ઓસ્ટ્રેલીયાના સિડનીના BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થકોનો હુમલો થયો છે. પશ્ચિમી સિડનીના રોજહીલ ઉપનગરમાં આવેલા આ મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કરીને તોડફોડ કરી હતી. આટલું જ નહીં, મંદિરની દીવાલો પર ‘મોદીને આતંકવાદી ઘોષિત કરો’ જેવાં સૂત્રો પણ લખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ઉપદ્રવીઓએ મંદિરના મુખ્ય ગેટ પર ખાલિસ્તાની ઝંડો પણ લટકાવી દીધો હતો.
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે વહેલી સવારે સિડનીના સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યારે સેજલ પટેલ નામના એક નિયમિત દર્શનાર્થી વહેલી સવારે મંદિરે પહોંચ્યા, ત્યારે તેમણે મંદિરની દીવાલ પર આ વાંધાજનક સૂત્રો લખાયેલા જોયાં હતાં. જે બાદ મંદિર પ્રશાસનને જાણ કરવામાં આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ NSW પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
The BAPS Swaminarayan temple of Western Sydney’s Rosehill suburb has been vandalised by Khalistan supporters. In the early hours of Friday morning, temple management found the front wall of the temple vandalised with graffiti & a Khalistan flag hanging on the gate, reports…
— ANI (@ANI) May 5, 2023
આ પહેલા પણ હિંદુ મંદિરો પર થઈ ચૂક્યા છે હુમલા
આ વર્ષે 4 માર્ચે બ્રિસબેનના લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાનીઓએ તોડફોડ કરી હતી, ઉપરાંત 17 ફેબ્રુઆરી 2023ના રોજ બ્રિસ્બેનના ગાયત્રી માતાના મંદિરના પૂજારીને મહાશિવરાત્રીની ઉજવણી ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. ચેતવણી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ખાલિસ્તાની તરીકે આપી હતી અને કહ્યું હતું કે તે પાકિસ્તાનના લાહોરથી ફોન કરી રહ્યો છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી 2023ના રોજ મેલબોર્નના કાલી માતા મંદિરમાં ભજન કાર્યક્રમ યોજવા સામે ચેતવણી આપવામાં આવી હતી.
જાન્યુઆરી 2023માં 20 દિવસમાં ખાલિસ્તાનીઓએ ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ કરી હતી અને રાષ્ટ્રવિરોધી અને ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર લખ્યા હતા. ખાલિસ્તાનીઓએ 12 જાન્યુઆરીએ હિંદુ મંદિર પર પહેલો હુમલો કર્યો હતો. આ હુમલો મેલબોર્નના સ્વામિનારાયણ મંદિરમાં થયો હતો. મંદિરમાં તોડફોડ કર્યા બાદ ખાલિસ્તાનીઓએ મંદિરની દીવાલ પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’, ‘મોદી હિટલર હૈ’ અને ‘ભિંડરાનવાલે ઝિંદાબાદ’ લખ્યું હતું.
આ પછી, 16 જાન્યુઆરી 2023 ના રોજ, ખાલિસ્તાનીઓએ મેલબોર્નના કેરમ ડાઉન્સમાં સ્થિત ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિર પર હુમલો કર્યો હતો. તોડફોડ બાદ મંદિરની દિવાલો પર ‘ટાર્ગેટ મોદી’, ‘મોદી હિટલર’ અને ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ના નારા લખવામાં આવ્યા હતા.
ત્રીજો હુમલો 22 જાન્યુઆરી 2023 ના રોજ મેલબોર્નના આલ્બર્ટ પાર્ક વિસ્તારમાં સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરમાં થયો હતો. આ મંદિરને ઇસ્કોન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. હુમલા બાદ મંદિરની દિવાલો પર ‘ખાલિસ્તાન જિંદાબાદ’, ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ના નારા લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાલિસ્તાની આતંકી ભિંડરાનવાલેને શહીદ ગણાવતા સૂત્રો પણ લખવામાં આવ્યા હતા.
પીએમ મોદી 24 મેના રોજ સિડનીની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 મેના રોજ QUAD શિખર સંમેલન માટે સિડનીના પ્રવાસ પર જવાના છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આલ્બનીઝ એન્થનીએ તાજેતરમાં જ ભારતની મુલાકાત લીધી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ હિંદુ મંદિરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેની ઉપર પીએમ આલ્બનીઝે કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.