Saturday, November 16, 2024
More
    Home Blog Page 1074

    મોહમ્મદ ઝુબૈરને વધુ એક કેસમાં 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલાયો: લખીમપુરમાં નોંધાયેલ કેસ મામલે કાર્યવાહી

    તથાકથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરને (Mohammad Zubair) લખીમપુર ખીરી કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં (Judicial Custody) મોકલી આપ્યો છે. લખીમપુરમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ આ મામલે તેને મોહંમદી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ઝુબૈરને 14 દિવસ માટે ન્યાયિક હિરાસત આપી હતી. 

    મોહમ્મદ ઝુબૈરને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો હતો. વધુમાં તેની સામે દાખલ કરવામાં આવેલ FIRમાં આઈપીસીની કલમ 153B, 505(1)(B), 505(2) ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત એમ પણ જાણવા મળ્યું છે કે કોર્ટ મોહમ્મદ ઝુબૈરની જામીન અરજી પર આગામી 13 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. 

    મોહમ્મદ ઝુબૈર હાલ દિલ્હીમાં નોંધાયેલા એક કેસ મામલે કસ્ટડીમાં છે. જોકે, ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે તેની સામે ઉત્તરપ્રદેશના સીતાપુરમાં નોંધાયેલા કેસ મામલે પાંચ દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, તેની સામે દિલ્હીમાં પણ કેસ નોંધાયેલો હોવાના કારણે ઝુબૈર કસ્ટડીમાં જ રહ્યો હતો. 

    હાલ જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે તે કેસ લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) સપ્ટેમ્બર 2021માં નોંધવામાં આવ્યો હતો. જે સુદર્શન ન્યૂઝના સ્થાનિક બ્યુરો ચીફ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં મોહમ્મદ ઝુબૈર પર એક ટ્વિટ દ્વારા કોરોનાકાળ જેવા સમયે પણ દુનિયાભરના મુસ્લિમોને ભડકાવવાનો તેમજ ભારતની છબી ખરડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે મામલે FIR નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.  

    ફરિયાદ કરનાર આશિષ કુમારે જણાવ્યું કે, ‘ઝુબૈરે 14 અને 15 મે 2021ના રોજ સુદર્શન ન્યૂઝ પર પ્રસારિત એક ગ્રાફિક્સને મદીનાની અલ-નવાબી મસ્જિદ બતાવીને આખા દેશમાં સાંપ્રદાયિક માહૌલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગ્રાફિક્સ સુદર્શન ન્યૂઝ પર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ 2021 પર આધારિત એક શૉ દરમિયાન પ્રતીકાત્મક તસ્વીર તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને જેને ઝુબૈરના દાવા સાથે કોઈ સબંધ નથી. ઝુબૈરે આમ કરીને દુનિયાભરમાં ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે.’

    આ કેસમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને મોહમ્મદ ઝુબૈરની કસ્ટડી મેળવવા માટે વોરન્ટ B દાખલ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મોહમ્મદ ઝુબૈરને 14 દિવસની ન્યાયિક હિરાસત આપી છે.

    અમદાવાદમાં માત્ર 4 કલાકમાં 12 ઇંચ અને 2 દિવસમાં પડ્યો સિઝનનો 43% વરસાદ: ભારે હાલાકી છતાંય અમદાવાદીઓએ માનવતા મહેકાવી, #ahmedabadrain હજુય ટ્રેન્ડમાં

    ગઈ કાલે (10 જુલાઇ 2022) આખા દિવસના બફારા બાદ બપોર પછી મેઘરાજાએ અમદાવાદમાં માઝા મૂકી હતી. માત્ર 5 કલાકમાં મહત્તમ ઇંચ વરસાદ પડી જતાં આખું અમદાવાદ જળબંબાકાર બન્યું હતું. જો કે આજે સવારે અમદાવાદમાં વરસાદ રોકાતાં ઠેર ઠેર ભરાયેલા પાણી ઉતરી જતાં અમદાવાદીઓએ રાહતના શ્વાસ લીધા હતા.

    ગઇકાલે બપોર બાદ શરૂ થયેલ મુસળાધાર વરસાદે જાણે કે અમદાવાદનું જીવન જ ઠપ્પ કરી દીધું હતું. એમાં પણ ખાસ કરીને પશ્ચિમ અમદાવાદની સ્થિતિ ભયાનક લાગી રહી હતી. પરંતુ મધ્યરાત બાદ વરસાદ બંધ થયા પછી દરેક વિસ્તારોમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા અને જનજીવન સામાન્ય થતું જોવા મળ્યું હતું.

    ગઈ કાલે પડેલા વરસાદમાં અમદાવાદનાં ઘણાં અંડરબ્રિજ સંપૂર્ણરીતે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જોઈને એમ જ લાગતું હતું કે કેલાય દિવસો લાગશે આ સ્થિતિ સુધારવામાં. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ તમામ અંડરબ્રિજ પણ સવાર થતાં સાથે સાથે ખુલ્લા થયા હતા.

    હાલાકીમાં પણ અમદાવાદીઓ રહ્યા કૂલ

    અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. ક્યાક ગાડીઓ તણાતી દેખાતી હતી તો ક્યાંક ભુવા નજરે પડ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ અમદાવાદીઓએ પોતાનો હળવો મિજાજ જાળવી રાખ્યો હતો.

    એક ટ્વિટર યુઝર @kartik_k007 એ વરસાદની તીવ્રતા વર્ણવવા હળવા અંદાજમાં લખ્યું હતું કે, “સિદી સૈયદ ની જાળી તણાય જાય એવો વરસાદ છે અમદાવાદ માં હો..”

    અન્ય એક ટ્વિટર યુઝર @trendinginahmd એ જાણીતી ફિલ્મ પુષ્પાનો ફોટો અને ડાઈલોગ શેર કરતાં અમદાવાદનાં વરસાદને ટાંકીને લખ્યું હતું કે જાણે વરસાદ એમ કહે છે કે, “મે રૂકેગા નહીં”.

