તમિલનાડુમાં કોંગ્રેસના એક નેતાએ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સજા સંભળાવનારા સુરત મેજિસ્ટ્રેટ કોર્ટના જજને ધમકી આપી દીધી છે. કોંગ્રેસ નેતાએ ધમકી આપતાં કહ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવી તો રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવનારા જજની જીભ કાપી નાખવામાં આવશે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની સામે આ મામલે કેસ દાખલ થયો છે.
‘જજની જીભ કાપી નાખીશું’
કોંગ્રેસની એસસી/એસટી વિંગ તમિલનાડુના ડિંડીગુલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાંસદપદેથી ગેરલાયક ઠરાવવાના નિર્ણયનો વિરોધ કરી રહી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પાર્ટીના જિલ્લા પ્રમુખ મણિકંદને રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં 2 વર્ષની સજા સંભળાવનારા સુરતના મેજિસ્ટ્રેટ એચ. એચ વર્માને ખુલ્લી ધમકી આપી હતી.
#WATCH | Tamil Nadu: “When we will come to power, we will chop off the tongue of the judge who delivered the verdict to send our leader Rahul Gandhi to jail,” said Manikandan, Congress Dindigul district president during a protest organised by the party on April 6, 2023 pic.twitter.com/a2cO2jt4fm
— ANI (@ANI) April 8, 2023
સુરત કોર્ટના જજને ધમકી આપતા મણિકંદને કહ્યું કે, “સાંભળો જસ્ટિસ એચ. વર્મા, કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી જીભ કાપી નાખીશું. તેઓ કોની સામે કાર્યવાહી કરશે? આપણને આઝાદી કોણે અપાવી? મારા નેતા રાહુલ ગાંધીના પરિવાર અને કોંગ્રેસની ચળવળે. તમે આજે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છો તેનું કારણ કોંગ્રેસ છે.”
કોંગ્રેસ નેતા સામે થયો કેસ
એટલું જ નહીં, મણિકંદને જજ વિશે એવું પણ કહ્યું કે, “તેમણે આવો વારસો ધરાવતા નેતા સામે ચુકાદો આપ્યો છે. મને આશ્ચર્ય થાય છે કે તેઓ કોના સ્લીપર સેલ છે.” ભાષણ દરમિયાન મણિકંદને ભાજપને જડમૂળથી ઉખાડવાની વાત કરી હતી.
આ વિવાદાસ્પદ ભાષણ બાદ કોંગ્રેસ નેતા મણિકંદન સામે IPCની કલમ 153B સહિત ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ ડિંડીગુલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મોદી સરનેમ વિશેની ટિપ્પણી મામલે રાહુલ દોષિત જાહેર થયા
રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ, 2019ના રોજ લોકસભા ચૂંટણી દરમિયાન એક રેલીમાં એવું નિવેદન આપ્યું હતું કે, ‘બધા ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે’. ત્યારબાદ બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.
ગત 23 માર્ચે સુરત સ્થિત જસ્ટિસ એચ વર્માની સીજેએમ કોર્ટે મોદી સમાજ અંગેની ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. આ નિર્ણય બાદ બીજા દિવસે રાહુલ ગાંધીને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા અને તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવતાં વિપક્ષ રઘવાયું થયું છે અને કોંગ્રેસ નેતાની સજા અને સંસદની અયોગ્યતાના નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે.