રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ પર જાતીય સતામણીના આરોપ મૂકનારા કુસ્તીબાજોનું પ્રદર્શન હાલ ચર્ચામાં છે. આ કુસ્તીબાજોના સમર્થનમાં 1983 ક્રિકેટ વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમ પણ મેદાનમાં ઉતરી છે. ખેલાડીઓએ સંયુક્ત નિવેદન જારી કરીને આ મામલાનો જલ્દી ઉકેલ આવે એવી આશા વ્યક્ત કરી છે.
કુસ્તીબાજોના સમર્થનમાં 1983 ક્રિકેટ વિશ્વકપ વિજેતા ટીમે સંયુક્ત નિવેદનમાં એવું જણાવ્યું હતું કે, “ચેમ્પિયન પહેલવાનો સાથે થઈ રહેલા ગેરવર્તનના દ્રશ્યો જોઈને અમે વ્યથિત છીએ. અમે એટલા માટે પણ ચિંતિત છીએ કારણકે તેઓ મહેનતથી મેળવેલા મેડલને ગંગા નદીમાં પધરાવી દેવાનું વિચારી રહ્યા છે. આ મેડલ્સ પાછળ વર્ષોની મહેનત, ત્યાગ, દ્રઢ નિશ્ચય અને હિંમત છે. આ મેડલ્સ માત્ર તેમના માટે નહીં, પણ આખા દેશનું ગૌરવ છે. અમે પહેલવાનોને વિનંતી કરીએ છીએ કે તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે. અમે આશા રાખીએ છીએ કે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને મામલાનો જલ્દી ઉકેલ આવશે.”
1983 Cricket World Cup winning team issues statement on wrestlers' protest – "We are distressed and disturbed at the unseemly visuals of our champion wrestlers being manhandled. We are also most concerned that they are thinking of dumping their hard-earned medals into river… pic.twitter.com/9FxeQOKNGj
— ANI (@ANI) June 2, 2023
ઉલ્લેખનીય છે કે, 83ની વિજેતા ટીમમાં BCCI પ્રમુખ રોજર બિન્ની, સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, કે શ્રીકાંત, મદન લાલ, સૈયદ કિરમાણી, યશપાલ શર્મા, મદન લાલ, બલવિંદર સિંહ સંધુ, સંદીપ પાટીલ અને કીર્તિ આઝાદનો સમાવેશ થાય છે. બીજી તરફ અનિલ કુંબલે, રોબીન ઉથપ્પા, ઈરફાન પઠાણ જેવા પૂર્વ ક્રિકેટરો પણ કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા છે. તો જેવલિન થ્રોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા, ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવનારા શૂટર અભિનવ બિંદ્રાએ પણ કુસ્તીબાજોનું સમર્થન કર્યું છે.
દિલ્હીના જંતર મંતર ખાતે પહેલવાનોએ કાયદો અને વ્યવસ્થાનો કર્યો હતો ભંગ
ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. 28 મે, 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થવાનું હતું ત્યારે પહેલવાનોએ ‘મહાપંચાયત’ માટે બેરિકેડ તોડીને ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલવાનોએ બેરિકેડ તોડીને કાયદો અને વ્યવસ્થાનો ભંગ કર્યો હતો જેથી પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને તેમની અટકાયત કરી હતી.
કુસ્તીબાજોએ મેડલ ગંગા નદીમાં પધરાવી દેવાનો પ્રયાસ કર્યો
દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન પર રોક લગાવ્યા બાદ કુસ્તીબાજો મંગળવારે (30 મે, 2023) હરિદ્વાર પહોંચ્યા હતા અને મેડલ ગંગા નદીમાં વહાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, BKU નેતા નરેશ ટિકૈત આગળ આવ્યા બાદ કુસ્તીબાજોએ મેડલને પધરાવી દેવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.