રાજસ્થાનના જોધપુરમાંથી એક બાંગ્લાદેશી વ્યક્તિની ધરપકડ થઇ છે. વ્યક્તિની ઓળખ મહમૂદ આલમ તરીકે કરવામાં આવી છે જે છેલ્લા 7 મહિનાથી હિંદુ નામ, કિશોર કુમાર, ધારણ કરી ભારતમાં રહેતો હતો. રાજસ્થાન પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ આરોપીને IBને (ઈન્ટેલીજન્સ બ્યુરો) સોંપી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રવિવાર (17 ડિસેમ્બર 2023)ના રોજ રાજસ્થાનના જોધપુરમાંથી મહમૂદ આલમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાક્રમ મુજબ જોધપુર સ્થિત મથુરા દાસ માથુર હોસ્પિટલમાં (MDM) એક યુવક સારવાર માટે આવ્યો હતો. જ્યાં તેને પોતાનું નામ કિશોર કુમાર અને પિતાનું નામ કિરણ કુમાર જણાવ્યું હતું. હોસ્પિટલ પ્રશાસનને ઓળખપત્રમાં પોતાનું આધારકાર્ડ પણ બતાવ્યું. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોકટરોને શંકા જતા તેમને પોલીસ પ્રશાસનને આ વિશે સુચના આપી હતી. જ્યાં પોલીસ દ્વારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા યુવકે પોતાને બાંગ્લાદેશનો રહેવાસી ગણાવ્યો હતો.
ધરપકડ બાદ બાંગલાદેશી યુવકે પોતાનું ખરું નામ મહમૂદ આલમ હોવાનું જણાવ્યું હતું. મહમૂદના પિતાનું નામ શમશુલ આલમ અને તે બાંગલાદેશના મદિરાપુરા ક્ષેત્રના દુર્ગાવોરદીનો રહેવાસી હોવાનો જણાવ્યું હતું. આરોપી મહમૂદ આલમનો પાસપોર્ટ પણ આ જ નામે હોવાનું જાણવા મળ્યું હતું.
રાજસ્થાન પોલીસે કરેલી પૂછપરછમાં મહમૂદ આલમે કહ્યું કે તે પહેલાં કલકત્તા ગયો. જ્યાંથી તે દિલ્લી અને ત્યાંથી જેસલમેર (રાજસ્થાન) પહોંચ્યો હતો. દિલ્લીમાં રહેતા મહમૂદ આલમને ત્યાં એક વાહન સાથે અકસ્માત થતા તેને શારીરિક ઈજાઓ પહોચી હતી. ત્યાર બાદ દિલ્લીમાં રહેતા એક સાથી મિત્રએ તેને જેસલમેરમાં કામ અપાવ્યું હતું. જે પછી મહમૂદ આલમ જેસલમેર આવ્યો હતો. દિલ્લીમાં થયેલી ઈજામાં કીડા પડી ગયા હોવાથી મહમૂદ આલમે તેનો ઈલાજ કરાવવા MDM હોસ્પિટલમાં દાખલ થયો હતો. જ્યાં હોસ્પિટલ પ્રશાસનને શંકા જતા મહમૂદની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની કાર્યવાહી દરમિયાન મહમૂદે જણાવ્યું હતું કે તે કામ કરવા માટે બાંગલાદેશથી વિઝા લઈને ભારત આવ્યો હતો પરંતુ વિઝા 2023માં પુરા થઇ ગયા હતા. જે પછી તે ભારત છોડી બાંગ્લાદેશ ગયો ન હતો. ત્યારે આ મામલે હવે રાજસ્થાન પોલીસે વધુ કાર્યવાહી માટે મહમૂદ આલમને IB (ઈન્ટેલીજન્સ બ્યુરો)ને સોંપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હોવાથી IB પકડાયેલાં આરોપી સાથે વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસ મહમૂદ આલમના ડોક્યુમેન્ટ્સ પણ તપાસી રહી છે.