Sunday, November 24, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘ઇનામ વિતરણ દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીની સાથે ધાર્મિક ભેદભાવ’: મહેસાણાની શાળાને લઈને મીડિયા-સોશિયલ...

    ‘ઇનામ વિતરણ દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીની સાથે ધાર્મિક ભેદભાવ’: મહેસાણાની શાળાને લઈને મીડિયા-સોશિયલ મીડિયામાં દાવો- જાણો શું છે વાસ્તવિકતા

    દાવો કરવામાં આવ્યો કે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની સરકારી શાળામાં ધસમાં ધોરણમાં પ્રથમ ક્રમાંક લાવેલી એક વિદ્યાર્થીનીને માત્ર એટલા માટે સન્માનિત કરવામાં ન આવી કારણકે તે મુસ્લિમ સમુદાયમાંથી આવે છે.

    - Advertisement -

    થોડા દિવસથી સમાચારો અને સોશિયલ મીડિયા પર એક મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મહેસાણા જિલ્લાના ખેરાલુના લુણવા ગામની સરકારી શાળામાં દસમા ધોરણમાં પ્રથમ ક્રમાંકે આવેલી એક વિદ્યાર્થીનીને માત્ર એટલા માટે સન્માનિત કરવામાં ન આવી કારણ કે તે મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. દાવો તેવો પણ છે કે પ્રથમ ક્રમાંકે પાસ થયેલી મુસ્લિમ વિદ્યાર્થીના હકનું સન્માન બીજા ક્રમાંકે પાસ થયેલ વિદ્યાર્થીને આપવામાં આવ્યું. આ બાબતે વિદ્યાર્થીની અને તેના પિતાએ એકલ-દોકલ મીડિયામાં શાળા વિરુદ્ધ આરોપ લગાવ્યા કે તેમની સાથે ધાર્મિક ભેદભાવ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મીડિયા અને કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોને જાણે દોડવું હતું ને ઢાળ મળી ગયો. પૂરતી જાણકારી વગર જ લોકોએ આખું સોશિયલ મીડિયા માથે લઇ લીધું.

    મીડિયા ચેનલ Zee 24 કલાકે ‘વિદ્યાના ધામમાં નફરત: પ્રથમ આવેલી વિદ્યાર્થીનીને બદલે બીજા નંબરની વિદ્યાર્થીનીનું સન્માન કરી દેવાયું’ હેડલાઈન સાથે આહેવાલ આપતાં લખ્યું કે, શાળામાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન 2022માં દસમા ધોરણમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ નંબરે પાસ થનારનું નામ જાહેર કરવાને બદલે બીજા ક્રમાંકે પાસ થનારનું નામ પ્રથમ તરીકે બોલાયું. આ સમયે પહેલા નંબરે પાસ થયેલી અરનાઝબાનુ (મોટાભાગના રિપોર્ટ્સમાં તેનું નામ અરઝાનાબાનુ કે અર્જનાબાનુ જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું શાળામાં નોંધાયેલું નામ અરનાઝબાનુ હોવાનું આચાર્યે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું.) શાળામાં હાજર હતી. ગામ સમક્ષ પોતાનું સન્માન ન થવાથી તે રડી પડી અને ઘરે જઈને પિતાને સઘળી હકીકત જણાવી હતી.

    મીડિયા સાથે વાતચીત કરતાં વિદ્યાર્થીનીના પિતાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે, “મુસ્લિમ હોવાના કારણે મારી દીકરીનું નામ કાપવામાં આવ્યું છે અને બીજા ક્રમની વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવ્યું છે. અમે લઘુમતી હોવાથી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે.”

    - Advertisement -

    યુટ્યુબ ચેનલે પણ કર્યા આ પ્રકારના જ દાવા

    મેઈનસ્ટ્રીમ મીડિયામાં રિપોર્ટ ફરતા થયા બાદ યુ-ટ્યુબ ચેનલોએ પણ આ દાવો આગળ વધાર્યો. આવી જ એક ‘જમાવટ’ નામની યુટ્યુબ ચેનલ છે. આ ચેનલે પણ મુદ્દાને કવરેજ આપ્યું. વિડીયોના મથાળામાં પણ લખવામાં આવ્યું છે કે, ‘દસમા ધોરણમાં ભણતી છોકરી પહેલો નંબર લાવી, પણ છોકરી Muslim હતી એટલે ઈનામ ન આપ્યું! આ તે કેવી વ્યવસ્થા?’ ચેનલ ચલાવતાં પત્રકાર દેવાંશી જોશીએ વીડિયોમાં વિદ્યાર્થીની સાથે ભેદભાવ થયો હોવાના આ જ દાવાને આગળ વધાર્યો. આ સાથે વીડિયોમાં તેઓ “આપણે શું કામ નફરતનો માહોલ બનાવીએ છીએ અને દેશમાં એક છોકરી સાથે એટલા માટે ભેદભાવ કરવામાં આવે છે કારણ કે તે મુસ્લિમ છે?” કહીને સમાજવ્યવસ્થા પર વિશેષ ટિપ્પણી કરતાં પણ જોવા મળે છે.

    મીડિયા-યુટ્યુબ ચેનલોએ ચલાવેલા સમાચારોના આધારે સોશિયલ મીડિયામાં પણ અનેક દાવા

    આ પ્રકારના સમાચારો અને યુટ્યુબ ચેનલોનો હવાલો આપીને સોશિયલ મીડિયામાં પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે મુસ્લિમ વિદ્યાર્થીનીને તેના ધર્મના આધારે ભેદભાવ કરીને સન્માનિત ન કરવામાં આવી. ફેસબુક અને ટ્વિટર (વર્તમાન સમયનું X) જેવાં પ્લેટફોર્મ્સ પર આ પ્રકારની અનેક પોસ્ટ્સ જોવા મળી. ટ્વિટર પર અમુક વામપંથી, ઇસ્લામી યુઝરોએ આ દાવા કર્યા અને કહ્યું કે, વિદ્યાર્થીનીને માત્ર મુસ્લિમ હોવાના કારણે સન્માન આપવામાં ન આવ્યું. સાથે ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’ના સૂત્રને જોડીને વડાપ્રધાન મોદીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા.

    તો બીજી તરફ ફેસબુક પર પણ અમુક યુઝરોએ ‘જમાવટ’ યુટ્યુબ ચેનલનો વિડીયો શેર કરીને વિદ્યાર્થીની મુસ્લિમ હોવાના કારણે તેની સાથે ભેદભાવ કરીને તેને સન્માનિત ન કરી હોવાના દાવાને હવા આપી હતી.

    ફેસબુક ગ્રુપમાં કરવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ

    શું છે વાસ્તવિકતા?

    આ આખી ઘટના મામલે ઑપઇન્ડિયાએ સિક્કાની બીજી બાજુ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. શાળા સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું કે, “આ આખો મુદ્દો ખોટો દિશામાં લઇ જવામાં આવી રહ્યો છે. આમાં ધાર્મિક ભેદભાવની વાત ક્યાંય આવતી જ નથી. વાસ્તવમાં આ કોઈ અધિકારીક મોટો કાર્યક્રમ હતો જ નહીં, આ કાર્યક્રમ શાળાના શિક્ષકો દ્વારા પોતાની રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ યોજવા પાછળ શિક્ષકોનો હેતુ એ હતો કે શાળાના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને આગામી પરીક્ષામાં તેઓ સારું પ્રદર્શન કરે.”

    શાળાના શિક્ષકોએ પોતાની રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું તો આ વિદ્યાર્થીનીને કેમ સન્માનિત કરવામાં ન આવી?- આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે જ્યારે શાળાનાં સૂત્રોને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, વાસ્તવમાં આ વિદ્યાર્થીની ગયા વર્ષે જ દસમું પાસ કરીને અન્ય કોઈ શાળામાં આગળના અભ્યાસ માટે ગઈ હતી. વિવાદમાં આવેલી શાળામાં આ વર્ષે તેનું એડમિશન જ નથી. જ્યારે કાર્યક્રમમાં માત્ર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    આગળ જાણવા મળ્યું કે, શાળામાં દર વર્ષે ગણતંત્ર દિવસે સન્માન સમારોહ યોજવામાં આવે છે અને આ વખતે યોજાનાર સન્માન સમારોહમાં આ વિદ્યાર્થીનીને પણ સન્માનિત કરવામાં આવનાર છે. વિદ્યાર્થીની અને તેના વાલી દ્વારા શા માટે આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે તે હજુ પણ લોકોની સમજ બહાર છે. સૂત્રોએ તેમ પણ જણાવ્યું કે લુણવા ગામની મોટાભાગની વસ્તી મુસ્લિમ છે અને ગામના અમુક સ્થાનિક મુસ્લિમોનો પણ મત એવો છે કે આ ઘટનામાં ક્યાંય ધાર્મિક ભેદભાવની વાત નથી. એવું પણ જાણવા મળ્યું છે ઘટના મામલે વાસ્તવિકતા સામે લાવવા માટે ગામના અગ્રણી લોકોનું એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં શાળાની મુલાકાત લેશે.

    સમજફેરના કારણે આમ થયું છે: આચાર્ય

    ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન શાળાના આચાર્યે પણ આ વાતની પુષ્ટિ આપી હતી. તેમણે જણાવ્યું કે, જે વિદ્યાર્થીનીની વાત છે તે ચાલુ સત્રમાં શાળામાં ભણતી જ નથી અને કાર્યક્રમ નાના સ્તરે માત્ર શાળાના વિદ્યાર્થીઓ માટે હતો. આ વિદ્યાર્થીનીને 26મી જાન્યુઆરીના દિવસે આયોજિત સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. સમજફેરના કારણે વિદ્યાર્થીનીના વાલીને મનદુઃખ થયું છે.

    વાસ્તવમાં આ કાર્યક્રમ અત્યંત નાના સ્તરે અને શાળા પૂરતો યોજવામાં આવ્યો હતો. જેમાં માત્ર શાળાના વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું હતું. જ્યારે પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ માટે દર વર્ષે 26 જાન્યુઆરીએ અધિકારીક કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં આ વિદ્યાર્થીનીને પણ સન્માનિત કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં