Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકારી અધિકારીઓ હજી પણ અંગ્રેજ રાજમાં જીવી રહ્યા છે: શિક્ષકનો ઝભ્ભો લેંઘો...

    સરકારી અધિકારીઓ હજી પણ અંગ્રેજ રાજમાં જીવી રહ્યા છે: શિક્ષકનો ઝભ્ભો લેંઘો પહેરીને શાળાએ આવવું કલેક્ટર સાહેબને ન ગમ્યું

    વિડીયોમાં અધિકારી શિક્ષક સાથે એક નાનકડી વાતમાં તદ્દન બિનજવાબદાર વર્તન કરતા જોવા મળે છે અને કહે છે કે તેમણે શિક્ષક બનવાની કોઈ જરૂર નથી અને જઈને નેતા બની જાય.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો બિહારના કોઈ ગામનો હોવાનું કહેવાય છે. 1 મિનિટ 48 સેકન્ડ લાંબા આ વિડીયોમાં એક અધિકારી એક સરકારી શાળાના શિક્ષકને ઉંચા અવાજમાં ઠપકો આપતા જોવા મળે છે. અને તેનું કારણ છે- શિક્ષકનો પોશાક. શિક્ષકે કૂર્તા-પાયજામા પહેર્યા હતા, અને અધિકારીને એ પસંદ ન આવ્યું અને તેઓ આખી શાળાની વચ્ચે શિક્ષક પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. 

    સૌરભ પાઠક નામના એક ટ્વિટર યુઝરે આ વિડીયો શૅર કર્યો છે. સાથે તેમણે લખ્યું છે કે, ‘શું ભારતમાં શિક્ષકોએ કૂર્તા-પાયજામા પહેરવા એ ગુનો છે? આ ડીએમ માત્ર કૂર્તા પાયજામા પહેરવા બદલ શિક્ષક સામે શૉ-કોઝ અને પગારકાપની નોટીસ આપે છે. જે રીતે આ અંગ્રેજી બાબુ ડીએમ વર્તન કરી રહ્યા છે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’

    વિડીયોમાં ડીએમ શિક્ષકને કહેતા સંભળાય છે કે, “કોઈ પણ રીતે તમે શિક્ષક જેવા લાગી રહ્યા છો? અમને તો લાગ્યું કે તમે જનપ્રતિનિધિ છો. શિક્ષક હોવ તો આ વેશભૂષામાં ન રહો.” જે બાદ અધિકારી ફોન પર વાત કરતા કહે છે કે શાળાના આચાર્ય કૂર્તા-પાયજામા પહેરીને નેતાની જેમ બેઠેલા છે. જે બાદ તે શૉ-કૉઝ નોટીસ પાઠવવા માટે અને પગાર કાપવા માટે કહે છે. 

    - Advertisement -

    વિડીયોમાં અધિકારી શિક્ષક સાથે એક નાનકડી વાતમાં તદ્દન બિનજવાબદાર વર્તન કરતા જોવા મળે છે અને કહે છે કે તેમણે શિક્ષક બનવાની કોઈ જરૂર નથી અને જઈને નેતા બની જાય. જે બાદ તેઓ શાળાના અન્ય શિક્ષકો સાથે પણ ઉંચા અવાજમાં વાત કરતા જોવા મળે છે. 

    ટ્વિટર યુઝર અનુસાર, શિક્ષકે કૂર્તા-પાયજામા પહેરવા પાછળ યોગ્ય કારણ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે શાળામાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી ન હોવાના કારણે પરસેવો ખૂબ થતો હોવાથી તેમણે આવા વસ્ત્રો પહેર્યા હતા. જોકે, તેમ છતાં ડીએમ માનવા તૈયાર ન હતા અને રૉફ જમાવવાનો ચાલુ રાખ્યો હતો. 

    આમ તો મોટાભાગનાં રાજ્યોમાં સરકારી શાળાના શિક્ષકો માટે શાળામાં કોઈ ડ્રેસ કોડ હોતા નથી. માત્ર એટલી અપેક્ષા રાખવામાં આવે છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જતા શિક્ષકો શાળામાં સભ્ય પોશાક પહેરીને જાય. જોકે, કૂર્તા-પાયજામામાં અસભ્યતા જેવું શું છે અને કેમ આવો પોશાક જોઈને અહીં અધિકારીને જોશ આવી ગયું એ ચર્ચાનો વિષય છે. 

    સત્તાના જોરે નાનકડી વાતમાં પણ રૉફ જમાવતા અંગ્રેજી માનસિકતા ધરાવતા આ અધિકારીની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઇ રહી છે અને લોકો શિક્ષકનો પક્ષ લઇ રહ્યા છે. 

    એક યુઝરે લખ્યું કે, ‘આ (સરકારી) બાબુઓની તાલીમમાં ચોક્કસ કંઈ ખામી છે.’ ઉપરાંત તેમણે થોડા સમય પહેલાં કોટ ન પહેરવા બદલ ઠપકો આપવાની ઘટના પણ ટાંકી હતી અને કહ્યું હતું કે આપણી શિક્ષણ વ્યવસ્થા મૂળ સાથે જોડાયેલી નથી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીની ટીપ્પણીઓ યાદ કરતા કહ્યું કે બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થા જડમૂળમાંથી બદલવાની જરૂર છે. 

    અધિકારીએ શાળામાં બાળકો અને શિક્ષકો સામે જ નાનકડી વાતને લઈને હોબાળો મચાવવાનું અને શિક્ષકને ઠપકો આપવાનું શરૂ કરી દીધું હતું, તેને લઈને આદિ નામના યુઝરે લખ્યું કે, વિદ્યાર્થીઓની સામે આમ બૂમબરાડા કરીને અધિકરી શું સંદેશ આપવા માંગે છે? તેમણે એમ પણ કહ્યું કે, આ ‘બાબુગીરી’ નેતાઓ દ્વારા થતી ‘ગુંડાગીરી’ જેવી જ છે. 

    એક યુઝરે અંગ્રેજી માનસિકતાને લઈને કહ્યું કે, આવી માનસિકતા ધરાવતા અધિકારી કાલે ઉઠીને વડાપ્રધાનની પણ કૂર્તા પાયજામાની જગ્યાએ થ્રી પીસ સૂટ પહેરવા કહે તો નવાઈ નહીં!

    ઘણા યુઝરોએ આવા અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં