ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદ જિલ્લામાં 16 ઑગસ્ટના રોજ એક હિંદુ મંદિરમાં (Hindu Temple) માંસના ટુકડા ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. બુરખો પહેરેલી 2 મહિલાઓ અને અન્ય એક પુરુષ પર આ કૃત્યનો આરોપ છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ આ ઘટનાને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ઘટના ગણાવી છે. બજરંગ દળે (Bajrang Dal) આ મામલે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. આ મામલે પોલીસે ફરિયાદ (FIR) નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ બુરખા પહેરીલી બે મહિલાઓ પર આ મામલે આરોપ ચાલી રહ્યો છે અને સાથે એક પુરુષ પણ તેમાં જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ મામલો મુરાદાબાદ જિલ્લાના કાંઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પૈગંબરાપુર સુખવાસીલાલ ગામમાં ચામુંડા માતાનું મંદિર છે જે સ્થાનિક હિંદુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દેવી માતાની સાથે, અન્ય ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ અહીં ધાર્મિક વિધિઓ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરમાં દરરોજ પૂજા કરવા ઉપરાંત ખાસ તહેવારો પર ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ મંદિરમાં માંસના ટુકડાઓ મળી આવ્યા હતા.
શુક્રવાર 16 ઑગસ્ટના રોજ ગ્રામ્ય વડા નરેશ સિંઘ, VHP બજરંગ દળના પ્રખંડ સંયોજક રાહુલ પાલ, રિંકુ, સતવીર સિંઘ, કપિલ, જિલ્લા સેવા પ્રમુખ વિટ્ટુ ચૌહાણ વગેરે વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળના જિલ્લા પ્રમુખ મોનુ વિશ્નોઈ બજરંગી અને અન્ય અધિકારીઓ સાથે દહેરા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને આ મામલે કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી.
નોંધાવેલી ફરિયાદ અનુસાર, આ મંદિરમાં માતા ચામુંડાની મૂર્તિની સામે માંસના ટુકડા મળી આવ્યા હતા. બુરખો પહેરેલી બે મહિલાઓ અને અન્ય એક અજાણ્યા પુરુષ પર આ કૃત્યનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હિંદુ સંગઠનોએ આ કૃત્યને હિંદુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે. આ સાથે આરોપીઓની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ અગાઉ પણ આ જ ચામુંડા માતાના મંદિરના ઘંટની ચોરી કરવામાં આવી હતી, ઉપરાંત મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી હતી.
આ ઘટના બાદ મંદિરનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં મંદિરના મુખ્ય દ્વાર પર માંસના ટુકડા સાથે ટાઈલ્સ પર લોહી દેખાઈ રહ્યું છે. મુરાદાબાદ પોલીસે આ મામલામાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 299 હેઠળ આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો, અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.