    કપરાં સમયમાં પણ અમદાવાદીઓની માનવતા ઉડીને આંખે વળગી

    સ્વાભાવિક રીતે જ આટલા વરસાદથી ઘણા લોકોને તકલીફોનો સમનાઓ કરવો પડ્યો હતો. ઘણા લોકો કલાકો સુધી લાંબા ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા તો ઘણાના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ આવા સમયમાં પણ અમદાવાદીઓની માનવતા ઘટી ના હતી. અમદાવાદીઓ ઠેર ઠેર જુદા જુદા રૂપે એકબીજાની વ્હારે આવેલા નજરે પડ્યા હતા.

    ટ્વિટર યુઝર @Micky81189555 એ ઘૂંટણ સુધીના પાણીમાં એએમસીનું બેરીકેટ લઈને ઊભા રહેલા એક AMC કર્મચારીનો ફોટો ટાંકીને લખ્યું હતું કે, “ઓફીસથી ઘરે આવતા હાટકેશ્વરમાં AMCના એક કર્મચારી કમર સુધી ભરાયેલા પાણીમાં AMC નું બેરીકેટ લઈને ઉભા હતા કે જ્યાં ગટર ખુલ્લી હતી. જઈને વાતચીત કરી તો કહ્યું કે જ્યાં સુધી પાણી ઉતરી ના જાય ત્યાં સુધી ઉભા રહેવાની ડ્યુટી છે. મૂળ રાજસ્થાનના હરિપાલના કામને દિલથી સલામ”. અને એએમસી કર્મચારી હરિપાલની આ ખુદ્દારીએ ટ્વિટર પર સૌના હ્રદય જીતી લીધા હતા.

    અન્ય એક ટ્વિટર યુઝર @dr_mehta એ ભારે વરસાદ અને ટ્રાફિક વચ્ચે પોતાની ગાડીમાંથી લીધેલો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેમની ગાડી આગળ એક ફૂડ ડિલિવરી કરતો વ્યક્તિ પોતાના બાઇક પર નજરે પડ્યો હતો. ડોક્ટર મહેતા અને અન્યોએ એ કર્મચારીની કાર્યદક્ષતાને બિરદાવી હતી કે જે પોતાનું ગુજરાન ચલાવવા આવા ભયંકર વરસાદમાં પણ પોતાનું કામ પૂરી નિષ્ઠા સાથે કરી રહ્યો હતો.

    ટ્વિટર યુઝર @ShahDevansh9 એ પણ પોતાની ગાડીમાંથી ચાલુ વરસાદમાં પોતાની ફરજ નિભાવીને ટ્રાફિકને દૂર કરતાં એક પોલીસ જવાનનો વિડીયો ઉતારીને શેર કર્યો હતો. તેમણે અમદાવાદ પોલીસને ટેગ કરીને લખ્યું હતું કે ભારે વરસાદમાં પણ અમદાવાદ પોલીસના જવાનો લોકોની મદદે ઊભા છે.

    ગઇકાલે અન્ય એક ટ્વિટર યુઝર @bhaumikvyas71 એ એક વિડીયો શેર કર્યો હતો જેમાં એક જગ્યાએ ભરાઈ રહેલા પાણીમાં 108 સેવાના કર્મચારીઓ એક દર્દીને સ્ટ્રેચરમાં ઉઠાવીને સારવાર કરવા માટે લઈ જતાં નજરે પડ્યા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, “અમદાવાદ અનરાધાર વરસાદ વચ્ચે એમ્બ્યુલન્સ કર્મચારીઓની સરાહનીય કામીગીરી. વરસતા વરસાદ વચ્ચે બીમાર દર્દીને કેડસમાં પાણીમાં શિફટિંગ કર્યા હોસ્પિટલમાં. ભારે વરસાદ થી એમ્બ્યુલન્સ ના પોહ્ચતા કર્મચારીઓ ચાલીને પોહ્ચ્યા.”

    હાજે પણ ટ્રેંડિંગમાં રહેલ #ahmedabadrain

    આમ, અમદાવાદમાં લાંબા સમય બાદ પડેલા આવા અભૂતપૂર્વ વરસાદ અને તેના લીધે થયેલ તકલીફો વચ્ચે પણ અમદાવાદીઓના જુદા જુદા રૂપ લોકોને જોવા મળ્યા હતા. લોકોએ ખુલ્લાં મને ટ્વિટર પર પોતાના એટલા પ્રતિભાવ આપ્યા છે ગઇકાલથી કે આજે પણ ટ્વિટર પર #ahmedabadrain ટ્રેંડિંગ થઈ રહ્યું છે.

    ભાડાનું ખેતર, ગામના જ ખેલાડીઓ, નકલી અમ્પાયર: મહેસાણામાં રમાઈ ‘ફેક IPL’, રશિયન સટ્ટાબાજોને છેતરાયા; માસ્ટરમાઇન્ડ શોએબ સહિત 4ની ધરપકડ

    મહેસાણામાં મોલીપુર ગામ ખાતે ગામમાં સ્થાનિક ખેલાડીઓ પાસે મેચ રમાવી તેનું એક મોટી હાઈપ્રોફાઈલ મેચ તરીકે રશિયામાં પ્રસારણ કરી સટ્ટો રમાડવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલો પોલીસને ધ્યાને આવતાં પોલીસે આ ફેક IPL રમાડવા મામલે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ શોએબ દાવડા, સાકિબ સૈફી, કોલુ મોહમ્મદ અને સાદિક દાવડા તરીકે થઇ છે. 

    ગામડાના ખેતરમાં રમાતી આ મેચને એક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ લીગ તરીકે દર્શાવવામાં આવી હતી અને તેને ‘ઇન્ડિયન પ્રીમિયર ક્રિકેટ લીગ’ના નામથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવતું હતું. આ લીગ ક્વાર્ટર ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ગયા બાદ સમગ્ર ભાંડો ફૂટતાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. 

    IPL (સાચી) પૂર્ણ થઇ તેના ત્રણ અઠવાડિયા બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ માટે મોલીપુર ગામના ખેતરમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને ત્યાં HD કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. તેમજ મેચ સાચી લાગે તે માટે ઇન્ટરનેટ પરથી ઓડિયન્સનો અવાજ ડાઉનલોડ કરીને ઉમેરી દેવામાં આવતો હતો. 

    ગામના જ ખેલાડીઓ, દિવસના 400 રૂપિયા અપાતા

    ખેલાડી તરીકે ગામના જ યુવાનોને લેવામાં આવ્યા હતા અને તેમને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા. ખેલાડીઓ આઈપીએલની ટીમો ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની જર્સી પહેરીને રમતા હતા. એટલું જ નહીં, આ ફેક ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી પણ કરવામાં આવતી હતી. તેમજ અમ્પાયરોને પણ વોકી-ટોકી આપવામાં આવ્યાં હતાં. 

    આ સમગ્ર ટૂર્નામેન્ટનું યુ-ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતું અને તેને હાઈ-પ્રોફાઈલ લીગ તરીકે રજૂ કરીને રશિયામાં સટ્ટો રમાડવામાં આવતો હતો. જોકે, લાઈવ પ્રસારણમાં માત્ર 30 યાર્ડનું સર્કલ જ દેખાડવામાં આવતું હતું અને બૉલ બેટમાં લાગ્યા પછી કઈ દિશામાં જાય છે તે કે ક્યાંય દર્શકો પણ બતાવવામાં આવતા નહીં. કૅમેરા એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે બેટ્સમેન, બૉલર, વિકેટ કીપર અને અમ્પાયર જ દેખાતા હતા. 

    સમગ્ર ટૂર્નામેન્ટ નકલી હતી, સૂચના પ્રમાણે ખેલાડીઓ રમતા

    હાઈ પ્રોફાઈલ લીગ તરીકે રજૂ કરવામાં આવેલી આ સમગ્ર ટૂર્નામેન્ટ ફેક હતી. જેમાં રશિયામાં બેઠેલો ઓપરેટર અહીંના વ્યક્તિ સાથે ઓનલાઈન ચેટિંગ કરતો હતો અને જે પ્રમાણે સટ્ટો રમવામાં આવે તે પ્રમાણે મેચ રમાડવા માટે અને પરિણામ આપવા માટે કહેવામાં આવતું હતું. 

    મેચનું પરિણામ રશિયામાં બેઠેલો શખ્સ જેમ કહે તે રીતે આવતું હતું. શોએબ ટેલિગ્રામ પર લાઈવ બેટ લેતો હતો અને એ બાદ તે અમ્પાયરિંગ કરતા કોલુને સૂચના આપતો હતો. સૂચના પ્રમાણે અમ્પાયર બેટ્સમેન સાથે ચર્ચા કરીને તેને તેમ કરવાનું કહેતો. જેના આધારે બોલર પણ ધીમા બૉલ નાંખતો જેથી બેટ્સમેન 4-6 રન મારી શકે. જો રશિયાથી આઉટ થવાનું કહેવામાં આવે તો બેટ્સમેન બીજા જ બોલે આઉટ થઇ જતો હતો. 

    શોએબ દાવડા નામનો યુવાન નીકળ્યો માસ્ટરમાઈન્ડ

    આ ‘ફેક IPL’ પાછળનો માસ્ટરમાઈન્ડ મહેસાણામાં જ રહેતો શોએબ દાવડા નામનો શખ્સ હોવાનું ખુલ્યું છે. જે આઠ મહિના સુધી રશિયાના પબમાં કામ કરી આવ્યો હતો. રશિયાના પબમાં કામ કરતી વખતે તે આસિફ મોહમ્મદ નામના વ્યક્તિને મળ્યો હતો, જેની સાથે મળીને તેણે આ ટૂર્નામેન્ટનું ગતકડું શોધી કાઢ્યું હતું. 

    મોલીપુર પરત ફર્યા બાદ શોએબે સાદિક દાવડા, સાકીબ સૈફી અને મોહમ્મદ કોલુને સાથે રાખીને આ ફેક આઈપીએલ રમાડવાનું નક્કી કર્યું હતું. જેમાં સાકીબ મેરઠનો રહેવાસી છે, જે કોમેન્ટ્રી કરતો હતો. શોએબે ગામના એક વ્યક્તિનું ખેતર ભાડે કરીને, તેમાં હેલોજન લાઈટ લગાવીને દિવસના 400 રૂપિયા લેખે રમવા માટે માણસો રાખ્યા હતા. ઉપરાંત તેણે જ ખેલાડીઓ માટે ટી-શર્ટ પણ ખરીદી હતી. 

    આ મામલે પોલીસે ચાર આરોપીઓને પકડી લઇ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જે મામલે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે પોલીસે નેટવર્કના મુખ્ય સૂત્રધાર શોએબના તેમજ તેના પરિવારના લોકોના બેન્ક ખાતાની અને પાસપોર્ટની તપાસ હાથ ધરી છે. 

    આસામના મુખ્યમંત્રીએ AAP નેતાના પુત્રના મૃત્યુ માટે માફી માંગી, કહ્યું ‘મને શરમ આવે છે કે અમારી સરકાર હોવા છતાં બૈદુલ્લા ખાન ઘુસી આવ્યો’: પોલીસને ઠપકો આપ્યો

    આસામના મુખ્યમંત્રીએ AAP નેતાના પુત્રના મૃત્યુ માટે માફી માંગી હતી, આસામના દિબ્રુગઢમાં પશુ અધિકાર કાર્યકર્તા વિનીત બાગડિયાના આત્મહત્યા કેસમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિવારજનોની માફી માંગી છે. તેમણે પરિવારની સામે પોલીસને ઠપકો આપતા કહ્યું કે જે બન્યું તેનાથી તેઓ શરમ અનુભવે છે. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સીએમ સરમા પોલીસને ઠપકો આપતા સાંભળી શકાય છે, વિડીયોમાં તેઓ પૂછે છે કે શું સરકાર એટલી નબળી પડી ગઈ છે કે બૈદુલ્લા ખાન અહીં આવી ગયો. તેમણે કહ્યું કે તે આજે જેટલી શરમ અનુભવે છે તેના કરતાં વધુ ક્યારેય ન હોઈ શકે.

    તેમણે પોલીસને પૂછ્યું હતું કે, “ માફિયા (બૈદુલ્લા ખાન) તમારા હોવા (પોલીસ/પ્રશાશન) છતા અહીં આવ્યો અને પરિવારને હેરાન કર્યો, અને તમને એની જાણ જ નથી? શું આ રીતે વહીવટ ચાલશે? તમે યુનિફોર્મ પહેરો છો પણ તે પ્રમાણે કામ કરતા નથી… આ ડિબ્રુગઢ જિલ્લા વહીવટીતંત્રની સદંતર નિષ્ફળતા છે. હું શું સાંભળી રહ્યો છું? આ લોકો શું કહે છે, મારું મગજ કામ નથી કરી રહ્યું. કદાચ કાશ્મીર-શ્રીનગરમાં પણ આવું ન બન્યું હોત. હું આજે જેટલી શરમ અનુભવું છું તેટલી ક્યારેય નથી અનુભવી.”

    વધુમાં તેમણે કહ્યું હતું કે, “આ ઘટના ત્યારે બની જ્યારે હું મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. હું આ ઘટનાથી દુખી છું તેથી હું બાગડિયાના માતા-પિતા અને રાજ્યની જનતાની માફી માંગુ છું.”

    ઉલ્લેખનીય છે કે પશુ અધિકાર કાર્યકર્તા વિનીત બાગડિયાએ ગુરુવારે (7 જુલાઈ 2022) દિબ્રુગઢમાં શનિ મંદિર માર્ગ પર પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમણે પોતાનો જીવ આપતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે બૈદુલ્લા ખાન અને સંજય શર્મા, નિશાંત શર્મા નામના વ્યક્તિ દ્વારા તેમને પીડિત કરવામાં આવ્યાં હતા. તેમણે કહ્યું કે ભાડાની જમીનના મુદ્દે તેને અને તેના પરિવારને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહ્યા હતા.

    બૈદુલ્લાને ભાડે જમીન આપવા બદલ બાગડિયા પરિવાર ભોગ બન્યો

    મળતી માહિતી મુજબ વિનીત બાગડિયાના પરિવારનો બૈદુલ્લા સાથે ઘણા વર્ષોથી વિવાદ ચાલતો હતો. વિનીતના પિતા કૈલાશે તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર સંજયને બિઝનેસ માટે જગ્યા ભાડે આપી હતી. આ પછી સંજયે તે જગ્યા બૈદુલ્લાને ભાડે આપી હતી. તેણે તે જગ્યાએ મોટરસાયકલના સ્પેરપાર્ટ વેચતી દુકાન ખોલી હતી.

    જ્યારે વિનીતના પરિવારના સભ્યો જમીન ખાલી કરવા માંગતા હતા ત્યારે સામા પક્ષે જગ્યા ખાલી કરવાની ના પાડી હતી. આટલું જ નહીં, કૈલાશના કહેવા પ્રમાણે, બૈદુલ્લાએ દુકાનનું ભાડું પણ આપ્યું ન હતું અને દુકાન પણ છોડી ન હતી. ભારે વિવાદ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ બૈદુલ્લાનો બગડિયા પરિવારને ત્રાસ આપવાનું બંધ ન થયું. અંતે કંટાળીને વિનીતે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પ્રશાસનનું ધ્યાન આ બાબત પર ગયું હતું.

    વિનીત બાગડિયા AAP નેતાના પુત્ર હતા

    હવે પોલીસે બૈદુલ્લાની ધરપકડ કરી છે જ્યારે ઈજાઝ ખાન નામનો એક આરોપી હજુ ફરાર છે. ગુરુવારે વિનીતનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. તે એનિમલ વેલફેર પીપલ નામની એનજીઓ ચલાવતો હતો. પ્રાણીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવાને કારણે તેઓ ડિબ્રુગઢનું પ્રખ્યાત હતા. તેમના પિતા કૈલાશ કુમાર પણ સીએ હતા. ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા પણ છે. જેમણે AAP વતી નાગરિક ચૂંટણી લડી હતી. તેણે પોતાના પુત્રની આત્મહત્યા માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. જે બાદ બીજા જ દિવસે બૈદુલ્લા ખાન અને નિશાંતની પોલીસે ધરપકડ કરી હતી.

    સરકારી અધિકારીઓ હજી પણ અંગ્રેજ રાજમાં જીવી રહ્યા છે: શિક્ષકનો ઝભ્ભો લેંઘો પહેરીને શાળાએ આવવું કલેક્ટર સાહેબને ન ગમ્યું

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો બિહારના કોઈ ગામનો હોવાનું કહેવાય છે. 1 મિનિટ 48 સેકન્ડ લાંબા આ વિડીયોમાં એક અધિકારી એક સરકારી શાળાના શિક્ષકને ઉંચા અવાજમાં ઠપકો આપતા જોવા મળે છે. અને તેનું કારણ છે- શિક્ષકનો પોશાક. શિક્ષકે કૂર્તા-પાયજામા પહેર્યા હતા, અને અધિકારીને એ પસંદ ન આવ્યું અને તેઓ આખી શાળાની વચ્ચે શિક્ષક પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. 

    સૌરભ પાઠક નામના એક ટ્વિટર યુઝરે આ વિડીયો શૅર કર્યો છે. સાથે તેમણે લખ્યું છે કે, ‘શું ભારતમાં શિક્ષકોએ કૂર્તા-પાયજામા પહેરવા એ ગુનો છે? આ ડીએમ માત્ર કૂર્તા પાયજામા પહેરવા બદલ શિક્ષક સામે શૉ-કોઝ અને પગારકાપની નોટીસ આપે છે. જે રીતે આ અંગ્રેજી બાબુ ડીએમ વર્તન કરી રહ્યા છે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’

    વિડીયોમાં ડીએમ શિક્ષકને કહેતા સંભળાય છે કે, “કોઈ પણ રીતે તમે શિક્ષક જેવા લાગી રહ્યા છો? અમને તો લાગ્યું કે તમે જનપ્રતિનિધિ છો. શિક્ષક હોવ તો આ વેશભૂષામાં ન રહો.” જે બાદ અધિકારી ફોન પર વાત કરતા કહે છે કે શાળાના આચાર્ય કૂર્તા-પાયજામા પહેરીને નેતાની જેમ બેઠેલા છે. જે બાદ તે શૉ-કૉઝ નોટીસ પાઠવવા માટે અને પગાર કાપવા માટે કહે છે. 

