Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકુસ્તીબાજોએ ગંગામાં પદકો પધરાવવાનું માંડી વાળ્યું: ખેડૂત નેતાઓએ સમજાવ્યા બાદ લીધો નિર્ણય,...

    કુસ્તીબાજોએ ગંગામાં પદકો પધરાવવાનું માંડી વાળ્યું: ખેડૂત નેતાઓએ સમજાવ્યા બાદ લીધો નિર્ણય, શ્રી ગંગા સભાએ પણ વિરોધ કરતા કહ્યું- ‘ગંગા પવિત્ર ક્ષેત્ર, અહીં રાજનીતિનો અખાડો ન બનાવો’

    5 દિવસનો સમય માંગીને ટિકૈત દ્વારા સમજાવવામાં આવ્યા બાદ હવે કુસ્તીબાજોએ ગંગામાં પદકો પધરાવવાનું માંડી વાળ્યું હતું.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી WFI અધ્યક્ષ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો તેમના પદકો ગંગામાં વહાવી દેવાની ચીમકી ઉચ્ચારીને હરિદ્વાર પહોંચ્યા હતા. આ ઘટના ક્રમમાં હવે નવો વળાંક આવ્યો છે, તથાકથિત ખેડૂત નેતાઓ દ્વારા સમજાવવામાં આવ્યા બાદ હવે કુસ્તીબાજોએ ગંગામાં પદકો પધરાવવાનું માંડી વાળ્યું છે. આ સાથે જ કુસ્તીબાજોએ તેમના પદકો નરેશ ટિકૈતને સોંપી દીધા છે.

    મળતી માહિતી અનુસાર દિલ્હી પોલીસે જંતરમંતર પરથી પ્રદર્શનકારીઓને ખદેડી દીધા બાદ કુસ્તીબાજોએ મંગળવારે પોતાના મેડલ્સને પવિત્ર ગંગા નદીમાં વહાવડાવી દેવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ઇન્ડીયા ગેટ પર જઈને અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે ઘટનામાં નાટ્યાત્મક વળાંક સાથે નરેશ ટિકૈતે રેસલરોને પદકો પધરાવતા અટકાવ્યા હતા. 5 દિવસનો સમય માંગીને ટિકૈત દ્વારા સમજાવવામાં આવ્યા બાદ હવે કુસ્તીબાજોએ ગંગામાં પદકો પધરાવવાનું માંડી વાળ્યું હતું.

    તો બીજી તરફ કુસ્તીબાજોના મેડલ ગંગામાં વહાવડાવવાના નિર્ણય બાદ હરિદ્વારની શ્રી ગંગા સભાએ પણ કુશ્તીબાજોનો વિરોધ કર્યો હતો. અહેવાલો મુજબ આ મામલે સભાના અધ્યક્ષ નિતિન ગૌતમે કહ્યુ હતુ કે, “ગંગા એક પવિત્ર ક્ષેત્ર છે, તેને રાજનીતિનો અખાડો ન બનાવવો જોઈએ. મેડલ એ કોઈ રમત-ગમતની અસ્થિઓ નથી કે તેને ગંગામાં વિસર્જિત કરવામાં આવે. રમત અજર-અમર છે, તમે ગંગાની પૂજા કરો તમારું સ્વાગત છે, પરંતુ પદકો ગંગામાં પ્રવાહિત કરવા આવશો તો અમે રોકીશું.” આ સાથે નીતિન ગૌતમે તેમ પણ કહ્યું હતું કે ભગવાન તમામ પ્રદર્શનકારી કુસ્તીબાજોને સદબુદ્ધિ આપે.

    - Advertisement -

    નોંધનીય છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું હતું, “અમે આજે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં ગંગા નદીમાં પદકો ફેંકી દઈશું. આ મેડલ અમારું જીવન છે, અમારો આત્મા છે. આજે તેમને ગંગામાં ફેંકી દીધા પછી જીવવાનું કોઈ કારણ નથી. તેથી, અમે તે પછી ઇન્ડિયા ગેટ પર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેસીશું.”

    દિલ્હી પોલીસ દ્વારા કુસ્તીબાજોની અટકાયત

    રવિવારની રાત્રે પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા પછી, કુસ્તીબાજોએ તેમની આગળની ચાલની યોજના બનાવી હતી, તેમ છતાં તેઓને રમતગમતના સમુદાયમાંથી ટેકો મળવાનું ચાલુ રાખ્યું હતું કારણ કે ઘણા રાજકીય નેતાઓ અને રમતગમતની હસ્તીઓ દ્વારા ટોચના ગ્રૅપલર્સ સામેની પોલીસ કાર્યવાહીની સ્પષ્ટપણે નિંદા કરવામાં આવી હતી.

    વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સંગીતા ફોગટ, સાક્ષી મલિક અને અન્ય કેટલાક લોકોને રવિવારે દિલ્હી પોલીસે ત્યારે અટકાયતમાં લીધા હતા જ્યારે તેઓએ મહિલા ‘મહાપંચાયત’ માટે નવા સંસદ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર પોલીસની ચેતવણીની અવગણના કરવાનો આરોપ હતો કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન ખલેલ પહોંચાડવી દેશની પ્રતિષ્ઠા માટે હાનિકારક છે અને તે સ્વીકાર્ય નથી. પરિણામે, તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં