Monday, September 9, 2024
More
    હોમપેજમંતવ્યમિશન મંગળની મજાક, કાશ્મીર-રામમંદિર મુદ્દે દુષ્પ્રચાર: વર્ષોથી ભારતવિરોધી અને હિંદુવિરોધી અપપ્રચારનું હથિયાર...

    મિશન મંગળની મજાક, કાશ્મીર-રામમંદિર મુદ્દે દુષ્પ્રચાર: વર્ષોથી ભારતવિરોધી અને હિંદુવિરોધી અપપ્રચારનું હથિયાર રહ્યું છે ન્યૂયોર્ક ટાઈમ્સ, જેના કેજરીવાલ કરી રહ્યા છે ગુણગાન

    જેનું કટિંગ લઈને કેજરીવાલ મનિષ સિસોદિયાની પ્રશંસા કરી રહ્યા છે તે અખબાર 'ન્યૂયોર્ક ટાઈમ્સ' ભૂતકાળમાં અનેક વખત ભારતવિરોધી પ્રોપેગેન્ડામાં સામેલ રહ્યું છે.

    - Advertisement -

    શુક્રવારે (19 ઓગસ્ટ 2022) એક તરફ જ્યાં અરવિંદ કેજરીવાલના નજીકના સાથીદાર અને દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સિસોદિયાને દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી ગણાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. કેજરીવાલ એક પ્રેસ કોન્ફરન્સ કરીને અમેરિકી અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ પણ વચ્ચે લઇ આવ્યા હતા અને તેમાં છપાયેલા એક લેખને લઈને માહોલ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. 

    બન્યું એવું કે ગત 18 ઓગસ્ટના રોજ અમેરિકાના બહુ જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં પહેલા પાને એક લેખ છપાયો હતો. લેખમાં દિલ્હીના ‘શિક્ષણ મોડેલ’ની પ્રશંસા કરવામાં આવી હતી અને સાથે મનિષ સિસોદિયાની અને શાળાના બાળકોની તસ્વીર પણ છપાઈ છે. જોકે, આ વિશે ભાજપે તો એવો દાવો પણ કર્યો છે કે તસ્વીરમાં જે વિદ્યાર્થીઓ દેખાય છે તે સરકારી નહીં પરંતુ ખાનગી શાળાના છે. ઉપરાંત, ન્યૂયોર્ક ટાઈમ્સ જ નહીં પરંતુ અન્ય એક અખબાર ખલીજ ટાઈમ્સમાં પણ આ જ લેખ છપાયો હતો. જેને લઈને પણ પ્રશ્નો સર્જાયા છે. 

    આ કટિંગ બતાવીને અરવિંદ કેજરીવાલ અમેરિકાને દુનિયાનો સૌથી અમીર દેશ ગણાવતા કહે છે કે, તેના સૌથી મોટા અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાને દિલ્હીના શિક્ષણ મોડેલની પ્રશંસા કરવામાં આવી છે. તેમણે લગભગ ત્રણેક વખત અમેરિકાને સૌથી શક્તિશાળી દેશ અને ન્યૂયોર્ક ટાઈમ્સને અમેરિકાનું સૌથી મોટું અખબાર ગણાવીને કહ્યું હતું કે, ન્યૂયોર્ક ટાઈમ્સમાં સમાચાર છપાવવા ઘણું મુશ્કેલ કામ છે! સાથે તેમણે આ બદલ ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે વર્ષો પછી ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાને ભારત વિશે સકારાત્મક સમાચાર છપાયા છે. 

    - Advertisement -

    કેજરીવાલ આ કટિંગમાં મનિષ સિસોદિયાની તસ્વીર બતાવીને કહે છે કે તેમને દુનિયાના સૌથી શ્રેષ્ઠ શિક્ષણમંત્રી ઘોષિત કરવામાં આવ્યા છે. અહીં મૂળ વાત એ છે કે મનિષ સિસોદિયા સામે આરોપો ભ્રષ્ટાચારના લાગ્યા છે. સમગ્ર મામલો એક્સાઈઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારનો છે, જેને શિક્ષણ સાથે જોજનો સુધી કાંઈ લાગતું-વળગતું નથી. કેજરીવાલ (કે તેમની પાર્ટી) સિસોદિયા સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના જવાબ આપવાને બદલે આવાં અખબારોના લેખો બતાવીને શું સાબિત કરવા માંગે છે એ પણ એક પ્રશ્ન છે.

    હવે કેજરીવાલ ન્યૂયોર્ક ટાઈમ્સને વચ્ચે લઇ જ આવ્યા છે તો એ જાણવું પણ જરૂરી બને છે કે કઈ રીતે કેજરીવાલનું અતિપ્રિય બની ગયેલું આ અખબાર વર્ષોથી ભારતવિરોધી, હિંદુવિરોધી અને મોદીવિરોધી દુષ્પ્રચારનું એક મોટું હથિયાર રહ્યું છે અને જેને ડાબેરીઓ, ભારતવિરોધીઓ હંમેશા ભારત વિરુદ્ધ વાપરતા આવ્યા છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં ન્યૂયોર્ક ટાઇમ્સે ભારતની, ભારતની અસ્મિતાની મજાક ઉડાવી છે, વડાપ્રધાનને ટાર્ગેટ કર્યા છે, હિંદુઓને ખરાબ ચીતર્યા છે અને કાશ્મીર મુદ્દે પણ હંમેશા ભારતવિરોધી જ વલણ દાખવ્યું છે. 

    ‘મિશન મંગળ’ સફળ થયા બાદ ન્યૂયોર્ક ટાઇમ્સે ઉડાવી હતી ભારતની મજાક 

    વર્ષ 2014ની વાત છે, જ્યારે ‘મિશન મંગળ’ હેઠળ ભારત પહેલા જ પ્રયાસે મંગળ પર પહોંચનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો હતો. ભારત માટે આ ઉપ્લબધિ અનેક રીતે મહત્વની અને ઐતિહાસિક હતી. આપણી સંસ્થા ઈસરો નાસા, રશિયાની RFSA અને યુરોપિયન સ્પેસ એજન્સી બાદ મંગળ પર પહોંચનારી ચોથી સ્પેસ એજન્સી બની હતી. 450 કરોડના ખર્ચે લૉન્ચ કરેલું ઓપરેશન ભારતે પહેલા જ પ્રયાસે સફળતાપૂર્વક પર પાડ્યું અને ચીન અને જાપાન જેવા દેશોને પણ પાછળ છોડી દીધા હતા, કારણ કે આ બંને દેશો પહેલા પ્રયાસે મંગળ સુધી પહોંચવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. 

    ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલું કાર્ટૂન (તસ્વીર: OpIndia)

    પણ ભારતની આ ઉપલબ્ધિ ન્યૂયોર્ક ટાઈમ્સને પસંદ ન આવી અને અખબારમાં એક કાર્ટૂન છપાયું હતું. પોતાની ભારતવિરોધી માનસિકતા પ્રદર્શિત કરતાં ન્યૂયોર્ક ટાઇમ્સે કાર્ટૂનમાં કટાક્ષ કરતાં એક પાઘડી પહેરેલા ભારતીય વ્યક્તિને ‘એલીટ સ્પેસ ક્લબ’નો દરવાજો ખખડાવતો દેખાડ્યો હતો. દરવાજાની પેલી તરફ કેટલાક કોટ પહેરેલા લોકો જોવા મળે છે અને જેમાંથી એક વ્યક્તિ અખબાર વાંચી રહ્યો છે, જેમાં ‘ભારતનું મિશન મંગલ’ મુખ્ય હેડલાઈન હતી. રૂમમાં બેઠેલા લોકો બહાર દરવાજો ખખડાવતા વ્યક્તિથી ખુશ ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

    આ કાર્ટૂનની ભારતના મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ટીકા થઇ હતી. ભારતમાંથી અનેક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ અખબારે આ કાર્ટૂન માટે માફી માંગવાની ફરજ પડી હતી. જોકે, અખબારે પછી પણ ભારતવિરોધી કામો ચાલુ જ રાખ્યાં હતાં. 

    કાશ્મીરને ગણાવ્યું હતું ‘જીવતું-જાગતું નર્ક’

    2019માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સતત બીજી વખત એનડીએની સરકાર બની અને તેના ત્રણ જ મહિનામાં સરકારે કાશ્મીરને વર્ષોથી સમસ્યા કલમ 370માંથી મુક્ત કર્યું ત્યારે પણ ન્યૂયોર્ક ટાઈમ્સને પેટમાં દુખ્યું હતું. પાંચ ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 હટાવવાની જાહેરાત કરી ત્યાં બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેખ લખાવા માંડ્યો હતો. તે પ્રકાશિત થયો ત્યારે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભારતની હિંદુવાદી સરકારે એકપક્ષીય નિર્ણય લઈને કાશ્મીરીઓના અવાજને દબાવી દીધો છે અને અનેક કાશ્મીરી નેતાઓને હિરાસતમાં લઇ લીધા છે.’ આ ઉપરાંત, ન્યૂયોર્ક ટાઈમ્સના લેખમાં એમ પણ લખવામાં આવ્યું કે, ‘બહુમતી કાશ્મીરીઓ ભારત સાથે જોડાવા માંગતા નથી.’ 

    તસ્વીર સાભાર: ન્યૂયોર્ક ટાઈમ્સ

    કાશ્મીરમાંથી 370 હટાવાયાના પાંચ દિવસ પછી, એટલે કે 10 ઓગસ્ટ 2019ના દિવસે ન્યૂયોર્ક ટાઈમ્સમાં અન્ય એક લેખ છપાયો હતો. જેના શીર્ષકનો ભાવ એ હતો કે કાશ્મીર દુનિયાથી વિખૂટું પડી ગયું છે અને એક ‘જીવતું-જાગતું નર્ક’ બની ગયું છે. જેમાં પણ ફરી એક વખત નરેન્દ્ર મોદીને ‘હિંદુ રાષ્ટ્રવાદી’ વડાપ્રધાન ગણાવીને લખવામાં આવ્યું કે, તેમણે કાશ્મીરના મુસ્લિમોની સ્વાયત્તતા છીનવી લીધી અને તેમના નિર્ણયના કારણે કાશ્મીરની હાલત કફોડી બની છે

    ‘કાશ્મીર ફાઇલ્સ’ને ગણાવી હતી ‘પ્રોપેગેન્ડા ફિલ્મ’ 

    તાજેતરમાં જ આવેલી કાશ્મીરી હિંદુઓની પીડા અને ઇસ્લામિક આતંકવાદને બયાં કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે પણ ન્યૂયોર્ક ટાઈમ્સ લખી ચૂક્યું છે. જેમાં પણ કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા અત્યાચારને વ્હાઇટવૉશ કરવાનો અને ફિલ્મને ‘ભાગલા પાડનારી’ ગણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

    લેખમાં જેમાં કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા નરસંહારને ‘પલાયન’ ગણાવીને કહેવામાં આવ્યું છે કે ‘એક તરફ જ્યાં ભારતમાં લઘુમતી મુસ્લિમો સામે હિંસા વધી રહી છે, ત્યાં બીજી તરફ ભાજપ આવી ફિલ્મોનો ઉપયોગ નરેટિવ ઘડવા માટે કરે છે.’ લેખમાં ભારતના વિપક્ષી નેતાઓ અને ડાબેરી બુદ્ધિજીવીઓના ખભે બંદૂક ફોડીને ફિલ્મને ‘પ્રોપેગેન્ડા’ અને ‘ભાગલાવાદી’ ગણાવવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મને હિંદુઓ સાથે થયેલા અત્યાચારને સનસનીખેજ બનાવવાનો પ્રયત્ન કરનારી ગણાવવામાં આવી હતી. 

    રામમંદિર મુદ્દે પણ ફેલાવ્યો હતો દુષ્પ્રચાર 

    વર્ષ 2020માં જ્યારે અયોધ્યામાં રામમંદિરનો પાયો નાંખવામાં આવ્યો ત્યારે પણ ન્યૂયોર્ક ટાઇમ્સે એક લેખમાં નરેન્દ્ર મોદીને મંદિરનું ભૂમિપૂજન કરવા બદલ ટાર્ગેટ કર્યા હતા. જેમાં ન માત્ર અયોધ્યા વિવાદને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો પરંતુ પીએમ મોદીનું પણ નકારાત્મક ચિત્રણ કર્યું હતું અને કહ્યું હતું કે, ભૂમિપૂજનમાં તેમની હાજરી તેમના હિંદુ રાષ્ટ્રવાદ તરફના ઢોળાવનો સ્પષ્ટ સંકેત હતો અને એ આરોપ પણ લગાવવામાં આવ્યો કે મોદી મસ્જિદ તોડીને મંદિર બનાવી રહ્યા છે. 

    પીએમ મોદીને ટાર્ગેટ કરવામાં આ અખબારનો જૂનો ઇતિહાસ રહ્યો છે. 2019માં નરેન્દ્ર મોદી જંગી બહુમતી સાથે જીતીને ફરી સત્તા પર આવ્યા ત્યારે પણ ન્યૂયોર્ક ટાઇમ્સના પત્રકારોને બહુ પીડા થઇ હતી અને એ પીડા લેખમાં પણ દેખાઈ, જેમાં લખવામાં આવ્યું હતું કે મોદી ફેક ન્યૂઝ અને હિંસાના આધારે જીત્યા છે. જ્યારે હકીકત એ હતી કે એક પારદર્શક પ્રક્રિયા હેઠળ યોજાયેલી ચૂંટણીમાં ભાગ લઇ, 543 બેઠકો પર પોતાના સાંસદો ઉતારીને, બહુમતી બેઠકો જીતીને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી બીજી વખત સત્તા પર આવી હતી. 

    દિલ્હીના હિંદુવિરોધી તોફાનો માટે પણ મોદીને જવાબદાર ગણાવ્યા હતા 

    આ ઉપરાંત, 2020માં ફેબ્રુઆરીમાં થયેલા હિંદુ વિરોધી તોફાનો માટે પણ ન્યોયૉર્ક ટાઇમ્સે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મોદીના નિર્ણયો અને નીતિના કારણે હિન્દૂ રાષ્ટ્રવાદીઓને પ્રોત્સાહન મળ્યું અને ત્યારબાદ તોફાનો થયાં હતાં. ઉપરાંત, સીએએ એક્ટ સમયે પણ મોદી હિંદુવાદનો એજન્ડા આગળ વધારી રહ્યા હોવાના આરોપ સાથે ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેખ છાપવામાં આવ્યો હતો. જેમાં એક્ટ વિશે પણ ભ્રામક દાવા કરવામાં આવ્યા હતા.

    કોરોનામાં પણ આંકડાઓ સાથે છેડછાડ કરી હતી 

    તાજું ઉદાહરણ કોરોના મહામારી દરમિયાનનું છે. જયારે અખબારે દાવો કર્યો હતો કે, ભારતમાં કોરોનથી મૃત્યુના જે આંકડા છે તે અધિકારીક કરતાં અનેકગણા વધારે છે. સરકારી આંકડા મુજબ દેશમાં ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે અખબારે આ આંકડો 6 થી 42 લાખ વચ્ચેનો હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત, ત્યારે દેશમાં 2.7 કરોડ કેસ હતા ત્યારે અખબારે સાચો આંકડો 40થી 70 કરોડ હોવાનો દાવો કર્યો હતો. જે મામલે પછીથી સરકારે પણ અખબારને આડેહાથ લીધું હતું. 

    આવા અનેક કિસ્સાઓ જોયા બાદ એમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે ન્યૂયોર્ક ટાઈમ્સને એવા જ પત્રકારોની જરૂર પડતી હશે જેઓ ભારતમાં રહીને ભારતવિરોધી અપપ્રચાર ફેલાવવામાં મદદ કરી શકે. આ બાબતનો પુરાવો પણ અખબારે આપી દીધો હતો. જ્યારે ગત વર્ષે જુલાઈ મહિનામાં અખબારે મોદીવિરોધી અને ભારતવિરોધી હોય તેવા પત્રકારો માટે જાહેરાત પ્રકાશિત કરી હતી! જેની પણ ખૂબ ચર્ચા થઇ હતી. 

    અહીં માત્ર અમુક કિસ્સાઓની જ ચર્ચા કરવામાં આવી છે. માત્ર એક અખબાર જ નહીં પરંતુ આવા અનેક વિદેશી મીડિયા સંસ્થાનોનો સહારો લઈને વર્ષોથી ભારતવિરોધી અપપ્રચાર ચાલતો આવ્યો છે અને હજુ પણ ચાલે છે. પરંતુ બીજી તરફ, એવા નેતાઓ પણ છે જેઓ માત્ર રાજકીય લાભ ખાટવા માટે આવાં સંસ્થાનોના ખોળે બેસી જાય છે અને તેમની પાસેથી સ્વીકાર્યતા મેળવવા તલપાપડ રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં