પાકિસ્તાન પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ થઈ છે ત્યારથી તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એક બાજુ દેશમાં આંતરિક વિવાદ સળગ્યો છે તો બીજી તરફ ઇમરાન ખાન પર જુદા-જુદા આરોપો મૂકવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિરે ઇમરાન ખાનને નશેડી કહ્યા છે અને પોતાના આરોપોના સમર્થનમાં મેડિકલ રિપોર્ટ્સનો પણ દાવો કર્યો છે. તેમણે ઇમરાન ખાનના પગમાં આવેલા પ્લાસ્ટરને ‘નાટક’ ગણાવીને એવો દાવો કર્યો હતો કે પૂર્વ પીએમની માનસિક હાલત સારી નથી.
શુક્રવારે (26 મે, 2023) કરાચીમાં મીડિયા સાથે વાત કરતાં અબ્દુલ કાદિરે ઇમરાન ખાન વિશે ચોંકાવનારા દાવા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઇમરાનની ધરપકડ બાદ તેમના પર સિનિયર ડોક્ટરોની દેખરેખ ચાલુ હતી અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ મેડિકલ રિપોર્ટને નિષ્પક્ષ ગણાવીને કાદિરે કહ્યું હતું કે, “ઇમરાન ખાન કોઈ જાતના ફ્રેક્ચર વગર છેલ્લા 5-6 મહિનાથી એમ જ પ્લાસ્ટર બાંધીને ફરી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2022માં ઇમરાન ખાન પર થયેલા જીવલેણ હુમલામાં તેમને પગમાં ગોળી વાગી હતી અને તેમણે ફ્રેક્ચર હોવાનો દાવો કર્યો હતો. જોકે, અબ્દુલ કાદિરનું કહેવું છે કે, મેડિકલ રિપોર્ટમાં આ ફ્રેક્ચરનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે, “દુનિયામાં કયું એવું પ્લાસ્ટર છે કે છ મહિના સુધી પગ પર રહે? જે ડોક્ટરોએ ખાનને છ મહિના માટે પ્લાસ્ટરનો પાટો બાંધવાની સલાહ આપી છે તેમને પણ બોલાવવામાં આવશે.”
છતનું પ્લાસ્ટર નીકળી ગયું, પણ ઇમરાનના પગનું પ્લાસ્ટર એમ જ છે!
ઇમરાન ખાનના પ્લાસ્ટર પર કટાક્ષ કરતાં અબ્દુલ કાદિરે કહ્યું કે છતનું પ્લાસ્ટર ઉતરી ગયું છે, પણ તેમના પગનું પ્લાસ્ટર એમ જ છે. અબ્દુલ કાદિરે ઇમરાન ખાનના યુરિન ટેસ્ટનો ઉલ્લેખ કરીને એવું કહ્યું હતું કે, જ્યાં સુધી પૂરી રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી તેઓ આના પર કોઈ ટિપ્પણી નહીં કરે. પરંતુ, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે ઇમરાન ખાન દારૂ અને કોકેનના આદિ છે.
#BREAKING: New drama begins in Pakistan. Pakistan's Health Minister Abdul Qadir Patel in a press conference reveals Imran Khan’s medical report indicating traces of cocaine and alcohol in his urine sample. Medical report says he has no fracture in leg as was claimed by him after… pic.twitter.com/v6RwArzHeE
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 26, 2023
‘ઇમરાન ખાન માનસિક અસ્થિર, તેમને તો મ્યુઝિયમમાં રાખવા જોઈએ’
પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ એવું પણ કહ્યું હતું કે, ઇમરાન ખાન છેલ્લા ઘણાં સમયથી માનસિક રીતે અસ્થિર છે. 5 સિનિયર ડોક્ટરોની રિપોર્ટનો હવાલો આપીને તેમણે કટાક્ષ કર્યો કે, જુઓ આ તમારો ‘વઝીર-એ-આઝમ’ હતો. અબ્દુલ કાદિરે કહ્યું હતું કે, તેમણે ઇમરાનની માનસિક સ્થિતિ અંગેનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો. તેમણે પાકના પૂર્વ પીએમની મજાક ઉડાડતા કહ્યું કે, ઇમરાન એક દુર્લભ ચીજ છે, તેમને તો મ્યુઝિયમમાં રાખવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાનની ધરપકડ થયા બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસાને લઈને પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આ ઇમરાન ખાન દ્વારા પૂર્વ નિર્ધારિત હતું. તેમણે ઇમરાન ખાનની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોર્ટે એવો ન્યાય કર્યો છે કે ઇમરાન ખાનના અગાઉના ગુના અને ભવિષ્યમાં જે ગુના કરશે એ બધા માફ કરવામાં આવ્યા છે.