વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથે ફોન પર કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી અને સુનકે દ્વિપક્ષીય મુદ્દા, વ્યાપાર અને આર્થિક ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ બ્રિટનમાં ભારતીય રાજદ્વારી સંસ્થાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે PM સુનકને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. તો આર્થિક ભાગેડુઓના પ્રત્યાર્પણ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
બ્રિટને આપી સુરક્ષાની ખાતરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી હતી. આ મુદ્દે વડાપ્રધાન સુનકે કહ્યું કે, બ્રિટન ભારતીય હાઈ કમિશન પરના હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય માને છે અને ભારતીય મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપે છે.
ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પર વાટાઘાટો કરી
પાછલા દિવસોમાં લંડનની એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બ્રિટન ભારતીય હાઈ કમિશન પર હુમલો કરનારા ખાલિસ્તાની સમર્થકો સામે પગલાં લેવા નથી ઈચ્છતું. અને એટલે જ ભારતે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટોને અટકાવી દીધી છે. જોકે, ભારતે આ અહેવાલને પાયાવિહોણો ગણાવ્યો હતો અને ગુરુવારે પીએમ મોદી અને સુનકે બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વ્યાપારને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આર્થિક ભાગેડુઓના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવાની માંગ કરી
પીએમ મોદીએ યુકેમાં આશ્રય લઈ રહેલા આર્થિક ગુનેગારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આ ભાગેડુઓના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવાની માગ કરી હતી જેથી આરોપીઓ ભારતીય ન્યાય વ્યવસ્થા સમક્ષ રજૂ થઈ શકે.
બંને નેતાઓએ સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરી ચર્ચા
બંને નેતાઓએ ભારત-યુકે રોડમેપ 2030ના ભાગરૂપે સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને વેપાર અને આર્થિક ક્ષેત્રના સહયોગથી સંબંધિત મુદ્દાઓ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ સપ્ટેમ્બર 2023માં યોજાનારી G20 સમિટ માટે પીએમ સુનકને આમંત્રિત કર્યા હતા. પીએમ સુનકે G20માં ભારતની અધ્યક્ષતામાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી તેમજ G20 કોન્ફરન્સ માટે બ્રિટનના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
પીએમ મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ અને ભારતીય સમુદાયને બૈસાખીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓ ગત નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના બાલીમાં G20 બેઠકમાં મળ્યા હતા.
ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની સમર્થકોએ કર્યો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ખાલિસ્તાની અમૃત પાલ સિઘ વિરુદ્ધ કાર્યવાહી થતાં તેના પડઘા બ્રિટનમાં પડ્યા હતા. ગત મહિને કેટલાક કટ્ટરપંથી ખાલિસ્તાન સમર્થકોએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન પર હુમલો કરીને ત્રિરંગાને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ ભારત સરકારે દિલ્હીમાં સ્થિત બ્રિટનના રાજદ્વારીઓને બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બારી તોડવા મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય ઉચ્ચાયુક્તના અધિકારીઓએ કહ્યું કે અમે કટ્ટરપંથીઓના હુમલાને નિષ્ફળ કરી નાખ્યો છે.