પીડિતાને લઈને સીધો મુંબઈના અંધેરી વિસ્તારની એક હોટેલમાં લઈ ગયો હતો. આરોપ છે કે સગીરા સાથે 25 ડિસેમ્બર, 2023ના રોજ સવારે સાજિદે બળજબરી કરી યૌન શોષણ કરવા પ્રયાસ કર્યો હતો. તેણે કથિત રીતે સગીરાના માથા પર ચુંબન કર્યું અને તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. જોકે, સગીરાએ વિરોધ કરતાં આરોપી પડખું ફરીને સૂઈ ગયો હતો.
આ ઘટનાને લઈને પીડિતા ડરી ગઈ હતી અને તે હોટેલના રૂમમાંથી નીકળીને સીધી પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યાં જઈને તેણે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે કેસ નોંધીને સાજિદ ખાનની હોટેલના રૂમમાંથી ધરપકડ કરી હતી. સાજીદને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ વધુ તપાસ કરશે. મુંબઈ પોલીસ આ કેસમાં દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી સગીર પીડિતાને ગુજરાતથી મુંબઈ કેવી રીતે લાવ્યો.
નોંધનીય છે કે, ગુજરાતમાં આ પહેલાં પણ આવી અનેક ઘટના નોંધાઈ હતી. જૂન 2023માં વડોદરામાંથી આવો એક કિસ્સો સામે આવ્યો હતો. વડોદરા ગોરવા ખાતે રહેતી હિંદુ સગીરાએ મોહમ્મદ કૈફ સાથે સામાન્ય મિત્રતા કેળવી હતી. જે બાદ મોહમ્મદ અવારનવાર હિંદુ સગીરાના ઘરે જતો હતો.જેના થોડા સમય બાદ મહોમ્મદ કૈફ દિવસના કોઈપણ સમયે પીડિતાના ઘરે પહોંચી જતો હતો અને તેની જાતીય સતામણી કરતો હતો. આરોપી મહોમ્મદ કૈફની જાતીય સતામણી વધી જતા તેનાથી કંટાળીને સગીરાએ પરિવારને જાણ કરી હતી. આ દરમિયાન પરિવાર તરફથી સગીરાને હિંમત અપાતા ઉત્પીડન કરી રહેલા મહોમ્મદ કૈફ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.