વડોદરામાં ઓળખ છુપાવી હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ખોટા ઓળખપત્રના આધારે હોટલોમાં રોકાવા લઇ જનાર ઈરફાન વિરુદ્ધ વધુ એક પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. શહેરના માણેજા વિસ્તારમાં રહેતી પીડિતા છેલ્લા ઘણા સમયથી ઈરફાનની હરકતોથી ત્રાસેલી હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે. ડરના કારણે આજ દિન સુધી તે સામે નહોતી આવી, ત્યારે ઈરફાન વિરુદ્ધ ગુનો દાખલ થવાની જાણ થતા જ યુવતીએ હિંમત કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર યુવતીએ દાખલ કરાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ઈરફાન છેલ્લા 4 મહિનાથી જાહેરમાં તેની છેડતી કરતો હતો. એકવાર પીડિતા ક્યાંક જઈ રહી હતી, ત્યારે ઈરફાને તેનો હાથ પણ પકડી લીધો હતો. ડઘાઈ ગયેલી પીડિતાએ ડરના માર્યા આ વિશે પોલીસ ફરિયાદ નહોતી કરી. જોકે ખોટા ઓળખપત્રના આધારે હિંદુ યુવતીને હોટલોમાં રોકાવા લઇ જતા ઈરફાન વિરુદ્ધ ગુનો નોંધાયા હોવાની જાણકારી મળતા જ પીડિતામાં હિંમત આવી અને તેણે મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી ઈરફાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
બજરંગ દળે ઉઘાડો પાડ્યો હતો
ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસે તાજેતરમાં જ ઈરફાન દિવાનની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે તે હોટેલમાં હિંદુ ઓળખપત્ર આપીને હિંદુ યુવતી સાથે રોકાતો હતો. ઈરફાનની કરતૂતો બહાર લાવવામાં વડોદરા શહેરના બજરંગ દળે મહત્વની ભૂમિકા ભજવી હતી. બજરંગ દળ કાર્યકર્તાઓએ જ ઈરફાનને ખોટા ઓળખપત્ર સાથે ઝડપ્યો હતો.
આ મામલે મકરપુરા પોલીસે જણાવ્યું હતું કે “સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તરસાલી બ્રિજ પાસેની એક હોટેલમાં એક મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી ખોટું આધારકાર્ડ રજૂ કરીને રોકાયાં છે. જે પોલીસના ધ્યાને આવતાં અધિકારીઓ ગેસ્ટહાઉસ પર પહોંચ્યા હતા અને વિડીયો બાબતે પૂછપરછ કરી હતી.”
વડોદરા પોલીસની પૂછપરછ અને હોટેલના રજિસ્ટરની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, હિંદુ યુવતીને લઈને આવેલા ઈરફાન દીવાન નામના યુવકે હોટેલમાં નોંધણી હિતેન ઠાકોરના નામથી કરાવી હતી અને અને આધારકાર્ડ પણ એ જ નામનું આપ્યું હતું. આધારકાર્ડમાં હિતેન નામ અને વ્યક્તિ વાસ્તવમાં ઈરફાન દીવાન હોવાથી કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર હોટેલમાં પ્રવેશ આપતાં પોલીસે હોટેલ મેનેજર, ઈરફાન દીવાન અને આધારકાર્ડ વાપરવા આપનાર ઇરફાનના મિત્ર હિતેન ઠાકોર સામે જાહેરનામા ભંગ બદલનો ગુનો દાખલ કરાયા બાદ આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે વધુ એક પીડિતાએ ઈરફાન સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ એક ગુનો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.