Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇમરાન ખાનની રેલીમાં ચાલી અંધાધૂંધ ગોળીઓ, ઈજાગ્રસ્ત થયા પૂર્વ પાક. પીએમ: હુમલાખોર...

    ઇમરાન ખાનની રેલીમાં ચાલી અંધાધૂંધ ગોળીઓ, ઈજાગ્રસ્ત થયા પૂર્વ પાક. પીએમ: હુમલાખોર પકડાયો, અનેક ઘાયલ

    ગોળીઓથી ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે.

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો છે. જેમાં ઇમરાન ખાન પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે. તેમના સિવાય અન્ય 9 લોકો પણ ઇજા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે, તો એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાનું પણ અહેવાલોમાં કહેવાય છે. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ઇમરાન ખાનની વઝીરાબાદની રેલીમાં એક ઈસમ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આ હુમલા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. 

    બીજી તરફ, ગોળીઓથી ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમને પગમાં ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ ઇમરાનનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, “અલ્લાહે મને નવું જીવન બક્ષ્યું છે, હું ફરીથી પૂરેપૂરી તાકાત સાથે લડીશ.”

    - Advertisement -

    આ હુમલામાં ઇમરાન ખાનના નજીકના ગણાતા સિનેટર ફૈઝલ જાવેદ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત, પાકિસ્તાનના પૂર્વ રેલ મંત્રી શેખ રશીદને પણ ઇજા પહોંચી હોવાનું જણાયું છે. 

    સોશિયલ મીડિયા પર ઘટનાના અને ત્યારબાદના વિડીયો પણ જોવા મળ્યા છે. જેમાં ‘અલ્લાહુ-અલ્લાહુ’ વાગતું સંભળાય છે, ત્યારબાદ અચાનક ગોળીબાર સાંભળવા મળે છે. બીજા એક વિડીયોમાં પોલીસ હુમલાખોરને પકડીને લઇ જતી જોવા મળે છે. 

    આ ઘટનાને લઈને ભારતે પણ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, ‘આ ઘટના હાલમાં જ બની છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને આગળ પણ નજર બનાવી રાખીશું.’

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઇમરાન ખાને પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢવાનું એલાન કર્યું હતું. ઇમરાન ખાન પર પાકિસ્તાનના વડાપ્રધાન રહેતાં મોંઘી ભેટ-સોગાદો સરકારી ખજાનામાંથી લઈને ઊંચા ભાવે વેચી મારવાનો આરોપ લાગ્યા બાદ તેમને પાકિસ્તાની ચૂંટણી પંચે ગેરલાયક ઠેરવ્યા હતા. ત્યારબાદ તેમણે લાહોરથી ઇસ્લામાબાદ સુધી રેલી કાઢવાનું એલાન કર્યું હતું. ઇમરાન ખાને આ રેલીને ‘હકીકી આઝાદી માર્ચ’ નામ આપ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં