Friday, April 19, 2024
More
  હોમપેજરાજકારણવિપક્ષો પર પ્રહાર, મણિપુર પર જવાબ, વિકસિત ભારતની વાત, ઉત્તર-પૂર્વનો વિકાસ..: લોકસભામાં...

  વિપક્ષો પર પ્રહાર, મણિપુર પર જવાબ, વિકસિત ભારતની વાત, ઉત્તર-પૂર્વનો વિકાસ..: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતી વખતે શું બોલ્યા PM મોદી?

  વિપક્ષી પાર્ટીઓએ દાખલ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર અઢી દિવસ ચર્ચા ચાલ્યા બાદ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જવાબ આપ્યો હતો.

  - Advertisement -

  લોકસભામાં વિપક્ષી પાર્ટીઓએ રજૂ કરેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર અઢી દિવસ ચર્ચા ચાલ્યા બાદ ગુરૂવારે (10 ઓગસ્ટ, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ રજૂ કર્યો હતો. 2 કલાકનાં પોતાનાં સંબોધનમાં વડાપ્રધાને સરકારે કરેલાં કામો રજૂ કર્યાં, આવનાર સમયનો રોડમેપ રજૂ કર્યો તો સાથે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને પણ આડેહાથ લીધી. 

  PM મોદીએ કહ્યું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવ તેમની સરકારનો ફ્લોર ટેસ્ટ નથી પરંતુ વિપક્ષનો જ ફ્લોર ટેસ્ટ છે. 2018માં પણ તેમણે આવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને પોતાની પાસે હતા એટલા મત પણ મેળવી શક્યા ન હતા. જ્યારે તેઓ જનતા પાસે ગયા ત્યારે પણ જનતાએ તેમને જવાબ આપ્યો અને ચૂંટણીમાં NDA અને ભાજપ બંનેને વધુ બેઠકો મળી. જેથી એક રીતે આ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ NDA સરકાર માટે શુભ હોય છે. 

  વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું કે, તેમના વ્યવહારથી તેમણે સાબિત કર્યું કે તેમના માટે દેશથી મોટી પાર્ટી છે અને એ જ તેમના માટે પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે, વિપક્ષોને ગરીબોની ભૂખની ચિંતા નથી પણ સત્તાની ભૂખ તેમના મગજ પર સવાર થઇ ગઈ છે. તેમને દેશના યુવાનોના ભવિષ્યની નહીં, પોતાના રાજકીય સ્વાર્થની ચિંતા છે. 

  - Advertisement -

  આ કાલખંડ આવનારાં 1000 વર્ષનો પાયો નાખશે 

  વડાપ્રધાને કહ્યું કે, 21મી સદીનો કાલખંડ સદીનો એ સમય છે જે ભારત માટે દરેક સપનું સાકાર કરવાનો અવસર છે. આ સમયનો પ્રભાવ 1 હજાર વર્ષ સુધી રહેશે. 140 કરોડ દેશવાસીઓનો પુરૂષાર્થ, શક્તિ અને સામર્થ્યથી જે પરિણામો આવશે એ આવનારાં હજાર વર્ષનો મજબૂત પાયો નાખશે. તેમણે આગળ ઉમેર્યું કે, આ સમયે આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ- દેશનો વિકાસ અને દેશના લોકોનાં સપનાં પૂરાં કરવાનો સંકલ્પ. ભારતીય સમુદાયની સામૂહિક શક્તિ આપણને એ ઊંચાઈ સુધી પહોંચાડી શકશે. સંકલ્પથી સિદ્ધિમાં માનનારી આપણી યુવા પેઢીનું સામર્થ્ય આ ઊંચાઈ સુધી પહોંચાડશે. 

  વિપક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાનો આત્મવિશ્વાસ તોડવાના પ્રયાસ કર્યા 

  વિપક્ષી પાર્ટીઓને ફટકાર લગાવતાં વડાપ્રધાને કહ્યું કે, એક સમય દેશ આગળ વધી રહ્યો છે ત્યાં વિપક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાનો આત્મવિશ્વાસ તોડવાના નિષ્ફ્ળ પ્રયાસ કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, ગૃહમાં બેઠેલા દરેક વ્યક્તિની જવાબદારી છે કે ભારતના યુવાઓનાં સપનાંને, તેમની મહત્વકાંક્ષાને તેમની આશા-અપેક્ષાઓ અનુસાર જે કરવા માગે છે તેનો અસ્વર આપીએ. અમે સરકારમાં રહેતા આ જવાબદારી નિભાવવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે. યુવાનોને ગોટાળારહિત સરકાર આપી છે. ખુલ્લા આકાશમાં ઉડવાનો અવસર આપ્યો છે અને દુનિયામાં ભારતની બગડેલી શાખને સંભાળી લીધી છે અને નવી ઊંચાઈએ લઇ ગયા છીએ. તેમણે કહ્યું કે, તેમ છતાં અમુક લોકો દુનિયામાં આપણી શાખને ડાઘ લાગે તેવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દુનિયા ભારતને ઓળખી ગઈ છે અને વિશ્વનો ભારત પ્રત્યે વિશ્વાસ નિરંતર વધતો જાય છે. 

  વડાપ્રધાને ફરી એક વખત પોતાની ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી અને કહ્યું કે કોંગ્રેસ જો જવાબદાર વિપક્ષ હોત તો તેમણે તેનો રોડમેપ માગ્યો હોત પરંતુ તેમની તરફથી અનુભવહીન વાતો સાંભળવા મળી રહી છે. કારણ કે તેમની પાસે ન નીતિ છે, ન નિયત છે, ન વિઝન છે, ન વૈશ્વિક અર્થવ્યવસ્થાની કે ભારતની આર્થિક શક્તિની સમજ છે. 

  આતંકવાદ પર લગામ, વિપક્ષ પર પ્રહાર 

  આ સાથે PM મોદીએ પાકિસ્તાન અને આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને તેમના મિત્રોને ભારતના સામર્થ્ય પર ક્યારેય વિશ્વાસ બેઠો નથી. પાકિસ્તાન સરહદ પર હુમલા કરતું અને છાશવારે આતંકવાદીઓ મોકલવામાં આવતા છતાં તેમનો (કોંગ્રેસનો) પાકિસ્તાન પ્રેમ એવો હતો કે તેઓ પાકિસ્તાન હાથ ઊંચા કરી મૂકે ત્યારે તેમની વાત પર વિશ્વાસ કરી લેતા હતા. આતંકની આગમાં દેશ સળગતો હતો અને કોંગ્રેસ કાશ્મીરના નાગરિકો નહીં પરંતુ હુરિયત અને ભાગલાવાદીઓ પર વિશ્વાસ હરતી હતી. પરંતુ તેમની સરકારે આતંકવાદ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનને જવાબ આપ્યો. 

  આ સિવાય વડાપ્રધાને આસપાસના દેશોની આર્થિક હાલત વિશે જણાવીને કહ્યું કે, વિપક્ષોનું ગઠબંધન (તેમણે તેને ઘમંડિયા નામ આપ્યું) આવી આર્થિક નીતિ ધરાવે છે, જેથી દેશવાસીઓએ ચેતી જવાની જરૂર છે. તેઓ એવી અર્થવ્યવસ્થા ઈચ્છે છે જેનાથી દેશ નબળો પડી જાય અને ખજાનાના પૈસા લઈને મત મેળવવાના ખેલ કરી શકાય. તેમણે કહ્યું કે, જનતા આવા લોકોને સુધારી દેશે. 

  મણિપુર પર પણ બોલ્યા PM 

  મણિપુરને લઈને પણ વડાપ્રધાને વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સિવાય તેમણે ઉત્તર-પૂર્વ ભારત માટે કેન્દ્ર સરકારે શું પગલાં લીધાં તેની પણ જાણકારી આપી. પીએમ મોદીએ કહ્યું કે, ગૃહમંત્રીએ મણિપુર પર ચર્ચા કરવા માટે સામેથી આમંત્રણ આપ્યું હતું પરંતુ વિપક્ષોમાં સાહસ ન હતું, ઈરાદા ન હતા અને પેટમાં પાપ હતું. એટલે પેટમાં દુઃખી રહ્યું હતું અને તેઓ માથું ફૂટી રહ્યા હતા. 

  તેમણે કહ્યું કે, ગૃહમંત્રીએ દેશને વિસ્તૃત રીતે મણિપુરની સ્થિતિ વિશે જાણકારી આપી છે અને સરકારની ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાને કહ્યું કે, મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા અપરાધો અક્ષમ્ય છે અને દોષીઓને સજા મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પર્યાયોસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, મણિપુરમાં નજીકના ભવિષ્યમાં શાંતિનો સૂરજ ઉગશે અને ફરી એક વખત રાજ્ય આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. 

  તેમણે કોંગ્રેસના શાસન સમયે મણિપુરની શું સ્થિતિ હતી તેનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો અને ઉમેર્યું કે, વિપક્ષોની પીડા સિલેક્ટિવ છે, સંવેદના સિલેક્ટિવ છે અને રાજકારણથી બહાર માનવતા, દેશ અને દેશની મુશ્કેલીઓ વિશે વિચારી શકે તેમ નથી. તેમને રાજકારણ સિવાય કશું સૂઝતું નથી. આગળ કહ્યું કે, મણિપુરમાં છાશવારે બંધ અને બ્લોકેડ થતા રહેતા, જે હવે ભૂતકાળ બની ગયો છે. સૌને સાથે લઈને વિશ્વાસ જગાવવાના પ્રયાસ થઇ રહ્યા છે અને જે નિરંતર ચાલુ છે. 

  ઉત્તર-પૂર્વનો વિકાસ અમારી પ્રાથમિકતા 

  PM મોદીએ કહ્યું કે, તેમની સરકારે ઉત્તર-પૂર્વના વિકાસને પહેલી પ્રાથમિકતા આપી છે. 9 વર્ષોમાં લાખો-કરોડો રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લગાવવામાં આવ્યા છે. આજે આધુનિક હાઈ-વે, રેલવે, એરપોર્ટ વગેરે ઉત્તર-પૂર્વની ઓળખ બન્યાં છે. પહેલી વખત કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે. પહેલી વખત ગુડ્સ ટ્રેન પહોંચી છે. પહેલી વખત વંદે ભારત જેવી આધુનિક ટ્રેન પહોંચી છે તો અરૂણાચલ પ્રદેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવ્યું છે. 

  તમે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, શરીરનો કણ-કણ ખપાવી દઈશ 

  અંતે PM મોદીએ કહ્યું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ અમારો માત્ર નારો નથી પણ એક કમિટમેન્ટ છે. અમે ક્યારેય જીવનમાં વિચાર્યું ન હતું કે આ જગ્યાએ પહોંચીશું, પરંતુ જનતાની કૃપા છે. તેમણે અવસર આપ્યો છે તો હું વિશ્વાસ પણ આપું છું કે શરીરનો કણ-કણ, સમયની પળ-પળ દેશવાસીઓ માટે ખપાવી દઈશ. 

  PM મોદીએ કહ્યું કે, “વીતેલાં વર્ષોમાં ભારતનો પાયો મજબૂત કરવાનું કામ થયું છે. આજે જે પાયો નાખવામાં આવી રહ્યો છે તેની શક્તિ એ હશે કે 2047માં ભારત ‘વિકસિત ભારત’ હશે. અને એ શક્ય બનશે દેશવાસીઓના પરિશ્રમથી, વિશ્વાસથી, સંકલ્પથી, સામૂહિક શક્તિથી, અખંડ એકતા અને પુરૂષાર્થથી. આગળ કહ્યું કે, મણિપુર કરતાં પણ ગંભીર સમયાઓ આપણે જોઈ ચૂક્યા છીએ અને સાથે મળીને રસ્તો કાઢી ચૂક્યા છીએ. લોકોને વિશ્વાસ અપાવીએ, મણિપુરની ધરતીનો ઉપયોગ રાજનીતિક ખેલ ખેલવા ન કરીએ અને દર્દને સમજીને દવા બનીએ તેવાં કામ કરવાના પ્રયાસો કરીએ.” 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં