Friday, November 15, 2024
More
    Home Blog Page 1023

    મિશન મંગળની મજાક, કાશ્મીર-રામમંદિર મુદ્દે દુષ્પ્રચાર: વર્ષોથી ભારતવિરોધી અને હિંદુવિરોધી અપપ્રચારનું હથિયાર રહ્યું છે ન્યૂયોર્ક ટાઈમ્સ, જેના કેજરીવાલ કરી રહ્યા છે ગુણગાન

    શુક્રવારે (19 ઓગસ્ટ 2022) એક તરફ જ્યાં અરવિંદ કેજરીવાલના નજીકના સાથીદાર અને દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સિસોદિયાને દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી ગણાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. કેજરીવાલ એક પ્રેસ કોન્ફરન્સ કરીને અમેરિકી અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ પણ વચ્ચે લઇ આવ્યા હતા અને તેમાં છપાયેલા એક લેખને લઈને માહોલ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. 

    બન્યું એવું કે ગત 18 ઓગસ્ટના રોજ અમેરિકાના બહુ જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં પહેલા પાને એક લેખ છપાયો હતો. લેખમાં દિલ્હીના ‘શિક્ષણ મોડેલ’ની પ્રશંસા કરવામાં આવી હતી અને સાથે મનિષ સિસોદિયાની અને શાળાના બાળકોની તસ્વીર પણ છપાઈ છે. જોકે, આ વિશે ભાજપે તો એવો દાવો પણ કર્યો છે કે તસ્વીરમાં જે વિદ્યાર્થીઓ દેખાય છે તે સરકારી નહીં પરંતુ ખાનગી શાળાના છે. ઉપરાંત, ન્યૂયોર્ક ટાઈમ્સ જ નહીં પરંતુ અન્ય એક અખબાર ખલીજ ટાઈમ્સમાં પણ આ જ લેખ છપાયો હતો. જેને લઈને પણ પ્રશ્નો સર્જાયા છે. 

    આ કટિંગ બતાવીને અરવિંદ કેજરીવાલ અમેરિકાને દુનિયાનો સૌથી અમીર દેશ ગણાવતા કહે છે કે, તેના સૌથી મોટા અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાને દિલ્હીના શિક્ષણ મોડેલની પ્રશંસા કરવામાં આવી છે. તેમણે લગભગ ત્રણેક વખત અમેરિકાને સૌથી શક્તિશાળી દેશ અને ન્યૂયોર્ક ટાઈમ્સને અમેરિકાનું સૌથી મોટું અખબાર ગણાવીને કહ્યું હતું કે, ન્યૂયોર્ક ટાઈમ્સમાં સમાચાર છપાવવા ઘણું મુશ્કેલ કામ છે! સાથે તેમણે આ બદલ ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે વર્ષો પછી ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાને ભારત વિશે સકારાત્મક સમાચાર છપાયા છે. 

    કેજરીવાલ આ કટિંગમાં મનિષ સિસોદિયાની તસ્વીર બતાવીને કહે છે કે તેમને દુનિયાના સૌથી શ્રેષ્ઠ શિક્ષણમંત્રી ઘોષિત કરવામાં આવ્યા છે. અહીં મૂળ વાત એ છે કે મનિષ સિસોદિયા સામે આરોપો ભ્રષ્ટાચારના લાગ્યા છે. સમગ્ર મામલો એક્સાઈઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારનો છે, જેને શિક્ષણ સાથે જોજનો સુધી કાંઈ લાગતું-વળગતું નથી. કેજરીવાલ (કે તેમની પાર્ટી) સિસોદિયા સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના જવાબ આપવાને બદલે આવાં અખબારોના લેખો બતાવીને શું સાબિત કરવા માંગે છે એ પણ એક પ્રશ્ન છે.

    હવે કેજરીવાલ ન્યૂયોર્ક ટાઈમ્સને વચ્ચે લઇ જ આવ્યા છે તો એ જાણવું પણ જરૂરી બને છે કે કઈ રીતે કેજરીવાલનું અતિપ્રિય બની ગયેલું આ અખબાર વર્ષોથી ભારતવિરોધી, હિંદુવિરોધી અને મોદીવિરોધી દુષ્પ્રચારનું એક મોટું હથિયાર રહ્યું છે અને જેને ડાબેરીઓ, ભારતવિરોધીઓ હંમેશા ભારત વિરુદ્ધ વાપરતા આવ્યા છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં ન્યૂયોર્ક ટાઇમ્સે ભારતની, ભારતની અસ્મિતાની મજાક ઉડાવી છે, વડાપ્રધાનને ટાર્ગેટ કર્યા છે, હિંદુઓને ખરાબ ચીતર્યા છે અને કાશ્મીર મુદ્દે પણ હંમેશા ભારતવિરોધી જ વલણ દાખવ્યું છે. 

    ‘મિશન મંગળ’ સફળ થયા બાદ ન્યૂયોર્ક ટાઇમ્સે ઉડાવી હતી ભારતની મજાક 

    વર્ષ 2014ની વાત છે, જ્યારે ‘મિશન મંગળ’ હેઠળ ભારત પહેલા જ પ્રયાસે મંગળ પર પહોંચનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો હતો. ભારત માટે આ ઉપ્લબધિ અનેક રીતે મહત્વની અને ઐતિહાસિક હતી. આપણી સંસ્થા ઈસરો નાસા, રશિયાની RFSA અને યુરોપિયન સ્પેસ એજન્સી બાદ મંગળ પર પહોંચનારી ચોથી સ્પેસ એજન્સી બની હતી. 450 કરોડના ખર્ચે લૉન્ચ કરેલું ઓપરેશન ભારતે પહેલા જ પ્રયાસે સફળતાપૂર્વક પર પાડ્યું અને ચીન અને જાપાન જેવા દેશોને પણ પાછળ છોડી દીધા હતા, કારણ કે આ બંને દેશો પહેલા પ્રયાસે મંગળ સુધી પહોંચવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. 

    ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલું કાર્ટૂન (તસ્વીર: OpIndia)

    પણ ભારતની આ ઉપલબ્ધિ ન્યૂયોર્ક ટાઈમ્સને પસંદ ન આવી અને અખબારમાં એક કાર્ટૂન છપાયું હતું. પોતાની ભારતવિરોધી માનસિકતા પ્રદર્શિત કરતાં ન્યૂયોર્ક ટાઇમ્સે કાર્ટૂનમાં કટાક્ષ કરતાં એક પાઘડી પહેરેલા ભારતીય વ્યક્તિને ‘એલીટ સ્પેસ ક્લબ’નો દરવાજો ખખડાવતો દેખાડ્યો હતો. દરવાજાની પેલી તરફ કેટલાક કોટ પહેરેલા લોકો જોવા મળે છે અને જેમાંથી એક વ્યક્તિ અખબાર વાંચી રહ્યો છે, જેમાં ‘ભારતનું મિશન મંગલ’ મુખ્ય હેડલાઈન હતી. રૂમમાં બેઠેલા લોકો બહાર દરવાજો ખખડાવતા વ્યક્તિથી ખુશ ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

    આ કાર્ટૂનની ભારતના મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ટીકા થઇ હતી. ભારતમાંથી અનેક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ અખબારે આ કાર્ટૂન માટે માફી માંગવાની ફરજ પડી હતી. જોકે, અખબારે પછી પણ ભારતવિરોધી કામો ચાલુ જ રાખ્યાં હતાં. 

    કાશ્મીરને ગણાવ્યું હતું ‘જીવતું-જાગતું નર્ક’

    2019માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સતત બીજી વખત એનડીએની સરકાર બની અને તેના ત્રણ જ મહિનામાં સરકારે કાશ્મીરને વર્ષોથી સમસ્યા કલમ 370માંથી મુક્ત કર્યું ત્યારે પણ ન્યૂયોર્ક ટાઈમ્સને પેટમાં દુખ્યું હતું. પાંચ ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 હટાવવાની જાહેરાત કરી ત્યાં બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેખ લખાવા માંડ્યો હતો. તે પ્રકાશિત થયો ત્યારે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભારતની હિંદુવાદી સરકારે એકપક્ષીય નિર્ણય લઈને કાશ્મીરીઓના અવાજને દબાવી દીધો છે અને અનેક કાશ્મીરી નેતાઓને હિરાસતમાં લઇ લીધા છે.’ આ ઉપરાંત, ન્યૂયોર્ક ટાઈમ્સના લેખમાં એમ પણ લખવામાં આવ્યું કે, ‘બહુમતી કાશ્મીરીઓ ભારત સાથે જોડાવા માંગતા નથી.’ 

    તસ્વીર સાભાર: ન્યૂયોર્ક ટાઈમ્સ

    કાશ્મીરમાંથી 370 હટાવાયાના પાંચ દિવસ પછી, એટલે કે 10 ઓગસ્ટ 2019ના દિવસે ન્યૂયોર્ક ટાઈમ્સમાં અન્ય એક લેખ છપાયો હતો. જેના શીર્ષકનો ભાવ એ હતો કે કાશ્મીર દુનિયાથી વિખૂટું પડી ગયું છે અને એક ‘જીવતું-જાગતું નર્ક’ બની ગયું છે. જેમાં પણ ફરી એક વખત નરેન્દ્ર મોદીને ‘હિંદુ રાષ્ટ્રવાદી’ વડાપ્રધાન ગણાવીને લખવામાં આવ્યું કે, તેમણે કાશ્મીરના મુસ્લિમોની સ્વાયત્તતા છીનવી લીધી અને તેમના નિર્ણયના કારણે કાશ્મીરની હાલત કફોડી બની છે

    ‘કાશ્મીર ફાઇલ્સ’ને ગણાવી હતી ‘પ્રોપેગેન્ડા ફિલ્મ’ 

    તાજેતરમાં જ આવેલી કાશ્મીરી હિંદુઓની પીડા અને ઇસ્લામિક આતંકવાદને બયાં કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે પણ ન્યૂયોર્ક ટાઈમ્સ લખી ચૂક્યું છે. જેમાં પણ કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા અત્યાચારને વ્હાઇટવૉશ કરવાનો અને ફિલ્મને ‘ભાગલા પાડનારી’ ગણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

    લેખમાં જેમાં કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા નરસંહારને ‘પલાયન’ ગણાવીને કહેવામાં આવ્યું છે કે ‘એક તરફ જ્યાં ભારતમાં લઘુમતી મુસ્લિમો સામે હિંસા વધી રહી છે, ત્યાં બીજી તરફ ભાજપ આવી ફિલ્મોનો ઉપયોગ નરેટિવ ઘડવા માટે કરે છે.’ લેખમાં ભારતના વિપક્ષી નેતાઓ અને ડાબેરી બુદ્ધિજીવીઓના ખભે બંદૂક ફોડીને ફિલ્મને ‘પ્રોપેગેન્ડા’ અને ‘ભાગલાવાદી’ ગણાવવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મને હિંદુઓ સાથે થયેલા અત્યાચારને સનસનીખેજ બનાવવાનો પ્રયત્ન કરનારી ગણાવવામાં આવી હતી. 

    રામમંદિર મુદ્દે પણ ફેલાવ્યો હતો દુષ્પ્રચાર 

    વર્ષ 2020માં જ્યારે અયોધ્યામાં રામમંદિરનો પાયો નાંખવામાં આવ્યો ત્યારે પણ ન્યૂયોર્ક ટાઇમ્સે એક લેખમાં નરેન્દ્ર મોદીને મંદિરનું ભૂમિપૂજન કરવા બદલ ટાર્ગેટ કર્યા હતા. જેમાં ન માત્ર અયોધ્યા વિવાદને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો પરંતુ પીએમ મોદીનું પણ નકારાત્મક ચિત્રણ કર્યું હતું અને કહ્યું હતું કે, ભૂમિપૂજનમાં તેમની હાજરી તેમના હિંદુ રાષ્ટ્રવાદ તરફના ઢોળાવનો સ્પષ્ટ સંકેત હતો અને એ આરોપ પણ લગાવવામાં આવ્યો કે મોદી મસ્જિદ તોડીને મંદિર બનાવી રહ્યા છે. 

    પીએમ મોદીને ટાર્ગેટ કરવામાં આ અખબારનો જૂનો ઇતિહાસ રહ્યો છે. 2019માં નરેન્દ્ર મોદી જંગી બહુમતી સાથે જીતીને ફરી સત્તા પર આવ્યા ત્યારે પણ ન્યૂયોર્ક ટાઇમ્સના પત્રકારોને બહુ પીડા થઇ હતી અને એ પીડા લેખમાં પણ દેખાઈ, જેમાં લખવામાં આવ્યું હતું કે મોદી ફેક ન્યૂઝ અને હિંસાના આધારે જીત્યા છે. જ્યારે હકીકત એ હતી કે એક પારદર્શક પ્રક્રિયા હેઠળ યોજાયેલી ચૂંટણીમાં ભાગ લઇ, 543 બેઠકો પર પોતાના સાંસદો ઉતારીને, બહુમતી બેઠકો જીતીને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી બીજી વખત સત્તા પર આવી હતી. 

    દિલ્હીના હિંદુવિરોધી તોફાનો માટે પણ મોદીને જવાબદાર ગણાવ્યા હતા 

    આ ઉપરાંત, 2020માં ફેબ્રુઆરીમાં થયેલા હિંદુ વિરોધી તોફાનો માટે પણ ન્યોયૉર્ક ટાઇમ્સે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મોદીના નિર્ણયો અને નીતિના કારણે હિન્દૂ રાષ્ટ્રવાદીઓને પ્રોત્સાહન મળ્યું અને ત્યારબાદ તોફાનો થયાં હતાં. ઉપરાંત, સીએએ એક્ટ સમયે પણ મોદી હિંદુવાદનો એજન્ડા આગળ વધારી રહ્યા હોવાના આરોપ સાથે ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેખ છાપવામાં આવ્યો હતો. જેમાં એક્ટ વિશે પણ ભ્રામક દાવા કરવામાં આવ્યા હતા.

    કોરોનામાં પણ આંકડાઓ સાથે છેડછાડ કરી હતી 

    તાજું ઉદાહરણ કોરોના મહામારી દરમિયાનનું છે. જયારે અખબારે દાવો કર્યો હતો કે, ભારતમાં કોરોનથી મૃત્યુના જે આંકડા છે તે અધિકારીક કરતાં અનેકગણા વધારે છે. સરકારી આંકડા મુજબ દેશમાં ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે અખબારે આ આંકડો 6 થી 42 લાખ વચ્ચેનો હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત, ત્યારે દેશમાં 2.7 કરોડ કેસ હતા ત્યારે અખબારે સાચો આંકડો 40થી 70 કરોડ હોવાનો દાવો કર્યો હતો. જે મામલે પછીથી સરકારે પણ અખબારને આડેહાથ લીધું હતું. 

    આવા અનેક કિસ્સાઓ જોયા બાદ એમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે ન્યૂયોર્ક ટાઈમ્સને એવા જ પત્રકારોની જરૂર પડતી હશે જેઓ ભારતમાં રહીને ભારતવિરોધી અપપ્રચાર ફેલાવવામાં મદદ કરી શકે. આ બાબતનો પુરાવો પણ અખબારે આપી દીધો હતો. જ્યારે ગત વર્ષે જુલાઈ મહિનામાં અખબારે મોદીવિરોધી અને ભારતવિરોધી હોય તેવા પત્રકારો માટે જાહેરાત પ્રકાશિત કરી હતી! જેની પણ ખૂબ ચર્ચા થઇ હતી. 

    અહીં માત્ર અમુક કિસ્સાઓની જ ચર્ચા કરવામાં આવી છે. માત્ર એક અખબાર જ નહીં પરંતુ આવા અનેક વિદેશી મીડિયા સંસ્થાનોનો સહારો લઈને વર્ષોથી ભારતવિરોધી અપપ્રચાર ચાલતો આવ્યો છે અને હજુ પણ ચાલે છે. પરંતુ બીજી તરફ, એવા નેતાઓ પણ છે જેઓ માત્ર રાજકીય લાભ ખાટવા માટે આવાં સંસ્થાનોના ખોળે બેસી જાય છે અને તેમની પાસેથી સ્વીકાર્યતા મેળવવા તલપાપડ રહે છે. 

    ‘લાલ સિંહ ચઢ્ઢા’ને ₹100 કરોડનો ચૂનો, કરીના કપૂરે ‘ગીત’ પર મન મનાવ્યું: કહ્યું- મારા અભિનયથી પેન્ટનું વેચાણ વધ્યું, રેલવેની આવક પણ વધી

    લાલ સિંહ ચઢ્ઢા જેવી ફ્લોપ આપ્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગઈ છે. તેણે ‘જબ વી મેટ’ ફિલ્મના તેના પાત્રને યાદ કરતા કહ્યું કે ‘હરમ પેન્ટ્સ’ અને ‘ઇન્ડિયન રેલ્વે’ને તેના ગીતના પાત્રને કારણે ઘણો ફાયદો થયો હતો.

    તેણે ‘કેસ તો બના હૈ’ના એપિસોડમાં મજાકમાં કહ્યું, “મારા ગીતની ભૂમિકા ભજવ્યા પછી, હેરમ પેન્ટનું વેચાણ અને ભારતીય રેલ્વેની આવક બંનેમાં વધારો થયો.”

    એપિસોડમાં વકીલની ભૂમિકામાં દેખાઈ રહેલા વરુણ શર્માએ જ્યારે કરીનાને તેની કોર્ટની નિમણૂકોને ગંભીરતાથી લેવા કહ્યું, ત્યારે કરીનાએ કહ્યું, “અબ તુ શીખાયેગા મુઝે, શિખડી હૂં મેં બટિંડા કી, સબ આતા હૈ મુઝે, ટ્રેન પકડને સે લેકે કેસ જીતને તક.”

    જબ વી મેટમાં કરીના અને ટ્રેનની ભૂમિકા

    નોંધનીય છે કે જે ફિલ્મ માટે કરીના કપૂરે પોતાના વખાણ કર્યા હતા તે જબ વી મેટ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું હતું. આમાં કરીના કપૂરે શીખ છોકરી ‘ગીત’નું પાત્ર ભજવ્યું હતું.

    ગીત ફિલ્મમાં એક અત્યંત વાચાળ છોકરી બતાવવામાં આવી હતી. જે ચાલતી ટ્રેનમાં કોઈ અજાણ્યા આદિત્ય કશ્યપ (શાહિદ કપૂર) સાથે દિલથી વાત કરે છે અને જ્યારે તે અડધી રાતે જાગી જાય છે ત્યારે તેને ત્યાં ન જોઈને તેને શોધવા ટ્રેન છોડી દે છે. આમ ફિલ્મની વાર્તા ટ્રેનથી શરૂ થાય છે.

    વર્ષ 2007માં શાહિદ-કરીનાની આ ફિલ્મ ખરેખર સુપરહિટ રહી હતી. પરંતુ, તેના કારણે ભારતીય રેલ્વેને આવકમાં કોઈ ફાયદો થયો નથી, તે આંકડાઓના ગ્રાફ પરથી સ્પષ્ટ થાય છે. જોઈ શકાય છે કે 2007-2008 વચ્ચેના ગ્રાફમાં કોઈ વધારો થયો નથી.

    ભારતીય રેલ્વેની વાર્ષિક આવક (સ્રોત: સ્ટેટિસ્ટા)

    કરીના કપૂરનો જાદુ હવે નથી રહ્યો, લાલ સિંહ ચઢ્ઢા સુપર ફ્લોપ

    નોંધનીય છે કે એક સમયે દર્શકો કરીના કપૂરને તેની ભૂમિકાઓને કારણે ખૂબ પસંદ કરતા હતા. પરંતુ, લોકોમાં હવે તેમના માટે તે ક્રેઝ રહ્યો નથી. તાજેતરમાં રિલીઝ થયેલી ‘લાલ સિંહ ચઢ્ઢા‘એ આ વાત સ્પષ્ટ કરી છે. કરીના કપૂરના જૂના નિવેદનો જોયા પછી, યુઝર્સે તેનો ‘બહિષ્કાર’ કર્યો અને લાલ સિંહ ચઢ્ઢા મોટી ફ્લોપ સાબિત થઈ.

    આ દરમિયાન, કરીનાએ લોકોને એમ પણ કહ્યું કે તે ઈચ્છે છે કે લોકો તેની ફિલ્મ જુએ, જોકે તેની અપીલની થિયેટરોમાં કોઈ અસર જોવા મળી નથી. પરિણામે 180 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ વિશે અનુમાન લગાવવામાં આવે છે કે તે માત્ર 60-70 કરોડની કમાણી કર્યા બાદ ઉતરી જશે.

    AAPના અધુરિયા નેતાનું ભ્રષ્ટાચાર મામલે સવાલ કરતાં મહિલા એન્કર સાથે ગેરવર્તનઃ તું-તારી પર ઉતરી આવ્યા

    AAPના અધુરિયા નેતાનું ભ્રષ્ટાચાર મામલે સવાલ કરતાં અશોભનીય વર્તન સામે આવ્યું હતું, દારુ કૌભાંડમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા બાદ આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ ભડક્યા છે. પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ઝી ન્યૂઝની એન્કર સાથે અભદ્ર અને તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું. પોતાના નામ સાથે ‘જી’ ન લગાવવા બદલ આપના પ્રવક્તા ભડક્યા હતા.

    વાસ્તવમાં એન્કર અદિતિ ત્યાગી શુક્રવારે (19 ઓગસ્ટ 2022) સિસોદિયાની ધરપકડને લઈને ઝી ન્યૂઝ પર એક શો હોસ્ટ કરી રહયા હતા. આ શોમાં ભાજપ તરફથી શહઝાદ પૂનાવાલા અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

    જ્યારે એન્કર અદિતિએ ભારદ્વાજને ભ્રષ્ટાચાર મુદ્દે પ્રશ્ન પૂછ્તા તેઓ ગુસ્સે થઈ ગયા હતા. લાઈવ શો દરમિયાન તેમણે મહિલા એન્કર સાથે અભદ્ર અને તોછડાઈ ભર્યું વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ઉદ્ધતતાની હદ વટાવીને ભારદ્વાજે તેમને લાઇવ શોમાં જ પાઠ ભણાવવાની ધમકી પણ આપી હતી. આક્રોશમાં તેઓ એન્કરના પરિવારના સભ્યો સુધી પણ પહોંચ્યા હતા.

    ભારદ્વાજે અદિતિ ત્યાગી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. વાસ્તવમાં અદિતિએ લાઈવ ડિબેટ દરમિયાન તેને ‘સૌરભ ભારદ્વાજ’ કહીને સંબોધ્યા હતા. જેનાથી ભારદ્વાજ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ત્યાગીમાં વાત કરવાની સભ્યતા નથી અને તેમણે મારા નામ સાથે ‘જી’ બોલવું જોઈએ.

    ભારદ્વાજે તેમ પણ કહ્યું હતું, “સાંભળ અદિતિ ત્યાગી, તારામાં વાત કરવાની તમીજ નથી. શું તું તારા પરિવારના સભ્યો સાથે પણ આ રીતે જ વાત કરે છે? શું તું તારા ભાઈ સાથે આવી રીતે વાત કરે છે? આ રીતે તું ચેનલના માલિક સુભાષ ચંદ્રા સાથે પણ વાત કરે છે?”

    તેના પર એન્કરે કહ્યું કે મને શિષ્ટાચાર શીખવવાની જરૂર નથી. આ પછી AAP ધારાસભ્ય ભારદ્વાજે કહ્યું હતું કે, “જેમ સંજય સિંહે તમને શિષ્ટાચાર શીખવ્યો હતો, હું આજે તમને શીખવીને જઈશ.”

    અદિતિ ત્યાગીએ કહ્યું કે જો પાર્ટી પાસે તેમના સવાલનો જવાબ નથી માટે તેમના નેતા ગેરવર્તણૂકના નામે પ્રશ્નોના જવાબ ટાળી રહ્યા છે. એટલું જ નહીં, અદિતિએ આ મામલે ટ્વિટ કરીને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરિયાદ પણ કરી છે.

    અદિતિ ત્યાગીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “માનનીય મુખ્યમંત્રી @ArvindKejriwal જી, આજે @AamAadmiParty ના ‘જન પ્રતિનિધિ’ એ મને લાઈવ ટીવી પર ધમકાવી છે. તેમણે મને અને મારા ‘ખાનદાન’ વિષે ટીપ્પણી કરી છે. હું અને દેશની 65 કરોડ મહિલાઓ આ ઘટના પર તમારી પ્રતિક્રિયા અને કાર્યવાહી માટે રાહ જોઈ રહી છે. #સત્યમેવજયતે

    સૌરભ ભારદ્વાજ અને અદિતિ ત્યાગી વચ્ચેની આ શાબ્દિક અથડામણ માટે AAPની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. યુઝર્સ મહિલા એન્કર સાથે ગેરવર્તન કરવા બદલ સૌરભ ભારદ્વાજની ટીકા કરી રહ્યા છે. તો બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ ભારદ્વાજના વર્તનની નિંદા કરી છે અને કહ્યું છે કે AAPના સત્તાવાર પ્રવક્તાએ મહિલા એન્કર સાથે ગેરવર્તન કરીને અભદ્રતાની તમામ સીમાઓ ઓળંગી નાખી છે.

    રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે જાણો તેમણે કેવી રીતે મુસ્લિમ કટ્ટરપંથીઓ માટે ન્યાયતંત્રને મજાક બનાવી મૂકી હતી: ‘શાહ બાનો કેસ’ મહિલા સમાનાધિકાર સામે કાળું ટીલું

    આજે ગાંધી પરિવારના વધુ એક અને ભારતના છઠ્ઠા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો 78મો જન્મદિવસ છે. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈ (તત્કાલીન બોમ્બે)માં થયો હતો. ભારત તેના આ વડાપ્રધાનને ઘણી રીતે છે, અને યાદ કરવાના કારણોમાંથી એક મુખ્ય કારણ છે ‘શાહ બાનો કેસ’.

    1986 માં, સ્વ. રાજીવ ગાંધીની આગેવાની હેઠળના ભારતીય સરકારે મુસ્લિમ કટ્ટરપંથીઓ માટે ખતરનાક દાખલો બેસાડ્યો હતો. આ મોહમ્મદ. અહમદ ખાન વિ. શાહ બાનો બેગમ અને અન્ય કેસ અને ત્યારબાદ 1986માં રાજીવ ગાંધી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કાયદાને ભારતના રાજકીય ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. તો આવો આજે આપણે જાણીએ આ શાહ બાનો કેસ વિષે.

    શાહ બાનો કેસ : મહિલા સમાનાધિકાર સામે કાળું ટીલું

    ઘટનાક્રમ ત્યારે શરૂ થયો જ્યારે 62 વર્ષીય મુસ્લિમ મહિલા શાહ બાનોએ એપ્રિલ 1978માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના છૂટાછેડા લીધેલા પતિ મોહમ્મદ અહમદ ખાન, જાણીતા વકીલ, પાસેથી ભરણપોષણની માંગણી કરતી કોર્ટમાં અરજી કરી. શાહ બાનોના પતિ ખાને નવેમ્બરમાં પાછળથી ટ્રિપલ તલાક કહીને તેને છૂટાછેડા આપી દીધા હતા અને કહ્યું હતું કે તે તેને કોઈ ભરણપોષણ ચૂકવવા માટે બંધાયેલ નથી કારણ કે ઇસ્લામિક કાયદા હેઠળ તે તેની પત્ની નથી.

    બંનેના લગ્ન 1932માં થયા હતા અને તેમને પાંચ બાળકો હતા – ત્રણ પુત્રો અને બે પુત્રીઓ. શાહ બાનોના પતિએ તેને પોતાની બીજી પત્ની સાથે ત્રણ વર્ષ સુધી એક ઘરમાં રાખ્યા બાદ તેને ઘર છોડી દેવાની ફરજ પાડી હતી.

    શાહ બાનો, જે તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં ગઈ હતી, તેણે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 123 હેઠળ પોતાના અને તેના પાંચ બાળકો માટે ભરણપોષણ માટે દાવો દાખલ કર્યો હતો. ઓગસ્ટ 1979માં, શાહ બાનોએ સ્થાનિક કોર્ટમાં ભરણપોષણનો કેસ જીત્યો હતો, જે મુજબ કોર્ટે ખાનને તેને દર મહિને 25 રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો. જો કે, ખાને એ આધાર પર કેસ લડ્યો હતો કે ભારતમાં મુસ્લિમ પર્સનલ લો મુજબ પતિએ છૂટાછેડા પછી માત્ર ઇદ્દત (તલાકથી 90 દિવસ સુધી જ)ના સમયગાળા માટે ભરણપોષણ આપવું જરૂરી છે.

    વર્ષો પછી, શાહ બાનોએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સુધારેલા ભરણપોષણની માંગ કરતી બીજી અરજી દાખલ કરી હતી. એપ્રિલ 1985માં, એક ઐતિહાસિક ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે શાહ બાનોની તરફેણમાં ચુકાદો આપ્યો અને હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું કે તે તેના પતિ દ્વારા ભરણપોષણ માટે ચૂકવણી મેળવવા માટે હકદાર છે.

    આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ભરણપોષણના અધિકારને સમર્થન આપ્યું હોવાથી, ચુકાદાએ મુસ્લિમ પર્સનલ લૉ સાથે જોડાયેલા કેસોમાં ન્યાયિક ઓવરરીચના દાવા અંગે રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. ઐતિહાસિક ચુકાદો, જેણે નિયમિત અદાલતોમાં લગ્ન અને છૂટાછેડાના મામલામાં સમાન અધિકારો માટે મુસ્લિમ મહિલાઓની લડતનો આધાર બનાવ્યો હતો, તે મુસ્લિમ સમુદાયમાં સારો આવકાર પામ્યો ન હતો.

    તૃષ્ટિકરણ કરતા કરતા મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયે પડ્યા રાજીવ ગાંધી

    આ બાદ મુસ્લિમ કટ્ટરપંથીઓ, મૌલવીઓએ 1984માં ચૂંટાયેલી રાજીવ ગાંધી સરકારને મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર રક્ષણ) 1986 પસાર કરવા દબાણ કર્યું હતું. આ કાયદાએ શાહ બાનો કેસ પર અપાયેલ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. 1986ના મુસ્લિમ મહિલા (છૂટાછેડાના અધિકારો પર રક્ષણ) અધિનિયમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરર્થક કર્યો અને છૂટાછેડા લીધેલી મહિલાને માત્ર ઇદ્દતના સમયગાળા દરમિયાન અથવા છૂટાછેડાના 90 દિવસ સુધી ભરણપોષણની મંજૂરી આપી હતી.

    1986માં મુસ્લિમ મહિલા અધિનિયમ, ધાર્મિક જૂથના અધિકારો સામે મહિલાઓના વ્યક્તિગત અધિકારોને દેખીતી રીતે કિનારે મૂકે છે. વધુમાં આ ધાર્મિક જૂથ તેમની સ્ટ્રીટ વીટો (રોડ પર ઉતરીને પરિસ્થિતિ પર કબજો વૃત્તિ) પાવર સાથે રાજીવ ગાંધીની આગેવાની હેઠળની નબળી, લઘુમતીઓને ખુશ કરતી સરકાર પર કાયદો લાગુ કરવામાં સક્ષમ હતા.

    રાજીવની ભૂલ સુધારી નરેન્દ્ર મોદીએ અપાવ્યો મુસ્લિમ મહિલાઓને ન્યાય

    સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજીવ ગાંધી સરકાર દ્વારા કરવામાં આવેલી આ ઐતિહાસિક ભૂલોને સુધારવામાં 33 વર્ષ લાગ્યાં.

    2019 માં, નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંસદમાં મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 પસાર કર્યો અને ટ્રિપલ તલાકને ગુનાહિત ઠેરવ્યો અને શાહ બાનોની જેમ જ કરોડો તરછોડાયેલ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો હતો.

    કોંગ્રેસ નેતાઓએ કહ્યું ‘મુસ્લિમોને ગટરમાં જ રહેવા દો’ – આરીફ ખાન

    તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી, જેમણે મુસ્લિમ સમુદાયનું તૃષ્ટિકરણ કરવાના પ્રયાસમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની લાઇન મોટી કરી હતી, આશ્ચર્યજનક રીતે તેમને આરીફ મોહમ્મદ ખાનના રૂપમાં તેમની સરકારની અંદરથી પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો.

    રાજીવ ગાંધી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન રહેલા આરિફ મોહમ્મદ ખાને સંસદમાં શાહ બાનો કેસ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉત્સાહપૂર્વક બચાવ કર્યો હતો. જો કે, મુસ્લિમ કટ્ટરપંથીઓએ રાજીવ ગાંધી પર દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે સરકારે શાહ બાનો કેસમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને બાયપાસ કરવા માટે કાયદો લાવવા માટે યુ-ટર્ન લીધો હતો.

    રાજીવ ગાંધીએ SCના નિર્ણયને ઉલટાવી લેવા માટે મૌલવીઓના દબાણમાં આવી જતા, નિરાશ આરીફ મોહમ્મદ ખાને રાજીવ ગાંધી કેબિનેટમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.

    હાલમાં જ કેરળના ગવર્નર તરીકે ફરજ બજાવતા આરીફ મોહમ્મદ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમના પર રાજીનામું પાછું ખેંચવા દબાણ કરવામાં આવ્યું હતું. ચાર વખત ભૂતપૂર્વ સાંસદ ખાને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ અર્જુન સિંહ અને નરસિમ્હા રાવે તેમનું રાજીનામું પાછું ખેંચી લેવા કહ્યું હતું.

    અહેવાલ મુજબ, પીવી નરસિમ્હા રાવે આરિફ મોહમ્મદ ખાનને કહ્યું હતું કે તેઓ નૈતિક રીતે રાજીનામું આપવા માટે એકદમ યોગ્ય છે પરંતુ રાજકીય રીતે જો તેઓ રાજીનામું પાછું નહીં લે તો પાર્ટી અને નેતૃત્વ માટે તે અસુવિધાજનક બનશે. ખાને એ પણ યાદ કર્યું હતું કે કેવી રીતે રાજીવ ગાંધી સરકારના મંત્રી પીવી નરસિમ્હા રાવે ટિપ્પણી કરી હતી કે મુસ્લિમોનું ઉત્થાન કરવું તે તેમની પાર્ટીની ફરજ નથી અને જો “તેઓ ગટરમાં સૂવા માંગતા હોય, તો તેમને રહેવા દો”.

    જાલોરના વિદ્યાર્થીના મોત પાછળ જાતિ જવાબદાર નહીં: બાળ અધિકાર કમિશને રિપોર્ટમાં દલિત એન્ગલ નકાર્યો, એક જ ટાંકીમાંથી સૌ પાણી પીતા હોવાનો ખુલાસો

    રાજસ્થાનમાં તાજેતરમાં ચર્ચામાં આવેલા દલિત વિદ્યાર્થીના મોત મામલે હવે સત્ય હકીકતો સામે આવવા માંડી છે. એક તરફ ઘટનાને જાતિવાદી એન્ગલ આપીને રાજકારણ રમવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે રાજસ્થાન બાળ અધિકાર કમિશને બાળકનાં મોત પાછળ જાતિનું કારણ જવાબદાર ન હોવાનો ખુલાસો કર્યો છે. 

    રાજસ્થાનના રાજ્ય બાળ અધિકાર કમિશને જાલોરના સુરાણા ગામની ખાનગી શાળાની મુલાકાત લીધી હતી. કમિશને તપાસ બાદ નોંધ્યું છે કે બાળકને મારવામાં જાતિનો મુદ્દો આધાર ન હતો. કમિશને શાળાના શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે આ મામલે વાતચીત કરી હતી, જે બાદ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યો હતો, જેને લઈને શિક્ષકે બંનેને માર માર્યો હતો. 

    અહીં નોંધવું જોઈએ કે આ શાળાના એક શક્ષકે ઇન્દ્રકુમાર મેઘવાલ નામના એક બાળકને તમાચો મારી દીધો હતો, જે બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઇ ગયું. આ મામલે જાતિવાદી એન્ગલ જોડવામાં આવી રહ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે દલિત વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પીવાના કારણે તેને માર મારવામાં આવ્યો હતો. 

    કમિશને પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે, મૃતક ઇન્દ્રનો મંગલરામ નામના એક સાથી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. મંગલરામને ટાંકીને કમિશને નોંધ્યું કે તે જ સમયે ત્યાંથી પસાર થતા છૈલસિંહે બંનેને ઝઘડતા જોયા તો તમાચો મારી દીધો હતો. બે તમાચા માર્યા બાદ ઇન્દ્ર વર્ગખંડમાં ઢળી પડ્યો હતો અને તેની આંખ અને કાનમાં ઇજા પહોંચી હતી. 

    કમિશને રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે એ જ શાળામા ઇન્દ્રનો 13 વર્ષીય ભાઈ નરેશ કુમાર પણ અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન દરમિયાન માટલામાંથી પાણી પીવાના કારણે તેના ભાઈને મારવામાં આવ્યો હતો. 

    કમિશને આ મામલે જે વાત કહી છે તે જ વાત શિક્ષણાધિકારી અને જિલ્લા તંત્ર દ્વારા પણ કહેવામાં આવી છે. કમિશન અનુસાર, શાળામાં પાણી પીવા માટે કોઈ માટલું જ ન હતું અને શિક્ષક અને વિદ્યાર્થીઓ તમામ પાણીની ટાંકીમાંથી જ પાણી પીતા હતા. 

    આ ઘટના બાદ રાજકારણ પણ ખૂબ રમવામાં આવ્યું અને ભીમ આર્મી જેવી પાર્ટીઓ-સંગઠનોએ લોકોને ઉશ્કેરવાનું પણ કામ કર્યું હતું. બીજી તરફ, રાજ્યમાં કેટલાંક સંગઠનો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે અને મૃતક વિદ્યાર્થીના પરિજનોને 50 લાખના વળતર અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એક કરોડના વળતરની માંગ કરી છે. 

    બીજી તરફ, મૃતક વિદ્યાર્થીને મારનાર શિક્ષક છૈલસિંહ પર SC/ST એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. મૃતકના પિતા દેવારામ મેઘવાલે દાવો કર્યો હતો કે, 20 જુલાઈએ ઇન્દ્રે હેડમાસ્ટર છૈલસિંહના માટલામાંથી પાણી પી લીધું હતું, જે બાદ તેને ગાળો દઈને માર મારવામાં આવ્યો અને તેનું બ્રેન હેમરેજ થઇ ગયું અને જે બાદ હોસ્પિટલમાં તે મૃત્યુ પામ્યો હતો. 

    આ ઘટના મામલે શાળાના શિક્ષકે પણ શાળામાં પાણીનું માટલું હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ છેલ્લા 7 થી 8 વર્ષથી શાળામાં ફરજ બજાવે છે પરંતુ ક્યારેય ભેદભાવ હોવાનું જાણ્યું નથી તેમજ નાના બાળકો પણ કહે છે કે શાળામાં કોઈ માટલું છે જ નહીં અને તમામ ટાંકીમાંથી જ પાણી પીવે છે.

    બાળકની જાતિના જ એક શિક્ષકે કહ્યું કે, એવી વાતો ચાલી રહી છે કે વિદ્યાર્થીને પાણી પીવાના કારણે માર્યો હતો પરંતુ હકીકત એ છે કે શાળામાં ભેદભાવ જેવું કશું છે જ નહીં. આખી શાળામાં એક જ ટાંકી છે અને બધા તેમાંથી જ પાણી પીવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શાળામાં મોટાભાગના શિક્ષકે SC-ST છે, જેથી ભેદભાવનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.

    તાપસીની ફિલ્મ ‘દોબારા’ ફ્લોપ: બોલીવુડને પડ્યાં પર પાટું, ઉપરા-ઉપરી ફિલ્મો ફ્લોપ જવા છતાં હિરોઈનો હોશિયારીમાંથી હાથ નથી કાઢતી

    બોલીવુડને પડ્યાં પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, તાજેતરમાં રીલીઝ થિયેલી ફિલ્મો બોયકોટના કારણે ધડાધડ ફ્લોપ ગઈ છે, જેમાં લાલ સિંહ ચઢ્ઢા, રક્ષાબંધન જેવી મોટા બજેટની ફોલ્મો છે, હવે એમાં વધુ એક નામ ઉમેરવા જઈ રહ્યું છે. આ ફિલ્મ છે અનુરાગ કશ્યપે તાપસી પન્નું સાથે બનાવેલી “દોબારા”

    ‘દોબારા’ની રિલીઝ પહેલા તાપસી પન્નુએ બૉયકોટ બૉલીવુડ વિશે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેની ફિલ્મનો પણ બહિષ્કાર કરવો જોઈએ અને લોકોને તેની ફિલ્મનો બહિષ્કાર કરવા કહ્યું હતું. જેના પર નોટીઝન્સે તેની ઈચ્છા પૂરી કરવાની વાત કરી હતી.

    પોતાના નિવેદન બાદ તાપસી પન્નુંની ફિલ્મ “દોબારા”ને દર્શકોએ પહેલાજ દીવસે ઉંધે કાંધ નાખી હતી. મીડિયા અહેવાલ મુજબ પ્રથમ દિવસે બપોર સુધીના માત્ર 7 થી 8 % સીટો ભરેલી જોવા મળી હતી. જેના ઉપરથી અનુમાન લગાવી શકાય કે પહેલા દિવસે ફિલ્મે માંડ 35 થી 40 લાખનું કલેક્શન કરી શકી હશે.

    થીયેટરોમાં માત્ર 2-3% ઓક્યુપન્સીના કારણે ઘણા થિયેટરોએ “દોબારા”ના અનેક શો પણ રદ કર્યા છે. આવી સ્થિતિમાં માત્ર 275થી 300 સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ફિલ્મને લઈને બહુ આશા બાકી નથી.

    જાતે કુહાડા પર પગ માર્યો

    દોબારાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તાપસી પન્નુએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર હિન્દી ફિલ્મોના બહિષ્કારની માંગ એક મજાક સિવાય કંઈ નથી, આ બધું દર્શકોને નબળા પાડે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, “જો આવું કંઈક (કોલ્સ અને ટ્રોલિંગનો બહિષ્કાર) દરરોજ થાય તો લોકો તેનાથી પરેશાન થવાનું બંધ કરી દે છે, અને તે બધું એક “ફાલતું” વસ્તુ લાગવા લાગે છે. મારી એક ફિલ્મમાં આને લગતો એક સંવાદ છે. હું ઇન્ડસ્ટ્રી. બીજાઓ વિશે વાત ન કરી શકું, પરંતુ બોયકોટ મારા અને અનુરાગ માટે મજાક બની ગયું છે.”

    ફિલ્મ રીલીઝ થયાનાં પહેલા અનુરાગ કશ્યપ અને તપસી પન્નુંને એક ઈન્ટરવ્યું દરમિયાન આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષય કુમારની ‘રક્ષા બંધન’ સામે ચાલી રહેલા બહિષ્કારના વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, “હું પોતે ઈચ્છું છું ‘હેશટેગ બોયકોટ કશ્યપ’ ટ્વિટર પર ટ્રેન્ડ ટ્રેન્ડ કરે. તે જ સમયે તાપસી પન્નુએ પણ આવો જ ઉડાઉ જવાબ આપ્યો હતો. તાપસીએ કહ્યું હતું કે, ‘કૃપા કરીને બધા અમારી ફિલ્મ ‘દોબારા’નો બહિષ્કાર કરો. જો આમિર ખાન અને અક્ષય કુમાર જેવા કલાકારોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો હોય, તો હું પણ આ લીસ્ટમાં સામેલ થવા માંગુ છું.

    અનુરાગે તાપસી સાથે બનાવેલી ફિલ્મ “દોબારા” પ્રથમ દિવસે જ નિષ્ફળ જવા પાછળ તેમના આ નિવેદનોને જવાબદાર માની શકાય, કહી શકાય કે તે બન્ને એ દર્શકો અને નોટીઝન્સને છંછેડીને પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો. અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો.

    સુચિત્રા ચૌધરીને બનાવી મહેક પરવીન: ‘લવ જેહાદ’માં ફસાયેલી નેપાળની મહિલાને બચાવાઈ, ભારતમાં લાવીને કરાયું હતું ધર્માંતરણ

    નેપાળના રૂપાંદેહી જિલ્લાની રહેવાસી સુચિત્રા ચૌધરી અંસાર અલી નામના એક મુસ્લિમના પ્રેમમાં પડી હતી. આ પ્રેમસંબંધ બે વર્ષ સુધી ચાલ્યા અને પછી બંનેએ નેપાળથી ભાગી જવાનું નક્કી કર્યું. નોંધનીય છે કે નેપાળી મહિલા સુચિત્રા ચૌધરીને એક બાળક પણ હતું અને તે પહેલાથી પરણિત હતી.

    નેપાળથી ભાગીને તે અંસાર અલી સાથે મોતિહારી આવી હતી જ્યાં બંનેએ નિકાહ કર્યાં હતા. નિકાહ બાદ સુચિત્રા ચૌધરીને બળજબરીથી ઈસ્લામ અંગીકાર કરવામાં આવ્યો હતો અને તે મહેક પરવીન બની હતી. આ રીતે એક નેપાળી યુવતીને લવ જેહાદમાં ફસાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.

    અહેવાલો મુજબ તે નેપાળી મહિલા સુચિત્રા ચૌધરીને ગૌમાંસ ખાવા માટે મજબૂર કરાઈ હતી પરંતુ તેણે તે આરોગ્યું ન હતું. તેના બાળકને તેનાથી અલગ કરી દેવામાં આવ્યું હતું અને તેને અંસારના સંબંધીઓ પાસે મુકવામાં આવ્યો હતો.

    17 ઓગસ્ટના રોજ, મિશન મુક્તિ ફાઉન્ડેશન, એક બિન-લાભકારી સંસ્થા જેણે ઘણી સગીરો સહિત અસંખ્ય મહિલાઓને બચાવી છે, સીમા સુરક્ષા બાલ અને પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી તેણીને અન્સાર અલીની ચુંગાલમાંથી છોડાવવામાં સફળ રહી હતી. સુચિત્રા તેના પરિવાર અને પુત્ર સાથે ફરી મળી હતી.

    “હું મારા પિતા અને પતિ સાથે ઘરે જવા માંગુ છું. હું કોઈના દબાણ વિના જઈ રહી છું,” તેણે કહ્યું હતું.
    રૂપંદેહીના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કુનાવરે 13 ઓગસ્ટના રોજ દિલ્હીમાં મિશન મુક્તિ ફાઉન્ડેશનના ડિરેક્ટર વીરેન્દ્ર કુમાર સિંહને એક પત્ર લખ્યો હતો, જેમાં સુચિત્રાને પુનઃપ્રાપ્ત કરવામાં મદદની વિનંતી કરવામાં આવી હતી કારણ કે તેમને તપાસમાં જાણવા મળ્યું હતું કે તે મોતીહારીમાં છે.

    બેતિયામાં સીમા સુરક્ષા બળ (SSB) ના માનવ તસ્કરી વિરોધી એકમ (AHTU) ના વરિષ્ઠ અધિકારી મનોજ કુમાર શર્માએ ફર્સ્ટપોસ્ટને વિશેષ રૂપે જણાવ્યું હતું કે સુચિત્રાએ હકીકતમાં નિકાહ પછી પરિવારના સભ્યો, તેના પિતા અને પતિને અલી અને તેના તરફથી મળતા ત્રાસદાયક વર્તન વિશે મેસેજ કર્યો હતો.

    “મહિલાએ ગુપ્ત રીતે તેના પિતાને કોઈ બીજાના ફોનથી એક ટેક્સ્ટ સંદેશ લખ્યો હતો જે પાછળથી પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર ગામમાં ચોપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેનું વર્તમાન સ્થાન શોધવા માટે જ ટ્રેસ કરવામાં આવ્યું હતું,” તેમણે કહ્યું.

    દરમિયાન સિંઘે ફર્સ્ટપોસ્ટને જણાવ્યું કે તેમની ટીમને SSB અને પશ્ચિમ બંગાળ પોલીસ બંને તરફથી જબરજસ્ત ટેકો મળ્યો કારણ કે તેઓએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. “જ્યારે અમે મહિલાને શોધી કાઢી, ત્યારે તે તરત જ રડી પડી, પ્રથમ વસ્તુ તેણે અમને કહ્યું કે તેઓ તેના બાળકને બીજે ક્યાંક બંધ રાખ્યો છે અને તેઓએ જાણી જોઈને તેને ગૌમાંસ ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેણે તેમ ન કર્યું,” તેણે ઉમેર્યું હતું કે તેના પુત્રને શોધવામાં વધુ 10 મિનિટ લાગી, જેને અલીના એક સંબંધીના ઘરે રાખવામાં આવ્યો હતો.

    ચીન સાથેના તણાવ વચ્ચે તાઈવાને ઈન્ટરપોલમાં એન્ટ્રી માંગી: ભારત પાસેથી સમર્થન માંગ્યું, ચીને કર્યો હતો વિરોધ

    છેલ્લા ઘણા સમયથી તાઈવાન ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)માં જોડાવા માંગે છે. આ માટે તે ભારતની મદદ માંગી રહ્યો છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે તાઈવાને ભારત પાસે મદદની અપીલ કરી છે.

    ખાસ વાત એ છે કે અમેરિકી રાજનેતાની તાઈવાન મુલાકાત બાદ ચીન પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. અહેવાલ છે કે તાઈવાનની આસપાસ ચીનની મોટા પાયે સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે.

    ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા, ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના કમિશનરે કહ્યું, “તાઈવાન ઈન્ટરપોલનું સભ્ય નથી. અમે અમારા પ્રતિનિધિમંડળને સામાન્ય સભામાં મોકલી શકતા નથી. ભારત યજમાન દેશ છે, જે અમને આમંત્રિત કરવાની શક્તિ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે ભારત અને અન્ય દેશો તાઈવાનને નિરીક્ષક તરીકે આમંત્રિત કરે.” ખાસ વાત એ છે કે 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી ભારતમાં ઓક્ટોબરમાં યોજાશે. જે માટે તાઈવાને ભારત પાસે મદદની આશા રાખી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વધતા દબદબા સાથે, ચીન પર પોતાના ફાયદા માટે ઇન્ટરપોલનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અહેવાલ છે કે તે આર્થિક શક્તિનો ઉપયોગ કરીને 2016થી ઇન્ટરપોલ પર પોતાનો પ્રભાવ બતાવી રહ્યો છે.

    યુએસ તાઇવાન સાથે કરશે વેપાર માટે વાટાઘાટો

    અમેરિકન સરકારે ગુરુવારે (18 ઓગસ્ટ) તાઇવાન સાથે વેપાર વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેને ટાપુ રાષ્ટ્ર માટે સમર્થનના સંકેત તરીકે જોવામાં આવે છે.

    ચીને તાઈવાનનો દાવો કર્યો છે અને ચેતવણી આપી છે કે જો જરૂરી હોય તો તે “તેના સાર્વભૌમત્વનું રક્ષણ” કરવા પગલાં લેશે. તાઈવાનને ડરાવવા માટે બેઈજિંગે સમુદ્રમાં મિસાઈલ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

    લિથુઆનિયાએ તાઇવાનમાં તેના પ્રથમ રાજદૂતની કરી નિમણૂક

    એક નાનકડા યુરોપીયન દેશ લિથુઆનિયાએ ગુરુવારે ‘વન ચાઇના’ નીતિને પડકારતા તાઇવાનમાં તેના પ્રથમ પ્રતિનિધિની નિમણૂક કરી. ચીન તાઈવાનના સ્વ-શાસિત ટાપુ પર પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરી રહ્યું છે.

    ચીન તાઈવાનને તેની મુખ્ય ભૂમિનો ભાગ માને છે અને તાઈવાન સાથે કોઈપણ ખુલ્લા રાજદ્વારી સંબંધોનો વિરોધ કરે છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અખબાર અનુસાર, તાઈવાને કહ્યું છે કે તે તાઈપેઈમાં નવા નિયુક્ત લિથુનિયન રાજદૂત સાથે સહયોગથી કામ કરશે.

    જુમ્માની નમાઝ અદા કરી રહ્યો હતો આતંકવાદી, અચાનક ઢળી પડ્યા બાદ મોત: પાકિસ્તાન સરહદેથી વિસ્ફોટકોની હેરફેરમાં હતો સામેલ

    જમ્મુ સ્થિત એક જેલમાં શુક્રવારે (19 ઓગસ્ટ 2022) નમાઝ અદા કરતાં-કરતાં એક આતંકવાદીનું મોત થઇ ગયું હતું. આ આતંકવાદી પાકિસ્તાન બોર્ડર પાસે વિદેશથી આવતા વિસ્ફોટકો અને હથિયારો એકઠાં કરવામાં અને તેની હેરફેર કરવામાં સામેલ હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ગત 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોનથી વિસ્ફોટકોનો મારો કરવામાં આવ્યો હતો. આ મામલે સામેલ મોડ્યુલની તપાસ કરતી એજન્સી એનઆઈએએ આ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે બાદ તેને જેલમાં નાંખવામાં આવ્યો હતો. તેને ગત 10 ઓગસ્ટના રોજ જ કોટ ભલવાલ જેલ લાવવામાં આવ્યો હતો. જ્યાં શુક્રવારે નમાઝ અદા કરતી વખતે આતંકવાદીનું મોત થઇ ગયું હતું.

    મૃતક કઠુઆ જિલ્લાના રામપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે તેમજ તેની ઉંમર 36 વર્ષ હોવાનું કહેવાયું છે. તેનું નામ મુનિ મોહમ્મદ છે. તે શુક્રવારે નમાઝ પઢી રહ્યો હતો તે દરમિયાન જ હાર્ટ અટેક આવ્યો હતો અને તે મૃત્યુ પામ્યો હતો.

    જેલના અધિકારીએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર, કાચા કામનો કેદી મુનિ મોહમ્મદ અન્ય કેદીઓ સાથે નમાઝ અદા કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેને ફરજ પર હાજર તબીબોએ મૃત ઘોષિત કરી દીધો હતો. 

    આ સંદિગ્ધ આતંકવાદી સામે આઇપીસીની ધારા 121, 121A, 122, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ સબંધિત અધિનિયમની ધારા 16 અને ધારા 18 હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. તેની સામે કઠુઆના રાજબાગ પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ એનઆઈએએ 30 જુલાઈએ ફરી એક કેસ દાખલ કર્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરહદે આવેલ જમ્મુના વિસ્તારોમાં ડ્રોન થકી હથિયારો અને વિસ્ફોટકો મોકલવાના ઘણા કેસ સામે આવ્યા છે. જે બાદ એજન્સીઓ પણ સતર્ક બની છે અને વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. આ મામલે એનઆઈએએ ગુરુવારે (18 ઓગસ્ટ 2022) જમ્મુ, શ્રીનગર, કઠુઆ, સાંબા અને ડોડા સહિત આઠ સ્થળોએ તપાસ કરી હતી. 

    આ મામલે NIA પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટીઆરએફના આતંકવાદી પાકિસ્તાની આકાઓના ઈશારે કામ કરી રહ્યા છે.એજન્સીએ એ કહ્યું કે ગુરુવારે કરવામાં આવેલ તપાસમાં વિવિધ વાંધાજનક સામગ્રી, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો મળી આવ્યા હતા. સાથે તેમણે જણાવ્યું હતું કે, આ મામલો પહેલા 29 મેનારોજ કઠુઆના રાજબાગ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો, જ્યારે એજન્સી એનઆઈએએ 30 જુલાઈના રોજ અન્ય એક કેસ દાખલ કર્યો હતો. 

    ‘શાળામાં છોકરા-છોકરીઓ એકસાથે બેસી શકે નહીં’: કેરળ સરકારની ‘જેન્ડર ન્યૂટ્રલ પોલિસી’નો મુસ્લિમ લીગ દ્વારા વિરોધ, ગણાવી ખતરનાક

    કેરળમાં શાળાઓમાં છોકરા-છોકરીઓને સાથે બેસાડવા સબંધિત પ્રસ્તાવને લઈને વિવાદ શરૂ થઇ ગયો છે. મુસ્લિમ લીગ મહાસચિવ પીએમએ સલામે શાળામાં છોકરીઓ અને છોકરાઓને સાથે બેસાડવા સબંધિત પ્રસ્તાવને ખતરનાક ગણાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ તેમણે સરકાર પાસે આ ‘જેન્ડર ન્યૂટ્રલ પોલિસી’ મામલેનો આ પ્રસ્તાવ પરત ખેંચવાની પણ માંગ કરી છે. 

    મુસ્લિમ લીગના નેતાએ કહ્યું, “સરકાર વિદ્યાર્થીઓ પર લિંગ સમાનતા થોપવાના પ્રયત્નો કરી રહી છે. લૈંગિક સમાનતા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરશે. અમે સરકારને અપીલ કરીશું કે તેઓ તેને પરત ખેંચી લે. 

    તેમણે એમ પણ પ્રશ્ન કર્યો હતો કે છોકરા-છોકરીઓને વર્ગમાં એકસાથે બેસાડવાની શું જરૂર છે? શા માટે તેમને મજબુર કરવામાં આવી રહ્યા છે કે એવા પ્રસંગો પેદા કરવામાં આવી રહ્યા છે? આ મુદ્દો માત્ર સમસ્યા સર્જશે. તેમણે દાવો કર્યો હતો કે સાથે બેસાડવાથી બાળકો અભ્યાસ પરથી વિચલિત થશે. 

    કેરળમાં મુસ્લિમ લીગ સહિતનાં સંગઠનોએ કેરળની રાજ્ય સરકાર સમક્ષ શિક્ષણ સંસ્થાઓમાં ‘જેન્ડર ન્યૂટ્રલ પોલિસી’ સબંધિત પ્રસ્તાવને પરત ખેંચવાની માંગ કરી હતી. આ પહેલાં સોમવારે કેરળના કોઝીકોડમાં મુસ્લિમ સંગઠનોની એક બેઠક બાદ સૈયદ રશીદ અલી શિહાબે પત્રકારોને કહ્યું હતું કે, આ અત્યંત વાંધાજનક છે. સરકાર શિક્ષણ સંસ્થાઓમાં પોતાની વિચારધારા લાગુ કરવાના પ્રયત્નો કરી રહી છે. 

    કેરળમાં મુસ્લિમ સંગઠનો કાયમ સરકાર પર શૈક્ષણિક સંસ્થાઓમાં લૈંગિક સમાનતા ‘થોપવાનો’ આક્ષેપ લગાવતા રહ્યા છે અને સરકારને તેનાથી દૂર રહેવાનું કહેતા આવ્યા છે. સંગઠનોએ રાજ્યની ડાબેરી સરકાર પર શૈક્ષણિક સંસ્થાઓમાં તેની ઉદારવાદી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. 

    વર્ષ 2020માં કેરળના કોઝીકોડની એક હાઇસ્કુલમાં પહેલીવાર સમાન યુનિફોર્મ લાગુ કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ માટે આખી બાંયનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારથી જ રાજ્યમાં મુસ્લિમ સંગઠનો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે અને વિજયન સરકાર પર શાળાના વિદ્યાર્થીઓ પર મોર્ડન ડ્રેસકોડ થોપવાનો આક્ષેપ કરતા રહ્યા છે. 

    ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોઝિકોડમાં એક મુસ્લિમ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સમાન યુનિફોર્મ લાગુ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. 

    મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે કેરળના શિક્ષણમંત્રી વી શિવનકુટ્ટીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો જેન્ડર ન્યૂટ્રલ યુનિફોર્મ લાવવાનો કોઈ વિચાર નથી. તેમણે કહ્યું હતું કે, કેટલીક શાળાઓએ આવા યુનિફોર્મ લાગુ કર્યા છે. શાળા અને સમાજમાંથી પણ તેને આવકાર મળ્યો છે. પરંતુ સરકારની આવી કોઈ યોજના નથી. સરકાર યુનિફોર્મ જેવી બાબતો થોપવા માંગતી નથી. આ બાબત શાળાઓ અને સંચાલક સંસ્થાઓ પર આધાર રાખે છે.