    વિડીયોમાં અધિકારી શિક્ષક સાથે એક નાનકડી વાતમાં તદ્દન બિનજવાબદાર વર્તન કરતા જોવા મળે છે અને કહે છે કે તેમણે શિક્ષક બનવાની કોઈ જરૂર નથી અને જઈને નેતા બની જાય. જે બાદ તેઓ શાળાના અન્ય શિક્ષકો સાથે પણ ઉંચા અવાજમાં વાત કરતા જોવા મળે છે. 

    ટ્વિટર યુઝર અનુસાર, શિક્ષકે કૂર્તા-પાયજામા પહેરવા પાછળ યોગ્ય કારણ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે શાળામાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી ન હોવાના કારણે પરસેવો ખૂબ થતો હોવાથી તેમણે આવા વસ્ત્રો પહેર્યા હતા. જોકે, તેમ છતાં ડીએમ માનવા તૈયાર ન હતા અને રૉફ જમાવવાનો ચાલુ રાખ્યો હતો. 

    આમ તો મોટાભાગનાં રાજ્યોમાં સરકારી શાળાના શિક્ષકો માટે શાળામાં કોઈ ડ્રેસ કોડ હોતા નથી. માત્ર એટલી અપેક્ષા રાખવામાં આવે છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જતા શિક્ષકો શાળામાં સભ્ય પોશાક પહેરીને જાય. જોકે, કૂર્તા-પાયજામામાં અસભ્યતા જેવું શું છે અને કેમ આવો પોશાક જોઈને અહીં અધિકારીને જોશ આવી ગયું એ ચર્ચાનો વિષય છે. 

    સત્તાના જોરે નાનકડી વાતમાં પણ રૉફ જમાવતા અંગ્રેજી માનસિકતા ધરાવતા આ અધિકારીની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઇ રહી છે અને લોકો શિક્ષકનો પક્ષ લઇ રહ્યા છે. 

    એક યુઝરે લખ્યું કે, ‘આ (સરકારી) બાબુઓની તાલીમમાં ચોક્કસ કંઈ ખામી છે.’ ઉપરાંત તેમણે થોડા સમય પહેલાં કોટ ન પહેરવા બદલ ઠપકો આપવાની ઘટના પણ ટાંકી હતી અને કહ્યું હતું કે આપણી શિક્ષણ વ્યવસ્થા મૂળ સાથે જોડાયેલી નથી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીની ટીપ્પણીઓ યાદ કરતા કહ્યું કે બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થા જડમૂળમાંથી બદલવાની જરૂર છે. 

    અધિકારીએ શાળામાં બાળકો અને શિક્ષકો સામે જ નાનકડી વાતને લઈને હોબાળો મચાવવાનું અને શિક્ષકને ઠપકો આપવાનું શરૂ કરી દીધું હતું, તેને લઈને આદિ નામના યુઝરે લખ્યું કે, વિદ્યાર્થીઓની સામે આમ બૂમબરાડા કરીને અધિકરી શું સંદેશ આપવા માંગે છે? તેમણે એમ પણ કહ્યું કે, આ ‘બાબુગીરી’ નેતાઓ દ્વારા થતી ‘ગુંડાગીરી’ જેવી જ છે. 

    એક યુઝરે અંગ્રેજી માનસિકતાને લઈને કહ્યું કે, આવી માનસિકતા ધરાવતા અધિકારી કાલે ઉઠીને વડાપ્રધાનની પણ કૂર્તા પાયજામાની જગ્યાએ થ્રી પીસ સૂટ પહેરવા કહે તો નવાઈ નહીં!

    ઘણા યુઝરોએ આવા અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. 

    પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે રેલીના મંચ પર જ સાથી નેતાને ચુંબન કરવાનું શરૂ કરી દીધું, નેતાની છુટવા માટે જહેમત: ઈમરાનના આંખ આડા કાન

    પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે એક એવું કામ કર્યું કે બધા ક્ષોભમાં મૂકાઈ ગયા. શેખ રશિદ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા છે અને ઈમરાન સરકાર દરમિયાન દેશના ગૃહમંત્રી પણ હતા. તેઓ તેમના ભારત વિરોધી નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. તાજેતરનો આ મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો છે, જ્યાં એક રેલી દરમિયાન શેખ રશિદે પોતાની જ પાર્ટીના એક નેતાને બળજબરીથી પકડીને ચુંબન કર્યા હતા. આ દરમિયાન તે નેતા પોતાને રશીદની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે તેની ઉપર ચુમ્બનોનો વરસાદ વરસાવવાનો ચાલુ રાખ્યો હતો.

    મીડિયા રિપોર્ટ અનુસાર , પીટીઆઈની આ રેલી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાહુટામાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં ઈમરાન ખાન સહિત પીટીઆઈના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો. મંચ પર નેતાઓના ભાષણ દરમિયાન શાહબાઝ ગિલ પાછળથી શેખ રશિદને મળવા આવ્યા અને તેમના કાનમાં કંઈક કહ્યું હતું. પછી તો શું, મોકો જોઈને શેખ રશીદે શાહબાઝને ચુંબન ચોડી દીધું. તેની આવી હરકતો જોઈને તેની બાજુમાં બેઠેલા અન્ય પીટીઆઈ નેતાઓ અવાચક થઈ ગયા, પરંતુ શેખ રશીદ જરા પણ અટક્યા નહીં. જોકે, શાહબાઝ ગિલ પોતે શરમાઈ ગયા હતા અને માથું પાછું ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન તે નેતા પોતાને રશીદની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે તેની ઉપર ચુમ્બનોનો વરસાદ વરસાવવાનો ચાલુ રાખ્યો હતો. હાલમાં આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે શાહબાઝ ગિલ ઈમરાન ખાનના રાજકીય સલાહકાર છે. જ્યારે શેખ રશિદે આ કૃત્ય કર્યું ત્યારે ઈમરાન ખાન તે દરમિયાન થોડા અંતરે બેઠા હતા. જો કે, તેમણે રશીદના આ કારસ્તાનની અવગણના કરીને આંખ આડા કાન કર્યા હતા.

    કોણ છે શેખ રશિદ અહેમદ

    શેખ રશિદ અહેમદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વરિષ્ઠ નેતા છે. તેમણે 2020 થી 2022 સુધી પાકિસ્તાનના 38મા ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. ઈમરાન સરકારમાં ગૃહમંત્રી બનતા પહેલા તેઓ રેલવે મંત્રી હતા. શેખ રશીદે અવામી મુસ્લિમ લીગની સ્થાપના કરી, બાદમાં તેને પીટીઆઈ સાથે જોડી દીધી. શેખ રશિદ અહેમદે ગૃહમંત્રી પદ પર રહીને ભારત પર પરમાણુ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં તેમણે આ ધમકી આપી હતી.

    અવમાનના કેસમાં ભાગેડુ વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા, બે હજાર રૂપિયાનો દંડ: 40 મિલિયન ડૉલર પરત ચૂકવવાનો સુપ્રીમનો આદેશ

    સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને એક કોર્ટની અવમાનનાના કેસમાં ચાર મહિનાની જેલની સજા ફટકારી છે તેમજ 2 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. દંડ ન ચૂકવવા પર બે મહિનાની વધુ સજા થશે. આ ઉપરાંત કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવેલા 40 મિલિયન ડૉલર વ્યાજ સહિત ચાર અઠવાડિયામાં ચૂકવવા માટેનો પણ આદેશ આપ્યો છે. જો આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવે તો માલ્યાની સંપત્તિ જપ્ત કરવા માટે કોર્ટે તપાસ એજન્સીઓને છૂટ આપી છે.

    સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ માલ્યાને વધુ સજા કરવાની માંગ કરી હતી. કેન્દ્રે કહ્યું હતું કે માલ્યાએ વિદેશી ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કરવા બાબતે કોર્ટને ખોટી જાણકારી આપી એટલું જ નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને કોર્ટના આદેશોની પણ અવમાનના કરી છે.

    સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં વિજય માલ્યાને અવમાનના કેસમાં દોષી ઠેરવીને કાર્યવાહી શરૂ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, માલ્યાએ અવમાનના માટે ક્યારેય કોર્ટ સમક્ષ માફી માંગી નથી. ભારતીય સ્ટેટ બેંકે વિજય માલ્યા વિરુદ્ધ કકોર્ટના આદેશ છતાં રકમ ન ચૂકવવા બદલ અરજી કરી હતી.

    આ મામલે બેંક અને અન્ય ઓથોરિટીનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 2017ના રોજ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખવા માટે હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, માલ્યા બ્રિટનમાં એક આઝાદ વ્યક્તિની જેમ રહે છે, પરંતુ તેઓ ત્યાં શું કરે છે તે મામલે કોઈ જાણકારી નથી.

    સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે માલ્યાને બે કેસમાં કોર્ટ દોષી ઠેરવી ચૂકી છે. જેમાં પહેલો કેસ સંપત્તિનો ખુલાસો ન કરવા અંગે છે અને બીજો કર્ણાટક હાઇકોર્ટના આદેશોના ઉલ્લંઘન સબંધિત છે. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી પોતાના સંતાનોની અઘોષિત વ્યક્તિગત સંપત્તિમાંથી 4 કરોડ ડૉલરની રકમ ટ્રાન્સફર કરવા મામલે દોષી ઠેરવીને કાર્યવાહી શરૂ કરી હતી. વિજય માલ્યા કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે કહ્યું હતું કે તેમની ગેરહાજરીમાં જ કેસ આગળ ચલાવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ વિજય માલ્યા પર તેમની કિંગફિશર એરલાઈન સબંધિત નવ હજાર કરોડ રૂપિયાના બેન્ક ગોટાળાનો આરોપ લાગ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ વિજય માલ્યાએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું. હાલ તે બ્રિટનમાં રહે છે. ઘણીવાર માલ્યાને ભારત પરત લાવવા માટેની ચર્ચાઓ ચાલતી રહે છે, હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેના પ્રત્યાર્પણ માટેની ગતિવિધિઓમાં ઝડપ આવશે.

    શિંજો આબેની હત્યા સાથે અગ્નિપથ યોજનાને સાંકળીને વિપક્ષી પાર્ટીઓના ભ્રામક દાવા: જાણો શું છે સત્ય

    જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની હત્યા બાદ થોડા કલાકોમાં જ ભારતમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ તાજેતરમાં કેન્દ્ર સરકારે લૉન્ચ કરેલી અગ્નિપથ યોજનાને આ ઘટના સાથે જોડવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે ટ્વિટર પર જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને અગ્નિપથ યોજનાની સરખામણી કરતું ટ્વિટ કર્યું હતું. 

    સુરેન્દ્ર રાજપૂતે દાવો કર્યો કે, ‘શિંજો આબેને ગોળી મારનાર યમગામી જાપાનની SDF એટલે કે પેન્શન વગરની યોજનામાં કામ કરી ચૂક્યો હતો. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં કોઈ પેન્શન મળતું નથી.” તેમણે જાપાનની SDFમાં કામ કરતા સૈનિકો સાથે અગ્નિપથ યોજનામાં ભરતી થનારા જવાનોની સરખામણી કરી હતી. 

    આ જ પ્રકારનો દાવો પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના મુખપત્ર ‘જાગો બાંગ્લા’ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. અખબારમાં એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં પણ શિંજો આબેની હત્યાની ઘટનાને અગ્નિપથ યોજના સાથે જોડવામાં આવી હતી. 

    શું છે સત્ય?

    પૂર્વ જાપાની વડાપ્રધાન શિંજો આબેની હત્યા કરનાર શખ્સની ઓળખ 41 વર્ષી તેતસૂયા યામાગામી તરીકે થઇ છે. જોકે, એ સાચું છે કે યામગામીએ 2 વર્ષ અને 9 મહિના માટે જાપાનની મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં ફરજ બજાવી હતી. 

    જોકે, નેવીમાં યામાગામીનો ટૂંકો કાર્યકાળ 15 વર્ષ પહેલાં પૂર્ણ થઇ ગયો હતો તેમ છતાં વિપક્ષી પાર્ટીઓએ એ સાબિત કરવાના પ્રયત્નો કરતી રહી કે યામાગામીએ સેનાની તાલીમ લીધા બાદ કામ ન મળવાના કારણે અને પેન્શન ન હોવાના કારણે તેને આવું પગલું ભરવા માટે મજબુર બનવું પડ્યું હતું. 

    એ પણ નોંધવું જોઈએ કે આ જ પાર્ટીઓએ ભવિષ્યમાં અગ્નિવીરોની આતંકવાદીઓ બની જવાની સંભાવનાઓ પણ વહેતી કરી હતી. પાર્ટીઓ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે રોજગારીની ર્કોના અભાવ અને સશસ્ત્ર દળોમાંથી નિવૃત્તિ બાદ સૈનિકો અસામાજિક પ્રવૃત્તિઓમાં સંલિપ્ત થવા માટે મજબુર બની જશે. 

    હવે શિંજો આબેની હત્યા માટે પણ આ જ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે એ બાબત સામે આવી છે કે હત્યારો યામાગામી બેરોજગાર ન હતો અને વર્ષ 2020માં તેણે જાપાનના હોંશૂમાં એક ફર્મમાં નોકરી શરૂ કરી હતી. જોકે, ગત મે મહિનામાં જ તેણે સ્વાસ્થ્ય કારણોસર નોકરી છોડી દીધી હતી.

    સીએનએનના રિપોર્ટ અનુસાર, આબેની હત્યા પાછળનો ઉદ્દેશ્ય રાજકીય ન હતો અને તેને હત્યારાએ નેવીમાં કરેલ નોકરી સાથે પણ કોઈ સબંધ નથી. તપાસમાં સામે આવ્યું કે હત્યાનો ઉદ્દેશ્ય ધાર્મિક હતો.

    યામાગામી એક ધાર્મિક જૂથનો વિરોધી હતી અને માનતો હતો કે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પણ તેની સાથે જોડાયેલા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર, હત્યારા યામાગામીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે અગાઉ પણ એક ધાર્મિક જૂથના વડા પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તેનું કારણ એ હતું કે તે માનતો હતો કે તેમાં દાન આપવાના કારણે જ તેની માતાની આર્થિક હાલત કથળી હતી. 

    યામાગામી માનતો હતો કે આબે આ ધાર્મિક જૂથને સમર્થન આપતા હતા અને જાપાનમાં તેની પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેણે પોતે જ શિંજો આબેની હત્યા પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ્ય ન હોવાની સ્પષ્ટતા કરી હતી. 

    જેથી એ બાબત સ્પષ્ટ છે કે અગ્નિપથ યોજનાને શિંજો આબેની હત્યા સાથે જોડવી અને આબેની હત્યા પાછળ રોજગારીની તકોના અભાવ કે નાણાકીય સુરક્ષા અને હથિયારોની તાલીમને જવાબદાર ગણવી એ તર્કવિહીન છે. જાપાનની સેનાએ SDFમાં પેન્શન ન મળતું હોવા છતાં તે વાતને હત્યા સાથે કોઈ સીધો કે આડકતરો સબંધ નથી. 

    અગ્નિપથ યોજનાના ફાયદા 

    અગ્નિપથ યોજના અંગે એવી ફરિયાદ કરવામાં આવે છે કે માત્ર 25 ટકા અગ્નિવીરોને જ સેનાની મુખ્ય કેડરમાં સેવા કરવાની તક મળશે. બીજી તરફ પેન્શનના લાભો ન મળવાને લઈને પણ દલીલો કરવામાં આવે છે. પરંતુ અગ્નિવીરો ચાર વર્ષ પછી બહાર નીકળ્યા બાદ તેમની પાસે 11.71 લાખનું સેવાનિધિ ફંડ હશે તેમજ સાથે પોલીસ સેવાઓ, સરકારી એજન્સીઓ વગેરેમાં પ્રાથમિકતા સાથે નવી કારકિર્દી શરૂ કરવાની તકો પણ મળશે. 

    તદુપરાંત, સશસ્ત્ર દળોમાં સેવા દરમિયાન અગ્નિવીરોને 48 લાખ રૂપિયાનું નૉન-કોન્ટ્રીબ્યુટરી લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ મળશે. તેમજ સેવાકાળ દરમિયાન યુવાનોમાં સેનાના કૌશલ્યો, શિસ્તતા, નેતૃત્વના ગુણો, રાષ્ટ્રભક્તિ વગેરે પણ વિકસિત થશે. 

    ચાર વર્ષના કાર્યકાળ બાદ અગ્નિવીરો સ્વૈચ્છિક રીતે સેનાની મુખ્ય કેડરમાં સામેલ થવા માટે અરજી કરી શકશે, જેમાંથી 25 ટકાને સેનામાં સામેલ કરવામાં  આવશે. આ ઉપરાંત અગ્નિવીરોને સ્નાતક ડિગ્રી પણ મળશે, જે તેમને કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસમાં પણ મદદરૂપ થશે. 

    ગોવા કોંગ્રેસમાં ભડકો: બહુમતી ધારાસભ્યો ભાજપ તરફ ઢળતાં સોનિયા ગાંધીએ તાબડતોડ વરિષ્ઠ નેતાને ફાયરબ્રિગેડ બનાવીને મોકલ્યા

    મહારાષ્ટ્ર પછી હવે તેના પાડોશી રાજ્ય ગોવામાં રાજકીય હલચલ તેજ બની છે. ગોવા કોંગ્રેસના કુલ 11માંથી 6 ધારાસભ્યો બળવો કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે તેવા અહેવાલો મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતની આગેવાનીમાં ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. 

    કોંગ્રેસે પાર્ટીના નેતાઓ માઈકલ લોબો અને દિગંબર કામત પર સત્તાધારી ભાજપ સાથે મળીને કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે આખા દિવસના પોલિટિકલ ડ્રામા બાદ પાર્ટીના પ્રભારી દિનેશ ગુંડુ રાવે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કામત જૂથના માઈકલ લોબોને વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ પરથી હટાવવાની ઘોષણા કરી હતી. 

    રવિવારે સવારે પાર્ટીના ધારાસભ્યોના સંભવિત બળવા અંગે જાણ થતા દિનેશ ગુંડુ રાવે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. એક રિપોર્ટ અનુસાર, આ બેઠકેમાં 11માંથી 7 ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. બેઠકમાં હાજર ન રહેવા અંગે દિગંબર કામતે કહ્યું હતું કે, તેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું, “મને ગઈકાલે રાત્રે દિનેશ ગુંડુ રાવે ફોન કર્યો હતો. મેં તેમને કહ્યું હતું કે હું હવે ‘રિટાયર્ડ હર્ટ’ થઇ ગયો છું અને વધુ જવાબદારી ઉપાડી શકીશ નહીં.”

    બીજી તરફ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત પાટકરે કોંગ્રેસમાં ભાગલા પાડવા માટે ભાજપને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, “પાર્ટીમાં ભાગ પડી રહ્યા નથી. જો કોઈ આગળ થવું હોય તો તેમણે રાજીનામું આપવું પડશે અને ફરીથી ચૂંટણી લડવી પડશે.” ઉલ્લેખનીય છે કે પક્ષપલટાનો કાયદો ન લાગે તે માટે કોંગ્રેસના 11માંથી એકસાથે 8 ધારાસભ્યોએ ભાજપ કે અન્ય પાર્ટીમાં સામેલ થવું પડશે. 

    ગોવામાં આજથી (11 જુલાઈ 2022) વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે. તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારી કરવા માંડતા પાર્ટી હાઈકમાન્ડ પણ ચિંતામાં મૂકાયું હતું. ગોવામાં પાર્ટીની સ્થિતિ જોતાં ગઈકાલે મોડી રાત્રે પાર્ટીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ સાંસદ મુકુલ વાસનિકને ગોવા મોકલ્યા છે અને પરિસ્થિતિ સંભાળવા માટે કહ્યું છે. 

    અહીં નોંધવું જોઈએ કે ત્રણ વર્ષ પહેલાં પણ આવું જ  થયું હતું. ત્યારે ગોવા કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ગયા હતા. હવે ફરી એક્વાર પાર્ટી તૂટવાના અણસાર મળી રહ્યા છે. તે પણ એવા સમયે જ્યારે હાલમાં જ કોંગ્રેસ પાસેથી મહારાષ્ટ્રની સત્તા પર હાથમાંથી જતી રહી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ બળવો કરતાં એકસાથે 39 શિવસેના ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી લીધું હતું અને ભાજપ સાથે મળીને નવી સરકાર રચી દીધી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર હતી. 

    ‘મસ્જિદમાં આવીશ તો મારી નાખીશું’: છાતી પર CM યોગીનું ટેટૂ કરાવનાર યામીનને બકરી ઈદના તહેવાર પર મળી કટ્ટરપંથીઓની ધમકી

    એટાહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રશંસક ભાજપના કાર્યકર, તથા છાતી પર CM યોગીનું ટેટૂ કરાવનાર યામીન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નયાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય આઘાટમાં રવિવારે બકરીદની નમાજ અદા કરીને પરત ફરી રહેલા યામીન સિદ્દીકીને શહેરના જ બે લોકોએ ધમકી આપી હતી.

    આરોપ છે કે યામીન જ્યારે મસ્જિદમાં આવ્યો ત્યારે લોકોએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. જણાવી દઈએ કે, યામીન હાલમાં જ પોતાની છાતી પર CM યોગીનું ટેટૂ કરાવીને ચર્ચામાં આવ્યો હતો. બાદમાં યામીને ભાજપનું સભ્યપદ પણ લીધું હતું.

    યામીનના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે તે નમાઝ અદા કરવા માટે શહેરની ઇદગાહમાં ગયો હતો. તે નમાજ અદા કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં લાલા વારસી અને તેના ભાઈ શાહરૂખે તેને ઘેરી લીધો હતો. ધમકી આપી કહ્યું કે ‘તું યોગીનો મોટા ફેન બનીને ફરે છે’. તેમણે મુખ્યમંત્રી માટે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

    આરોપીઓએ અપશબ્દો બોલ્યા હતા અને કહ્યું હતું કે જો તે ફરીથી મસ્જિદની આસપાસ દેખાશે તો તને મારી નાખીશું. યામીને જણાવ્યું કે આ બંને દબંગ સ્વભાવના લોકો છે. ભૂતકાળમાં તેમણે પોલીસને ખોટી માહિતી આપીને અને અફવાઓ ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.

    યામીન સિદ્દીકીએ કહ્યું કે આ લોકોએ મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રશંસક હોવાના કારણે મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે સીઓ રાજકુમારે જણાવ્યું કે જો ફરિયાદ આપવામાં આવી છે તો રિપોર્ટ દાખલ કરવામાં આવશે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

    યામીન 4 જૂને પોતાની છાતી પર CM યોગીનું ટેટૂ કરાવવા માટે આગ્રા ગયો હતો. યામીન જણાવે છે કે તે સીએમ યોગીને પોતાના આદર્શ માને છે અને તેમનો મોટા પ્રશંસક છે.

    યામીન સિદ્દીકી 20 જૂને એટામાં ભાજપમાં જોડાયો હતો. તે સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી યોગી અને ભાજપ માટે પ્રચાર કરે છે. ધમકી મળ્યા પછી, યામીને જણાવ્યુ છે કે તેના જીવને જોખમ છે.