ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી ગતિવિધિઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ખુબ જ ટૂંકા ગાળામાં સુરત, પોરબંદર અને અમદાવાદ જેવા મહત્વના શહેરોમાંથી અનેક આતંકવાદીઓ ઝડપાયા છે. તેવામાં હવે ગુજરાત ATSએ રાજકોટથી અલ-કાયદા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ પાસેથી કટ્ટરપંથી સાહિત્ય તેમજ હથિયાર પણ મળી આવ્યા છે. આ ત્રણેય આતંકવાદીઓ રાજકોટમાં અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ ત્રણેયની પુછપરછ ચાલી રહી છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર રાજકોટથી ઝડપાયેલા આતંકવાદીઓમાં અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝનો સમાવેશ થાય છે, જેમાંથી અમન અને અબ્દુલ સાળો-બનેવી છે. આ ત્રણેય મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં રહીને કામ કરતા હતા. એજન્સીને આ આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 જીવતા કારતુસ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી અલ-કાયદાનું કટ્ટરવાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેયને રાજકોટમાં અલ-કાયદાનો પ્રચાર અને પ્રસાર કરવાનું કામ આપવામાં આવ્યું હતું.
गुजरात ATS ने अलक़ायदा के एक और आतंकी नेटवर्क का किया भंडाफोड़.
— Janak Dave (@dave_janak) August 1, 2023
राजकोट से तीन संदिग्ध आतंकियों को पकड़ा गया.
अमन,अब्दुल शुकुर और सैफ़ नवाज़ को राजकोट से पकड़ा.
संदिग्ध आतंकी काफ़ी रेडिकलाईज है
उनके पास से एक हथियार भी बरामद.
રાજકોટ સોની બજારમાં 50,000 થી વધુ બંગાળી કારીગરો
નોંધનીય છે કે રાજકોટ સોની બજારમાં 50 હજારથી પણ વધુની સંખ્યામાં પશ્ચિમ બંગાળના કારીગરો કામ કરે છે. તેવામાં આ ત્રણેય આતંકવાદીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય કટ્ટરપંથી માનસિકતા ધરાવતા મુસ્લિમોને અલ-કાયદામાં જોડવાના મિશન પર હતા. જેને લગતી માહિતી ATSને ત્રણેયની વોટ્સએપ ચેટ અને કોલ પરથી ડિટેઇલ મળી આવી છે.
એજન્સીને પાકા ઈનપુટ મળ્યા બાદ ગઈ કાલે રાત્રે ગુજરાત ATSએ રાજકોટથી અલ-કાયદા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની હથિયાર સાથે ધરપકડ કરી હતી. આ ઓપરેશનમાં ATSની 6 ટીમ કામે લાગી હતી. હાલ આ તમામ આતંકવાદીઓની પૂછપરછ ચાલી રહી છે અને હજુ પણ વધુ ચોંકાવનારા ખુલાસા થઇ શકે તેવી શક્યતાઓ છે.
આ પહેલા સુરત અને અમદાવાદથી પણ અલ-કાયદાના આતંકવાદીઓ ઝડપાયા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતમાં અલ-કાયદા સાથે જોડાયેલો શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરને ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ ઝડપી પાડ્યો હતો. જેના તાર અમદાવાદથી દબોચવામાં આવેલા બાંગ્લાદેશીઓ સાથે જોડાયેલા હતા. આ તમામ અલ-કાયદાના જ, પણ અલગ-અલગ મોડ્યુલ પર કામ કરતા હતા.” જોકે ધરપકડની આ બંન્ને ઘટનાઓમાં તમામ વ્યક્તિઓનો હેન્ડલર એક જ હોવાનો ખુલાસો થયો હતો.
તે પહેલા અમદાવાદના નારોલ અને ચંડોળામાંથી પણ બાંગ્લાદેશી આતંકવાદીઓ ઝડપાયા હતા. આ તમામ લોકો બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા. જ્યાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે યુવાનોની ભરતી કરવી, તેમના બ્રેનવૉશ કરવાં તેમજ ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવું જેવી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમને હથિયારની તાલીમ પણ અપાઈ હતી.