Saturday, November 16, 2024
More
    Home Blog Page 1076

    ભરૂચ ધર્માંતરણ કેસ: વધુ બે આરોપીઓ સરફરાઝ અને રમીઝ રાજાની ધરપકડ, અત્યાર સુધી કુલ 16 પકડાયા

    ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં હિંદુ આદિવાસી પરિવારોના ધર્માંતરણ કેસ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ એસઓજી દ્વારા આ બંનેને પકડતાંની સાથે જ આ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા 16 જેટલે પહોંચી છે. 

    ધર્માંતરણ કેસમાં પકડાયેલા બંને આરોપીઓની ઓળખ સરફરાઝ ઉર્ફે જાવેદ ખુજી ઉર્ફે જાવેદ મુફ્તી સલીમ હસન યુસુફ ઇબ્રાહિમ પટેલ (રહે. અછોડ) અને રમીઝ રાજા ઉર્ફે ઓવેશ અબ્દુલગની અબ્દુલરહીમ ખાનજી તરીકે થઇ છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. 

    આ બંને આરોપીઓ ઉપર ધર્મપરિવર્તન કરાયેલા લોકો માટે અનાજ, કપડાં, દવાની વ્યવસ્થા કરવા તેમજ આર્થિક રીતે નબળા લોકોને પૈસા, નોકરીની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે. આ બંનેએ લંડનથી અબ્દુલ ફેફડવાલાનને બોલાવીને ધર્માંતરણ કેસમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. 

    ઉલ્લેખનીય છે કે ભરૂચ ધર્માંતરણ કેસ મામલે ભરૂચ પોલીસે અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ વિરુદ્ધ આમોદના કાંકરિયાના 150 હિંદુ આદિવાસી પરિવારોને લોભ-લાલચ આપી ઇસ્લામમાં પરિવર્તિત કરાવવાનો આરોપ છે. કોર્ટે અગાઉ તમામ 14 આરોપીઓના જામીન ફગાવી દીધા હતા, જેથી હાલ તમામ જેલમાં બંધ છે. આ કેસમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મૂળ નબીપુરના અને હાલ લંડન રહેતા અબ્દુલ ફેફડવાલા સામે રેડ કોર્નર નોટીસ પણ જારી કરવામાં આવી છે. 

    ગત 30 એપ્રિલે જ આ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ સમદ દાઉદ પટેલ, શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ અને ઈસ્માઈલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તરીકે થઇ હતી. 

    ગત નવેમ્બર 2021માં આ કેસ નોંધાયો હતો. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામના પ્રવીણ વસાવા દ્વારા અબ્દુલ્લા ફેફડાવાલા, સલાહુદ્દીન શેખ સહિત અન્ય ઘણા લોકો વિરુદ્ધ વસાવા સમુદાયના લોકોના સામૂહિક ધર્માંતરણનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિના લોકોને નોકરી, ઘર, લગ્ન અને પૈસાની લાલચ આપી ધર્મપરિવર્તન કરવાવવામાં આવ્યું હતું. આ સાથે આ ધર્માંતરણ માટે વિદેશથી ફંડિંગ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. 

    ફરિયાદના આધારે ભરૂચ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 4,5, 4-G અને આઇપીસી ધારા 120 (B) 153(B) (C) , 506 (2), 153A (1), 295 (K), 466, 467, 468, 471 અને એટ્રોસિટી એક્ટની કલમ 3 (2), (5-A), 3 (2) (5) તેમજ આઇટી એક્ટ 2000 ની કલમ 84-C હેઠળ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો. 

    ઝારખંડ: શિવમંદિરમાં ગૌમાંસ મળી આવતાં વિસ્તારમાં ભારે તણાવ, પોલીસબળ તહેનાત, સાફ-સફાઈ બાદ મંદિરનું શુદ્ધિકરણ કરાયું

    ઝારખંડમાં એક ગામમાં આવેલા મંદિરમાં ગૌમાંસ ફેંકવાની ઘટના સામે આવી છે. મામલો સામે આવતાં જ વિસ્તારમાં તણાવ વધ્યો હતો અને હિંદુઓ આક્રોશિત થઇ ગયા હતા. જે બાદ પરિસ્થિતિ જોતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંદોબસ્ત ખડકી દીધો હતો. 

    દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર, ઝારખંડમાં લોહરદગા જિલ્લાના રામપુર ગામમાં આ ઘટના બની છે. અહીં આવેલા શિવમંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ ગૌમાંસ ફેંકી દીધું હતું. જે અંગે શનિવારે (9 જુલાઈ 2022) સ્થાનિકોને જાણ થઇ હતી. મંદિરમાં માણસ જોતાં જ સ્થાનિકો ભડકી ઉઠ્યા હતા અને થોડી જ ક્ષણોમાં મંદિરની આસપાસ ભીડ એકઠી થઇ ગઈ હતી. 

    ઘટના બાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. જોકે, ત્યાં સુધીમાં પોલીસને જાણ કરી દેવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. જે બાદ ગામલોકોએ મંદિરની સાફ-સફાઈ કરી હતી અને શુદ્ધિકરણ પણ કર્યું હતું. 

    ગામના પંચાયત જનપ્રતિનિધિ શંભુ સિંહે જણાવ્યું હતું કે, ગામમાં અસામાજિક તત્વો દ્વારા કોઈને કોઈ પ્રકારે પ્રેમ-સૌહાર્દને ખરાબ કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા રહ્યા છે. જેને લઈને પોલીસને અરજી પણ કરવામાં આવશે. 

    કથિત રીતે જાણકારી મળ્યા બાદ મુસ્લિમ સમુદાયના લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે પોલીસ તંત્રને આરોપીઓની તુરંત ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. 

    પોલીસ અધિક્ષક આર રામ કુમારે જણાવ્યું કે, હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને ચારેતરફ પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું છે. જલ્દીથી જ અસામાજિક તત્વોને પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ દોષી હશે તને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. 

    જોકે, અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. હિંદુ મંદિરોનું અપમાન કરવા માટે આવું થતું આવ્યું છે. કારણ કે મંદિરોમાં માંસ લઇ જવું વર્જિત છે, જેના કારણે હિંદુ આસ્થા પ્રત્યે નફરત દર્શાવવા અને અપમાન કરવા માટે મંદિરમાં માંસ ફેંકવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓ અગાઉ પણ બન્યા છે. 

    આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમુક અજાણ્યા તત્વોએ ઝારખંડના સાહિબગંજ જિલ્લાના ફૂલબરિયા ગામમાં આવેલ દુર્ગા મંદિરમાં માંસ ફેંક્યું હતું. જે બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. 

    પત્રકાર ઝુબેરનું શંકાસ્પદ મોત, જમીન પર પડેલી મળી લાશ: લખ્યું હતું- ‘AltNewsની સમગ્ર ટીમને મારી સલામ’

    આંદામાન અને નિકોબારના પત્રકાર ઝુબેર અહેમદનું અવસાન થયું છે. તે ‘ધ સન્ડે આઈલેન્ડર’ નામના ઓનલાઈન ન્યૂઝ પોર્ટલના એડિટર હતા. તે શુક્રવારે (8 જુલાઈ, 2022) એક શાળામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે શાળામાં મેનેજર તરીકે કામ કરતાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનો મૃતદેહ જમીન પર પડ્યો હતો અને તેના ગળામાં દોરડું બાંધેલું હતું.

    આ પહેલા તે ગુરુવારે બપોરે 3:30 વાગ્યે તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. તે પછી તે બહાર ગયા હતા અને પાછા આવ્યા જ નહીં. તે દક્ષિણ આંદામાનના વિમ્બર્લીગંજનો રહેવાસી હતા.

    આંદામાન ક્રોનિકલ મીડિયા સંસ્થાએ તેના નિવેદનમાં કહ્યું, “અત્યંત દુખ અને શોક સાથે અમારે આ આઘાતજનક સમાચાર જાહેર કરવા પડ્યા છે. આ સમાચારે અમને હચમચાવી દીધા છે. જાણીતા પત્રકાર અને કાર્યકર્તા અને અમારા સારા મિત્ર ઝુબેર અહેમદે અંતિમ શ્વાસ લીધા. અમારે આ દુ:ખદ સમાચાર વિશે જણાવવું પડ્યું તે કલ્પના બહાર છે.”

    ‘આંદામાન ક્રોનિકલ’ના એડિટર ડેનિસ જાઈલ્સે આ નિવેદન જારી કરીને કહ્યું કે ઝુબેર અહેમદ પોતાની પાછળ પત્ની અને ત્રણ બાળકોને છોડી ગયા છે. તેના નજીકના મિત્રોનું કહેવું છે કે તે ડિપ્રેશનમાં હતા. તે ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોલોજિકલ સાયન્સ (નિમ્હાન્સ)’ના ડૉક્ટરો દ્વારા સૂચવવામાં આવેલી દવા લઈ રહ્યા હતા. તેઓ સાપ્તાહિક મેગેઝિન શરૂ કરવા માંગતા હતા, પરંતુ તે યોજના સાકાર થઈ શકી નહીં. આંદામાન અને નિકોબાર મીડિયા ફેડરેશન (ANMF) એ તેમના મૃત્યુને અચાનક, અકાળ અને દુ:ખદ ગણાવ્યું છે.

    તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતા. જેઓ તેમને ઓળખતા હતા તેઓએ કહ્યું કે તેમને ‘શોધખોળના પત્રકારત્વ’માં રસ હતો. ‘આંદામાન શેખા’એ તેમને આ ટાપુ સમૂહના જ્ઞાનકોશ તરીકે ઓળખાવ્યા હતા. કહેવાય છે કે તેઓ સામાજિક મુદ્દાઓ પર ખુલીને વાત કરતા હતા. જો કે, તે AltNewsના સમર્થક હતા અને તેના સ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ બાદ તેને ટેકો આપ્યો હતો. તેમનું છેલ્લું મીડિયા ટ્વીટ AltNews ને દાન વિશે હતું.

    પોતાની ટ્વિટમાં પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે, તેમણે લખ્યું હતું, “અલ્ટન્યૂઝની આખી ટીમ, મોહમ્મદ ઝુબેર અને પ્રતિક સિંહાને ખુલાસાઓ માટે મારી સલામ. સત્યનો વિજય થશે.”

    ઉમેશ કોલ્હેના હત્યારાઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે રાણા દંપતીએ કોલ્હેના ઘરની સામે કર્યા હનુમાન ચાલીસાના પાઠ

    મહારાષ્ટ્રના અપક્ષ લોકસભા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ શનિવારે ઉમેશ કોલ્હેના અમરાવતી આવાસની સામે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, જેમની 21 જૂને સસ્પેન્ડ કરાયેલા ભાજપ નેતા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સંદેશા પોસ્ટ કરવા બદલ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

    હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોલ્હેના હત્યારાઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ જેથી કરીને દેશમાં આવા ગુન્હાનું પુનરાવર્તન કરવાની કોઈ હિંમત ન કરે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ કેસમાં દાખલો બેસાડવાની વિનંતી પણ કરી હતી.

    આ પહેલા ગુરુવારે રાણા દંપતી, અપક્ષ સાંસદ નવનીત કૌર-રાણા અને તેના પતિ અને અપક્ષ ધારાસભ્ય રવિ રાણા, એ અમરાવતી ઉમેશ કોલ્હેની 21 જૂનની હત્યાના માસ્ટરમાઇન્ડ તેમના પક્ષ સાથે જોડાયેલા હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા.

    “આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. અમે તેમને ક્યારેય મળ્યા નથી કે તેમને ઓળખ્યા પણ નથી, તેઓ ક્યારેય અમારા કાર્યકર નહોતા. તેઓ કોઈપણ પક્ષના હોય, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ,” રવિ રાણાએ કહ્યું હતું.

    16 વર્ષથી જે હતો ઉમેશનો ‘ખાસ મિત્ર’ જ યુસુફ નીકળ્યો તેમની હત્યાનો સૂત્રધાર

    અમરાવતીના 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હે પર 21 જૂને રાત્રે 10 વાગ્યાથી 10:30 વાગ્યાની વચ્ચે ત્રણ કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

    હત્યાની સૂત્રધાર કોલ્હેનો મિત્ર હતો એ વાતનો ખુલાસો પીડિત ઉમેશ કોલ્હેના ભાઈ મહેશ કોલ્હેએ કર્યો હતો. તેણે કહ્યું કે આ કેસની પોલીસની નોંધથી તેને જાણવા મળ્યું છે કે નુપુર શર્મા પર તેની પોસ્ટ માટે તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી.

    મહેશ કોલ્હેએ ઉમેર્યું હતું કે ઉમેશ કોલ્હે પ્રેક્ટિસ કરતા પશુચિકિત્સક યુસુફ ખાન સાથે સારા મિત્રો હતા, જેની આ કેસમાં સંડોવણી બદલ અમરાવતીથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે માહિતી આપી કે તેઓ ખાનને 2006થી ઓળખે છે.

    ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ હત્યામાં યુસુફના સામેલ હોવાની કોઈને જાણ નહોતી ત્યારે હત્યા બાદ કરવામાં આવેલ ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ આ યુસુફ ખાન હાજર રહ્યો હતો. જ્યાં તેણે ‘અલ-તકીયા’ મુજબ બધાને એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે આ ઘટનાથી એને દુખ થયું છે. પરંતુ હવે પોલીસ દ્વારા તપાસ દ્વારા સાબિત થયું કે આ હત્યામાં કોલ્હેનો મિત્ર યુફુફ પણ સામેલ હતો અને તેણે જ ઇસ્લામવાદીઓને ઉશ્કેરયા હતા કોલ્હેની હત્યા માટે.

    શ્રીલંકામાં રાજકીય કટોકટી: શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપ્યું

    શ્રીલંકામાં આર્થિક કટોકટી બાદ હવે રાજકીય કટોકટી પણ ઘેરી બનતી જાય છે. રાષ્ટ્રપતિએ પોતાનું ઘર છોડ્યા બાદ હવે મળતી જાણકારી મુજબ શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

    આ માહિતી પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પોતાના ટ્વિટર દ્વારા આપી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, “તમામ નાગરિકોની સલામતી સહિત સરકાર ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે, સર્વપક્ષીય સરકાર માટે માર્ગ બનાવવા માટે હું આજે પક્ષના નેતાઓની શ્રેષ્ઠ ભલામણને સ્વીકારું છું. આને સરળ બનાવવા માટે હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપીશ.”

    વિક્રમસિંઘેએ 12 મેના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને શ્રીલંકા 1948 પછીની તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાં ડૂબી ગયું હતું. દવાઓ, દૂધ પાવડર, રાંધણ ગેસ, કેરોસીન અને અન્ય આવશ્યક ચીજોની અછત સાથે ફુગાવાનો દર 40% સુધી વધતા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

    શનિવારે સાંસદોના એક જૂથે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પત્ર લખ્યા બાદ વિક્રમસિંઘેના રાજીનામાની માંગ વધી હતી. પીટીઆઇના અહેવાલ મુજબ તેમના પત્રમાં, સાંસદોએ માત્ર વિક્રમસિંઘેને રાજીનામું આપવાની માગણી કરી ન હતી પરંતુ રાજપક્ષેને પદ છોડવા અને સર્વપક્ષીય સરકારની નિમણૂક કરવા પણ કહ્યું હતું.

    નોંધનીય છે કે આ પહેલ આજે રાષ્ટ્રપતિનાં નિવાસ પર પ્રદર્શનકારીઓએ હુમલો કરતાં રાષ્ટ્રપતિ રાજપક્ષેને પોતાનું ઘર છોડીને નીકળી જવાની ફરજ પડી હતી જે બાદ તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.

    ચિશ્તીઓના ઉશ્કેરણીજનક નિવેદનો બાદ જુમ્મા પર પણ અજમેરમાં સન્નાટો: રેસ્ટોરન્ટસની કમાણી 90% ઘટી, હોટલોના અનેક બુકિંગ કેન્સલ થતાં મોટું નુકસાન

    અજમેરના ખાદીમોના ઉશ્કેરણીજનક નિવેદનો બાદ અહીં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર આવનાર લોકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવાર (8 જુલાઈ, 2022) ના રોજ જુમ્મા હોવા છતાં, અહીં સન્નાટો હતો. અત્યાર સુધી દરગાહના 3 ખાદિમે નૂપુર શર્માને લઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. ઉદયપુરમાં કન્હૈયા લાલનું શિરચ્છેદ કરનાર જેહાદીઓ સાથે દરગાહના ખાદીમાઓના સંબંધો પણ સામે આવ્યા છે.

    જ્યાં પહેલા અજમેરની આ સાંકડી ગલીઓ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લેનારા લોકોની ભીડથી ભરેલી રહેતી હતી, હવે નકારાત્મક કારણોસર સતત સમાચારમાં રહેવાથી તે જ ગલીઓ સૂમસામ થઈ છે. હાલ રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ બાકીના દિવસની સરખામણીમાં માત્ર 10% જ કમાણી કરી શકે છે. આટલું જ નહીં, લોકો હોટલ માટે કરાયેલ એડવાન્સ બુકિંગ પણ કેન્સલ કરી રહ્યા છે. ખાદિમ આઈનુદ્દીન ચિશ્તી કહે છે કે શહેરની અર્થવ્યવસ્થા તે 15-20 હજાર લોકો પર ટકે છે જેઓ અહીં દરરોજ આવતા હતા.

    દરગાહ બજાર, દિલ્હી ગેટ, દિગ્ગી બજાર અને ખાદીમ મહોલ્લા, કમ્માની ગેટ, અંદર કોટે સહિત લાખન કોટરીની હોટેલો અને ગેસ્ટ હાઉસને પણ દરગાહમાં યાત્રીઓ ન આવવાના કારણે દરરોજ મોટું નુકસાન થઈ રહ્યું છે. હમણાં સુધી મોટી સંખ્યામાં હિંદુઓ પણ અજમેર શરીફ દરગાહની મુલાકાત લેતા હતા, જેઓ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઇતિહાસ વિશે જાણતા નથી. આ વિસ્તારોમાં દરેક ઘર આવા પ્રવાસીઓ પાસેથી કમાણી કરે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) એ પોતાના સમાચારમાં આ માહિતી આપી છે.

    દરગાહ વિસ્તારમાં ‘જન્નત ગ્રુપ ઓફ હોટેલ્સ’ના માલિક રિયાઝ ખાને કહ્યું કે અહીં આવતા લોકો નફરતભર્યા નિવેદનોથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે દેશમાં જે પણ થાય છે તેની અજમેર માર્કેટ પર મોટી અસર પડે છે. જોકે, ઉદયપુરની ઘટના બાદ જ લોકોએ બુકિંગ કેન્સલ કરવાનું શરૂ કરી દીધું હતું. ‘સોહન હલવા’ માટે જાણીતા ‘ખ્વાજા ગરીબ નવાઝ સ્વીટ્સ’ના માલિક શાદભ સિદ્દીકીએ કહ્યું કે તેમની કમાણી 90% ઘટી ગઈ છે.

    ખાદિમ સરવર ચિશ્તીએ હિન્દુઓનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી, પણ દાવ પડ્યો ઊંધો

    આખા હિંદુસ્તાનને શિરચ્છેદ કરવાની અને હચમચાવી નાખવાની ધમકીઓ પછી, અજમેર દરગાહના ખાદિમ (સેવક) – સરવર ચિશ્તીનું એક ફોન કૉલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં તે હિંદુઓનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરતો સાંભળવામાં આવ્યો હતો. આ પહેલા સરવર ચિશ્તી આખા હિન્દુસ્તાનને હચમચાવી નાખે તેવા આંદોલનની હાકલ કરતો, ઉશ્કેરણીજનક નિવેદનો આપતો વાયરલ વીડિયોમાં જોવા મળ્યો હતો.

    આ ઓડિયોમાં તેણે કહ્યું, “અજમેર શરીફમાં નલા બજાર અને દરગાહ બજારના હિંદુઓએ નૂપુર શર્માને સમર્થન આપતી રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ બપોરે 12 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની હાકલ કરી છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ લોકો (હિંદુઓ)ને કંગાળ કરી દો. આ કામ અમારા KGN (ખ્વાજા ગરીબ નવાજ)ના જૂથો દ્વારા કરો. દરગાહ બજાર વિસ્તાર અને નાલા બજાર વિસ્તારમાં તેમની દુકાનોમાંથી કોઈએ કંઈપણ ખરીદવું જોઈએ નહીં. તેઓ ખ્વાજા સાહબના પ્રેમીઓ દ્વારા જ કમાય છે. અને જુઓ કે તેઓ કેટલી હિંમત કરીને અમારી સામે દુકાનો બંધ કરાવી રહ્યા છે. તેઓ નુપુર શર્માને સમર્થન આપી રહ્યા છે. આ શબ્દને તમે ગમે ત્યાં ફેલાવો, જેથી કોઈ તેમની સાથે એક રૂપિયાની લેવડ-દેવડ ન કરે.”

    નોંધનીય છે કે કન્હૈયા લાલના હત્યારા મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસના કનેક્શન અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તી સાથે સામે આવ્યું છે. બંને ભાગીને અજમેર જઈ રહ્યા હતા. નુપુર શર્માની ગરદન લાવનાર વ્યક્તિને તેનું ઘર આપવાનું વચન આપનાર સલમાન ચિશ્તીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે રાજસ્થાન પોલીસ પર વાયરલ વીડિયોના આધારે તેને બચાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓએ કબ્જો કરી લેતા રાષ્ટ્રપતિએ જીવ બચાવી ભાગવું પડ્યું: કાર્યવાહીમાં 30 લોકો ઘાયલ

    શ્રીલંકામાં અભૂતપૂર્વ આર્થિક કટોકટીથી ગુસ્સે થયેલ પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિભવનના કમ્પાઉન્ડ પર હુમલો કર્યો અને તેમની નજીકની ઓફિસ પર હુમલો કર્યો હતો. આથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને શનિવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

    હજારો લોકોએ તેમના રાજીનામાની માંગ કરવા માટે નેતાના ઘરને ઘેરી લીધું હતું, આ આર્થિક મંદી માટે સરકારી ગેરવહીવટને દોષી ઠેરવ્યું હતું જેના લીધે દેશના 22 મિલિયન લોકોને મહિનાઓથી આકરી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    રાષ્ટ્રપતિ મહેલના દરવાજા પર ભીડ વધી જતાં, કમ્પાઉન્ડની રક્ષા કરતા સૈનિકોએ રાજપક્ષેને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા ત્યાં સુધી તેમને રોકવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો.

    એક ટોચના સંરક્ષણ સૂત્રએ નામ ન આપવાની શરતે એએફપીને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિને સલામતી માટે લઈ જવામાં આવ્યા હતા.” “તે હજી પણ રાષ્ટ્રપતિ છે, તેમને લશ્કરી એકમ દ્વારા સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે.”

    સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરાયેલા ફૂટેજમાં હજારો લોકો મહેલમાંથી પસાર થતા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં ઉત્સાહી ભીડમાંથી કેટલાક તરવા માટે કમ્પાઉન્ડના પૂલમાં કૂદી પડ્યા હતા. અભૂતપૂર્વ આર્થિક કટોકટી પર લોકોના ગુસ્સાની વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ્યા પછી વિરોધીઓ સ્વિમિંગ પૂલમાં તરતા અને રસોડામાં રસોઈ કરતા જોવા મળ્યા હતા.

    જીવન જરૂરિયાતની વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી ચલણ સમાપ્ત થયા પછી શ્રીલંકાએ મહિનાઓ સુધી ખોરાક અને ઇંધણની અછત, લાંબી બ્લેકઆઉટ અને ઝડપી ફુગાવો સહન કર્યો છે. જે બાદ પ્રદર્શન માટે રાજધાનીમાં વિશાળ ભીડ ઉમટી પડી હતી, જે ટાપુ રાષ્ટ્રની અભૂતપૂર્વ આર્થિક કટોકટી દ્વારા ફેલાયેલી અશાંતિની નવીનતમ અભિવ્યક્તિ છે.

    વિરોધ પક્ષો, લીગલ રાઇટ્સ કાર્યકરો અને બાર એસોસિએશને પોલીસ વડા સામે કેસ કરવાની ધમકી આપ્યા બાદ પોલીસે શુક્રવારે જારી કરાયેલ કર્ફ્યુનો આદેશ પાછો ખેંચી લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હજારો સરકાર વિરોધી વિરોધીઓએ સ્ટે-હોમ ઓર્ડરની અવગણના કરી હતી અને રેલ્વે અધિકારીઓને શનિવારની રેલી માટે કોલંબો લઈ જવા માટે ટ્રેનો ચલાવવાની ફરજ પાડી હતી.

    શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી ભાગી ગયા પછી સંભવિત સત્તા શૂન્યાવકાશ માટે “ઝડપી ઠરાવ” પર ચર્ચા કરવા માટે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી.

    વિક્રમસિંઘે, જો રાજપક્ષે રાજીનામું આપે તો ઉત્તરાધિકારીની લાઇનમાં આગામી છે, તેમણે રાજકીય પક્ષના નેતાઓને બેઠકમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું અને કટોકટીની ચર્ચા કરવા માટે સંસદને તાત્કાલિક બોલાવવા જણાવ્યું હતું, એમ તેમના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

    પોક્સો એક્ટમાંથી બચવા માટે ઇમરાને મુસ્લિમ પર્સનલ લૉનો સહારો લીધો, પરંતુ કોર્ટે અરજી ફગાવી

    દિલ્હી હાઇકોર્ટે એક રેપ કેસની અરજી ફગાવીને અવલોકન કર્યું હતું કે યૌવનની ઉંમરમાં આવી ચુકેલી મુસ્લિમ બાળકી પણ પોક્સો એક્ટ હેઠળ જ આવે છે. અરજદારે કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે ઘટના સમયે પીડિતા 16 વર્ષની થઇ ચૂકી હતી અને મુસ્લિમ કાયદા અનુસાર કિશોરી યૌવનની વય પ્રાપ્ત કરી ચૂકી હોય તો તેને સગીર ગણી શકાય નહીં.

    દિલ્હી હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, “પોક્સો એક્ટ 18 વર્ષથી નીચેની ઉંમરના તમામ બાળકોને યૌન અપરાધોથી સંરક્ષણ આપે છે. કાયદાનો હેતુ એ છે કે બાળકો સુરક્ષિત રહે અને એ સુનિશ્ચિત થાય કે તેમનું શોષણ ન થાય. તેમનું બાળપણ અને યુવાવસ્થા ઉત્પીડનથી સુરક્ષિત રહે.” કોર્ટે આગળ કહ્યું કે, “આ બાબતોને ધ્યાનમાં રાખતા મુસ્લિમ કાયદા અનુસાર પીડિતા યૌવનની વયમાં આવી ચૂકી હોવાથી પોક્સો એક્ટ લાગુ કરી શકાય નહીં તેવી અરજદારની દલીલ માન્ય રહેતી નથી.”

    શું છે કેસ? 

    આ કેસ જાન્યુઆરી 2022નો છે. જેમાં આરોપી ઇમરાન પીડિતાના ઘરે ગયો હતો અને તેના માતા-પિતાને લગ્ન માટે વિનંતી કરી હતી. જે બાદ પીડિતાનાં માતા-પિતા સહમત થઇ ગયાં હતાં અને શરત મૂકી હતી કે પીડિતા 12મુ ધોરણ પાસ કર્યા બાદ તેઓ લગ્ન કરાવી આપશે. 

    ફરિયાદ કરવામાં આવી છે કે, પીડિતાના પિતાએ ઇમરાનને પોતાનું ઘર વેચીને અને વ્યાજ પર લૉન લઈને 10 લાખ રૂપિયા આપ્યા હતા. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, સગાઇ બાદ આરોપીએ બે વખત પીડિતા સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા. પાછળથી ઇમરાને પીડિતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હોવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ આરોપીનું કહેવું છે કે તેણે ક્યારેય ઇનકાર કર્યો નથી અને હજુ પણ પીડિતા સાથે લગ્ન કરવા માંગે છે. જોકે, પીડિતાના માતા-પિતાએ કહ્યું છે કે હવે તેમને તેમની દીકરીના લગ્ન આરોપી સાથે કરાવવામાં કોઈ રસ નથી. 

    કેસમાં આરોપી સામે આઇપીસીની કલમ 376 અને 506 તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન આરોપીએ હાઇકોર્ટમાં અરજી કરી દીધી હતી અને દાવો કર્યો હતો કે આ કેસમાં પોક્સો એક્ટની કલમ 6 લાગુ પડી શકે તેમ નથી કારણ કે જ્યારે ઘટના બની ત્યારે પીડિતા યૌવનની ઉંમર પ્રાપ્ત કરી ચૂકી હતી અને મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર તે સંજોગોમાં તેને સગીર ગણી શકાય નહીં. 

    જોકે, સામે સરકાર પક્ષેથી દલીલ કરવામાં આવી હતી કે પોક્સો એક્ટની કલમ 6 કોઈ ચોક્કસ ધર્મને અનુસંધાને નથી પરંતુ તેમાં તમામ જાતિ-ધર્મના બાળકોનો સમાવેશ થાય છે અને 18 વર્ષથી નીચેના તમામ બાળકોને આ એક્ટ હેઠળ યૌનશોષણથી રક્ષણ મળે છે. જે દલીલ કોર્ટે માન્ય રાખી અરજી ફગાવી દીધી હતી. 

    રાજસ્થાનમાં એક ગામના 51 હિંદુઓએ લીધી ભૂ-સમાધિ: ગેહલોત સરકાર પર ‘મુસ્લિમ તુષ્ટિકરણ’નો આરોપ, 16 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન

    રાજસ્થાનમાં આવેલ ભરતપુર જિલ્લાના ડીગ તાલુકામાં બુધવારે (6 જુલાઈ 2022) કેટલાક હિંદુઓએ ગેહલોત સરકાર દ્વારા કરાવવામાં આવી રહેલ સીમાંકનના વિરોધમાં ભૂ-સમાધિ લઇ લીધી હતી. આ ગામવાસીઓએ ગેહલોત સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગો નહીં માને તો તેઓ રેલવે ટ્રેક જામ  કરશે.

    ગામવાસીઓએ કુલ 51 ખાડા ખોદ્યા છે, જેમાં દિવસ-રાત લોકો બેસે છે. આ આંદોલનની શરૂઆત 21 જૂનના રોજ કરવામાં આવી હતી અને જે બાદ 29 જૂનના રોજ હાઈ-વે પણ જામ કરવામાં આવ્યો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનમાં ડીગ પંચાયત સમિતિના બેદમ ગામમાં છેલ્લા 16 દિવસથી આંદોલન ચાલી રહ્યું  છે. તેમણે 29 જૂનના રોજ અલ્વર-ભરતપુર સ્ટેટ હાઈ-વે પણ જામ કર્યો હતો. જોકે, 21 જૂનથી ચાલતા આ આંદોલન બાદ પણ સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ વાતચીત કરવા ન આવતા ગામના 51 હિંદુઓએ ભૂ-સમાધિ લઇ લીધી છે અને હવે તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સાંભળે ત્યાં સુધી તેઓ ભૂસમાધિમાં જ રહેશે. 

    જાણકારી અનુસાર ગેહલોત સરકાર ડીગની 9 પંચાયતોને સીકરી અને નગરપંચાયત સમિતિ સાથે જોડવાની તૈયારી કરી રહી છે. જેનો ગામલોકો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે 9 પંચાયતોના સીમાંકનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે પહેલેથી જ ડીગ સાથે જોડાયેલી છે અને જો સીમાંકન થયું તો સીકરી બહુ દૂર થઇ જશે અને આ સ્થિતિમાં તેમને સરકારી કામકાજ માટે મુશ્કેલી પડી શકે છે. હાલ તેઓ સરળતાથી કામ પતાવી શકે છે, જ્યારે સીમાંકન બાદ બહુ દૂર જવું પડશે. 

    બીજી તરફ, આંદોલનનું નેતૃત્વ કરતા ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રવક્તા નેમ સિંહે આરોપ લગાવ્યો કે આમ કરીને રાજસ્થાન સરકાર મુસ્લિમોને ફાયદો પહોંચાડી રહી છે. જો સીમાંકન થયું તો સરકારી કચેરીઓ ગામવાસીઓની પહોંચથી દૂર થઇ જશે. તેમણે કહ્યું કે, હાલ તેઓ ગાંધીવાદી માર્ગે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર એમ ઇચ્છતી હોય કે તેઓ ઉગ્ર આંદોલન કરે તો તે માટે પણ ગામલોકો તૈયાર છે. 

    નેમ સિંહે કહ્યું કે, સરકારે અમારી વાતો ગંભીરતાથી ન લીધી તો ઉગ્ર આંદોલન કરવામાં  આવશે. તેમણે કહ્યું કે આ સીમાંકન એક જાતિ વિશેષને ફાયદો પહોંચાડવા માટે નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે અને અમે તેને થવા નહીં દઈએ અને તે માટે જે કરવું પડશે એ અમે કરીશું.  

    એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવની શિવસેના શું ગુજરાતીઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહી છે?: ટ્વિટર પર ટિપ્પણીઓનું ઘોડાપૂર, પણ શું આ જૂનો પ્રોપગેંડા કરશે કામ?

    મહારાષ્ટ્રના રાજકીય ખેલમાં ઘણી ઉઠાપટક બાદ એકનાથ શિંદે એક વિજેતા તરીકે બહાર આવ્યા છે. 2/3થી વધુ ધારાસભ્યો બાદ અનેક સાંસદો અને હવે ઠગલાબંધ કોર્પોરેટરોએ ઉદ્ધવ સાથે છેડો ફાડીને શિંદેનો હાથ પકડ્યો છે. ઉપરાંત ઉદ્ધવના હાથમાંથી શિવસેના અને તેના ચિન્હો જવાની સંભાવના વચ્ચે હવે ટ્વિટર પર એક ‘મરાઠી વિરુદ્ધ ગુજરાતી’ જેવો પ્રોપગેંડા ઊભો કરાઇ રહ્યો છે જેનાથી મરાઠી લોકોને ગુજરાતીઓ તરફ અને ગુજરાતીઓના બહાને શિંદે-ફડનવીસ તરફ ઉકસાવી શકાય.

    આ પ્રોપગેંડા મુજબ ટ્વિટર પર અમુક નિશ્ચિત અકાઉન્ટસ દ્વારા એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રમાં હાલ જે કાઇ પણ થઈ રહ્યું છે એ શિવસેના વિરુદ્ધ શિવસેના નહીં પરંતુ મરાઠીઓ વિરુદ્ધ ગુજરાતીઓની લડાઈ છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇમાં હમેશાથી અકારણ સૌના નિશાના પર રહેતા ગુજરાતીઓને વધુ હેરાન કરવાનું આ કાવતરું ઘડાઈ રહ્યું છે.

    આ આખી ચર્ચાની શરૂઆત થઈ સકાલ મીડિયા ગ્રુપ (મરાઠી ઇ-પેપર)ના ચીફ એડિટર રાહુલ ગડપાલેના એક ટ્વિટ સાથે જ્યાં તેમણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ને ટેગ કરીને એક ટ્વિટમાં કહ્યું કે, “આ શિવસેના અને શિવસેના વચ્ચેની લડાઈ નથી; આ મરાઠી સામે ગુજરાતી યુદ્ધ છે. તેમણે એક મરાઠી વ્યક્તિના ખભા પર બંદૂક પણ મૂકી છે.”

    આમ રાહુલ ગડપાલે આ સમગ્ર મુદ્દાને મરાઠી વિરુદ્ધ ગુજરાતી તરીકે દર્શાવવાનાઓ પ્રયત્ન કર્યો હતો અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને ગુજરાતીઓનો હાથો ગણાવ્યા હતા. જે બાદ ટ્વિટર પર શિવસેનાના કાર્યકર્તાઓએ આ પ્રોપગેંડાને આગળ વધાવવાનું કામ કર્યું. જે બદ્દ પોતાને શિવસૈનિક તરીકે રજૂ કરતાં અનેક ટ્વિટર યુઝરે આ રીતનું વિષ ઓકયું હતું.

    શિવસેના સાથે પોતાની જોડાણ દર્શાવતા અનેક ટ્વિટર યુઝરે એક જ પ્રાક્રની ટ્વિટ કરી હતી જેમાં તેમનું કહેવું હતું કે આ શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈ નથી પરંતુ ‘મરાઠી વિરુદ્ધ ગુજરાતી’ ની લડાઈ છે. આગળ તેમણે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને ટાંકતા એમ પણ લખ્યું હતું કે, “મરાઠી લોકો, ગુજરાતીઓને હાથે વેચાયેલી ફડનવીસની કપટી ટોળકીથી સાવધ રહો.”

    આમ ઉદ્ધવ સમર્થક શિવસૈનિકોએ પોતાની સત્તા અને હવે પાર્ટી ગુમાવવાની ચિંતામાં ગુજરાતીઓને નિશાના પર લેવાનો ખેલ રચ્યો હોય એવું પહેલી દ્રષ્ટિએ દેખાઈ આવે છે.

    કેમ આ પ્રોપગેંડા રાજનીતિ પ્રેરિત છે ?

    ગઈ કાલે રાહુલ ગડપાલેની એક ટ્વિટ બાદ અચાનક જ ટ્વિટર પર શરૂ થયેલ આ પ્રોપગેંડા રાજનીતિપ્રેરિત હોવાનું પણ બહાર આવી રહ્યું છે આને આ વિષયમાં ખુલાસાઓ પણ અન્ય કેટલાક ટ્વિટર યુઝર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે નકારી કરી શકાય એવા નથી.

    એક ટ્વિટર યુઝર @prettypadmaja એ રાહુક ગડપાલેની ટ્વિટ પર કમેંટમાં સકાલ મીડિયા ગ્રુપના ડિરેક્ટર્સનું લિસ્ટ મૂકીને લખ્યું હતું કે, “બકવાસ, આ ભાગલા પાડો અને રાજ કરો, પવારનું સામાન્ય રાજકારણ છે… સકાલ પ્રકાશન એનસીપીનું મુખપત્ર છે.”

    તેમણે સકાલ પબ્લિકેશને NCPના મુખપત્ર તરીકે વર્ણવ્યું અને તેમણે મુકેલ લીસ્ટમાં જોવા મળ્યું કે સકાલ મીડિયાના બધા ડિરેક્ટર્સ અન્ય કોઈ નહીં પણ NCP સુપ્રીમો શરદ પવારના પરિવારના લોકો જ છે. એટલે કે એ નકારી ના શકાય કે રાહુલ ગડપાલેની એ ટ્વિટ રાજનીતિથી પ્રેરિત હતી. ઉપરાંત શરદ પવાર આ પ્રકારની રાજનીતિ કરવા માટે જાણીતા પણ છે અને એટ્લે જ એમને મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

    NCPના આ જ મુખપત્ર સકાલ મીડિયાએ આજે એક લંબોલચક આર્ટીકલ પણ લખી નાખ્યો એ દર્શાવવા કે મરાઠીઓને મુંબઈ પર ગુજરાતીઓનું કથિત રાજ/દબાણ પસંદ નથી.

    એ પણ નોંધનીય છે કે આ પ્રોપગેંડા ફેલાવતી ટ્વિટ્સ કરવામાં શિવસેનાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં છે. સત્તા બાદ હવે પાર્ટી ગુમાવવાની સ્થિતિનું નિર્માણ થતાં તેઓ પોતાના નેતા ઉદ્ધવ ઠાકરેની નિષ્ફળતાનું ઠીકરું કોઈના માથે ફોડવા માંગે છે અને હમેશાની જેમ તેમને આ વખતે પણ ગુજરાતીઓ પર દોષ દેવાનું પસંદ કર્યું હોવાનું જોવા મળ્યું હતું.

    આ પહેલી વાર નથી કે મહારાષ્ટમાં ગુજરાતી નિશાનો બનાયા હોય

    શિવસેના મહારાષ્ટ્ર અને ખાસ કરીને મૂંબઈમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા અનેક વાર મરાઠી વિરુદ્ધ ગુજરાતી સ્થિતિ ઊભી કરીને લાભ ખાંટતી જોવા મળી છે. શિવસેનાનો ગુજરાતદ્વેષ કોઈનાથી છુપો તો છે નહીં. શિવસેનાના નેતાઓ જ નહીં પરંતુ શિવસેનાનું મુખપત્ર સામના પણ અવાર નવાર પોતાનો ગુજરાતી દ્વેષ ઠાલવતું નજરે પડ્યું છે.

    2014માં પોતાના મુખપત્ર સામનામાં એક એડિટોરિયલમાં, શિવસેનાએ ગુજરાતી ઉદ્યોગપતિઓ પર મુંબઈનું “વેશ્યાની જેમ” શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. “આ તમામ વેપારીઓ કે જેઓ કહેતા હતા કે તેઓ તેમના વ્યવસાયોથી ખુશ છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી તેઓ તેમના રાજ્ય અને જાતિના વ્યક્તિ વડા પ્રધાન બને તે સુનિશ્ચિત કરવા માટે ભેગા થયા હતા. પરંતુ તેમાંથી કેટલાએ ક્યારેય મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવા માટે તેમના ઉચ્ચ સ્થાનોમાંથી બહાર નીકળ્યા છે,” એડિટોરિયલમાં આગળ કહેવાયું હતું.

    આ પહેલા અને પછી પણ તેમણે મહારાષ્ટ્ર અને મૂંબઈમાં રહેતા ગુજરાતીઓને અનેકવાર પોતાના નિશાના પર લીધા હતા. 2019ની ચૂંટણી બાદ શિવસેના BJP સાથેની પોતાનું ગઠબંધન તોડીને NCP અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવે છે. આ ગઠબંધનમાની શિવસેના સિવાયના પક્ષો પણ ગુજરાતીઓથી ખાસ પ્રેમભાવ ધરાવતા નથી એ પણ સૌ જાણે છે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ અવાર નવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરતાં જોવા મળે છે. ખાસ કરીને 2014માં જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા અને ત્યારથી દેશમાં કોંગ્રેસમુક્ત ભારત અભયાનની શરૂઆત થઈ ત્યારથી તેમનો આ ગુજરાતદ્વેષ ઉભરાઈને બહાર આવતો થયો છે. તેઓ આવું કેમ કરે છે એ જાણવા ઑપઇન્ડિયાના એડિટર નિરવા મહેતાએ એમને અમુક પ્રશ્નો પણ પૂછ્યા હતા જે હજુ પણ જવાબ વિહોણા છે.

    નોંધનીય રીતે હાલ આ ત્રણેય રાજકીય પાર્ટીના કાર્યકરો તથા સમર્થકો મહારાષ્ટ્રમાં પોતાની સત્તા ગુમાવતાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય તેમ હાલ સોશિયલ મીડિયા પર મરાઠી વિરુદ્ધ ગુજરાતી જેવી પટકથા લખી રહ્યા છે.

    આ પ્રોપગેંડા કેમ હવે કામ નહીં કરે?

    શિવસેના, NCP અને કોંગ્રેસ ગુજરાતીઓ વિરુદ્ધનો પોતાનો પ્રોપગેંડા ફેલાવવામાં વ્યસ્ત છે પરંતુ હવે એ સંભાવનાઓ નહિવત છે કે તેઓ સફળ થાય અને આવું કહેવાના અમારી પાસે પૂરતા કારણો છે.

    સૌથી મોટું કારણ તો એ જ છે કે મહારાષ્ટ્રના નાગરિકો હવે સામાજિક રીતે વધુ જાગૃત બનાયા છે અને આવા દરેક પ્રોપગેંડા જ્યારે સામે આવે છે ત્યારે પોતાની બુદ્ધિ વાપરીને તેને તોલતા થયા છે અને ખરું ખોટું જાણીને અન્યોને જણાવતા થયા છે. ઉદાહરણ તરીકે જેમ ગઇકાલની સકાલ મીડિયાના ચીફ એડિટરની ટ્વિટ પર જ અનેક નાગરિકોએ તેની નિંદા કરી હતી. પદ્મજા જેવા જાગૃત નાગરિકો તો વિષયની તપાસ કરીને એ મીડિયા ગ્રુપ પાછળ કોનો હાથ છે એ પણ દર્શાવતા થયા છે.

    આ ઉપરાંત દેખીતી રીતે જ હાલ એકનાથ શિંદે સાથે ખૂબ મોટું જન સમર્થન છે જે પહેલા શિવસેના સમર્થક હતા, જેથી હવે તેઓ પણ ઉદ્ધવની શિવસેના દ્વારા ફેલાવવામાં આવેલ ભ્રમમાં ફસાય તેવી સંભાવના ઓછી છે.

    નોંધનીય રીતે જ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ એક મોટા મરાઠી વર્ગને રજૂ કરતી આવી છે જે પણ હાલ શિંદેની પડખે ઉભેલ દેખાય છે. આમ હવે મહારાષ્ટ્રમાં ભાગ કરીને રાજ કરવા માટે દાયકાઓથી વપરાતી મરાઠી વિરુદ્ધ ગુજરાતી જેવી નીતિ હવે ઉદ્ધવની વ્હારે આવે તેવી સંભાવનાઓ નહિવત છે.