વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે (10 ઓગસ્ટ, 2023) લોકસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા હતા. આ દરમિયાન તેમણે 9 વર્ષોમાં થયેલાં કામોની વાત કરી તો સાથે કોંગ્રેસની સરકારોની નિષ્ફ્ળતાઓ પણ ગણાવી. આ દરમિયાન તેમણે ‘કચ્ચાતીવુ’ દ્વીપનો પણ ઉલ્લેખ કર્યો.
#WATCH | PM Modi says, "Just ask those who have gone out, what is Kachchatheevu? And where is it located? DMK Govt, their CM writes to me – Modi ji bring back Kachchatheevu. It is an island but who gave it to another country. Was it not a part of Maa Bharati? It happened under… https://t.co/lmLsGaDJKK pic.twitter.com/AB4YinbVyl
— ANI (@ANI) August 10, 2023
પીએમ મોદીએ કહ્યું કે, જેઓ મોટી-મોટી વાતો કરે છે તેમને પૂછવા માગું છું કે તેઓ જણાવે કે આ કચ્ચાતીવુ ક્યાં સ્થિત છે? DMK સરકાર, તેમના મુખ્યમંત્રી મને પત્ર લખે છે અને કહે છે, ‘મોદીજી કચ્ચાતીવુ પરત લઇ આવો.’ આ છે શું? કોણે કર્યું? તમિલનાડુથી આગળ, શ્રીલંકા પાસે એક ટાપુ, કોણે બીજા દેશને આપી દીધો હતો? શું એ મા ભારતીનું અંગ ન હતું? કોણ હતું તે સમયે? શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં થયું હતું.” તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસનો ઇતિહાસ મા ભારતીને છિન્ન-ભિન્ન કરવાનો રહ્યો છે.
PM મોદીએ જેનો ઉલ્લેખ કર્યો એ ‘કચ્ચાતીવુ દ્વીપ’ વિશે વધુ જાણીએ.
આ દ્વીપ ભારતના રામેશ્વરમ પાસે બંને દેશોની સરહદ વચ્ચે આવેલો છે. પરંપરાગત રીતે તમિલનાડુ અને શ્રીલંકાના તમિલ માછીમારો તેનો ઉપયોગ કરતા આવ્યા હતા. વર્ષ 1974માં તત્કાલીન ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક સમજૂતીના ભાગરૂપે આ દ્વીપ શ્રીલંકાને આપી દીધો હતો.
1974માં ઇન્દિરા ગાંધીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાયકે સાથે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારથી ટાપુ શ્રીલંકાના કબજે થઇ ગયો હતો. જૂન, 1974માં થયેલ ઈન્ડો-શ્રીલંકન મેરીટાઈમ એગ્રીમેન્ટમાં કચ્ચાતીવુને શ્રીલંકાનો ભાગ સ્વીકારી લેવામાં આવ્યો. કરારમાં શરતો એવી રાખવામાં આવી કે ભારતીય માછીમારો કે ધાર્મિક કારણોસર જતા લોકોએ કચ્ચાતીવુ પર જવા માટે કોઈ વિઝા કે ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં. આ કરાર માટે પહેલી બેઠક 26 જૂન, 1974ના રોજ દિલ્હીમાં અને બીજી બેઠક 28 જૂન, 1978ના રોજ કોલંબોમાં મળી હતી.
કચ્ચાતીવુ દ્વીપ શ્રીલંકાને અપાયાનાં થોડાં વર્ષોમાં જ ભારતમાં આ ટાપુ પરત લેવાની માંગ શરૂ થઇ ગઈ હતી. વર્ષ 1991માં તમિલનાડુ વિધાનસભાએ એક પ્રસ્તાવ પારિત કર્યો અને દ્વીપ પરત લેવાની માગ કરી હતી. જે બાદ વર્ષ 2008માં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો, જ્યારે તમિલનાડુનાં તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં આ મામલાને પડકારી આ દ્વીપને લઈને થયેલ સમજૂતી અમાન્ય ઠેરવવાની અપીલ કરી હતી.
કચ્ચાતીવુ દ્વીપ સમુદ્રકિનારેથી દૂર આવેલ એક નિર્જન ટાપુ છે. 14મી સદીમાં થયેલા એક જ્વાળામુખી વિસ્ફોટ બાદ દ્વીપ બન્યો હોવાનું જાણવા મળે છે. બ્રિટીશ શાસન દરમિયાન આ દ્વીપનો ઉપયોગ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરતા હતા. 1921માં બંને દેશોએ દ્વીપ પર દાવો કર્યા બાદ વિવાદ વણઉકેલ્યો રહ્યો. દરમ્યાન, બંને દેશોના માછીમારો એકબીજાના જળવિસ્તારમાંથી માછલી પકડવાનું કામ કરતા રહ્યા હતા પરંતુ વર્ષ 1974-76માં બંને દેશોએ સમુદ્રી સીમા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ત્યારે બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા નક્કી કરવામાં આવી.
આ સમજૂતી બાદ ભારતીય માછીમારોને માત્ર દ્વીપ પર આરામ કરવા, નેટ સૂકવવા અને વાર્ષિક સેન્ટ એન્થોની ફેસ્ટીવલ માટે જ જવાની પરવાનગી આપવામાં આવતી હતી. તેમને દ્વીપ પર માછલી પકડવાની અનુમતિ ન હતી. જોકે, ત્યારબાદ પણ ભારતીય માછીમારો માછલી પકડવા માટે શ્રીલંકાની સમુદ્રસીમામાં જતા રહેતા હતા.
થોડાં વર્ષો સામાન્ય પરિસ્થિતિ રહ્યા બાદ વર્ષ 2009 માં શ્રીલંકાએ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો કરી દીધો. જેનો ઉદ્દેશ્ય એ હતો કે તમિલ વિદ્રોહી તેમના દેશમાં પરત ન જઈ શકે. 2010માં યુદ્ધ ખતમ થયા બાદ શ્રીલંકન માછીમારો આ ક્ષેત્રમાં ફરી આવવા લાગ્યા અને દ્વીપ પર દાવો ઠોકી દીધો હતો.
આ વર્ષની શરૂઆતમાં જ રામેશ્વરમના માછીમારો પર કચ્ચાતીવુ ટાપુ નજીક શ્રીલંકન નેવી દ્વારા હુમલો થવાની ઘટના બની હતી. માછીમારોએ જણાવ્યું હતું કે તેઓ આ ક્ષેત્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકન નેવીની પેટ્રોલ બોટ દ્વારા તેમની ઉપર જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની એક બોટ નાશ પામી હતી અને માછીમારો સમુદ્રમાં પડી ગયા હતા. જોકે, તેમના સાથી માછીમારોએ તેમને બચાવી લીધા હતા.
આવી અનેક ઘટનાઓ બાદ કચ્ચાતીવુ દ્વીપ ફરીથી મેળવવા માટેની માંગ શરૂ થઇ ગઈ છે. તમિલનાડુ સરકારે કહ્યું કે, કચ્ચાતીવુ દ્વીપ પર ફરીથી ભારતનું સાર્વભૌમત્વ પુનઃસ્થાપિત કરવું એ જ આ કાયમી સમસ્યાનો ઉકેલ હશે. તમિલનાડુના મુખ્યમંત્રીએ 2021માં જૂન મહિનામાં તેમજ એપ્રિલ, 2022માં પીએમ મોદીને મળીને કચ્ચાતીવુ ટાપુ પુનઃ કબજે કરવા સંદર્ભે બે મેમોરેન્ડમ સુપરત કર્યા હતા. જેમાં તમિલનાડુના માછીમારોને થતાં નુકસાન અને સમસ્યાઓની વાત કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1974 અને 1976માં થયેલ સમજૂતી હેઠળ આ દ્વીપ શ્રીલંકાના હિસ્સામાં આવે છે. આ મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. શ્રીલંકાએ ભારતીયોને કોઈ પણ વિઝા વગર ધાર્મિક કારણોસર આ દ્વીપ પર આવવાની મંજૂરી આપી છે.