Sunday, April 14, 2024
More
  હોમપેજરાજકારણરાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે જાણો તેમણે કેવી રીતે મુસ્લિમ કટ્ટરપંથીઓ માટે ન્યાયતંત્રને...

  રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે જાણો તેમણે કેવી રીતે મુસ્લિમ કટ્ટરપંથીઓ માટે ન્યાયતંત્રને મજાક બનાવી મૂકી હતી: ‘શાહ બાનો કેસ’ મહિલા સમાનાધિકાર સામે કાળું ટીલું

  આરીફ ખાને એ પણ યાદ કર્યું હતું કે કેવી રીતે રાજીવ ગાંધી સરકારના મંત્રી પીવી નરસિમ્હા રાવે ટિપ્પણી કરી હતી કે મુસ્લિમોનું ઉત્થાન કરવું તે તેમની પાર્ટીની ફરજ નથી અને જો "તેઓ ગટરમાં સૂવા માંગતા હોય, તો તેમને રહેવા દો".

  - Advertisement -

  આજે ગાંધી પરિવારના વધુ એક અને ભારતના છઠ્ઠા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો 78મો જન્મદિવસ છે. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈ (તત્કાલીન બોમ્બે)માં થયો હતો. ભારત તેના આ વડાપ્રધાનને ઘણી રીતે છે, અને યાદ કરવાના કારણોમાંથી એક મુખ્ય કારણ છે ‘શાહ બાનો કેસ’.

  1986 માં, સ્વ. રાજીવ ગાંધીની આગેવાની હેઠળના ભારતીય સરકારે મુસ્લિમ કટ્ટરપંથીઓ માટે ખતરનાક દાખલો બેસાડ્યો હતો. આ મોહમ્મદ. અહમદ ખાન વિ. શાહ બાનો બેગમ અને અન્ય કેસ અને ત્યારબાદ 1986માં રાજીવ ગાંધી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કાયદાને ભારતના રાજકીય ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. તો આવો આજે આપણે જાણીએ આ શાહ બાનો કેસ વિષે.

  શાહ બાનો કેસ : મહિલા સમાનાધિકાર સામે કાળું ટીલું

  ઘટનાક્રમ ત્યારે શરૂ થયો જ્યારે 62 વર્ષીય મુસ્લિમ મહિલા શાહ બાનોએ એપ્રિલ 1978માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના છૂટાછેડા લીધેલા પતિ મોહમ્મદ અહમદ ખાન, જાણીતા વકીલ, પાસેથી ભરણપોષણની માંગણી કરતી કોર્ટમાં અરજી કરી. શાહ બાનોના પતિ ખાને નવેમ્બરમાં પાછળથી ટ્રિપલ તલાક કહીને તેને છૂટાછેડા આપી દીધા હતા અને કહ્યું હતું કે તે તેને કોઈ ભરણપોષણ ચૂકવવા માટે બંધાયેલ નથી કારણ કે ઇસ્લામિક કાયદા હેઠળ તે તેની પત્ની નથી.

  - Advertisement -

  બંનેના લગ્ન 1932માં થયા હતા અને તેમને પાંચ બાળકો હતા – ત્રણ પુત્રો અને બે પુત્રીઓ. શાહ બાનોના પતિએ તેને પોતાની બીજી પત્ની સાથે ત્રણ વર્ષ સુધી એક ઘરમાં રાખ્યા બાદ તેને ઘર છોડી દેવાની ફરજ પાડી હતી.

  શાહ બાનો, જે તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં ગઈ હતી, તેણે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 123 હેઠળ પોતાના અને તેના પાંચ બાળકો માટે ભરણપોષણ માટે દાવો દાખલ કર્યો હતો. ઓગસ્ટ 1979માં, શાહ બાનોએ સ્થાનિક કોર્ટમાં ભરણપોષણનો કેસ જીત્યો હતો, જે મુજબ કોર્ટે ખાનને તેને દર મહિને 25 રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો. જો કે, ખાને એ આધાર પર કેસ લડ્યો હતો કે ભારતમાં મુસ્લિમ પર્સનલ લો મુજબ પતિએ છૂટાછેડા પછી માત્ર ઇદ્દત (તલાકથી 90 દિવસ સુધી જ)ના સમયગાળા માટે ભરણપોષણ આપવું જરૂરી છે.

  વર્ષો પછી, શાહ બાનોએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સુધારેલા ભરણપોષણની માંગ કરતી બીજી અરજી દાખલ કરી હતી. એપ્રિલ 1985માં, એક ઐતિહાસિક ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે શાહ બાનોની તરફેણમાં ચુકાદો આપ્યો અને હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું કે તે તેના પતિ દ્વારા ભરણપોષણ માટે ચૂકવણી મેળવવા માટે હકદાર છે.

  આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ભરણપોષણના અધિકારને સમર્થન આપ્યું હોવાથી, ચુકાદાએ મુસ્લિમ પર્સનલ લૉ સાથે જોડાયેલા કેસોમાં ન્યાયિક ઓવરરીચના દાવા અંગે રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. ઐતિહાસિક ચુકાદો, જેણે નિયમિત અદાલતોમાં લગ્ન અને છૂટાછેડાના મામલામાં સમાન અધિકારો માટે મુસ્લિમ મહિલાઓની લડતનો આધાર બનાવ્યો હતો, તે મુસ્લિમ સમુદાયમાં સારો આવકાર પામ્યો ન હતો.

  તૃષ્ટિકરણ કરતા કરતા મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયે પડ્યા રાજીવ ગાંધી

  આ બાદ મુસ્લિમ કટ્ટરપંથીઓ, મૌલવીઓએ 1984માં ચૂંટાયેલી રાજીવ ગાંધી સરકારને મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર રક્ષણ) 1986 પસાર કરવા દબાણ કર્યું હતું. આ કાયદાએ શાહ બાનો કેસ પર અપાયેલ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. 1986ના મુસ્લિમ મહિલા (છૂટાછેડાના અધિકારો પર રક્ષણ) અધિનિયમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરર્થક કર્યો અને છૂટાછેડા લીધેલી મહિલાને માત્ર ઇદ્દતના સમયગાળા દરમિયાન અથવા છૂટાછેડાના 90 દિવસ સુધી ભરણપોષણની મંજૂરી આપી હતી.

  1986માં મુસ્લિમ મહિલા અધિનિયમ, ધાર્મિક જૂથના અધિકારો સામે મહિલાઓના વ્યક્તિગત અધિકારોને દેખીતી રીતે કિનારે મૂકે છે. વધુમાં આ ધાર્મિક જૂથ તેમની સ્ટ્રીટ વીટો (રોડ પર ઉતરીને પરિસ્થિતિ પર કબજો વૃત્તિ) પાવર સાથે રાજીવ ગાંધીની આગેવાની હેઠળની નબળી, લઘુમતીઓને ખુશ કરતી સરકાર પર કાયદો લાગુ કરવામાં સક્ષમ હતા.

  રાજીવની ભૂલ સુધારી નરેન્દ્ર મોદીએ અપાવ્યો મુસ્લિમ મહિલાઓને ન્યાય

  સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજીવ ગાંધી સરકાર દ્વારા કરવામાં આવેલી આ ઐતિહાસિક ભૂલોને સુધારવામાં 33 વર્ષ લાગ્યાં.

  2019 માં, નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંસદમાં મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 પસાર કર્યો અને ટ્રિપલ તલાકને ગુનાહિત ઠેરવ્યો અને શાહ બાનોની જેમ જ કરોડો તરછોડાયેલ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો હતો.

  કોંગ્રેસ નેતાઓએ કહ્યું ‘મુસ્લિમોને ગટરમાં જ રહેવા દો’ – આરીફ ખાન

  તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી, જેમણે મુસ્લિમ સમુદાયનું તૃષ્ટિકરણ કરવાના પ્રયાસમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની લાઇન મોટી કરી હતી, આશ્ચર્યજનક રીતે તેમને આરીફ મોહમ્મદ ખાનના રૂપમાં તેમની સરકારની અંદરથી પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો.

  રાજીવ ગાંધી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન રહેલા આરિફ મોહમ્મદ ખાને સંસદમાં શાહ બાનો કેસ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉત્સાહપૂર્વક બચાવ કર્યો હતો. જો કે, મુસ્લિમ કટ્ટરપંથીઓએ રાજીવ ગાંધી પર દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે સરકારે શાહ બાનો કેસમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને બાયપાસ કરવા માટે કાયદો લાવવા માટે યુ-ટર્ન લીધો હતો.

  રાજીવ ગાંધીએ SCના નિર્ણયને ઉલટાવી લેવા માટે મૌલવીઓના દબાણમાં આવી જતા, નિરાશ આરીફ મોહમ્મદ ખાને રાજીવ ગાંધી કેબિનેટમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.

  હાલમાં જ કેરળના ગવર્નર તરીકે ફરજ બજાવતા આરીફ મોહમ્મદ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમના પર રાજીનામું પાછું ખેંચવા દબાણ કરવામાં આવ્યું હતું. ચાર વખત ભૂતપૂર્વ સાંસદ ખાને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ અર્જુન સિંહ અને નરસિમ્હા રાવે તેમનું રાજીનામું પાછું ખેંચી લેવા કહ્યું હતું.

  અહેવાલ મુજબ, પીવી નરસિમ્હા રાવે આરિફ મોહમ્મદ ખાનને કહ્યું હતું કે તેઓ નૈતિક રીતે રાજીનામું આપવા માટે એકદમ યોગ્ય છે પરંતુ રાજકીય રીતે જો તેઓ રાજીનામું પાછું નહીં લે તો પાર્ટી અને નેતૃત્વ માટે તે અસુવિધાજનક બનશે. ખાને એ પણ યાદ કર્યું હતું કે કેવી રીતે રાજીવ ગાંધી સરકારના મંત્રી પીવી નરસિમ્હા રાવે ટિપ્પણી કરી હતી કે મુસ્લિમોનું ઉત્થાન કરવું તે તેમની પાર્ટીની ફરજ નથી અને જો “તેઓ ગટરમાં સૂવા માંગતા હોય, તો તેમને રહેવા દો”.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં